દેશ માટે મોડેલ સમાન અને પહેલરૂપ એવા દેશના સૌપ્રથમ પુલના લિંક રોડ પર રૂફટોપ સોલાર પ્લાન્ટ આધારિત સૂર્ય વીજળી ઉત્પાદન માટે સ્ટીલ સ્ટ્રકચર રૂફ ટોપની કામગીરીનો નાણામંત્રી સૌરભ પટેલે અકોટા દાંડિયાબજાર પુલ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આગવી ઓળખ સમાન એવા અકોટા દાંડિયાબજારને જોડતા મહારાણી શાંતાદેવી બ્રિજને જોડતા રોડ પર રૂફટોપ સોલાર પેનલ્સ ગોઠવીને 3 મે.વો જેટલી સૂર્યવીજળી પેદા કરવાનું આયોજન 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
- અકોટા બ્રિજના લિંક રોડ પર રૂફટોપ સોલાર પ્લાન્ટથી વીજળી મેળવનાર વડોદરા દેશનું પ્રથમ શહેર બનશે
- બ્રિજના લિંક રોડ પર સ્ટીલ સ્ટ્રકચરની કામગીરીનો મંત્રી સૌરભ પટેલે પ્રારંભ કરાવ્યો
- રૂફ ટોપ સોલાર પ્લાન્ટની કામગીરી 2 વર્ષમાં પૂરી કરવામાં આવશે : 3 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે
આ સુવિધાથી મળનારી વીજળી રાજ્ય વિદ્યુત નિગમની ગ્રીડમાં ઉત્પાદિત વીજળી જમા કરાવશે. શહેરમાં નર્મદા નહેર આધારિત 10 મે.વો વીજ ઉત્પાદનની સુવિધા છે. વડોદરામાં સોલર પાવર પ્લાન્ટની પેનલ્સ પણ બને છે અને હવે આ પ્રોજેક્ટનો તેમાં ઉમેરો થયો છે. અકોટા દાંડિયાબજાર પુલ પાસે સ્ટીલ સ્ટ્રકચર રૂફ ટોપ અને લેન્ડ સ્કેપિંગ એરિયા ડેવલપ કરવામાં આવનાર છે. જેના માટે 11,200 સ્કેવર મીટર જગા ફાળવી છે અને તેના માટે 24 મહિનાનો સમય ફાળવાયો છે. આ કામગીરીમાં પેનલ રૂમ, ડેકોરેટિવ લાઇટિંગ અને ફાઉન્ટેનની પણ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ કામગીરી બાદ બીજા તબક્કામાં અલગથી ટેન્ડરિંગ કરી 3608 સોલર પેનલ સ્ટીલ નખાશે.
ફેકટ ફાઇલ
11,200 ચો.મી. એરિયા
15.33 મીટર ક્લિયર હાઇટ
23.58 કરોડ કિંમત
24 મહિના સમય મર્યાદા
3 મે.વો પાવર જનરેશન
28.52 લાખ વાર્ષિક બચત
સ્ત્રોત: દિવ્ય ભાસ્કર, વડોદરા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020