অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેથીના દાણા, બ્લડ સુગર અને સાંધાને રાખે શાણા

મેથીના દાણા, બ્લડ સુગર અને સાંધાને રાખે શાણા

તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર મેથી ટેસ્ટેસ્ટેરોન લેવલ વધારે છે તથા લોહી પાતળું કરે છે મોબાઈલ ફોનના આજના જમાનામાં લેન્ડલાઈન ફોન રણક્યો. મેં ફોન ઉપાડ્યો.  હું બારોટકાકા બોલું છું. કેમ છે તું મારી સ્મૃતિમાં મારું બાળપણ આવી ગયું. મુકેશનાં ગીતો ગાતા બારોટકાકા, મારા પપ્પાના મિત્ર. બારોટકાકા વધારે સમય અમેરિકા એમની દીકરી સાથે રહેતા. એમણે કહ્યું કે હું હમણાં અહીંયા અમદાવાદ જ છું પણ અમેરિકાથી મારી દીકરીનો ફોન આવવાનો છે, એટલે તને સવાર-સવારમાં ડિસ્ટર્બ કરી. તારી મેથીના કુરિયાવાળી રેસિપીમાં એક વસ્તુ હું ભૂલી ગયો છું. મારો હાથ ઊંચો નહોતો થતો - ફ્રોઝન શોલ્ડર માટે તે આ પ્રયોગ બતાવેલો. જેનાથી મને એકદમ સારું થઈ ગયું અને એ પછી તો અમેરિકામાં પણ મારા ચાર-પાંચ મિત્રોને સાંધાના દુ:ખાવા માટે આ પ્રયોગ કહેલોને બધાને મટી ગયું છે.

મેથીની-રેસિપી:

  • અત્યાર સુધી મેથીના જાતજાતના પ્રયોગ અને ઉપચારો આપ વાંચી ચૂક્યા હશો અને કરી ચૂક્યા પણ હશો. પરંતુ આ ઓછો પ્રચલિત અને અકસીર પ્રયોગ બધા સાંધાના દુ:ખાવા અને એમાં ખાસ કરીને આમજન્ય દુ:ખાવો હોય એમાં અકસીર સાબિત થયો છે.
  • રીત : ૧૦૦ ગ્રામ મેથીના કુરિયા અથવા મેથી ખાંડીને પાવડર બનાવવો. એને મુઠ્ઠીભર (આશરે દોઢથી બે ચમચી) દીવેલનું મોણ આપીને બે કલાક મૂકી રાખવું. પછી તેને લોઢી -તવી પર ધીમા તાપે શેકવું. બદામી રંગનું થવા દેવું. ઠંડુ થવા આવે ત્યારે એમાં એક ચમચી હળદર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી અજમાનો પાવડર ઉમેરીને હલાવીને ભરી લેવું. એમાંથી સવારે અને સાંજે અડધી-અડધી ચમચી પાવડર, નવશેકા ગરમ પાણી સાથે ફાકી જવો.
  • મેથી દાણામાં ફાઈબર ૨૫ ગ્રામ છે, કેલ્શિયમ 17 % છે, આયર્ન 18.6% કોલેસ્ટ્રોલ બિલકુલ નથી. સોડિયમ પોટેશિયમ થોડી માત્રામાં છે.
  • અત્યારે આ શિયાળામાં ભારતભરમાં મેથીની ભાજી પણ ખૂબ ખવાય છે. મેથીની ભાજીનું શાક, મેથીના ગોટા, મેથીનાં થેપલા, મેથીની ભાજીના મુઠિયા, મેથીની ભાજીના પુડા વગેરે વગેરે વ્યંજનો દરેકના ઘરમાં અવાર-નવાર બનતાં હોય છે.

મેથી ત્રણેય દોષોની શામક છે

ઉપર્યુક્ત પ્રયોગમાં દિવલ, અજમો, હળદર, વગેરેનું સંયોજન કરવાનો હેતુ એ છે કે શરીરમાં રહેલા દોષો ખાસ તો આમ દોષને કારણે જે સોજા આવે છે અને એના કારણે જે તે સાંધાની હલન ચલનની પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે, ત્યાં જઈને આમને પચાવીને ખસેડે છે. તેથી સોજો ઉતરે છે અને દુ:ખાવો ક્રમશ: ઘટવા માંડે છે.

વાળનું રસાયન: રપ ગ્રામ મેથી દાણાનો પાવડર બનાવીને થોડું પાણી ઉમેરી લુગદી (પેસ્ટ) બનાવીને તપેલીમાં નાખવું. તેમાં ૧૦૦ ગ્રામ કોપરેલ ઉમેરવું. ધીમે તાપે ગરમ કરવું. લુગદીમાં રહેલું પાણી બળી જાય અને મેથીનો પાવડર લાલ થઈ જાય અને તેલમાંથી સાધારણ ધુમાડો નીકળવા માંડે ત્યારે ઉતારીને ઠંડુ થયે ગાળીને ભરી રાખવું. આ તેલનું માથામાં રોજ માલિશ કરવાથી નિસ્તેજ થઈ ગયેલા વાળમાં ચમક આવે છે. માથાની ચામડીમાંથી ઉખડતી ફોતરી (ખોડો) ધીમે ધીમે બંધ થઈને ખંજવાળ બંધ થાય છે. વાળ ઉતરવાની સમસ્યામાં ઘટાડો થતો જાય છે.

લોહી પાતળું કરે: હૃદય સંબંધિત સમસ્યાઓમાં મુખ્ય કારણ ‘લોહી જાડું થઈ ગયું છે’ એવું દર્દીઓ અવારનવાર ડોક્ટર પાસેથી સાંભળતા હોય છે અને એના માટે લોહી પાતળું થવાની દવા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. આ દવાઓ વધારે લાંબો સમય ચાલે કે ડોઝ વધારે આપવામાં આવે તો ચામડી પર જાંબલી રંગનાં ધબ્બાં પડી જતાં હોય છે.

મેથીનો એક ગુણ લોહીને પાતળું કરવાનો છે. લોહી જાડું થવાની સમસ્યાવાળી વ્યક્તિઓ રોજ સવારે એક ચમચી મેથીના દાણા ગરમી પાણી સાથે ગળી જાય તો એમની સમસ્યા દૂર થાય છે. અસંતુલિત થયેલ કોલેસ્ટ્રોલ લેવલ નોર્મેલ થાય છે.

બ્લડ સુગર ઘટાડે: મેથીમાં રહેલો આમ પાચક ગુણ આમ એટલે કે અપક્વ ખોરાકના અંશોનું ઝડપથી પાચન કરે છે. આયુર્વેદના કેટલાક વિદ્વાનોના મતે બ્લડમાં સુગર આવવાથી એ એક પ્રકારનું અજીર્ણ માનવામાં આવે છે. આ અજીર્ણ દૂર થતાં બ્લડ સુગર સામાન્ય થાય છે. મેથી પરનાં ઘણાં સંશોધનો એ પણ પુરવાર કર્યું છે કે મેથી બ્લડ સુગરને ઘટાડે છે અને પેન્ક્રિયાસની કાર્યક્ષમતામાં વધારો કરીને ઇન્સ્યુલિનના સ્ત્રવને વધારે છે. અડધી ચમચી મેથી પાવડર અને એક ચમચી વરિયાળી પાવડર મિક્સ કરીને રોજ સવારે પાણી સાથે લેવું.

ધાવણ વધારે: પ્રેગનન્સી દરમિયાન મેથીનો ઉપયોગ કોઈપણ પ્રકારે કરવો નહીં : કારણ કે મેથીનો એક ગુણ ગર્ભાશય સંકોચક છે. જેની અવળી અસર પડે છે.

પરંતુ આજ મેથી પ્રસૂતિ પછી લેવામાં આવે તો વિસ્તૃત થયેલું ગર્ભાશય ફરીથી મૂળ અવસ્થામાં આવે છે. જેથી કરીને પેટ અને પેઢુનો ભાગ ફૂલી ગયેલો લાગતો નથી. ઉપરાંત મેથીનો વાયુનાશક ગુણ પ્રસૂતિ પછી થતી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક છે અને મુખ્ય લાભદાયક બાબત છે કે પ્રસૂતિ પછી ઘણી સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં ધાવણ નથી આવતું, જેને કારણે તેના બાળકને જેનાથી બાળકને શરદી, પેટ ફૂલી જવું જેવી સમસ્યા થાય છે. માટે આપણા પરંપરાગત મેથી, સૂંઠ, ગુંદર, ગોળ, કોપરુ વગેરે મેળવીને તૈયાર કરેલા લાડુ પ્રસૂતિ પછી ૧૦-૧૨ અઠવાડિયા સુધી લેવા જોઈએ. જેનાથી ઉપર્યુક્ત સમસ્યાનું નિવારણ થાય છે અને એમનું શરીરસૌષ્ઠવ પણ જળવાઈ રહે છે. મેથી, ગુંદર વગેરેથી વજન વધી જવાનો સંશય ભ્રામક છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate