অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મુસાફરીમાં ઉલટીઓ થાય છે

મુસાફરીમાં ઉલટીઓ થાય છે

આજકાલ પ્રવાસની મોસમ છે. રજાઓ છે, સખત ગરમી છે. તમારા રુટિનને બદલવા તમે બહારગામ અને ખાસ તો ઠંડકવાળા વિસ્તાર એટલે કે હિલસ્ટેશન જવા નિર્ણય કરો છો. તેની ઉમંગભેર તૈયારી પણ કરો છે, પરંતુ તમને કે તમારા ઘરના કો સભ્યને ટ્રાવેલિંગ સિકનેસ હોવાનો વિચાર આવતાં પ્રવાસનો મૂડ ઘણીવાર ઉડી જતો હોય છે. હિલ સ્ટેશનની ચઢાઇવાળા ગોળ-ગોળ રસ્તા પર વાહનમાં બેસતાં ઉલટી થવા માંડે કે ચક્કર આવવા લાગે તેને અંગ્રેજીમાં આને ટ્રાવેલિંગસિકનેસ કહે છે. આ સિવાય વેકેશનના મેળાઓમાં ઘણાને હિંસકે બેસતાં કે મેરી – ગો – રાઉન્ડ જેવી રાઇડ્સમાં બેસતાંપણ ઉલટી થવી કે ચક્કર આવવા જેવી તકલીફો શરૂ થઇ જાય છે. મહાબળેશ્વર, આબુ કે મલેશિયાના જેન્ટિંગ હાઈલેન્ડ જેવા હિલસ્ટેશન જવા માટે બસ જ્યારે ઉપર ચઢે છે ત્યારે બસમાં એકાદ – બે પેસેન્જરને તો ઉલટી શરૂ થઈ જતી હોય છે.જમીન પર ચાલતાં વાહનોમાં બેસવાથી પણ ઘણાને આવું થાય છે, એવું નથી. ઘણાને પ્લેન, સ્પીડ બોટ કે ક્રૂઝમાં પણ આવી તકલીફ થાય છે. ઘણા લોકો હિંચકા કે મેરી – ગો – રાઉન્ડની મજા આ જ કારણથી માણી શકતા નથી.

આવું કેમ થાય છે?

નિસર્ગનો વાયુ જ્યારે પ્રચંડ બને ત્યારે નદીઓનાં વહેણને પણ તદ્દન ઊંધી દિશામાં ફેરવી નાખે છે. બીજા દોષોના સાથે પણ વાયુ જ્યારે તેનું સંતુલન ગુમાવે છે ત્યારે બીજા દોષોની સાથે મળીને ખાધેલા ખોરાકને તેના નિશ્ચિત માર્ગમાંથી ચલિત કરીને ઊર્ધ્વમાર્ગે ઉપરથી બળપૂર્વક બહાર ધકેલી દે છે. વાહનોની ગતિ જ્યારે વધે છે ત્યારે સ્વાભાવિકપણે માનવશરીરને બહારના કુદરતના વાયુનો સામનો કરવાનું કઠીન બને છે અને જેમના શરીરનો વાયુ આ બેલેન્સ નથી કરી શકતો તેમને ઉલટી અને ચક્કર જેવી સમસ્યાઓ થાય છે.

સરળ ઉપચારો :

  • જેમને ટ્રાવેલિંગ –પ્રવાસ વખતે ઉલટી થતી હોય તેમને જમ્યા પછી તરત વાહનમાં ના બેસવું.
  • જમીને તરત હિંચકે કે મેરી – ગો – રાઉન્ડમાં પણ ન બેસવું.
  • વાહનમાં બેસતાં પહેલાં નાગરવેલના પાનમાં એકાદ – બે લવિંગ મૂકીને ચાવી જવાં. નાગરવેલનું પાન તેના ઉષ્ણ – તીક્ષ્ણ ગુણથી વાયુની પ્રાકૃતગતિને જાળવી રાખે છે. લવિંગમાં જે વિશિષ્ટ –તીવ્ર સુગંધ છે, એ સુગંધ – પૃથ્વી મહાભૂતનો ગુણ છે. એટલે કે સુગંધમાં બહુ જ સૂક્ષ્મ સ્વરૂપે પાર્થિવ તત્ત્વો રહેલાં છે, જે વાયુને અનુલોમ-નીચેની ગતિ કરાવવા માટે ઉપયોગી બને છે.
  • આકડાના છોડનાં ફૂલને એક પાતળા કપડામાં પોટલી વાળીને રાખવાં અને ટ્રાવેલિંગ વખતે તેને અવાર–નવાર સુંઘવાં. આકડાનાં ફૂલમાં પણ ઉષ્ણ – તીક્ષ્ણ ગુણો રહેલાં છે, જે વાયુને પોતાની નૈસર્ગિક અનુલોમ ગતિ માટે ફરજ પાડે છે.
  • મુસાફરી શરૂ કરતાં પહેલાં લીંબુ કાપી તેના પર હિંગ, સંચળ અને કાળા મરીનો પાવડર છાંટીને ચૂસી જવું. જેનાથી પણ ઉલટી થતી રોકાય છે. આ ઉપચાર ખોરાક પ્રત્યે અરુચિ રહેતી હોય તેમને માટે પણ ઉપયોગી છે.
  • મોરનાં પીંછાની ભસ્મ સાથે પીપરનું ચૂર્ણ મિક્સ કરીને કેપ્સુલમાં ભરી પાણી સાથે ગળી જવું. વાયુની ગતિને તત્કાળ અનુલોમ કરીને ઉલટી થતી રોકે છે. ટ્રાવેલિંગ સિક્નેસના દર્દીએ આવી કેપ્સુલ મુસાફરી પહેલાં ગળી જવી, જેથી ઉલટી થવાની સંભાવના ના રહે.
  • મુસાફરીના પ્રારંભથી અંત સુધી સાકરના ટૂકડાને મોં માં રાખીને ચગળ્યા કરવો. આનાથી સતત લાળસ્રાવ પણ થયા કરે છે. સાકર અને લાળને કારણે વાયુ અથવા પિત્તના ઉછાળાને ત્વરિત રોકી શકવા સમર્થ છે.

ઔષધ :

  • ચિત્રકાદિવટી, શંખાવટી, અગ્નિતુંડી વડી, સૂતશેખરરસ, કપર્દિકાભસ્મ વગેરેમાંથી કોઈપણ ઔષધ મુસાફરી શરૂ કર્યા પહેલાં તમારી પ્રકૃતિ અને ખોરાક પ્રમાણે વૈદ્યરાજને પૂછીને લઈ શકાય અને પછી જેઠીમધ ઘનવટી અથવા એલાદિવટીને મોંમાં રાખી ચગળવાથી પણ ટ્રાવેલિંગ સિક્નેસથી બચી શકાય છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate