જળ, જમીન અને જંગલ માટે હંમેશા કાર્યરત રહેલાં અને ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના સ્થાપક અને ચેરમેન અનિલભાઇ શાહના ૮૯મા જન્મદિન નિમિત્તે અનિલ શાહ મેમોરિયલ લેક્ચર સિરિઝ શરૂ કરવામાં આવી. જેનું પ્રથમ લેક્ચર અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન ખાતે અર્થશાસ્ત્રી અને પબ્લિક પોલીસી નિષ્ણાત ડૉ. તુષાર શાહ દ્વારા લેવામાં આવ્યું. જેમનો વિષય હતો, ‘ખેતીમાં આવક અને ઇંધણ તરીકે સૌર ઉર્જાનો ઉપયોગ, તેની પાંચ સમસ્યાઓ અને એક નિવારણ’.
તેની સમસ્યાઓ ગણાવતાં તુષાર શાહે જણાવ્યું કે, ‘ભારત હાલ ૨૦૩૦ થી ૨૦૫૦ ટ્રિલિયન ક્યુબિક ભૂગર્ભ જળના ઉપયોગ દ્વારા દુનિયામાં પહેલા નંબરે પહોંચી ગયું છે, તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. છેલ્લા ૪૦ વર્ષથી ખેડૂતોને વીજળીના ઉપયોગ પર સબસિડી મળે છે, અને ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાના કારણે ઇલેક્ટ્રિક પંપથી પાણી ખેંચવામાં આવે છે અને ખેતર સુધી પહોંચાડવામાં આવે છે, જેમાં પંપનું સોલરાઇઝેશન કરી શકાય. જેનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પોણી મોકલવામાં લગભગ ૧૦૦૦ ગીગા વોટ પાવર વેડફાય છે. પણ જો ખેડૂત પોતાનો સોલર પ્લાન્ટ બનાવે તો એ પોતાના ખેતરમાં જ પાણી ઝડપથી ખેંચી શકે, વીજળીનો વ્યય ઘટે, ખેડૂત અન્ય ખેડૂતોને સોલર પાવર વેચીને આર્થિક મદદ પણ મેળવી શકે. તેનાથી ઇકોસિસ્ટમ અને ઇકોનોમી બંને સચવાઇ જશે. તેનાથી ભૂગર્ભ જળની સપાટીમાં પણ વધારો થશે.’
સોલર ઉર્જાના ખેતીમાં થતા લાભ વિશે તેમણે જણાવ્યું કે, ‘૧૦ કિલોવોટ પાવર પેદા કરવા માટે માત્ર ૧૦૦ મીટર જમીનની જરૂર પડે છે. જેનાથી એક વર્ષમાં ૧૩૦૦૦ કલોવોટ ઉર્જા પેદા થઇ શકે છે. જે વર્ષમાં એક હેક્ટર જમીન દીઠ ૬૫૦૦૦ થી ૧ કરોડની આવક પેદા કરી શકે છે. તેમાં કોઇ જ બીયારણ કે ખાતરની જરૂર નથી પડતી, જરૂર છે માત્ર થોડા કામદાર અને થોડા પાણીની. તેના માટે ખેડૂતોએ સોલર જનરેટર તરીકે પોતાનું નામ નોંધાવવું પડશે. આ પ્રકારનો એક પાયલોટ પ્રોજેક્ટ આણંદ જિલ્લાના થામણે ગામમાં લગાવવામાં આવ્યો છે. ’
સ્ત્રોત: નવગુજરાત સમય , અમદાવાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020