આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ના નામથી ઉલ્લેખ કર્યો છે તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે. કાળી માટીમાં કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલ થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરૂ ઉમેરીને આપણે ધાણાજીરૂ બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાં તેની બે ફાડ થાય છે. એમાંથી દાળ નીકળે તે આપણે પ્રિય મુખવાસ ધાણાની દાળ.
ઘણાં બધાં ગુણો ધરાવતા ધાણા, કોથમીર ભાજી કે ધાણાની દાળ વાયુ, પિત્ત અને કફ, ત્રિદોષને શાંત રાખવાનો વિશિષ્ટ ગુણ ધરાવે છે. ન્યુટ્રિશિયન વેલ્યુ જોઈએ તો તેમાં પોટેશિયમ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન ઉપરાંત વિટામીન A,K અને વિટામીન C પણ છે.
ધાણાનો એક અસામાન્ય ગુણ એ છે કે શરીરમાં રહેલાં વિષાકત તત્ત્વો-ટોક્સિનને શરીરની બહાર ફેંકી શકે છે. એના એન્ટી ઓક્સિડન્ટ ગુણને કારણે લીવરની કાર્યક્ષમતાને ઉત્તેજિત કરે છે. પરિણામે પાચક સ્રાવોનો યોગ્ય સ્ત્રાવ થાય છે. જે HDL અને LDL કોલેસ્ટેરોલનું નિયમન કરવામાં ઉપયોગી છે.
એક સંશોધન અનુસાર ધાણાનું બનાવેલું પાણી નિયમિત પીવાથી રક્તગત કોલેસ્ટેરોલનું પ્રમાણ ક્રમશ: ઘટતું જાય છે. એટલે જ તેને સ્રોતો વિશોધિની અર્થાત રસ-રક્ત વગેરે ધાતુઓનું વહન કરનારા માર્ગોને અવરોધ રહિત રાખવાનો ગુણ ધરાવનાર કહ્યાં છે.
ધાણાંનો એક ગુણ ચક્ષુષ્ય એટલે કે આંખો માટે હિતકારી-ગુણકારી છે. કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં કોથમીર ઠીક-ઠીક પ્રમાણમાં લેવાથી આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ, તડકામાં પૂરેપૂરી આંખોના ખોલી શકવી જેવી સમસ્યાઓ દૂર થાય છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણી વ્યક્તિઓને લૂ લાગી જવાની સમસ્યા થતી હોય છે. જેના શરીર ખૂબ તપી જાય, આંખો લાલ થઈ જાય, ચક્કર આવે, ઝાડા-ઉલટી થાય, ક્યારેક વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે. આવી સમસ્યાઓથી બચવા માટે ગરમીમાં મુસાફરી કરવાની થાય કે બહાર જવાનું થાય ત્યારે ધાણાનું શરબત પી લેવું.
ધાણાનો પાવડર બે ચમચી એક ગ્લાસ (આશરે ૨૦૦ ml) પાણીમાં જરૂરિયાત પ્રમાણે સાકર નાખીને પલાળવું. બે કલાક પછી મસળીને, બરફ નાખીને પી જવું.
ઉનાળામાં પિત્તને કારણે આવેલો તાવ કે ટાઈફોઈડ તાવમાં ધાણાના પાવડરનું બનાવેલું હિમ ખૂબ લાભકારી નીવડે છે.
ચૂર્ણને પલાળીને, ઉકાળ્યા વગર ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને હિમ કહે છે.
વારંવાર લાગતી તરસ કે જે પિત્ત કે ‘આમ’ને કારણે હોય તો ધાણાનો ઉકાળો કે હિમ બનાવી સાકર નાખીને લેવું. તેનાથી તાવ, છાતી-પેટની-પેશાબની બળતરા પણ મટી જાય છે. ધાણા સાથે એકાદ ચપટી સૂંઠ ઉકાળીને લેવાથી અજીર્ણ અને પેટનો દુ:ખાવો પણ મટે છે.
વાયરલ ફીવર, દવાની સાઈડ ઈફેક્ટ કે જુલાબ કે રેચ લીધા પછી કંટ્રોલમાં ન આવતા ઝાડા- ઉલટીની Dehydrationની સમસ્યા સર્જાય છે.
કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં કોથમીર લેવાથી તડકામાં આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
તમારા રસોઈ માટે વપરાતું ધાણાજીરૂ અને ખડીસાકરના પાવડરને સરખા ભાગે મિક્સ કરવું. દર કલાકે કલાકે અડધીથી એક ચમચી આ ચૂર્ણ લેવું. ગણતરીના કલાકોમાં ચૂંક સાથેના ઝાડા પણ બંધ થઈ જાય છે. બાળકો જો ચૂર્ણ-મિશ્રણ ના લઈ શકે તો એમાં પાણી મિક્સ કરીને પીવડાવી દેવું. બાળકો માટે ઉંમર પ્રમાણે એક ચમચી થી પા ચમચીનુંમાપ રાખવું.તાજી કોથમીરની સુગંધ રુચિકર અને પાચક છે. માટે જ હાલ ડાયાબિટીસ - બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે એના ઉપર સંશોધન ચાલી રહ્યું છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020