બહેનોને થતી પોલિસિસ્ટીક ઓવરી સિન્ડ્રમ સમસ્યામાં અંત:સ્ત્રાવની વધ-ઘટ થતી હોય છે અને તેને કારણે માસિક અનિયમિત થાય છે. આ પ્રકારની સ્ત્રીઓમાં ભવિષ્યમાં માતા બનવામાં પણ તકલીફ પડતી હોય છે. જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો ભવિષ્યમાં ડાયાબિટીસ તથા અન્ય હૃદયની તકલીફ પણ થઈ શકે છે.
આજના યુગમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ૧૫માંથી ૧ મહિલાને PCOS જોવા મળે છે. ઘણીવાર ટીનએજમાં જ તેનાં લક્ષણોની શરૂઆત થઈ જાય છે. આધુનિક તબીબીશાસ્ત્રમાં હજુ પણ તેનું કારણ સચોટપણે શોધી શકાયું નથી. તેમ છતાં સ્ત્રીઓમાં રહેલા ઓન્ડ્રોજન્સ નામક અંત:સ્ત્રાવ (જેનીઆદર્શ રીતે માત્રા ઓછી હોય) વધી જતાં, તેને કારણે આ સમસ્યા થાય છે અને તેને કારણે સ્ત્રીઓમાં અંડાશયમાંથી કહે છે, તે ખોરંભાય છે. ઘણીવાર સ્ત્રીઓમાં આ દરમિયાન લોહીમાં સુગર લેવલ પણ વધી જાય છે. તેથી જો તેની સારવાર યોગ્ય સમયે ન કરવામાં આવે તો ભવિષ્યમાં ડાયાબિટીસ થઈ શકે છે.
શું થાય છે PCOSમાં ?
- માસિક બિલકુલ આવે નહીં. અથવા તો અનિયમિત આવે.
- વજન વધતું જાય.
- ચહેરા પર અને આખા શરીરે વાળનો ગ્રોથ વધવા લાગે.
- માથાના વાળ ખરે, આછા થઈ જાય.
- પ્રેગનન્સી રહેવામાં મુશ્કેલી થાય.
- કેટલીક બહેનોનાં માસિકમાં દુર્ગંધ આવે.
- ડિપ્રેશન - હતાશા.
સોનોગ્રાફી અને હોર્મોન્સ ટેસ્ટ દ્વારા આ સમયસ્યાનું નિદાન થાય છે.
ગાયનેકોલોજિસ્ટ દ્વારા PCOSનું નિદાન થયેલું હોય એવી ઘણી બહેનોના કેસ આયુર્વેદના ચિકિત્સકો પાસે આવે છે. આમાં મોટાભાગની સ્ત્રીઓની ઓપરેશનનો ડર હોય છે.
હોર્મોન્સની દવાઓ તથા શું ઓપરેશનન ટાળી શકાય ?
હા, આયુર્વેદની દવા નિયમિત કરવામાં આવે તથા યોગ્ય પરેજી પાળવામાં આવે તો ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી. કે હોર્મોન્સની સારવા લેવી પડતી નથી. ૧૭ વર્ષની નિધિને ૧૦ થી ૧૦૦ દિવસે માસિક આવે. માસિકમાં દુર્ગંધ હોય. સફેદ પાણી પડે. સોનોગ્રાફી રીપોર્ટ પ્રમાણે બંને ઓવરી એન્લાર્જડ હતી અને બંને ઓવરી મલ્ટિ સિસ્ટીક હતી. નિધિએ નિર્ણય કરેલો કે સારવાર આયુર્વેદની જ કરવી છે.
ઉપચારક્રમ
કન્યાલોહાદિવટી : કન્યાલોહાદિવટીમાં મુખ્ય એલોવેરા-કુંવારપાઠાનો એક્સટ્રેક્ટ હોય છે. તે ઉપરાંત હિમોગ્લોબીન વધારવા માટે કાસીસભસ્મ હોય છે. કુંવારપાઠામાં રહેલું એલોઈન - કોઇપણ પ્રકારની સિસ્ટમને ઓગાળવામાં આવે મદદરૂપ બને છે. આ ઉપરાંત સ્ત્રીઓનાં શરીરમાં રહેલા ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવોની માત્રાને સંતુલિત કરે છે. કન્યાલોહાદિ વટીની એક-એક ગોળી સવાર-સાંજ લઈ શકાય.
આ ઉપરાંત ચંદ્રપ્રભાવટી, શંખવટી, આરોગ્યવર્ધિની, ભૃંગરાજવટી, શુદ્ધિચૂર્ણ વગેરે નજીકના આયુર્વેદ વિશેષજ્ઞની સલાહ અનુસાર લઈ શકાય.
આહાર અને જીવનશૈલી :
આ પ્રકારની સમસ્યા ધરાવતી સ્ત્રીઓએ લગભગ ૪૦થી ૪૫ મિનિટ ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. તેના કારણે વધુમાં વધુ ઓક્સિજન શરીરમાં જવાથી, મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે.
- અંત:સ્ત્રાવોની માત્ર અસંતુલિત થઈ જતાં ઘણીવાર ટીનએજ છોકરીઓ કે પુખ્તવયની સ્ત્રીઓ હતાશામાં સપડાઈ જાય છે. તેને ટાળવાને બદલે ગંભીરતાથી લેવું જોઈએ. જરૂર પડે તેની પણ આયુર્વેદઔષધિ દ્વારા સારવાર કરી શકાય છે. આ ઉપરાંત વહેલી સવારે ઊઠીને લગભગ ૧૦ થી ૧૫ મિનિટ ઓમકાર કરવાથી કે ધ્યાન-મેડિટેશન કરવાની માનસિક સ્વસ્થતા અનુભવાય છે, ખૂબ ચિંતા કે વારંવાર ગુસ્સો કરવાનાં વર્તનમાં પણ ફરક પડે છે.
- આહારમાં પણ ફેરફાર કરવો અત્યંત આવશ્યક છે. બને તેટલાં વધુ શાકભાજી ખોરાકમાં લેવાં જોઈએ. ભાખરી - પરોઠા અત્યંત તેલવાળાં હોવાથી તે ન લેવાં. તેના બદલે ફુલકા રોટલી, ગાયનું ઘી આછું ચોપડીને લઈ શકાય. બને તેટલી ભાજીનો ઉપયોગ કરી શકાય. મેથી, પાલક, સરગવો, કોબિજ વગેરે રોજિંદા વપરાશમાં લઈ શકાય.
- તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર, જો સ્ત્રીઓ લગભગ ૪ થી ૫ કિલો વજન ઘટાડે તો પણ PCOSમાં ઘણી રાહત થાય છે.
- જંકફૂડ-બર્ગર-પિત્ઝા -પાઉં- બ્રેડ્સ વગેરે એવોઈડ કરવાં. જે મેંદામાંથી બનેલા હોય છે અને ખૂબ કેલરી ધરાવે છે.
- પનીર, ચીઝ, તળેલી વસ્તુઓ, વાસીખોરાક ન ખાવો.
- વધુમાં વધુ ફળો લેવાં જોઈએ. ફળોમાં આવતી નેચરલ સુગર શરીરમાં કોઇ નુકસાન પહોંચાડતી નથી. પરંતુ ચયાપચયની ક્રિયાને વધુ સારી બનાવે છે.
- વધુ પડતાં અડદ, વાલ, ચોખા, ચણા ન લેવા જોઈએ. વધુ પડતાં હાઇપ્રોટીનની PCOS ધરાવતી સ્ત્રીઓમાં હૃદયરોગ તથા ટાઈપ- 2 ડાયાબિટીસ થવાની સંભાવના રહેલી છે. પરંતુ તુવેરની પાતળી દાળ, મગની દાળ, તથા મગ લઈ શકાય છે.
- નિધિએ લગભગ છ મહિના સળંગ આયુર્વેદિક સારવાર લીધી તમામ પરેજી પણ પાળી. તેનાથી ધીમે ધીમે તેનું માસિક નિયમિત થયું અને અન્ય સોનોગ્રાફી રીપોર્ટ નોર્મલ આવ્યો.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com