ચામડીને આ ચોમાસાની જાણે દેણ છે. આ ઋતુમાં આવાં દર્દો અનાયાસે લાગુ પડી જાય છે. ચામડી પર ચીરા કે ચાંદા પડે તો ખંજવાળ આવવા લાગે છે. ખંજવાળ વધતી જાય છે. આજુબાજુ રાતી ફોડકીઓ પણ વધતી જાય છે. આયુર્વેદ આને ‘વિચર્ચિકા’ કહે છે. સામાન્ય ભાષામાં તે ‘ખરજવું’ નામથી કુખ્યાત છે. અંગ્રેજીમાં તેને Eczema (એક્ઝિમા) કહે છે. તેની ચળ બહુ ખતરનાક હોય છે. તે ચામડી પર વિસ્તરતું જાય છે. જેમ ખંજવાળો, તેમ તેની પીડા વધતી જાય છે.
ખરજવું બે પ્રકારનું હોય છે. સૂકું ખરજવું અને લીલું ખરજવું.
ઉપરોક્ત લક્ષણો સાથે ચામડીના સ્તર પરથી ચીકણું પ્રવાહી જેવું -પરુ જેવું ઝર્યા કરે છે. જ્યાંથી એ નીકળે છે, તે જરા ઉપસી જાય છે. અંગ્રેજીમાં તેને Wet Eczema કહે છે.
ઘણીવાર ખરજવું વારસાગત પણ હોય છે. માતા કે પિતાના પક્ષે કોઇને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોમાં તે વારસામાં મળે છે.
શ્વાસ અને ખરજવાની બીમારીમાં મુખ્યત્વે શરીરનો કફ દોષ કારણરૂપ હોય છે. કેટલાક દર્દીઓનું ખરજવું મટે તો શ્વાસ-બ્રોન્કિઅલ અસ્થમા શરૂ થઇ જાય છે, તો કેટલીકવાર શ્વાસ મટે તો ખરજવાનાં ચિહ્નો પેદા થઇ જાય છે.
Clining: વધી ગયેલા દોષોને ઉલટી કે ઝાડા વાટે બહાર કાઢવા જોઇએ. ખરજવાના દર્દીએ રોજ સવારે નરણા કોઠે બે ગ્લાસ નવશેકું પાણી પી જવું. લીમડાની ચોખ્ખી સળી કે હાથની આંગળીને ગળામાં ફેરવવાથી ચિકાશયુક્ત કફ અને પાણી ઉલટી થઇને બહાર નીકળી જશે.
એરંડભ્રષ્ટ હરિતકી: હિમજને દીવેલમાં તળીને તેનો પાવડર કરી રોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે એક ચમચી ફાકી જવો. સવારે એકાદ પાતળો ઝાડો થઇ શકે. જેના વાટે પણ દોષો શરીરની બહાર નીકળે છે.
લઘુમંજિષ્ટાદિ ઘનવટી, કામદુધા રસ, લઘુવસંતમાલતી, ગળો ઘનવટી, ગંધકવટી, શંખવટી, ચિત્રકાદી, આરોગ્યવર્ધિની વગેરે ઔષધો ખરજવાને મટાડી શકવાને સક્ષમ છે. દર્દીના દોષો, પ્રકૃતિ, રોગની ઉંમર, ચિહ્નો વગેરે પ્રમાણે નિષ્ણાત વૈદ્યના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી યોગ્ય છે.
પાટો બાંધવો: જાત્યાદિ તેલ અને લીંબોળીનું તેલ ભેગું કરીને રૂમાં લઇ સૂકા કે લીલા ખરજવા પર તેને લગાડી દેવું. ઉપર કોટન કપડાથી કે બેન્ડેજથી પાટો બાંધી દેવો.
પાટો બાંધવાથી ખરજવા પર વારેવાર હાથ જતો નથી. તેથી ચામડી પર વધુ ચીરા કે ચાંદા પડતાં નથી. બહારનાં જીવાણુઓ અંદર પ્રવેશી શકતાં નથી.તેથી ચામડીમાં રુઝ આવવાની પ્રક્રિયા ઝડપી બને છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020