જિલ્લા પંચાયત દ્વારા બાયસેગના માધ્યમથી લોકપરિસંવાદ યોજાયો
અમદાવાદજિલ્લા પંચાયત દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી નિમિતે બાયસેગના માધ્યમથી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દવેના માર્ગદર્શન મુજબ પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગના કર્મચારીઓ સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. પરિસંવાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઇ પટેલ ઉપસ્થિત રહીને નવતર કાર્યને બિરદાવીને જિલ્લા પંચાયત તરફથી તમામ સ્તરે મદદ કરવાની ખાતરી આપી હતી અને ગ્રામ પંચાયત સ્તર સુધીના તમામ પદાધિકારીઓને કાર્યક્રમમાં મદદરૂપ થવા સહભાગી થવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં ડીડીઓ ભાર્ગવી દવેએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના કાર્યોની માહિતી આપી હતી. આગામી સમયમાં કરવામાં આવનાર વિવિધ યોજનાઓના અમલીકરણ માટેના કાર્યોની ઉંડાણપૂર્વક ચર્ચા કરી આગામી આયોજન સમજાવ્યું હતું. તેમજ આરોગ્ય બાબતે તેઓએ મહિલાઓની વિશેષ કાળજી લેવા અને તરૂણાવસ્થાથી લક્ષ આપવા તેમજ સર્ગભા બહેનોની કાળજી લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પાબેન યાદવે વિશ્વ ટીબી દિવસ બાબતે તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતે જાણકારી આપી હતી. બાવળા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાંગાણી, તાલુકા આઇઇસી અધિકારી વિજય પંડિત, ડો. કેતન દેસાઇ સહિત આરોગ્ય કર્મચારીઓએ પરિસંવાદ નીહાળ્યો હતો.
સ્ત્રોત: ભાસ્કર ન્યૂઝ. બાવળા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020