આમળાં સ્વાદમાં તુરાં, મીઠાં, ખાટાં, થોડાં કડવાં અને થોડાં તીખાં હોય છે. આમળાં ખાવાથી સૌ પ્રથમ તેની ખટાશનો જ અનુભવ થાય છે. અન્ય સ્વાદ પ્રમાણમાં ઓછા અનુભવાય છે. પરંતુ તે વિવિધ રસની હાજરીને પરિણામે આમળાંને પંચભૌતિકત્વને સિદ્ધાંતાનુસાર ત્રિદોષ વાયુ, પિત્ત અને કફના વિકાર મટાડનાર બનાવે છે. આ ઉપરાંત આમળાંમાં રહેલાં રેસાને પરિણામે આમળાં સારક-વહેવડાવવાનો ગુણ ધરાવે છે, જેથી આંતરડામાં જામેલા મળને ખસેડી અને મળપ્રવૃત્તિ કરાવવામાં મદદરૂપ નીવડે છે. ખટાશને પરિણામે આમળાંને ખાતાવેંત તુરંત લાળ વહેવા લાગે છે. તેવી જ રીતે હોજરીમાં પાચનનું કામ કરતાં પાચક રસો નીકળવા લાગે છે. આથી જ આમળાં એ કુદરતી એન્ઝાયમેટિક દવા છે. જે ભૂખ ન લાગવી, જમ્યા પછી પેટ ભારે થઇ જતું હોય, ઓડકાર સાફ ન આવતા હોય, વારંવાર ઓડકાર આવતા હોય તેવી તકલીફમાં તાજાં આમળાં, આમળાંનું ચૂર્ણ, આમળાંની ગોળીઓ અથવા આમળાંનો રસ પીવાથી ફાયદો થાય છે. આમળાં હોજરીમાં પાચનનાં કામમાં ભાગ લેતા સમાનવાયુ, ક્લેદક કફ અને પાચકપિત્ત આ ત્રણેય દોષોનું નિયમન કરી પાચન સુધારે છે.
આમળાંમાં રહેલો તુરો અને મીઠો રસ આમળાંને પિત્તનો વિકાર દૂર કરવામાં મદદ કરે છે. આમળાંનું વીર્ય-એક્ટિવ પ્રિન્સિપલ પણ ‘શીત' છે, જેને પરિણામે પિત્તની અતિપ્રવૃત્તિ, પિત્તમાં વધુ પ્રમાણમાં દાહકતા જેવી વિકૃતિને નિયમન કરવાનો ગુણ આમળાંમાં છે. આથી જ આંખ લાલ રહેવી, આંખમાં બળતરા થવી, ચશ્માંનાં નંબર વારંવાર બદલાવા, નાકમાંથી લોહી પડવું, બ્લીડિંગ પાઈલ્સ, માસિક દરમિયાન વધુ પડતો રક્તસ્રાવ થવો જેવી તકલીફમાં આમળાં ખૂબ જ અસરકારક કુદરતી ઔષધ પુરવાર થયું છે. આમળાંનું ચૂર્ણ, આમળાં અને સાકરમાંથી બનાવેલો મુરબ્બો અથવા આમળાંનો તાજો રસ સાકર સાથે ભેળવીને લેવાથી રક્તવિકાર, પિત્તવિકારમાં ફાયદો થાય છે. આમળાંને કેટલા પ્રમાણમાં અને કઈ રીતે લેવાં એ વિષે આયુર્વેદાચાર્ય યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
આમળાંનું ચૂર્ણ, આમળાં અને સાકરમાંથી બનાવેલો મુરબ્બો અથવા આમળાંનો તાજો રસ સાકર સાથે ભેળવીને લેવાથી રક્તવિકાર, પિત્તવિકારમાં ફાયદો થાય છે.
આંમળામાંથી બનતા રસાયણ ચૂર્ણ, ધાત્રિરસાયન, આમલકી રસાયન, ચ્યવનપ્રાશાવલેહને યોગ્ય માર્ગદર્શન મેળવી પ્રકૃતિને અનુરૂપ આહાર અને વિહાર સાથે ઉપયોગમાં લેવાથી સંભવિત રોગો અને વૃદ્ધત્વ સબંધિત તકલીફ રોકવામાં મદદ મળે છે.
સ્ત્રોત: ફેમિના, નવગુરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020