ચરખાને ગામડાઓમાં રોજગારીનું સબળ માધ્યમ બનાવવા આયોજનઃ ચરખામાં ૬ને બદલે ૨૪ કે ૩૬ સ્પીન્ડલ કરાશે
ચરખો આ શબ્દ કાને પડે એટલે આપોઆપ રાષ્ટ્રપિતા ગાંધીજીની યાદ આવી જાય. જો કે, એ સ્વાભાવિક પણ છે. કેમ કે, ગામડાઓને સમૃદ્ધ અને મહિલાઓને પગભર કરવા માટે ગાંધીજીએ દેશને ચરખાની ભેટ આપી હતી. મહિલાઓ ઘરકામ કરવા સાથે સુતર કાંતી આંટી બનાવીને રોજગારી મેળવી શકે.
પણ, બદલાતાં યુગની સાથે તાલ નહીં મિલાવી શકનાર ચરખો સુધારા-વધારા છતાં ગાડમાઓમાંથી અદ્રશ્ય થઇ રહ્યો છે. ખાદીનું ઉત્પાદન પણ ઓછું હોવાથી અને ગુણવત્તા ન હોવાને કારણે ઘટયું છે, ત્યારે આ ચરખાને ગામડાઓમાં રોજગારીનું એક સબળ માધ્યમ બનાવવાનું નક્કી થયું છે. ચરખાને સોલાર એનર્જી સાથે સાંકળી લઇને ખાદીની ગુણવત્તામાં સુધારો કંઇ રીતે આવે અને ઉત્પાદન કંઇ રીતે વધી શકે તે માટે શહેરની સુરત એન્જિનિયર્સ વિકાસ એસોસીએશન (સેવા)ને નવી ડિઝાઇનનો ચરખો તૈયાર કરવાનું કામ સોંપાયું છે.
સેવાના પ્રમુખ હેતલ મહેતાએ વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા ઘણા મહિનાઓથી અંબર ચરખાને, તેના મૂળભૂત હેતુ સાથે કોઇ છેડછાડ કર્યા વિના કંઇ રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકાય એ માટે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવી આઇસી) દ્વારા પ્રયત્નો કરાતાં હતા. આ માટે ઇન્ડો-જર્મન ટૂલરૃમ, અટીરા અને ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિને મોડલ બનાવવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે સેવાને એક પ્રોટોટાઇમ ડેવલપ કરીને આપવાનું જણાવવામાં આવ્યું હતું. દેશની સેવાનું કામ હોવાથી, સેવાઓ આને સ્વીકારીને, તેની ઉપર કામ શરૃ કરી દીધું છે અને સવાથી દોઢ મહિનામાં તેને તૈયાર કરવાનું લક્ષ્ય છે.
અંબર ચરખાની ડિઝાઇનમાં થોડો સુધારો-વધારો કરીને વધુ ઉત્પાદન મળે અને સાથોસાથ ગુણવત્તામાં સુધારો કરવાનો હેતુ છે. હાલમાં ચરખામાં છ સ્પીન્ડલ છે, તે વધારીને ચોવીસ-છત્રીસના કરવામાં આવે તો સુતરની આંટીનું ઉત્પાદન પણ આપોઆપ પાંચ ગણું થઇ જાય. વળી, મોટરાઇઝડ્ કરવાથી યાર્નની ગુણવત્તામાં પણ આપોઆપ સુધારો આવે. જો કે, ચરખાને વિજળીથી નહીં, પણ સોલારથી ચલાવવાનો આગ્રહ રખાયો છે.
મહિને ૩,૦૦૦ કમાતી મહિલા હવે ૭,૦૦૦ કમાતી થઇ જશે
ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન સોલાર ચરખાથી દેશમાં છ કરોડ મહિલાને રોજગારી આપવા માંગે છે
અંબર ચરખો ૧૯૯૪માં બનાવવામાં આવ્યો. જો કે, ત્યારબાદ સુતરની આંટીનું ઉત્પાદન વધારવા માટેના પ્રયોગો અવારનવાર થયા. ચરખાને સોલારથી ચલાવવાનો પપ્રયોગ વર્ધા આશ્રમ દ્વારા ભૂતાળમાં થયો. કીંતુ રાજકીય ઇચ્છાશક્તિને કારણે વાત આગળ વધી શકી નહીં, એમ સેવા સાથે સંકળાયેલા રાજેન્દ્ર કલ્યાણીએ પૂરક માહિતી આપતાં જણાવ્યું કે, સોલાર ચરખાને કારણે હવે ઓછી મહેનતથી વધુ ઉત્પાદન મેળવી શકાશે. ખાદી ગ્રામોદ્યોગ સાથે ૯૦ ટકા મહિલાઓ સંકળાયેલી છે અને ચરખા ચલાવીને જે મહિલાઓ ઘરબેઠા મહિને રૃ।. ૨૦૦૦ થી ૩૦૦૦ કમાતી હતી, તે હવે રૃ।. ૬૦૦૦ થી ૭૦૦૦ કમાતી થશે.
અંબર ચરખાને સોલાર એનર્જીથી કાર્યરત કરવા પાછળનો હેતુ ગામડાઓમાં ફરી ચરખાનો ઉપયોગ વધે, મહિલાઓની રોજગારી વધે અને ખાદીની ગુણવત્તામાં જે કમી છે, તે દૂર થાય. હાલમાં હાથેથી ચાલતો પેડલવાળો ચરખો રૃ।. ૬૦,૦૦૦માં મળે છે. પણ, સોલાર ચરખાની કિંમત રૃ।. ૧.૧૦ લાખની રહેશે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન આ સોલાર ચરખા દ્વારા દેશભરમાં આશરે છ કરોડ મહિલાઓની રોજગારી આપવા માંગે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020