অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભાદરવા મહિનામાં નસકોરી શા માટે વધારે ફૂટે છે

ભાદરવા મહિનામાં નસકોરી શા માટે વધારે ફૂટે છે

સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનો એટલે શરદઋતુ આ સિઝનમાં પિત્તની સમસ્યાઓ વિશેષ થાય છે. જેમાં માથાનો દુ:ખાવો, ઝાડ થવા, ખાટી-કડવી ઉલટી થવી, મોંમાં ચાંદીઓ પડવી, રક્તસ્રાવ-બ્લિડિંગ થવું, વર્ટિગો-ચક્કર આવવા જેવી સમસ્યાઓ વિશેષ થતી હોય છે. આ ઉપરાંત નસકોરી ફૂટવાની સમસ્યા પણ ગ્રીષ્મ અને શરદઋતુમાં વિશેષ થાય છે.
લોહીમાં પિત્ત નામનો દોષ વધારે માત્રમાં ભળી જાય ત્યારે તે તેની ઉષ્માથી રક્તવાહિનીઓમાં ક્ષત પેદા કરે છે. એટલે કે એ તૂટે છે. રક્તવાહિનીના તૂટવાથી, આ ક્ષતમાંથી સ્રવેલું પિત્ત સાથેનું લોહી નાક, મોં, મળમાર્ગ, મૂત્રમાર્ગ કે યોનિમાર્ગે વહેવા માંડે ત્યારે આયુર્વેદ તેને રક્તપિત્ત નામનો રોગ કહે છે.

રક્તપિત્ત: સામાન્ય રીતે આપણે રક્તપિત્ત એટલે કૃષ્ટ-લેપ્રસીરોગ સમજીએ છીએ. પરંતુ ઉપર્યુક્ત રોગ આયુર્વેદની દૃષ્ટિએ ભિન્ન પ્રકારનો છે. નાકમાંથી વહેતા લોહીનો આપણે નસકોરી ફૂટવી કહીએ છીએ.

સારવાર

આમળાનો લેપ: લીલાં આમળાં મળે તો તેને ખૂબ લસોટીને, કપાળ અને માથા પર તે પેસ્ટનો લેપ કરવો. આમળાની સીઝન ન હોય ત્યારે આમળાનો પાવડર લઈ શકાય. આચાર્ય ભાવમિશ્ર કહે છે કે જેમ સેતુ એટલે કે પાળ-બંધ પાણીના પ્રવાહને રોકી દે છે, તેમ આમળાનો લેપ નાકમાંથી ટપકતા લોહીને તત્કાળ બંધ કરી દે છે.

અરડૂસી યોગ: દૂષિત થયેલા પિત્તના અંશો રક્તમાં સંમિશ્રિત થયેલા હોય છે. રક્તમાંથી દોષિત પિત્તનું વિભાજન થાય-વિખૂટું પડે પછી તેને શરીરમાંથી બહાર ધકેલી શકાય છે.

હરડે, અરડૂસી, કાળીદ્રાક્ષઃ ઉપર્યુક્ત ઔષધોમાંથી હરડે અને અરડૂસીનો પાવડર લેવો. તે પાવડરને કાળી દ્રાક્ષમાં લસોટી નાખવા. કાળી દ્રાક્ષનાં બી કાઢી નાખવાં. લસોટીને તૈયાર થયેલી પેસ્ટમાંથી નાના વટાણા જેવડી ગોળીઓ વાળવી. આ ગોળીમાંથી સવારે, બપોરે અને સાંજે એક થી બે ગોળી પાણી સાથે ગળી જવી.

આચાર્ય ચરકે રક્તપિત્તના દર્દ માટે કહેલું આ ઔષધ રક્તમાંથી પિત્તનું વિભાજન કરવા માટે ઉત્તમ છે. વિભાજિત થયેલું પિત્ત હરડેના રેચક ગુણથી મળમાર્ગેથી બહાર ધકેલાય છે.

રસૌષાધિઃ નાકમાંથી જો વધારે પડતું લોહી નીકળતું હોય તો નીચે પ્રમાણેનો ઔષધ યોગ ઝડપી પરિણામ આપે છે.

ચંદ્રકલારસ - ૧ ગોળી, કામદુધારસ-૧ગોળી, લઘુવસંતમાલતી - ૧ ગોળી, શતાવરી ચૂર્ણ : ૧ ગ્રામ, રસાયણચૂર્ણ : ૧ ગ્રામ.

ઉપર્યુક્ત ઔષધિયોગમાંથી બધી ઔષધિઓને લસોટી તેમાંથી અને સાકરનું સંમિશ્રણ કરી સવારે અને સાંજે ચાટી જવું: આ ઔષધયોગથી શરીરના કોઈપણ માર્ગથી વહેતું લોહી બંધ થાય છે.

આહાર

શું ના ખાવું: રીંગણ, સૂરણ, કાંદા, લીલાં મરચાં, ટામેટાં, લસણ, મોગરી, સરગવો, દહીં, બાજરી વગેરે વિદાહી - બળતરા કરનાર છે, માટે ન ખાવા.

શું ખાવું: કાળી દ્વાક્ષ, વરિયાળી, સાકરનું શરબત, નાળિયેળ પાણી, લીંબુનું શરબત, સાકરનું ઈલાયચી નાખીને ઉકાળેલું પાણી, ખીર, ભાત, ઘીમાં બનાવેલી ઘઉંના લોટની રાબ, મગનું પાણી વગેરે પ્રવાહી ખોરાક વધારે લેવો. દાળ, ભાત, શાક, રોટલી, ભાખરી, ખીચડી, થેપલાં લેવાય.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate