ઊંઘવા માટે ફક્ત બે જ દવાની આવશ્યકતા છે. ‘શારીરિક શ્રમ’ અને ‘મનની શાંતિ’, પરંતુ મોટા ભાગના લોકો આ બે દવાઓને ભૂલીને સ્લીપિંગ પિલ્સના રવાડે ચડી જતા હોય છે.
અપૂરતી ઊંઘને કારણે લોકોની નવી માહિતી સંગ્રહ કરવાની અને નવી બાબતો શીખવાની ક્ષમતા ઘટે છે. જેથી ‘ભૂલકણાપણું’ આવે છે.
શું ચાલુ મશીનને રિપેર કરવું શક્ય છે?
બિલકુલ નહિ. પહેલાં તેને ફરજિયાત ‘સ્વિચ ઓફ’ કરવું પડે. આપણું શરીર પણ એક મશીન જ છે. જેમાં કોઈ પણ ખરાબી આવે તો તેને પણ રિપેર કરવું પડે અને રિપેર કરવા તેને પણ ‘સ્વિચ ઓફ ‘ કરવું પડે. કુદરત એક સ્માર્ટ એન્જિનિયર છે. તે
શરીરના મેન્ટેનન્સ માટે તેને ‘રેગ્યુલર સ્વિચ ઓફ’ કરી દે છે, જેથી કોઈ મોટી ખરાબી ન આવે. આ રેગ્યુલર ‘સ્વિચ ઓફ’ એટલે આપણી ઊંઘ.
કુદરતી રૂપે જોઈએ તો દિવસ કામ કરવા માટે અને રાત સૂવા માટે હોય છે. દિવસ રાતની પણ એક શિસ્ત હોય છે. પરંતુ આપણે કુદરતી ચક્રને અનુસરતા નથી. ખરેખર તો ઊંઘવા માટે ફક્ત બે જ દવાની આવશ્યકતા છે. ‘શારીરિક શ્રમ’ અને ‘મનની શાંતિ.’ પણ મોટા ભાગના લોકો આ બે દવાઓને ભૂલીને સ્લીપિંગ પિલ્સના રવાડે ચડી જતા હોય છે.
ઊંઘનું ઓછું વધતું પ્રમાણ શરીરમાં નકારાત્મક કે હકારાત્મક અસર લાવી શકે છે. દા.ત.: થાકેલાં બાળકો ઘણીવાર અસહકારી, ચીડિયું અને અજુગતું વર્તન કરતા હોય છે. ‘બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીન’ના રીસર્ચ મુજબ જે લોકોએ 6 કલાક કરતાં ઓછી અથવા 9 કલાક કરતા વધુ ઊંઘ લીધી હતી તેમનામાં ડાયાબિટીસનું પ્રમાણ બીજા લોકો કરતાં વધુ જોવા મળ્યું હતું. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર એન્ડ સ્ટ્રોકના રીસર્ચ પ્રમાણે અમેરિકામાં 4 કરોડ લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે.
ઊંઘ એ આપણાં શરીરના કોષો અને કોશિકાઓનો વિકાસ અને મરમ્મત કરે છે. ઊંઘ આપણી ‘રોગ પ્રતિકારકશક્તિ’ પણ વધારે છે. અપૂરતી ઊંઘથી રોગ પ્રતિકારક શક્તિઘટી જાય છે અને ચેપ જલદી લાગી જાય છે. ઊંઘ દરમિયાન ‘ગ્રોથ હોર્મોન્સ નો સ્રાવ થાય છે, જે આપણો શારીરિક અને માનસિક વિકાસ કરે છે. પૂરતી ઊંઘ લેવાથી શરીરના દરેક ભાગને આરામ મળે છે, જેથી જ્યારે આપણે બીજે દિવસે ઊઠીએ છીએ ત્યારે આપણાં બધાં જ અંગો અને અવયવો પૂરી કાર્યક્ષમતા સાથે કામ કરે છે.
ઊંઘ એ ‘ઓટોમેટિક બોડી રિપેર સિસ્ટમ’ છે. ઊંઘ આપણા મગજે મેળવેલી માહિતીને ગોઠવવામાં અને તેનો સંગ્રહ કરવામાં મદદ કરે છે. અપૂરતી ઊંઘને કારણે લોકોની નવી માહિતી સંગ્રહ કરવાની અને નવી બાબતો શીખવાની ક્ષમતા ઘટે છે. જેથી ‘ભૂલકણાપણું’ આવે છે.દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત તેની ઉંમર પર આધાર રાખે છે. નાનાં બાળકોને 14 થી 16 કલાક, તરુણોને 9 કલાક, વયસ્કોને 7 થી 8 કલાક, વૃદ્ધોને 6 થી 7 કલાકની ઊંઘની જરૂર હોય છે. પૂરતી ઊંઘ ના મળે તો તેનાં ઘણાં કારણો હોય છે. જેમકે વધુ પડતું ચા-કોફી નું બંધાણ, દારૂનું સેવન, એન્ટી-ડિપ્રેશન દવાનું સેવન, લાઈફ સ્ટાઈલમાં બદલાવ, પીઠ અને ગરદનની તકલીફો, વાતાવરણમાં ઘોંઘાટ, સૂતી વખતે પહેરેલાં ચુસ્ત કપડાં વગેરે.
સૂવાની સાચી પોઝીશન પણ જાણવી જરૂરી છે. પીઠ પર સૂવાથી શરીરનાં દરેક અંગોને આરામ મળે છે. ડાબા પડખે સુવાથી હૃદય ઉપર દબાણ આવે છે. પેટ પર ઊંધું સૂવાથી ફેફસાં દબાય છે. આથી આ બંને સ્થિતિ ટાળવી જોઈએ. તેથી ચત્તું અથવા જમણા પડખે સૂવાની આદત પાડવી. જાગવા માટે આપણે અલાર્મ નો ઉપયોગ કરીએ છીએ, પણ વખત જતાં તેનો ઊંચો અવાજ STRESS ઊભો કરે છે. તેથી આપણે કુદરતે આપણને આપેલા ‘મેન્ટલ કલોક’ નો ઉપયોગ કરી જાગવાની ટેવ પાડવી જોઈએ.
સ્ત્રોત : info@mindtraininginstitute.net