অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-પાંદરી ગામ

નિદર્શન યોજના-પાંદરી ગામ

સ્વૈચ્છિક સંસ્થા તથા સ્થાનિક સ્થિતિ

કારોલ જનસેવા વિકાસ મંડળ શ્રી કારોલ જનસેવા વિકાસ મંડળ (મુકામ કારોલ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર) ચુડા તાલુકાના સર્વાગી વિકાસ માટે, તાલુકાનાં ૧૨ ગામોમાં કાર્યરત છે. સંસ્થા ખાસ કરીને દલિતો, અન્ય પછાત વર્ગો અને સીમાંત ખેડૂતો માટે સક્રિય છે. સંસ્થાએ ૧૯૯૮થી ૨૦૦૦ સુધીના દુકાળ દરમિયાન 3 ગામોમાં બંધપાળા, ખેતતલાવડી, પીવાના શુદ્ધ પાણી માટે ભૂગર્ભ ટાંકા તથા પર્યાવરણની સુરક્ષા અને સંતુલન માટે વૃક્ષારોપણનું કામ કર્યું હતું. સંસ્થા દ્વારા રેશનકાર્ડની કામગીરી, ખેતમજૂરોના અધિકારો વિશે, મહિલા જાગતિ કાર્યક્રમો, આરોગ્ય વિષયક કામગીરી તથા સરકારની વિવિધ યોજનાઓને સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચાડવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.

તાલુકામાં પાણીનો પ્રશ્ન

ચુડા તાલકો ૩૭ ગામોનો બનેલો છે. ઓછું શિક્ષણ, વધુ ગરીબી તથા સક્ષમ નેતાગીરીના અભાવે અહીં વિવિધ પ્રશ્નો છે, જેમાં ૩૦ ગામોમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન છે. જયાં પીવાનું પાણી મળે છે ત્યાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે જેથી લોકો પથરી અને સાંધાના દુ:ખાવા જેવા શારીરિક રોગોથી પીડાય છે. અમુક વિસ્તારમાં સખત પથ્થર હોવાના કારણે ત્યાં પાણી રોકવાના કે બોર કૂવા કરવાના પ્રયાસો છતાં પણ પાણી આવતું નથી.

સામાજિક પરિસ્થિતિ

ચુડા વિસ્તારમાં વિવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, જેમાં દલિત, દરબાર, કોળી, ભરવાડ, વાલ્મિકી, રાજપૂત કાઠી, બ્રાહ્મણ, ખાટકી, વાળદ, બજાણીયા, સતવારા વગેરે જ્ઞાતિનો સમાવેશ થાય છે. સામાજિક રીતે જ્ઞાતિની અસમાનતા ખૂબ વધારે છે. પીવાના પાણી માટે અલગ અલગ વ્યવસ્થા છે, ખાસ કરીને દલિતો અને વાલ્મિકી માટે અલગ વ્યવસ્થા છે. જે સમાજનો મોભાદાર વર્ગ છે અથવા જમીનદારો છે તેમના દ્વારા જ અસમાનતા પેદા થયેલ છે. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે લોકોનું માનસ જૂનવાણી રહ્યું છે અને સામાજિક રીતરિવાજોમાં સમય સાથે પરિવર્તન આવ્યું નથી.

આર્થીક સ્થિતિ

આર્થિક રીતે ખૂબ પછાત તાલુકો છે. વરસાદ આધારિત ખેતી હોવાથી બે -ત્રણ વર્ષ દુકાળ પડતાં ખેડૂતની પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બને છે. ખેતી પર નભતા ખેતમજૂરોએ સ્થળાંતર કરવું પડે છે. અમુક પૈસાદાર વર્ગ છે તે ગરીબ લોકોને ઊંચા વ્યાજદરે પૈસા આપે છે અને ચક્રવદ્ધિ વ્યાજનું ચલણ છે. સમાજના નબળા વર્ગ દલિત, વાલ્મિકી, કોળી પાસે જમીન તથા અન્ય આવકનાં સાધનો ઓછાં છે, તેથી આ તાલુકામાં આર્થિક અસમાનતા વધારે જોવા મળે છે.

નિદર્શનનો હેતુ અને સમજ

પાંદરી ગામમાં પ્રવાહ અંતર્ગત સૌ માટે સ્વચ્છ પાણી કાર્યક્રમના ભાગરૂપે ભૂગર્ભ ટાંકાનું નિદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું, તેની પાછળ મુખ્યત્વે નીચે મુજબના હેતુ અને સમજ હતાં.

  • સ્થાનિક લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે.
  • પીવાના પાણી માટે લોકો સ્વાવલંબી બને તેમણે અન્ય પર આધાર રાખવો ન પડે.
  • લોકોને શુદ્ધ પીવાના પાણીનું મહત્વ સમજાય.
  • અન્ય ગામોને નિદર્શન દ્વારા સ્વાવલંબનનો સંદેશો પહોંચે.
  • લોકભાગીદારીનું ઉદાહરણ ઊભું થાય, લોકો દ્વારા બનાવેલી યોજના અને લોકો તેનો અમલ કરે.
  • વિકેન્દ્રિત પીવાના પાણી યોજના તૈયાર થાય.

નિદર્શનની પ્રક્રિયા

ભૌતિક પ્રક્રિયા: ભૌતિક પ્રક્રિયામાં સૌ પ્રથમ સંસ્થાના કાર્યકરો તથા પ્રવાહના રિજનલ કોઓર્ડિનેટર્સ ગ્રામ સમિતિના

સભ્યો સાથે રહી ગ્રામસભા યોજી. ગ્રામ સભામાં નક્કી થયું કે નિદર્શન કાર્યક્રમ હેઠળ ગામમાં વ્યક્તિગત, છત પરથી વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા બનાવવા.

સામાજિક પ્રક્રિયા:  સમાનતાની દૃષ્ટિએ નિદર્શન દરમ્યાન ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. ગ્રામસભામાં, પાંદરી ગામમાં રહેતાં ૭ દલિત કુટુંબ, 3O અન્ય પછાત વર્ગનાં કુટુંબ અને ૨ બ્રાહ્મણ કુટુંબોની જરૂરિયાત અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તેમને અગ્રતા આપવાનું નકકી કરેલ. આ પરિવારો ગ્રામસભામાં હાજરી આપતા થાય અને તેઓ પણ પોતાના પ્રશ્નો રજૂ કરતા થાય એ પણ હેતુ હતો.

ચાવીરૂપ પરીબળો

ગામમાં વ્યક્તિગત માલિકીના, વરસાદી પાણીના સંગ્રહ ટાંકા બનાવવાનું નક્કી થયું હોવાથી, બિનકાયદેસર મકાનમાં રહેતા અમુક વર્ગના લોકોને તેનો લાભ મળી શકે તેમ નહોતો. ૨૫ લોકોનાં મકાન બિનકાયદેસર હોઈ સ્ટ્રકચર બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ. આ કારણે લોકોમાં તકરાર ઊભી થઈ. અમુક અંશે રાજકીય પરિબળોનું દબાણ પણ જોવા મળ્યું. ઉપરાંત, સંપૂર્ણ ખારાશવાળો વિસ્તાર હોવાથી વધુ ખોદકામ જરૂરી હતું અને તેથી વિલંબ થયો. પાણી સમિતિ ઝડપથી પરિપકવ બનશે કે નહીં તેની અનિશ્ચિતતા એક મોટું જોખમ છે.

ચાવીરૂપ પરીબળો

ગામમાં વ્યક્તિગત માલિકીના, વરસાદી પાણીના સંગ્રહ ટાંકા બનાવવાનું નક્કી થયું હોવાથી, બિનકાયદેસર મકાનમાં રહેતા અમુક વર્ગના લોકોને તેનો લાભ મળી શકે તેમ નહોતો. ૨૫ લોકોનાં મકાન બિનકાયદેસર હોઈ સ્ટ્રકચર બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ. આ કારણે લોકોમાં તકરાર ઊભી થઈ. અમુક અંશે રાજકીય પરિબળોનું દબાણ પણ જોવા મળ્યું. ઉપરાંત, સંપૂર્ણ ખારાશવાળો વિસ્તાર હોવાથી વધુ ખોદકામ જરૂરી હતું અને તેથી વિલંબ થયો. પાણી સમિતિ ઝડપથી પરિપકવ બનશે કે નહીં તેની અનિશ્ચિતતા એક મોટું જોખમ છે.

નિદર્શનનો ભૌતિક અને યાંત્રિક દૃષ્ટિકોણ

સ્થાનિક સ્થિતિ અનુસાર નવીનતા: ગામમાં સર્વત્ર ખારી જમીન છે. ઉપરાંત કૂવા કે હેન્ડપંપ જેવા સ્થાનિક સોત નથી. આ કારણે છત પરથી વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા આ ગામમાં ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે. આર.સી.સી.ના જે ટાંકા બનાવવામાં આવ્યા છે તે ખૂબ મજબૂત છે. ખાસ તો, દિવાલની બાજુમાં રેતી ભરી હોવાથી લાંબા ગાળા સુધી એમાં ક્ષાર આવવાની શકયતા નથી. જમીન ખારી હોવાથી જો ટાંકા ઈટના બનાવ્યા હોય તો તેમાં લાંબા ગાળે લણો લાગતાં સ્ટ્રકચર ત્ટી જવાની શકયતા રહે છે. આ વિસ્તારની જમીનની ખાસિયતને ધ્યાનમાં રાખીને આર.સી.સી.ના ટાંકા બનાવવામાં આવ્યા તે આ નિદર્શનની નવીનતા છે. અહીં સરકાર કે અન્ય કોઈ સંસ્થા દ્વારા આર.સી.સી.ના ટાંકા બનાવવામાં આવ્યા હોય તેવું સંસ્થાની જાણમાં નથી.

સ્ટ્રકચરોની નિભાવણી માટે સ્થાનિક ક્ષમતા: નિદર્શન કાર્યક્રમ અંતર્ગત રચવામાં આવેલી પાણી સમિતિને અન્ય સંસ્થા દ્વારા થયેલ આ પ્રકારનાં નિદર્શનની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી. પાણીના સંગ્રહ ટાંકા વ્યકિતગત હોવાથી લોકો પોતાની રીતે જાળવણી કરી શકે તે માટે તેમને સંસ્થા તથા પ્રવાહ દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે.

પાણીની ઉપલબ્ધતા, ગુણવત્તા તથા સ્વચ્છતા, આરોગ્ય પર અસર: નિદર્શન કાર્યક્રમમાં જે વ્યક્તિ વરસાદી પાણીના સંગ્રહ ટાંકા બનાવવામાં આવ્યા છે તેની મદદથી આ પરિવારોને વરસાદનું ચોખમું પાણી પીવા માટે ઉપલબ્ધ છે. ઉપરાંત, ટાંકો ખાલી થઈ જાય તો તળાવમાંથી પાણી લાવીને તેનો સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ તેમને સુલભ રહેશે. ૧૦,૦૦૦ લિટરની ક્ષમતાવાળા ટાંકા હોવાથી, પાંચ વ્યક્તિનો પરિવાર જો માત્ર પીવા માટે ઉપયોગ કરે તો ઉનાળાના ત્રણ મહિના તેઓ સહેલાઈથી પસાર કરી શકે.

અત્યાર સુધી ગામમાં લોકો પીવાનું પાણી ર કિ.મી. દૂર વીરડામાંથી ભરી લાવતા. તેમાં સમયનો બગાડ થતો અને વીરડાનું પાણી અશુદ્ધ હોવાથી કમળો, મરડો, ટાઇફોઇડ, સાંધાનો દુ:ખાવો, પથરી જેવા વિવિધ પ્રકારના પાણીજન્ય રોગોથી લોકો પીડાતા.

હવે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેતાં તેમનું આરોગ્ય જળવાશે અને આર્થિક નુકસાનીમાંથી બચી શકશે.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

આ ગામમાં બનાવવામાં આવેલા વરસાદી પાણીના સંગ્રહ માટેના આર.સી.સી.ના ટાંકા સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ હોવાથી લાંબા ગાળા માટે ઉપયોગી છે અને તેથી આર્થિક રીતે પણ ટકાઉ છે.

કાર્યક્રમમાં જુદા જુદા ઘટકોનો ખર્ચ

જમીન : નિદર્શન કાર્યક્રમ અંતર્ગત પીવાના પાણી માટે કામ કરવામાં આવેલ જમીન ખોદાણનો કુલ ખર્ચ ૮૦ ટાંકા માટે રૂ. પ૭,૮૮૮ થયો છે.

કાચો માલ : નિદર્શન અંતર્ગત સ્ટ્રકચર બનાવવા માટે સીમેન્ટ, રેતી, કપચી, લોખંડ જેવા વિવિધ કાચા માલનો ઉપયોગ કરવામાં આવ્યો. આ કાચો માલ બાંધકામના સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લોકોએ પોતે કરી હતી. કાચા માલ માટે નીચે મુજબ ખર્ચ થયો.

કાચો માલ

જથ્થો

રૂપિયામાં ખર્ચ

કપચી

૮૬ બ્રાસ

૧૦૯૨૬૦

રેતી

૧૨૧ બ્રાસ

૩૨૧૪૪

લોખંડ

૧૬૩૦  કી

૫૦૮૦૯૦

કેમીકલ

૨૦૦ થેલી

૬૦૦૦

સીમેન્ટ

૨૧૪૦  થેલી

૩૫૦૯૬૦

મજુરી

કાર્યક્રમ અંતર્ગત ટાંકો ગાળવાની જવાબદારી જે તે લાભાર્થી પરિવારને સોંપવામાં આવી હતી. એ રીતે, શ્રમદાન દ્વારા લોકોએ કામમાં ફાળો આપ્યો. સ્ત્રી-પુરુષોએ શ્રમદાન પેટે કુલ રૂ. 3પર૦નું કામ કર્યું.

નિભાવણી અને જાળવણી માટે કોની જવાબદારી

વ્યક્તિગત ટાંકા હોવાથી તેની નિભાવણી અને જાળવણીની જવાબદારી જે તે લાભાર્થીની છે. આ માટે લાભાર્થી પરિવારોનાં બહેનોને સંસ્થા અને પ્રવાહ દ્વારા વિવિધ વિગતોને આવરી લેતી તાલીમ આપવામાં આવી છે. ટાંકાની સફાઈ, પાણીની ગુણવત્તાની જાળવણી માટે ટાંકામાં ચૂનાની ટોટી કે માટલી મૂકવી, ઢાંકણ બંધ રાખવું શરૂઆતના વરસાદનું પાણી ન ભરવું, ટાંકા ઉપર કપડાં ધોવાં નહીં વગેરે બાબતોની આ પરિવારોમાં સમજણ કેળવવામાં આવી છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

સૌની સહભાગીતા: ગામમાં ભરવાડ, દલિત, પગી, પટેલ, બ્રાહ્મણ વગેરે પરિવારની વસ્તી છે. લગભગ બધા જ પરિવારને નિદર્શનમાં આવરી લેવામાં આવ્યા હોવાથી નિદર્શનમાં સૌની સહભાગીતા ઘણી સારી રહી. માત્ર અમુક પરિવારોનાં મકાન કાયદેસરનાં ન હોવાથી પ્રારંભિક મુશ્કેલીઓ નડી. લાભાર્થી પરિવારોએ બાંધકામ માટે માલસામાનની જાળવણી અને યોગ્ય વપરાશ, લોકફાળો, ગુણવત્તાની જાળવણી વગેરે બાબતોમાં સક્રિય ભૂમિકા ભજવી. સમગ્ર કામ દરમિયાન, દરેક લાભાર્થી પરિવાર દ્વારા રૂ. ૨૫00નો રોકડ લોકફાળો અને રૂ. 3પર0ના શ્રમદાનનો ફાળો આપવામાં આવ્યો. આ કામમાં ગામનાં બહેનો અને ભાઈઓ, વડીલો, તલાટી, સરપંચ તથા મૂળ આ ગામના પરંતુ અન્યત્ર વસવાટ કરતા ટેકનિકલ જાણકાર લોકોનો પણ સહકાર રહ્યો.

વંચિતો અને મહિલાઓની સહભાગીતા: ગામમાં જયારે જયારે ગ્રામસભા કે પાણી સમિતિની મિટિંગ કરવામાં આવતી ત્યારે દલિતો તથા બહેનો વધુ ને વધુ સંકળાય તેવા પહેલેથી પ્રયાસો કરવામાં આવ્યા. નિદર્શનની શરૂઆત દલિતોનાં ૧૦ ઘરથી કરવામાં આવી હતી. ટાંકાની જાળવણી માટે માટે લાભાર્થી પરિવારોનાં મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખીને તાલીમ આપવામાં આવી. સમગ્ર કાર્યવાહી દરમિયાન, વંચિતો અને મહિલાઓને ગ્રામસભામાં હાજરી આપીને પોતાની વાત કહેવાની તક મળી અને ગામના મુખ્ય પ્રવાહમાં તેઓ પણ સંકળાયા તે આ નિદર્શનનું એક મોટું જમાપાસું છે.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

નિદર્શન હેઠળ, ગામમાં ગ્રામસભા યોજી, સમાજના બધા લોકોની હાજરીમાં, સૌની સહમતિ સાથે પાણી સમિતિ રચીને તેના દ્વારા બધું કામ કરવામાં આવ્યું છે. પાણી સમિતિના સભ્યો ભણેલા હોવા જોઈએ, તેમાં વધારેમાં વધારે બહેનોની ભાગીદારી હોવી જોઈએ, તથા ગામની બધી જ્ઞાતિને તેમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે પાણી સમિતિની રચનાના મુખ્ય માપદંડ હતા. ગ્રામસભામાં જે પાણી સમિતિ બની છે તેમાં સાત બહેનો છે.

પાણી સમિતિનું બંધારણ

  • શિક્ષિત લોકોની હાજરી
  • મંડળો ચલાવતા લોકોની પસંદગી.
  • ૧/૩ બહેનોની સંખ્યા.
  • રાજકીય કાર્યકરોનો સમાવેશ નહીં.
  • સ્થાનિક પ્રશ્નોને વાચા આપી શકે તેવા સભ્યો.
  • દરેક જ્ઞાતિના સભ્યોનો સમાવેશ. • અશિક્ષિત ગ્રામજનોને સમજાવી શકે તેવા સભ્યો.
  • ગામ સાથે સારા સંબધો ધરાવતા લોકો.
  • ગામના વિકાસમાં સહભાગીતા ધરાવતા લોકો.
  • ગરીબ, દલિત તથા વિવિધ બહેનો પ્રત્યે હમદર્દી ધરાવતા સભ્યો.
  • પાણી સમિતિની ભૂમિકા

સ્થાનિક પરિસ્થિતિનો સર્વે કરવો.

  • સભ્ય પોતાની જવાબદારીમાં સક્રિય રહે તેવું વાતાવરણ ઊભું કરવું.
  • લોકફાળો એકત્રિત કરી તેનો યોગ્ય ઉપયોગ કરવો.
  • સંસાધનોની સમાન વહેંચણી થાય તેવા પ્રયત્ન કરવા.
  • સરકારની અન્ય યોજના લોકો સુધી પહોંચાડવી.
  • પાણીની યોજના લાવવી અને તેનું અમલીકરણ કરવું.
  • માલસામાનનું ધ્યાન રાખવું અને સ્ટોક જાળવવો. • ગામ લોકોને જાગ્રત કરવા.
  • લોકભાગીદારી અને સંગઠન ઊભાં કરવાં.
  • પાણી સમિતિની મીટિંગ યોજી કામનું મૂલ્યાંકન કરવું.

સંસ્થાકીય માળખું

પીવાના પાણી માટે ગામમાં કરવામાં આવેલા નિદર્શન બાદ, લોકોમાં આ રીતે સામુહિક રીતે

જવાબદારીઓ ઉપાડવાની ભાવના કેળવાય અને એક લાંબા ગાળાનું સંસ્થાકીય માળખું તૈયાર થાય તે માટે સંસ્થા અને પ્રવાહ દ્વારા નિયમિત બેઠકો, તાલીમ, પ્રેરણા પ્રવાસ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસો અંતર્ગત ૬ પાણી સમિતિની મીટિંગ, ૨ ગ્રામસભા, બહેનો માટે ૨ પ્રેરણા પ્રવાસ તથા નિભાવણી માટેની ૧ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પાણી સમિતિના સભ્યોને સ્ટોક રાખવા તથા હિસાબો જાળવવા, ભૌતિક કામોનાં માપ લેવાં, લોકફાળાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો તથા ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ કરવું વગેરે બાબતોની તાલીમ આપવામાં આવી હતી.

ગામમાં સંઘર્ષ નિવારણનું પણ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

  • પાણી સમિતિની સર્વે સત્તા તથા લોકોમાં જાગૃતિ આવે તે માટે નાણાંકીય સ્પષ્ટતા (પારદશીંકતા).
  • ગામના સરપંચ, તલાટી વગેરેને કાર્યક્રમમાં સામેલ કરવા.
  • ગામના આગેવાનોની સાથે રહી નિદર્શન કામની પ્રક્રિયાને આગળ વધારવી.
  • સ્થાનિક સ્વસહાય જૂથોનાં બહેનોની કાર્યક્રમોની સામેલગીરી.

નીતિ વિષયક હિમાયત

નિદર્શન કાર્યક્રમ દરમિયાન સંસ્થા અને ગામલોકોને ઘણી બાબતોનું મહત્વ સમજાયું, જે અન્ય ગામોમાં આ પ્રકારે કામ કરવા માટે બોધપાઠોનું સારું એવું ભાથું તૈયાર કરી આપે છે. ગામોમાં પાણી માટે સ્વાવલંબનના મુદ્દે નીતિ વિષયક હિમાયતમાં ઉપયોગી બને તેવી બાબતો, સંસ્થાની નજરે નીચે મુજબ છે.

  • સમગ્ર પ્રક્રિયામાં તમામ વર્ગોને અને બહેનોને સાંકળવાથી સામાજિક જાગતિ કેળવાય છે.
  • નાણાંકીય હિસાબોની પારદશીંકતાથી કામ વધુ અસરકારક બને છે.
  • આ રીતે કામ કરવાથી લોકો પાણી સંબંધી બાબતોમાં પોતાનો મત વ્યક્ત કરતાં શીખે છે, તથા ભૌતિક કામની આવડત પણ કેળવાય છે.
  • લાભાર્થીઓ રોકડ અને શ્રમદાન રૂપે લોકફાળો આપતા હોવાથી તેમનામાં પોતીકાપણાની ભાવના જાગે છે અને તેઓ સમગ્ર પ્રક્રિયામાં રસપૂર્વક સાથ આપે છે.
  • આ રીતે ફરી કામ કરવાની તક મળે તો બધા પરિવારો માટે એક સરખા માપના ટાંકા તૈયાર કરવાને બદલે, દરેક કુટુંબના સભ્યોની સંખ્યા ધ્યાનમાં રાખી, તેમની જરૂરિયાત મુજબના માપના ટાંકા તૈયાર કરવા વધુ જરૂરી લાગે છે. ઉપરાંત કામની ઝડપ અને ગુણવત્તા સુધરે તે માટે તાલીમબદ્ધ કારીગરોને ઉપયોગ વધુ હિતાવહ લાગે છે.
  • આ નિદર્શન કાર્યક્રમ હોવાથી, આ કાર્યક્રમ પહેલાં લોકોની મુશ્કેલી હતી અને પછી તેનો જે રીતે અંત આવ્યો છે તેનો અહેવાલ સ્થાનિક મામલતદાર કચેરી સુધી પણ પહોંચાડવામાં આવે તો સ્થાનિક કક્ષાએ આવા પ્રયાસોની અગત્યતા સમજાય અને સ્થાનિક સંસ્થાગત માળખાંઓને જ્યારે મદદની જરૂર પડે ત્યારે તે મળી પણ રહે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય  Website: www.pravah-gujarat.org

લેખક : તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર અમલીકરણઃ પાણી સમિતિ, પાંદરી માર્ગદર્શક કારોલ જનસેવા વિકાસ મંડળ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate