હાલમાં ઉનાળાની ધોમધખતી ગરમીમાં રાહત કઇ રીતે મળે તેની પળોજણમાં લોકો સતત વ્યગ્ર રહેતા હોય છે. કાળઝાળ ગરમીથી છૂટકારો મેળવવા માટે શું કરવું/ કેટલાક લોકોના શરીરે પરસેવો પાણીના રેલાની જેમ વહેતો હોય છે, તો કેટલાકના શરીરે પરસેવો વળતો જ નથી. ચામડીનું મુખ્ય કામ શરીરની ગરમી અને બિનજરૂરી ક્ષારોને પરસેવા માટે બહાર કાઢવાનું હોય છે, પરંતુ જો પરસેવો ના થાય તો શરીરની ગરમી બહાર ન નીકળે અને શરીરની અંદર જ રહે તો ત્વચાની નીચેના સ્તરમાં ચરબી અને માંસને વધવા જ દેતો નથી.
આજકાલ સૂર્યનો આ આદાનકાળ છે. આદાન એટલે લઈ લેવું. શોષી લેવું. વનસ્પતિ, પ્રાણી અને જીવજંતુ જ નહીં, વસુંધરાના રસકસને શોષી લેતી આ ગ્રીષ્મ ઋતુ સમગ્ર સૃષ્ટિના બળને હરી લે છે. શોષાયેલા અને બળહીન થયેલા માનવશરીરને આજ ઋતુમાં સૌથી વધારે શક્તિપ્રદાન કરે તેવા આહાર – વિહાર અને ઔષધોની વધારે જરૂર હોય છે. દુબળું, માયકાંગલું શરીર : શરીરે દુબળા, માયકાંગલા, વજન ન વધતું હોય તેવા લોકોએ ખાસ કરીને ઉનાળામાં શરીરના કોષો સતૃપ્ત થાય, શરીરનો વિકાસ થાય, પુષ્ટ થાય તેવા તમામ પ્રયત્નો કરવા જોઈએ.
કાર્શ્ય : શરીરમાં ચરબી – માંસ વગેરે ધાતુઓની પુષ્ટિ ના થતી હોય અને દેખાવે શરીર – સૂકાયેલું – કૃશ લાગતું હોય તેવા રોગને આયુર્વેદમાં ‘કાર્શ્ય’ નામનો રોગ કીધો છે. આ સમસ્યામાં ચહેરો તદ્દન નિસ્તેજ લાગે છે, કામ કરવામાં મન લાગતું નથી. સ્વભાવ ચિડીયો થઈ જાય છે. આંખો ઊડી ઉતરી જાય છે. શરીર અને મન જલદી પાક અનુભવે છે.
પ્રસ્વેદનો અભાવ :
આવી વ્યક્તિઓનાં મહ્દઅંશે વજન ન વધવાનું એક કારણ ‘પ્રસ્વેદનો અભાવ’ હોય છે. તેમને પરસેવો કાં તો ઓછો થાય છે, કાં બિલકુલ થતો ન નથી અથવા તો માત્ર હાથ-પગનાં તળિયાંમાં જ પરસેવો થાય.
ચામડીનું મુખ્ય કામ શરીરની ગરમી અને બિનજરૂરી ક્ષારોને પરસેવા માટે બહાર કાઢવાનું હોય છે, પરંતુ જો પરસેવો ના થાય તો શરીરની ગરમી બહાર ન નીકળે અને શરીરની અંદર જ રહે તો ત્વચાની નીચેના સ્તરમાં ચરબી અને માંસને વધવા જ દેતો નથી.
આયુર્વેદ :
આયુર્વેદની દૃષ્ટિએ સ્વેદ એટલે કે પરસેવો મંદ ધાતુનો મળ કહેવાય છે. સૈદ્ધાંતિક દૃષ્ટિએ જોઈએ તો સ્વેદક્ષય ત્યારે જ સંભવી શકે જ્યારે મેદનો ક્ષય હોય. પરંતુ અહીં ત્વચાની કર્મહાનિને લીધે સ્વેદ કે જે પિત્તના અંશરૂપ છે તે અવરોધાય છે – અને એ અવરોધાયેલા પિત્ત જ મેદને ભરખી જાય છે.
આમ વજન વધવાના લાખ ઉપાયો કામિયાબ ન નીવડવાનું કારણ સ્વેદ ક્ષય પણ છે. સ્વેદ ક્ષય : ઘણાને ઉનાળાની ધોમધખતી ગરમીમાં પણ પરસેવો થતો જ નથી. ત્વચાની આ સ્વેદ ક્ષય નામની અકર્મણ્યતાને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે માલિશ.
માલિશ : ચંદન બલા લાક્ષાહિતેલ અથવા સાદા કોપરેલનું કે તલના તેલનું શરીરે, ખાસ કરીને તળિયામાં માલિશ કર્યા પછી નવશેકા ગરમી પાણીથી સ્નાન કરવું.
ગ્રીષ્મે ચ બૃંહણીયા નરા : સ્મૃતા : આચાર્ય ચરક કહે છે કે, ગ્રીષ્મઋતુમાં સ્ત્રી – પુરુષોએ બૃંહણ એટલે કે શરીરને પુષ્ટ કરે તેવા આહાર લેવા જોઈએ.
અવલેહ : ઉનાળામાં કોઈપણ અવલેહ લઈ શકાય. ભૂખ ઓછી લાગતી હોય તો સાદો ચ્યવનદ્વારા અવલેહ લઈ શકાય. આમળા પ્રકૃતિગત ઠંડા છે, પિત્તનું શમન કરનાર છે અને શરીરને પુષ્ટ કરનાર છે. શરીરની સાતેય ધાતુઓને સંતૃપ્ત કરનાર છે.
અશ્વગંધા અવલેહ : અશ્વગંધા માંસધાતુને વધારવા માટે ઉત્તમ મનાય છે. ઉપરાંત શક્તિ અને સ્ફૂર્તિ લાવવાનો એમાં ગુણ છે. ચાર – પાંચ મહિના સુધી અશ્વગંધા અશ્વલેહનું સેવન કરનારની શુષ્ક થઈ ગયેલી માંસપેશીઓ પુષ્ટ થવા માંડે છે.
આ ઉપરાંત દ્રાક્ષાવલેહ અને ગુલકંદ જેવા ઔષધો ઉનાળામાં લેવાથી અળાઈઓ, ઘામિયા વગેરે ગરમીના કારણે પેદા થતી સમસ્યાને નિવારી શકાય છે.
મધુરરસ – કેરી : શાસ્ત્રકારોએ કહ્યું છે કે, ઉનાળામાં મધુર રસનું વધારે સેવન કરવું અને એટલે જ કુદરતે પણ ‘કેરી’ જેવા મધુર ફળની રચના કરી હશેને ?
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com