অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શરીર-સંરચનાનું ‘અમૃત દ્રવ્ય' એટલે રક્ત..!!

શરીર-સંરચનાનું ‘અમૃત દ્રવ્ય' એટલે રક્ત..!!

રક્ત આપણાં શરીરમાં વહેતાં અમૃત સમાન છે. કોઈ સંજોગવશાત જો તેની થોડી માત્રા પણ ઓછી થાય તો આપણાં અસિત્વ સામે પ્રશ્ર્નાર્થ ઉભો થઈ જાય છે. વિજ્ઞાને ભલે અદ્વિતિય પ્રગતિ કરી હોય તેમછતાં રક્તનું નિર્માણ કરી શકે તેવી કોઈ પ્રણાલી હજી શોધાઈ નથી. માનવરક્ત માત્ર માનવશરીરમાં જ પેદા થાય છે અને એટલે જ માનવીને અસામાન્ય સંજોગોમાં જ્યારે રક્તની તાતી જરૂરીઆત પડે છે ત્યારે રક્તદાન પર આધાર રાખવો પડે છે.

મિત્રો, આવી તાતી જરૂરીઆત વિશે સમજીએ, તો એક અંદાજ અનુસાર ભારતમાં પ્રતિવર્ષ આશરે 4 કરોડથી પણ વધારે યુનિટ્સ બ્લડની તાત્કાલિક જરૂર પડે છે. જેમાંથી આશરે 40 લાખ જેટલું રક્ત સ્વૈચ્છિક રીતે મળે છે. એક તરફ ભલે રક્તદાન વિશે ખૂબ જન-જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે પરંતુ સચ્ચાઈ એ છેકે દેશની સર્વાધિક જનતા હજી રક્તદાન કરવા પ્રેરાઈ નથી. આપને જાણીને નવાઈ લાગશે કે રક્તદાન કરવા સક્ષમ એવી દેશની લગભગ 40 ટકા જનતામાંથી માંડ દસ ટકાથી પણ ઓછા લોકો જનહિતાર્થે રકતદાન કરવા સ્વૈચ્છિક રીતે આગળ આવે છે.

વિશ્વના ઘણાં દેશોમાં રક્તદાન બાબતે ખૂબ જાગૃતિ છે પરંતુ આપણાં દેશ-પ્રદેશોમાં રક્તદાન વિશે ફેલાયેલી કેટલીક ગેરમાન્યતાઓ અને શિથિલતાને કારણે ઘણાં કિસ્સાઓમાં યોગ્ય સમયે અને સ્થળે બ્લડ યુનિટ્સ પહોંચાડી શકાતા નથી કે તેની ખોટ પડે છે. રક્તની આ જરૂરીઆત સામે યોગ્યમાત્રામાં પુરવઠો મળી રહે તે માટે વિશ્વમાં અનેક દેશો વિવિધ પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યક્રમો કરે છે. વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 14મી જૂનના રોજ મનાવવામાં આવે છે. આની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં આવી છે. રક્ત સમુહ પ્રણાલી એ.બી.ઓ. (ABO blood group system)ના શોધક કાર્લ લેન્ડસ્ટેઈનરના જન્મ દિવસને યાદરાખી તેમની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી, વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા અને દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા, આ દિન મનાવવાનો પ્રયાસ કર્યો છે.

ભારતમાં બ્લડબેંકોના સુવ્યસ્થિત સંચાલન પહેલાં લોહીની આવશ્યકતાને પૂરી પાડવા યોગ્ય અને સુસંગત કડીઓનો અભાવ હતો. અનેક મુશ્કેલીઓ લોહી મેળવવા માટે વેઠવી પડતી હતી. પરંતું અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓ, હૉસ્પિટલો વિગેરે દ્વારા થતાં અનેકાનેક પ્રયાસોથી પરિસ્થિતિમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે, જે ખરેખર ખૂબ પ્રશંસનિય છે. તેમછતાં જરૂરીઆત સુધી પહોંચવા આપણે હજી અનેક પ્રયાસો કરવાના છે.

બ્લડ વ્યવસ્થાપન સ્વયંમાં એક અદ્વિતિય પ્રકલ્પ છે. રક્તદાતા મારફતે મળેલું રક્ત બેંકમાં આવે છે. બ્લડબેંકમાં HIV અને હિપેટાઈસ જેવા વિવિધ લોહીથી ફેલાતા રોગોના ટેસ્ટ્સ અને મુલ્યાંકનો કરવામાં આવે છે. આ સિવાય જે-તે સ્થળે રક્તદાન દરમિયાન અને પછી રક્તદાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે, એટલા માટે રક્તદાતાના શરીરની શારીરીક તપાસ પણ કરવામાં આવે છે. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તમામ પરિક્ષણોમાંથી પસાર થયેલું સેફ બ્લડ સારવાર માટે તૈયાર હોય છે. બ્લડગ્રુપના આવા અનેક યુનિટ્સ બ્લડબેંકમાં યોગ્ય તાપમાન અને સાવચેતીથી સ્ટોર કરવામાં આવે છે. જેમ જેમ યુનિટ્સની જરૂરીઆત ઉભી થાય તેમ બ્લડબેંક તે પૂરા પાડે છે. કેટલાક એવા સંજોગો પણ બને છે જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં લોહીના પુરવઠાની જરૂર પડે છે, જેમકે નાના-મોટા અકસ્માતો, કુદરતી હોનારતો, આંતરિક જૂથ અથડામણો, તોફાનો જેવી અનેક ઘટનાઓ. આવી ઘટનાઓ સિવાય નિયમિત રીતે હૉસ્પિટલ્સમાં લોહીનો સૌથી મોટો જથ્થો દર્દીઓના ઓપરેશન્સ અથવા કૅન્સર, થેલેસેમિયા જેવા અનેક રોગોમાં દર્દીઓની યોગ્ય સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.

ઘણાં દેશો રક્તદાન બાબતે ખૂબ જાગૃત છે પરંતુ આપણાં દેશમાં રક્તદાન વિશે ફેલાયેલી કેટલીક ગેરમાન્યતાઓને કારણે ઘણાં કિસ્સાઓમાં યોગ્ય સમયે અને સ્થળે બ્લડ યુનિટ્સ પહોંચાડી શકાતા નથી કે તેની ખોટ પડે છે.

બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે લોહી ચઢાવવું અથવા દર્દીને લોહીના વિવિધ પ્રોડક્ટ્સ આપવાને કારણે લાખો દર્દીઓની લાઈફ-લાઈન બચે છે. કટોકટીની સ્થિતિમાં દર્દીના પ્રાણ બચે છે અને ગુણવત્તાપૂર્ણ જીવન પુન પ્રાપ્ત કરવામાં આ રક્તદાન ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના કરોડો લોકો જેઓ રક્તદાન કરીને કોઈના જીવનનો આધાર બન્યા છે તેમને સેલ્યુટ કરી, આવો આજે આપણે પણ સંકલ્પ લઈએ, રક્તદાન કરીએ અને કરાવીએ, લાખો લોકોના મુખ પર આવતા જીવનસુખની સ્માઈલનું કારણ બનીએ..!!

રેફરન્સ :ડૉ સુધેન્દુ પટેલ,ફિઝિશિયન. (હેલ્થ, નવગુજરાત સમય )

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate