મને ઊંઘ નથી આવતી 60 વર્ષનાં સુશીલાબેન ફરિયાદ કરે છે. મને મોડા સુધી ઊંઘ નથી આવતી ૩૦ વર્ષના કુણાલભાઇ ફરિયાદ કરે છે. મને વિચારો ખૂબ આવે છે, તેથી ઊંઘ નથી શકતી 42 વર્ષનાં રોહિણીબેન ફરિયાદ કરે છે.
ભૂતધાત્રી : આયુર્વેદના આચાર્યોએ ઊંધને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે.
મોડે સુધી ટી.વી. સીરીયલો જોતાં સુશીલાબેનને સાસુ-વહુનાં છળકપટ રાત્રે ઊંઘવા નહોતાં દેતાં. કૃણાલભાઇને એસિડીટી ઊંધવા નથી દેતી. રોહિણીબેનને મેનોપોઝનો કારણે હોર્મોન્સ બદલાવાથી, આયુર્વેદ મતાનુસાર વાયુની અનિયમિત ગતિને કારણે ઊંઘ નથી આવતી.
ઊંઘના આવવાથી અને ના ઊંઘવાથી થતા નુકશાન વિષે જોઇએ: આજકાલ રાત્રે મોડા સુવાનું અને સવારે ખૂબ મોડા ઊઠવાના ક્રમને યુવાવર્ગ આધુનિકતાની નિશાની ગણે છે. વ્હોટસએપ, ફેસબુક, ટ્વિટરે યુવાપેટીની ઊંઘ ઉડાડી દીધી છે. પરિણામે ખીલ, ખોડો, સફેદવાળ, વહેલાં ચશ્માં આવી જવાં, વજન વધવું વગેરે અનાયાસે એમને પરેશાન કરે છે. જેનાથી તેઓ અજ્ઞાત છે.
તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઇ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શકિતનું તંત્ર પૂરતી ઊંઘથી ફરી ચેતનવતું બને છે. અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રકિયા ઘીમી પડે છે. ચપળતા ઘટી જાય છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે.
મધુરમ્ : ઊંઘ લાવવાનો ગુણ ધરાવતું મગજનું સેરેટોનિન નામનું રાસાયણિક તત્વ કે જે કાર્બોદિત આહારમાંથી મળે છે, જેમ કે ઘીથી ભરપૂર ખીચડી, કમોદના ચોખાની ખીર, દૂધપાક, પેંડા, બરફી ખાવાથી ઊંઘ ઝડપથી આવે છે. થોડી માત્રામાં શીરો, સુખડી કે મીઠાઇ ખાવાથી પણ ઊંઘ સારી આવે છે
એસિટીડીના કારણે ઊંઘના આવતી હોય એવા લોકોએ રાત્રે જમવામાં ઘઉં બંધ કરી, કાપેલાં ફળો લેવાં, જેથી પાચન સરળતાથી થઇ જતાં એસિડ ઓછો બને અને પરિણામે ઊંઘી શકાય.
અશ્વગંધા ક્ષીરપાક : સોમ્ની ફેરમ નામનું ઊંઘ લાવનારું તત્વ ધરાવતા અશ્વગંધાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ એક કપ દૂઘમાં લઇ, તેમાં તેટલું જ પાણી નાખી ઉકાળી નાખવું. પાણી બળી જાય પછી તેમાં બે ચપટી ગંઠોડા અને એકાદ ચમચી ખાંડ નાખી પીવું.
અશ્વગંધા ક્ષીરપાકને બગલે અશ્વગંધારિષ્ટ ૨-૨ ચમચી જેટલું લઇ પાણી ઉમેરીને પણ લઇ શકાય.
પ્રથમ ચૂર્ણ : જટામાંસી, તગર અને ઉપલેટ-કઠનું સરખા ભાગે ચૂર્ણ બનાવી તેમાંથી અડધો ગ્રામ પાણી સાથે ફાકી જવું. તેનાથી વિચારોનું આક્રમણ ઘટે છે. ઊંઘ સારી આવે છે.
ઊંઘ આવતી હોવા છતાં ના ઊંઘતા યુવાનોને આ કુદરતી ઊંઘની અવગણના કરવાથી યાદશક્તિ ઘટે છે. વારંવાર ચીડ-ગુસ્સો આવે છે. પાચન ક્ષમતા ઘટી જતાં ગેસ,વાયુ, એસિડીટી માથાનો દુ:ખાવો, સફેદ વાળ વહેલા થઇ જવા જેવી સમસ્યાઓ ઉપન્ન થાય છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020