অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તન-મનને દઝાડતી નિવૃત્તિકાળની નઠોર સમસ્યા

તન-મનને દઝાડતી નિવૃત્તિકાળની નઠોર સમસ્યા

સળગતી મીણબત્તી ઉપર થોડે અદ્ધર હથેળી ધરી રાખીએ ત્યારે જેમ ગરમી વધતી જાય, એ વખતે જેનો અનુભવ થાય, લગભગ તેવી અનુભૂતિ ચામડીની નીચેની માંસપેશીઓમાં થવા માંડે, તેને હોટ ફ્લેશીસ કહે છે.
આવા હોટ ફ્લેશીસ સાથળ, નિતંબ, પેટ, સ્તન, હાથ વગેરે શરીરના કોઇપણ સિમિતભાગમાં થાય છે, તો ક્યારેક આખા શરીરમાં ગરમ-ગરમ દાહની પણ અનુભૂતિ થાય છે.

મેનોપોઝ-Menopause

મુગ્ધા-કિશોર અવસ્થામાં સ્ત્રીઓને માસિકની શરૂઆત થાય છે ત્યારે તેની માનસિક સ્થિતિ ઘણી નાજુક હોય છે. ઋજુ હોય છે. આ ઉંમરે સ્ત્રીઓને માસિક આરંભ થવો એ નેચરલ છે, તેનું જ્ઞાન ઘણી કિશોરીઓને હોતું નથી અને જ્યારે માસિક એકાએક દેખાવા માંડે ત્યારે તે ગભરાઈ જાય છે, મૂંઝાય છે.આવી સ્થિતિ પેદા ન થાય એ માટે સમજુ માતાએ દીકરીઓને સરળભાષામાં સાચું જ્ઞાન આપવું જોઇએ.
સ્ત્રી જીવનનો આવો બીજો તબક્કો માસિક સમાપ્ત થવાનુ઼ં હોય એ ગાળામાં શરૂ થાય છે. ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર દરમિયાન માસિક સમાપ્ત થવાની પ્રક્રિયા ચાલુ રહે છે. માસિક નિવૃત્તિ કાળને અંગ્રેજીમાં મેનોપોઝ કહે છે. મેનોપોઝમાં પણ સ્ત્રીની માનસિક સ્થિતિ ઘણી નાજુક હોય છે.
નાની-નાની વાતોમાં અકળાઈ જાય છે. ઓછું આવી જાય, ક્યારેક રડી પડે છે તો ક્યારેક રીસાય છે. સારા પ્રસંગોમાં પણ તેની ઉદાસીનતા નજરે પડે છે. ઘણું બધું ગુમાવી દીધાની અનુભૂતિ કરે છે. તેના સ્વભાવમાં વારંવાર પરિવર્તન જોવા મળે છે. ભૂલો કરે છે. બધાની સાથે રહેવા છતાં એકલતા લાગે છે. ક્યારેક બેચેની અનુભવે છે. તો ક્યારેક અસલામતી.
સ્ત્રીજીવનનો આ તબક્કો પણ કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે. આવા સમયે ઘરના સભ્યો તથા પતિએ સભાનતાથી તેની સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ, જે સ્ત્રીના આળા થઈ ગયેલા મનની શ્રેષ્ઠ દવા છે. ક્યારેક બેચેની અનુભવે છે તો ક્યારેક અસલામતી.

શારીરિક ચિહ્નો :

મોનોપોઝ દરમિયાન માસિક અનિયમિત થઈ જાય છે. દર મહિને માસિક નિયમિત આવવાને બદલે અઠવાડિયું, પંદર દિવસ મોડું આવે છે. તો ક્યારેક બે મહિને તો ક્યારેક આઠ-દસ મહિને પણ માસિક આવે છે. પરંતુ માસિક આવે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં આવે છે. ક્યારે તો એટલું માસિક આવે છે કે પથારીમાં સૂઈ રહેવું પડે. કેટલાક કેસમાં માસિક વધારે દિવસો સુધી ચાલુ રહે છે.

  • આ સમયગાળામાં થાક બહુ લાગે છે.
  • ઘણી સ્ત્રીઓને યોનિની અંદરનો ભાગ ડ્રાય-સૂકો થઈ ગયેલો લાગે છે. જેથી સંભોગ વખતે દર્દ થાય છે.
  • કમરમાં દુ:ખાવો રહે છે.
  • યુ.ટી.આઈ. પેશાબમાં પસ સેલ્સ અવારનવાર વધી જાય છે.
  • એકાએક થોડી સેકંડ કે મિનિટ માટે ગળાની-મોંઢાની અંદરની ચામડી રાતી થઈ જતાં આવા ચિહ્નો શાંત થઈ જાય છે. ઘણી સ્ત્રીઓને દિવસમાં આઠ-દસ વાર આવું થાય છે. રાતના સમયે વિશેષ થાય છે. મેદસ્વી સ્ત્રીઓ કરતાં પાતળા બાંધાની સ્ત્રીઓમાં આવી સમસ્યા વધુ થાય છે.
  • મોનોપોઝ દરમિયાન ચામડી નિસ્તેજ, સૂકી, ક્યાંક કાળા ધબ્બાવાળી તો ક્યાંક સફેદ ટપકાંવાળી થઈ જાય છે. ચામડીમાં કરચલીઓ પડવાની પ્રક્રિયા ઝડપી થાય છે.
  • માંસપેશીઓ શિથિલ થઈ ગઈ હોય તેવું લાગે છે. જેથી આંખો નીચે સોજા જેવું લાગે. યોનિબંધનો ઢીલા પડતાં યોનિનો ભાગ બહાર આવી જાય છે, જેને પ્રોલેપ્સ કહે છે.
  • વાળ ખૂબ ખરે, પાંખા થઈ જાય, લસ્ટર વગરના, સફેદ થવા માંડે.
  • કમરના મણકા વચ્ચેનું અંતર ઓછું થઈ જતાં ઊંચાઈ ઓછી થઈ જાય છે. સાધારણ ઈજા-પડવાથી ફ્રેક્ચર થઈ જાય છે.
  • હૃદય પહોળું થાય છે. ધમનીઓમાં કાઠિન્ય આવે છે. બ્લડપ્રેશર વધે છે.

સારવાર :

આધુનિક તબીબી વિજ્ઞાનમાં મેનોપોઝમાં HRT-હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવે છે. જેમાં ઇસ્ટ્રોજનની અછતના નિવારણ માટે ઇસ્ટ્રોજનની ગોળીઓ આપવામાં આવે છે. જે લીધા પછી ઘણી સ્ત્રીઓ ઉબકા, માથાનો દુ:ખાવો, છાતીમાં ભાર લાગવો, શરીરનું વજન વધવા માંડવું વગેરે સમસ્યાઓ પેદા થાય છે.

ચંદનબલા લાક્ષાદિ તેલ : જેમાં ચંદન, બલા, લાખ, રતાંજલિ, જેઠીમધ, જેવી ઓષધિઓથી તલના તેલને સિદ્ધ કરવામાં આવે છે. આ તેલનું રોજ માલિશ કરવું અથવા માલિશવાળા બહેન પાસે કે મસાજ પાર્લરમાં માલિશ કરાવવું. માલિશ કર્યા પછી નવશેકા ગરમ પાણીથી સ્નાન કરવું.

શતાવરી ક્ષીરપાક : શતાવરીનો પાવડર બેથી ત્રણ ગ્રામ જેટલો લેવો એક કપ દૂધ અને એક કપ પાણી મેળવી ધીમા તાપે ગરમ કરવા મૂકવું. પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ગાળી રોજ સવારે અને સાંજે પીવું. જરૂર પ્રમાણે સાકર નાખી શકાય. શતાવરીનો સ્વાદ ન ગમે તો ઈલાયચી નાખવી. શતાવરી ક્ષીરપાકથી થાક, અશક્તિ દૂર થાય છે. વધુ પડતા માસિકની સમસ્યા દૂર થાય છે. વધુ પડતા માસિકની સમસ્યા દૂર થાય છે. શતાવરીના શીતળ ગુણની હોટ ફ્લેશીસ, દાહ મટે છે. વાળી ખરતા બંધ થાય છે. 

જટામાંસી : મેનોપોઝ દરમિયાન ઘણી સ્ત્રીઓને અસલામતી અનુભવાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે જટામાંસીનો પાવડર અડધા ગ્રામ જેટલો પાણી સાથે દિવસમાં એકથી બે વાર લઈ શકાય.

જીરું + સાકર : એવું કહેવાય છે કે સર્દીકા ઈલાજ એક મુઠ્ઠી હીરા, ગરમીકા ઈલાજ એક મુઠ્ઠી જીરા. શરદી મટાડવી હોય તો ખૂબ ખર્ચ થાય. પરંતુ ગરમી મટાડવી હોય તો જીરા જેવી સામાન્ય ઔષાધિથી મટી શકે છે. જીરૂ, સાકર, મીઠી સાકર અને મમુઠ, આ ચારેય ઔષધની બનાવેલી ફાકી રોજ રાત્રે સૂતી વખતે લેવાથી મોનોપોઝનાં ચિહ્નો ક્રમશ: ઘટવા માંડે છે. ઝાડા વાટે પિત્તનું નિર્હરણ થતાં ગરમી, દાહ મટે છે. ચિડિયાપણું દૂર થાય છે. સવારથી મન પ્રફુલ્લિત રહે છે.

રસ-ચિકિત્સા :

વધુ પડતા માસિક સ્ત્રવમાં મૌક્તિક ભસ્મ, કામદુધારસ, લઘુ વસંત માલતી રસની એક-એક ગોળી ઘી+ સાકર સાથે લેવી. ભીનો નેપકીન કે પલાળેલી કાળી માટી કપડામાં રાખી પેઢા પર મૂકી સૂઈ રહેવું. જેનાથી માસિક સ્ત્રવ ઝડપથી ઘટવા માંડે છે. ઉપર્યુક્ત સારવાર ઉપરાંત દર્દીએ પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. જેનાથી બીજાને મદદરૂપ થવાય તેવી નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓ વિશેષ કરવી. જેથી મનનો ઉદવેગ, ચિંતા ઘટે છે. પ્રવૃત્તિઓ મન પરોવાયેલું રહેતાં માનસિક તાણ, ઉદાસીનતા પણ મટે છે. યોગાસન, પ્રાણાયામ, ઓમકાર, ધ્યાન, અધ્યાત્મ-ચિંતન વગેરેમાં જાતને પ્રવૃત્ત કરવી, જેથી મોનોપોઝની સમસ્યાઓ હળવી બને છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate