હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / કચરાં, ઉકરડાંનો નિકાલ કરીને બનાવ્યો ઘરેલું ગેસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કચરાં, ઉકરડાંનો નિકાલ કરીને બનાવ્યો ઘરેલું ગેસ

ગુજરાતીનો કમાલ: કચરાં, ઉકરડાંનો નિકાલ કરીને બનાવ્યો ઘરેલું ગેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મહાઅભિયાનને ગ્રામ્યકક્ષાએ ટેકો આપે તેવી કામગીરી બોરસદના ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવાન દ્વારા કરવામાં આવી રહી છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય. ગામેગામ જોવા મળતાં ઉકરડા તેમજ ગંદકીના ઢગ પણ ન રહે અને તેમાંથી ઘરેલું ગેસ મેળવી શકાય તેવો ડોમેસ્ટિક બાયોગેસ પ્લાન્ટ બોરસદના યુવાન એન્જિનિયર સંજય પટેલે વિકસાવ્યો છે. વિશ્વના 9 દેશો અને ભારતના 10 રાજ્યોમાં આ પ્લાન્ટનો ઉપયોગ હાલ થઇ રહ્યો છે. આ પ્લાન્ટથી ગામ સ્વચ્છ અને રળિયામણું રહે છે અને ઘરનો ચૂલો એકપણ પાઈ ખર્ચ્યા વગર સળગતો રહે છે!

બોરસદના યુવાને સરળતાથી સ્થળાંતર થઇ શકે તેવો પ્લાસ્ટિકનો ડોમેસ્ટિક બાયોગેસ પ્લાન્ટ વિકસાવ્યો

ઘરના એંઠવાડ, સડેલા શાકભાજીમાંથી મેળવ્યો રાંધણગેસ: વિશ્વના 9 દેશો અને ભારતના 10 રાજ્યોમાં 250 ઉપરાંત પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કર્યું: પંદર હજાર રૂપિયાના ખર્ચે નાખી શકાય છે આ પ્લાન્ટ

વર્ષ 1996થી ગ્રામીણ ક્ષેત્રમાં સૂર્યઉર્જાના ઉપકરણોનું કામ કરતાં બોરસદના યુવા એન્જિનિયર સંજય પટેલને ગામેગામ ફરવાનું થતું હતું. ગામમાં જતાં ઠેર ઠેર પડેલાં ઉકરડાંને જોઇને તેઓને થતું કે આનો નિકાલ પણ થાય અને ઉપયોગી નીવડે તેવું કંઇક કરવું જોઈએ. ગામડામાં ગોબરગેસ પ્લાન્ટ નાખવામાં આવેલાં પણ કેટલાંક ટેકનિકલ કારણોસર નિષ્ફળ નીવડ્યાં હતા, જેથી એમાં શું ફેરફાર થઇ શકે એવી જિજ્ઞાસાવૃતિ સાથે સંજય પટેલે ચીન, જર્મની અને યુરોપના પ્રવાસ દરમિયાન અભ્યાસ કર્યો અને અમેરિકામાં જઇને ડોમેસ્ટિક બાયોગેસ પ્લાન્ટ પર કરેલાં પ્રયોગમાં સફળતા મેળવી હતી.

આ વિશે સંજય પટેલે જણાવ્યું હતું કે ‘અમેરિકાના ઓહાયો સ્ટેટ તરફથી આમંત્રણ મળતાં હું ત્યાં પહોંચ્યો હતો. અહીં પ્લાન્ટ માટેના જરૂરી મટિરિયલ્સ, નવી ટેક્નોલોજી અને મેનપાવર સહિતની વસ્તુઓ ઉપલબ્ધ હતી. અમે પ્રથમવાર બાયોગેસના પ્લાન્ટ માટે પીવીસી કોટેડ ફેબ્રિક્સ પ્લાસ્ટિક જેવા મટિરિયલ્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં કોઇપણ બાંધકામ વિના પ્લાસ્ટિકની બેગ જેવો પ્લાન્ટ તૈયાર કરાયો હતો. જેનું વજન પણ એકદમ ઓછું હોવાથી સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ શકાય છે. તેમજ ગણતરીની મિનિટમાં તેનું ઇન્સ્ટોલેશન પણ થઇ શકે છે.’

વધુમાં તેઓએ કહ્યું હતું કે ‘આ બેગમાં છાણ, ભીનો કચરો, એંઠવાડ કે સડેલાં શાકભાજી અને ફળો નાખીને તેમાંથી ઘરેલું ગેસ મેળવવામાં આવે છે. આવા 250 ઉપરાંત પ્લાન્ટ ફિજી, ઇથોપિયા, કેન્યા, પાકિસ્તાન સહિત વિશ્વના 9 દેશો અને ભારતના 10 રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.’

ડોમેસ્ટિક બાયોગેસના ફાયદા

  • એક જ દિવસમાં ઇન્સ્ટોલેશન થઇ શકે છે.
  • એક પ્લાન્ટનો રૂ.15 હજારનો ખર્ચ આવે છે.
  • પ્લાન્ટને ચલાવવા માટે અનુભવી કે કુશળ કારીગરની જરૂર નથી.
  • બૂસ્ટર પંપથી બાયોગેસને પ્રેશરથી સગડી સુધી પહોંચાડે છે.
  • છાણ ઉપરાંત ખોરાકનો બગાડ, એંઠવાડ, ખરાબ શાકભાજી કે ફળો તેમજ ભીનો કચરો ઉપયોગમાં લઇ શકાય છે.
  • બાયોગેસ મેળવ્યાં બાદ તેનાં વેસ્ટમાંથી પણ ખાતર મળતું હોવાથી ખેતીમાં ઉપયોગી છે.

બે પશુ હોય તો એક સિલિન્ડર જેટલો ગેસ મળી રહે

સંજય પટેલે જણાવ્યું હતું કે ‘ગામડામાં મોટાભાગના લોકો પશુપાલન કરતાં હોય છે. જો બે પશુ હોય તેમનાં છાણ અને ઘરમાંથી નીકળતાં એંઠવાડનો પ્લાન્ટમાં નિકાલ કરીને તેમાંથી ઉત્પન્ન થતાં ઘરેલું ગેસમાંથી પાંચથી સાત વ્યક્તિનું ભોજન બનાવી શકાય છે. તેમજ ખેતી માટે ખાતર પણ મળી રહે છે. મહિને એક સિલિન્ડર જેટલો ગેસ મળી રહે છે.’

મહિલાઓ સંચાલિત યુનિટ સ્થપાશે

યુવા એન્જિનિયર સંજય પટેલે જણાવ્યું હતું કે ‘અમેરિકા બાદ ભારતમાં મહિસાગર જિલ્લાના વરધડી ગામે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યુ છે. અહીં હાલમાં 25 યુનિટ બનાવવામાં આવે છે. આગામી દિવસોમાં સંપૂર્ણ મહિલા સંચાલિત યુનિટ સ્થપાશે, જેમાં પ્લાન્ટ બનાવવો, તેને ઇન્સ્ટોલ કરવો અને મેઇન્ટેન કરવાની તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવશે. તેમજ પ્લાન્ટ બનાવવાની ક્ષમતા વધારીને પ્રતિદિનની 300ની કરવામાં આવશે.’

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

3.08860759494
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top