ફાસ્ટ ફૂડ: જલદી, ફટાફટ બને તેવા ખોરાકને Fast- Food કહે છે. ચટપટા સ્વાદવાળા, મોંમાં પાણી લાવે તેવા ખોરાક જેમ કે ભાજીપાંઉ, ભેળ, પાણીપુરી, પિત્ઝા, સેન્ડવીચ વગેરે.
વિદાહી : ખારા, ખાટા, તીખા ,ચટપટા-ગરમ ખોરાકને આયુર્વેંદ વિદાહી ખોરાક કહે છે.
ઇલેકટ્રોનિકસ મિડિયાના જમાનામાં લોભામણી-લલચામણી જાહેરાતોનો કારણે પરંપરાગત ખોરાક દાળ, ભાત, શાક, રોટલીનું નામ પડતાં આજકાલ તો ઘણાં બાળકો નાકનું ટીચકું ચડાવે છે. નવી પેઢી આવા જંક ફૂડ-ફાસ્ટફુડ-વિદાહી ખોરાક પ્રત્યે વધારે રુચિ ધરાવે છે.
આલોચકપિત્ત : આવા વિદાહી અન્નપાનની અસર શરીરના બીજા અવયવો પર પડે જ છે, પરંતુ આંખની દૃષ્ટિ પર તેની ખૂબ ખરાબ અસર પડે છે. આવા ક્ષુલ્લક લાગતા, છતાં મહત્વના કારણથી ચક્ષુમાં રહેલા આલોચક પિત્તની ગુણવત્તા બગડે છે. પરિણામે દૃષ્ટિ-માંદ્યની સમસ્યા ઊભી થાય છે. જેને કારણે પાંચ વર્ષ જેટલી નાની ઉંમરનાં બાળકોને પણ ચશ્માં પહેરવાં પડે છે.
ટેલિવિઝન, હોમથિયેટર, કોમ્પ્યુટર, ફિલ્મના ઝગમગાટવાળા પડદાને વધારે સમય સુધી જોયા કરવાથી દૃષ્ટિ નબળી પડે છે. તેમાં પણ કોમ્પયુટરના સ્કીન સામે કલાકો સુધી બેસી રહેવાથી આંખો ઝડપથી નબળી પડે છે. આથી બે કલાકના અંતરે આંખો બંધ કરી પાંચ-દસ મિનિટ આંખને આરામ આપવો જોઇએ.
PALMING : થાકેલી આંખો ઉપર તમારી હથેળી મૂકીને 1 to 100 ગણવા. પછી હથેળી ખસેડીને બંધ આંખે ફરીથી 1 to 100 ગણવા. પછી ધીમેથી આંખ ખોલવી. આમ કરવાથી આંખોને આરામ મળે છે. ઉપરાંત પ્રકાશથી આંખને આરામ મળે છે, જે આંખોને થાકી જતી બચાવે છે.
બાળકોને ચોકલેટ, ચ્યુઇંગ ગમ, પીપરમીન્ટ, આઇસ્ક્રીમ, ઠંડાપીણાં વગેરે ખાદ્યચીજોથી ભૂખ ઓછી થઇ જાય છે અને રુટિન ખોરાક પરથી રુચિ ઘટી જાય છે. તેઓ બરાબર જમતાં નથી. પરિણામો અમુક પ્રકારનાં પોષક તત્વોના અભાવે તેમની દૃષ્ટિ નબળી પડે છે.ઉપર્યુકત ખોરાકથી પેટામાં કરમિયા વધે છે. જે રક્તના પુરવઠા પર અસર કરે છે અને બાળકો ફીકાં પડે છે. જેની અસર આંખ પર પડે છે.
સપ્તામૃત લોહ : હરડે, બહેડાં, આમળાં, લોહભસ્મ, જેઠીમધ, તજ અને ઇલાયચી- આ સાત ઔષધિઓના સમન્વયને રસોધ્ધાર તંત્રના રચયિતા સપ્તામૃત લોહ કહે છે. સવારે નરણાકોઠે ૧ ગ્રામ સપ્તામૃત લોહમાં પોણી ચમચી ગાયનું ઘી અને અડધી ચમચી મધ મિક્સ કરીને લેવાથી આંખોની ખંજવાળ, બળતરા, દુ:ખાવો, ઝાંખપને દૂર કરે છે.
નેત્રપોષણિકા નાડીઓના સૂત્રો-મૂળ પગમાં વિશેષ પ્રમાણમાં રહેલાં છે. એટલે જેમને આંખો સારી રાખવી હોય તેમણે વારંવાર પગ ધોવા.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020