অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેઠાડુજીવનની આધુનિક ઉપાધિ ઓસ્ટિયોપોરોસિસ.

બેઠાડુજીવનની આધુનિક ઉપાધિ ઓસ્ટિયોપોરોસિસ.

હાડકાંના બંધારણમાં વપરાતા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવાં તત્વોની ઓછપને કારણે હાડકાંમાં કળતર થતી હોય એવું લાગે છે. એના કારણે ઊંઘ ના આવે, કમર, ડોક, સાંધાઓમાં દુ:ખાવો થયા કરે. શરીર વાંકું વળી જાય, નખ તૂટવા માંડે, નખ વધતાં અટકી જાય. વાળ ખરવા માંડે, વાળનો વિકાસ અટકી જાય, દાંતમાં કળતર થાય. હાડકાંમાં ફ્રેક્ચર થવાની સંભાવના અનેકગણી વધી જાય.
આધુનિક સમયમાં શારીરિક શ્રમનું મહત્ત્વ ધીમે ધીમે ઘટવા માંડ્યું છે. પરિશ્રમના અભાવે જીવન કંઇ કેટલાય રોગો, મહારોગોને આમંત્રે છે. ઓસ્ટિયોપોરોસિસ આમાંની એક મહાસમસ્યા છે.
ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાંના બંધારણમાં વપરાતા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવાં તત્વોનું ઓછું થઈ જવું. આ તત્વોની ઓછપને કારણે હાડકાંમાં કળતર થતી હોય એવું લાગે છે. એના કારણે ઊંઘ ના આવે, કમર, ડોક, સાંધાઓમાં દુ:ખાવો થયા કરે. શરીર વાંકું વળી જાય, નખ તૂટવા માંડે, નખ વધતાં અટકી જાય. વાળ ખરવા માંડે, વાળનો વિકાસ અટકી જાય, દાંતમાં કળતર થાય. હાડકાંમાં ફ્રેક્ચર થવાની સંભાવના અનેકગણી વધી જાય.
સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય છે કે આપણા શરીરમાં રહેલાં હાડકાં લોખંડ કે લાકડા જેવા કઠણ અને કડક હોવાને કારણે જડ હોય છે, પરંતુ એવું નથી. હકીકતમાં આપણાં હાડકાં જીવંત અને પ્રવૃત્ત હોય છે. સમગ્ર જીવન દરમિયાન હાડકાં ના વિકાસ-વિનિમય ચાલ્યા કરે છે. કેલ્શિયમ, ફોસ્ફોરસ જેવા હાડકાંના બંધારણમાં વપરાતાં તત્વોને હાડકાં ગ્રહણ કરી અસ્થિતંત્રનું નવીનીકરણ કરે છે. ઉંમર વધતાં અસ્થિતંત્રમાં સંગ્રહાયેલાં જૂનાં તત્વોનું વિસર્જન થવાનું ચાલુ રહે છે. પરંતુ શ્રમના અભાવે નવાં તત્વો અસ્થિમાં ઉમેરાતાં નથી. પરિણામે હાડકાં તેની ઘનતા ધીમે ધીમે ગુમાવવા માંડે છે. અને અસ્થિછિદ્રતા- ઓસ્ટિયોપોરોસિસ નામના દર્દનું મંડાણ થાય છે.
પરીક્ષણ : એક્સ-રે પરીક્ષણમાં નિતંબનાં હાડકાં ઘેરાં-કાળાં ધાબાં રૂપે કે ચાળણી જેવાં દેખાય છે. હવે તો બોન-ડેન્સિટી ટેસ્ટ થાય છે. એને BMD Test તરીકે પણ ઓળખવામાં આવે છે. Bone Mineral Density Test તેની મદદથી ઓસ્ટિયોપોરોસિસ થયો છે કે નહીં તે જાણી શકાય છે.
અંત:સ્ત્રાવ : કેલ્શિયમની ગ્રહણશક્તિ પર પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામનાં હોર્મોન્સની અસર પ્રભાવક હોય છે. જો કે બીજાં પરિબળો પણ આમાં કામ કરતાં હોય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન ઘટી જવાથી સ્ત્રીઓને આ રોગ થવાની શક્યતા વધી જાય છે.
આ ઉપરાંત મોટી વયના અને જરૂર કરતાં વધુ વજન ધરાવતા અને શારીરિક શ્રમ ઓછો કરતાં લોકોને ટાઈપ-૨ (Type-2) ડાયાબિટીસ થવાના વધુ કિસ્સાઓ બને છે. ડાયાબિટીસની આ તકલીફ ધરાવનારાઓને ઓસ્ટિયોપોરોસિસની તકલીફ થવાની સંભાવના હોવાનું સર્વેક્ષણ અને અભ્યાસમાં પ્રસ્થાપિત થયેલું છે.
પ્રિવેન્શન : ઓસ્ટિયોપોરોસિસની તકલીફથી બચવા માટે કેલ્શિયમ અને વિટામિન- ડી વધુ મળે તેવો આહાર લેવો જરૂરી છે. લીલાં શાકભાજી જેમ કે પાલક, કોબિજ વગેરે લેવાં. નારંગીમાં કેલ્શિયમ તથા વિટામિન- ડી બંને હોવાથી એનું સેવન તમારી પ્રકૃતિ અને દોષ પ્રમાણે કરી શકાય. સૂકામેવામાં અખરોટ અને જરદાલુમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. લસણમાં કેલ્શિયમ પ્રચૂર માત્રામાં હોય છે પણ તમારી પ્રકૃતિને અનુલક્ષીને યોગ્ય માત્રામાં એનો ઉપયોગ કરવો.
દૂધ અને દહીંમાં કેલ્શિયમ હોય છે. દૂધ એ એવો ખોરાક છે જે દરેક જણને અનુકૂળ આવે, માટે દૂધ નહીં પીનારાઓએ એમના રોજિંદા આહારમાં દૂધ લેવું જોઈએ. એમાં પણ ગાયનું દૂધ દેવાથી કોલેસ્ટરોલ વગેરેની સમસ્યાથી બચી શકાય છે.
કુમળા તડકામાં બેસવાથી વિટામીન ડી કુદરતી રીતે મળે છે. ઓસ્ટિયોપોરોસિસની તકલીફ ન થાય તે માટે અને શરીરના સ્નાયુઓ યોગ્ય પ્રતિભાવ આપવાનું ચાલુ રાખે તે માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. રોજ નિયમિત ચાલવાથી અને પગથિયાં ચડવાથી આ કસરત સારામાં સારી રીતે થઈ શકે છે.
સારવાર : પંચતિક્ત ઘૃત - જેમને ઓસ્ટિયોપોરોસિસ દર્દનું નિદાન થઈ ચૂક્યું હોય તેમણે કડવા રસવાળી ઔષધિ જેમ કે લીમડાંનાં પાન, કડવાં પરવળ, ગળો, અરડૂસી વગેરેને દૂધ કે ઘી સાથે પકાવીને લેવી જોઈએ.
અસ્થિતધાતુની ઘનતા ઓછી થવાથી સર્જાયેલી સમસ્યાઓમાં આચાર્ય વાગ્ભટ્ટ કહે છે કે ઉપર્યુક્ત ઔષધિઓથી ઊભી થયેલી ક્ષતિની પૂર્તિ થાય છે.
રોજ સવારે ખાલી પેટે એક ચમચી પંચતિશ્રીઘૃત ગરમ દૂધ સાથે લેવું. ત્યારબાદ કલાક સુધી ખોરાક લેવો નહીં. તેનાથી ડાયાબિટીસ પણ અંકુશમાં આવે છે. આનાથી હાડકાંનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. સાથે લઘુવસંત માલતીની ગોળી તમારા નજીકના વૈદ્યરાજની સલાહથી લઈ શકાય. તેમાં કુદરતી સ્વરૂપમાં ઝિંક રહેલું છે. ઝિંકમાં હાડકાંમાં થતાં છિદ્રને ઓછા કરવાની ક્ષમતા ખૂબ છે.
આ યોગ લેનારાઓએ ખોરાકમાં વીસ ટકા જેટલો ઘટાડો કરવો જોઈએ.
સુવર્ણ યોગ : વાળ ખરવા, નખ તૂટી જવા, આખા શરીરમાં કળતર, ઊંઘ ન આવવી વગેરે ચિહ્નો સાથેના આ ઓસ્ટિયોપોરોસિસ નામના દર્દને મટાડવા માટે સુવર્ણભસ્મયુક્ત વસંતકુસુમાકર રસ, કે સુવર્ણ વસંતમાલતીરસની એક-એક ગોળી સવારે અને સાંજે મધ સાથે લસોટીને લેવી. સુવર્ણભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતાની ક્ષમતામાં વધારો કરે છે. જેથી અસ્થિધાતુમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી. અસ્થિધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે. શરીર તંદુરસ્ત બને છે. અને ઊંઘ પણ સારી આવે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate