ગરીબીરેખાની નીચે જીવી રહેલા પરિવારોને મફત સ્થાનિક રાંધણગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવા સાથે સંબંધિત ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બલિયામાં લોંચ કરી દીધી હતી. મફત ગેસ કનેક્શનની યોજના લોંચ કરતા મોદીએ પોતાને મજુર નંબર વન તરીકે ગણાવીને અનેક મુદ્દા ઉપર વાત કરી હતી. પોતાને શ્રમિક નંબર વન તરીકે ગણાવીને મોદીએ મજુરોના કલ્યાણ માટે તેમની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી શ્રેણીબદ્ધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. મે દિવસના પ્રસંગે આ યોજના શરૂ કરવામાં આવી છે. મોદીએ અગાઉની સરકારો ઉપર ગરીબો માટે ખુબ ઓછું કામ કરવા બદલ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારો દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ ગરીબોના કલ્યાણને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી ન હતી. માત્ર મતબોક્સને ધ્યાનમાં લઇને યોજના તૈયાર કરાઇ હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જો ગરીબોને શક્તિ મળશે, સંશાધન મળશે અને તક મળશે, શિક્ષણ, રોજગારી, આવાસ, પીવાના પાણી, વિજળી જેવી સુવિધા મળશે તો જ ગરીબી નાબૂદ થશે.
ગરીબી નાબૂદી માટે અગાઉની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી નીતિઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. છેલ્લા ધણા વર્ષોથી ગરીબીમાં વધારો થઇ રહ્યો હતો. અમે ગરીબી સામે લડી રહ્યા છે. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી એલપીજી કનેક્શન બીપીએલ પરિવારોમાં મહિલા સભ્યોના નામે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ વર્ષે ૧.૫ કરોડ આવા કનેક્શન જારી કરવામાં આવનાર છે. ટાર્ગેટ પાંચ કરોડને ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાના ૬૦ વર્ષ બાદ માત્ર ૧૩ કરોડ એલપીજી કનેક્શનની સરખામણીમાં ત્રણ જ વર્ષની અંદર પાંચ કરોડ આવા કનેક્શન તેમની સરકાર ઉપલબ્ધ કરાવશે. મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ના ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં પોતાના પ્રથમ ભાષણમાં કહી ચુક્યા છે કે તેમની સરકાર ગરીબો પ્રત્યે કટિબદ્ધ છે. જે કંઇપણ સરકાર પગલા લેશે તે ગરીબો અને ગરીબોના કલ્યાણના હિતમાં રહેશે. ૧૦૦૦ રૂપિયાના લધુત્તમ પેન્શન સહિતની યોજનાઓનો મોદીએ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત પ્રોવિડંડ ફંડ પોર્ટેબિલિટીના કારણે નોકરી બદલતી વેળા રહી જતાં લાભ હવે મળશે. ૨૭મી માર્ચના દિવસે ગિવ ઇટ અપ ઝુંબેશ લોંચ કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા છે. ૧.૧૦ કરોડ લોકો સ્વૈચ્છિકરીતે સબસિડી છોડી ચુક્યા છે. મોદીએ ખાતરી આપતા કહ્યું હતું કે, સબસિડી સરેન્ડર કરવાથી બીપીએલ પરિવારોને ફ્રી એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગ્રાહકો હાલમાં ૧૨ સિલિન્ડરો અથવા તો પાંચ કિલોના ૩૪ સિલિન્ડરો મેળવવાના હકદાર છે. માર્કેટ કિંમત એલપીજીની વધારે છે પરંતુ સબસિડીની કિંમત ઓછી છે. મોદીએ કહ્યું હતું કે, પ્રથમ વર્ષમાં જ બીપીએલ પરિવારોને જંગી લાભ આપવામાં આવી રહ્યા છે. દરેક એલપીજી કનેક્શન માટે ૧૬૦૦ રૂપિયાની મદદ બીપીએલ પરિવારોને કરાશે. દેશમાં ૧૬.૬૪ કરોડ એલપીજીના સક્રિય ગ્રાહકો રહેલા છે. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, હજુ સુધી વિજળીના થાંભલા પણ નહીં ધરાવનાર ૧૮૦૦૦ ગામડામાં આગામી ૧૦૦૦ દિવસમાં વિજળી પહોંચતી થઇ જશે.
આ માટે સંબંધિત બીપીએલ પરિવારના તમામ સભ્યોના નામે આધારકાર્ડ હોવું જરૂરી છે. ગ્રાહકો ૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે. બીપીએલ રેશનકાર્ડ, બેન્ક પાસબુકની સાથે ત્રણ ફોટો બીડીને અરજી કરવાની રહેશે. સાથે પરિવારના તમામની આધારકાર્ડની નકલ પણ બીડવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગેસ એજન્સીઓ ગેસ કનેક્શનની સાથેસાથે રેગ્યુલેટર, રબર ટ્યૂબ, સગડી વગેરે તમામ સામાન વિનામૂલ્યે આપશે. ઇન્ડેન વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે ગેસ કનેકશન આપશે. એચપીસીએલ ગ્રાહકોને એક સિલિન્ડર, એક રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝિટ, કાર્ડ અને સેફ્ટી હોઝ વિનામૂલ્યે આપશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પર મંત્રિમંડળીય સમિતિ (સીસીઈએ)ને બીપીએલ પરિવારોની મહિલાઓને નિશુલ્ક એલપીજી કનેક્શન પ્રદાન કરવાવાળી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને પોતાની મંજૂરી આપી દીધી છે. યોજના અંતર્ગત બીપીએલ પરિવારોને 5 કરોડ એળપીજી કનેક્શન પૂરા પાડવા માટે 8 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. પ્રત્યેક બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન માટે 1600 રૂપિયાની નાણાકીય સહાયતા અપાશે. યોગ્ય બીપીએલ પરિવારોની ઓળખ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વિચાર-વિમર્શ દ્વારા કરાશે. યોજનાનું અમલીકરણ નાણાકીય વર્ષ 2016-17, 2017-18 અને 2018-2019માં કરવામાં આવશે.
દેશના ઈતિહાસમાં પહેલી વખત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ગરીબ પરિવારોની કરોડો મહિલાઓને લાભ પહોંચાડનારી યોજનાને અમલી બનાવશે.
દેશમાં ગરીબને હજુ સુધી રસોઈ બનાવવાનો ગેસ (એલપીજી) સુધી મર્યાદિત પહોંચ છે. એલપીજી સિલેન્ડરની પહોંચ મુખ્ય રૂપથી શહેર અને અર્ધ-શહેરી ક્ષેત્રો સુધી છે અને એમાંથી પણ મોટાભાગના મધ્યમ અને સમૃદ્ધ વર્ગના છે. કોલસાના ઈંધણ પર આધારિત રસોઈ બનાવવાથી સ્વાસ્થ્યથી જોડાયેલ ગંભીર સમસ્યાઓ જોવા મળી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અનુમાન મુજબ ભારતમાં 5 લાખ લોકોના મૃત્યુ ગંદા કોલસા ઈંધણના કારણે થયા છે. આમાંથી મોટાભાગે મૃત્યુનું કારણ બીનચેપી રોગ જેવા હૃદય રોગ, આઘાત, લાંબા પ્રતિરોધક ફેફસા સંબંધી રોગ અને ફેફસાના કેન્સરનો પણ સમાવેશ છે. ઘરેલૂ વાયુ પ્રદૂષણ બાળકોને થનારા શ્વાસ સંબંધી રોગો માટે મોટી સંખ્યામાં જવાબદાર છે. વિશેષજ્ઞો અનુસાર રસોઈમાં ખુલ્લી આગ સળગાવવી પ્રતિ કલાકે 400 સિગારેટ સળગાવવા સમાન છે.
બીપીએલ પરિવારોને મફત એલપીજી કનેક્શન પૂરું પાડવાથી દેશમાં રસોઈ બનાવવાની ગેસની પહોંચ તમામ લોકો સુધી સંભવ થશે. આનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે અને તેમના સ્વાસ્થ્યની રક્ષા થશે.
આનાથી રસોઈ બનાવવામાં લાગતો સમય અને કઠોર પરિશ્રમને ઓછો કરવામાં પણ સહાયતા મળશે. યોજનાથી રસોઈ બનાવવાના ગેસના વિતરણમાં કાર્યરત ગ્રામીણ યુવાઓને રોજગાર પણ પ્રાપ્ત થશે.
આ દિશામાં નાણા મંત્રીએ 29-02-2016ના બજેટ ભાષણમાં ગરીબી રેખાથી નીચેના પરિવારોની 1.5 કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવા માટે 2000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી હતી. આની સાથે જ બજેટમાં 5 કરોડ પરિવારો સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે યોજનાને બે બીજા વર્ષ સુધી લાગુ કરવાની જાહેરાત પણ થઈ.
સ્ત્રોત: સરદાર ગુર્જરી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/8/2020