આપણું ગુજરાતી ભોજન અથાણા વિના અધૂરું ગણાય છે. અન્ય કોઇ ભોજનમાં આપણા જેટલી અથાણાંની વરાઇટી કદાચ નહીં હોય. અથાણાંને મસાલા-તેલથી સ્વાદપ્રચૂર બનાવવામાં આવે છે. પરંતુ આજકાલ હેલ્થકોન્સિયસનેસ વધી હોઇ ડાયટિશિયનોના ઓર્ડરને પગલે કંઇક લોકો અથાણાં ખાવાની ઇચ્છાને મારીને જીવતા હોય છે. થી પણ મારી એક સખીએ અચાનક મને પૂછયું કે અથાણાં ખાવા વિષે તારું શું માનવું છે? આયુર્વેદ શું કહે છે તેની સાથે આગળ વાત કરતાં જાણવા મળ્યું કે એની ભાભીઓ નણંદબાને કહેતી હતી પપ્પા, આ ઉંમરે રોજ અથાણાં ખાય છે.alt148 સતત કાર્યરત રહેતા ૮૨ વર્ષના તંદુરસ્ત પ્રોફેસર વસાવડાસાહેબ હોય કે ખેતરમાં કામ કરી શકતા ૮૦ વર્ષના શંકરભાઇ હોય, પણ એમના ભાણામાં રોજ અથાણું તો હોય જ. તંદુરસ્તીના રાઝ તરીકે અથાણાને ઓળખીએ.
અથાણાનાં પ્રકાર :
ભારતીય ભોજનમાં અથાણું મહત્વનું સ્થાન ધરાવે છે. કેરી, ગુંદા, ગાજર, કેરડાં, આમળાં, લીબું, મરચાં, મેથી, મેથીના કુરિયા, રાઇના કુરિયા, તલનું તેલ, સરસિયું, હિંગ, ગોળ, વરિયાળી, નમક, હળદર વગેરેના અલગ-અલગ પ્રમાણના મિશ્રણથી અનેક પ્રકારના ખાટા, ગળ્યા, ખાટા-ગળ્યા અથાણાં બની શકે છે. જેમાં ખાટું અથાણું, ગોળ-કેરી એટલે ગળ્યું અથાણું, છુંદો, મુરબ્બો વગેરે તેમાં મુખ્ય છે.
અથાણાં બને છે સીઝન પ્રમાણે, પણ એની બનાવટ એવી હોય છે કે તે બારેય મહિના રંગ અને સ્વાદમાં એવા જ રહે, કોઇ પણ પ્રકારનાં પ્રિઝર્વેટિવ વગર અને આ જ વસ્તુ અથાણાને તંદુરસ્તી સાથે જોડે છે.
મેથી-મેથીના કુરિયા:
પલાળેલી મેથી અને મેથીના કુરિયાથી મેથીનો સંભારો-મસાલો બને. મેથી શેકાયા પછી એની કડવાશ ઓછી થઇ જાય છે તેમાં થિયામાઇન-Vit B1, Vit B6, ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન અને ઝિન્ક પણ છે, જે તમારા શરીરના બંધારણનાં મૂળભૂત તત્વો છે.
રાઇના કુરિયા :
આપણા વઘારમાં વપરાતી રાઇમાંથી રાઇના કુરિયા બને છે. કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામીન A યુક્ત રાઇ એની સુગંધ-સોડમ માટે જાણીતી છે. જકડાઇ ગયેલા સ્નાયુ અને સાંધાઓમાં રાહત આપતા રાઇના કુરિયા અથાણાંને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
સરસિયું
ઓમેગા-3 ફેટિએસિડ અને વિટામીન ‘ઇ’ ધરાવતું સરસિયા-તેલ એન્ટિ-ઓકિસડન્ટ છે, જે અથાણાંને ડૂબાડૂબ રાખે છે. એની સોડમથી બીજા અથાણાં કરતાં અલગ અને લલચાવનારું બને છે.
તલનું તેલ
બ્લડપ્રેશરનું નિયમન કરનાર, હાડકાંને મજબૂત બનાવનાર, તણાવા ચિંતાને ઘટાડનાર તલના તેલમાં વિટામીન K અને વિટામીન E છે. તે લોહીને પાતળું બનાવે છે. મસાલા અને કેરી-ગુંદામાં તલનું તેલ મિક્સ કરવાથી બારેય મહિના અથાણું બગડતું નથી.
કાચી કેરી
કેરી ફળોનો રાજા ગણાય છે. કાચી કેરીમાં વિટામીન A અને વિટામીન E છે. કાચી કેરીમાં વિટામીન ‘C’ ૩૦ સફરજન કે ૯ લીંબુ કે ૩ સંતરા જેટલું છે, જે ચામડીને સુંદરતા બક્ષે છે. શરીરમાંથી વહી જતું પાણી રોકે છે, માટે જ તે ઉનાળામાં ફાયદાકારક છે. તરસને મટાડે છે. એનો સ્વાદ અને સુગંધ મગજને તરબતર રાખે છે.
ગુંદા
માર્ચથી જૂન મહિનામાં પ્રાપ્ત થતાં ગુંદાનું અથાણું બનાવીને રાખવાથી બારેય માસ વાપરી શકાય છે. ગુંદા એન્ટી ડાયાબિટીક અને રસાયન પણ છે એટલે કે ઘડપણ અને ઘડપણનાં ચિહ્નોને રોકનાર છે. પેટના દુ:ખાવાને મટાડનાર છે.
લીંબુ
વિટામીન- સી થી પ્રચુર લીંબુ આંતરડા માટે લાભદાયક છે. વળી તે રોગપ્રતિકારકશકિત વધારનાર છે. એન્ટી બેક્ટેરિયલ પણ ગુણ ધરાવે છે. શરીરને ડીટોક્સ એટલે નુકસાનકારક તત્વો સામે સંરક્ષણ આપે છે. બહારનું ભોજન ખાધા પછી લીંબુના ચોથા ભાગના કટકા પર મરી અને મીઠું ભભરાવીને ચુસી લેવાથી ખોરાકનાં દૂષિત તત્વોની અસર નાશ પામે છે.
હિંગ
રસોઇને સુગંધીદાર બનાવનાર હિંગનો અથાણામાં સિંહફાળો હોય છે. એની સોડમ અને વાયુને નાથવાના ગુણને કારણે અથાણાં બનાવવામાં હિંગ વપરાય છે. આયુવેંદ અનુસાર રોગ કરનાર મુખ્ય દોષ વાયુ છે. જેનાથી શરીરમાં ૮૦ પ્રકારના રોગો થઇ શકે છે. અથાણું અને હિંગ એમને રોકી શકે છે.
સાવધાન:
દરેક અથાણાં દીપન, પાચન એટલે કે ભૂખ અને રુચિ વધારનાર અને ભોજનનું પાચન કરનાર છે.
અથાણાની સાથે એકાદ રોટલી કે થેપલું વધારે ખવાઇ જવું કે વધારે એકાદ વાડકી ખીચડી ગોળકેરીના અથાણાને કારણે ખવાઇ જવી તે સ્વાભાવિક છે. આમ થવાથી વજન વધી શકે છે માટે જ, સાવધાન રહીને યુકિતપૂર્વક અથાણાંને આહારમાં સ્થાન આપવું.
આજકાલ તૈયાર બનતાં બજારુ અથાણાંમાં સરકા કે વિનેગરનો પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ પ્રચલિત થયો છે. તે વધુ સ્વાદિષ્ટ અને તેલ વગરના હોવાથી લલચાવનારા હોવા છતાં સ્વાસ્થ્ય માટે જોખમી છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com