વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિદર્શન યોજના-ગાંજાવદર

પીવાના પાણી માટેની નિદર્શન યોજ્ના ગાંજાવદર વિશેની માહિતી

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય

મહિલા વિકાસ સંગઠન

મહિલા વિકાસ સંગઠન રાજુલા તાલુકા અને મહુવા તાલુકાનાં ગામોમાં કાર્ય કરે છે. શરુઆત દરિયાઇ પટ્ટીનાં ગામોનાં સંગઠનો સાથે મળી કરવામાં આવી. મહિલા વિકાસ સંગઠનનો મુખ્ય હેતુ વિસ્તારનાં વંચિત, દલિત, શોષિત બહેનોના શોષણમાં ઘટાડો થાય તેમ જ જ્ઞાતિ જાતિના ભેદભાવ દૂર કરી સમાજનાં બહેનો સંગઠિત બની સામાજિક અને આર્થિક વિકાસ સાધી સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યો આધારિત નવા સમાજની રચના કરે તેવો છે.

ગાંજાવદર ગામ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ ગાંજાવદર ગામ ઝોલાપરી નદીના કિનારે વસેલું છે. શહેરથી ૨૦ કિ. મી. દૂર આવેલ આ ગામ વસ્તીની દૃષ્ટિએ નાનું અને ખેતી પશુપાલનની દૃષ્ટિએ વિકાસશીલ છે. ગામ શહેરથી ૨૦ કિ.મી. દૂર આવેલું છે, તેમ જ ગામથી રાજુલા-મહુવાને જોડતો રાજ્ય ધોરી માર્ગ ૧૦ કિ.મી. દૂર છે. ગામમાં જવા માટે કાચો રસ્તો છે તેથી લોકોને ચોમાસામાં ઝોલાપરી નદીમાં પાણી હોય ત્યારે આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ગાંજાવદર ગામની ભૂતકાળની પરિસ્થિતિ જોઇએ તો ૧૯૮૦ના વર્ષ સુધી ઝોલાપરી નદી સતત વહેતી રહેતી. તે સમયમાં નદી કિનારે એક કૂવો હતો, જેમાંથી લોકો પીવાનું પાણી મેળવતા, આમ ગામમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી નહોતી. ખેતી અને પશુપાલનની દૃષ્ટિએ પણ ગામ સમૃદ્ધ હતું. ખેતીમાં ગામના લોકો દેશી ખાતરોનો વધારે ઉપયોગ કરતા હતા. તેથી પાક ઉત્પાદન વધારે મળતું હતું. વળી રોગો-કિટકોનો ઉપદ્રવ નહીંવત હતો. પાકોને આપવામાં આવતું પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવતું, તેથી પાકોને અછતના સમયે પણ પાણી મળી રહેતું. પશુપાલનમાં ભેંસો કરતાં ગાયોની સંખ્યા વધારે જોવા મળતી હતી. તેમના માટે પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહેતો. સમય જતાં, ૧૯૮૨માં ઝોલાપરી નદીમાં ભારે પૂર આવવાથી ગામના લોકો જૂના ગામમાંથી ઉત્તર તરફ ગામથી ૧ કિ. મી. દૂર ટેકરી ઉપર વસવાટ કરવા ચાલ્યા ગયા. જે ગામને નવા ગાંજાવદર તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં ગામની વસ્તી ર૦રની છે. જેમાં પુરુષ ૮૧, સ્ત્રી ૭૫ અને બાળકો ૪૬ છે. અને ગામમાં બે જ જ્ઞાતિ દલિત અને આહિર વસવાટ કરે છે. બંને જ્ઞાતિના લોકો ખેતી અને પશુપાલનની સાથે સંકળાયેલા છે. ખેતીમાં હાલ ગામના લોકો દેશી ખાતરોની સાથે રાસાયણિક દવાનો વધારે ઉપયોગ કરે છે. તેથી પાક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળે છે. વળી કપાસ અને ડુંગળી જેવા રોકડીયા પાકનું વાવેતર કરવાથી સિંચાઇના પાણીની સાથે ભૂગર્ભ જળ ખેચવા માટે કૂવાની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે તેથી પાણીના સ્વાદમાં અને ઉપલબ્ધ ભૂગર્ભ જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયેલો જોઈ શકાય છે. ગામમાં પીવાના પાણી માટે પાંચ ખાનગી હેન્ડ પંપ, 3 સરકારી હેન્ડપંપ અને એક કૂવો છે. જેમાં સરકારી હેન્ડપંપમાંથી લોકો વધારે પ્રમાણમાં પાણી ભરે છે. તેમ જ ઉનાળામાં પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે. જે પાણી મળે છે તે પણ ભાંભળું અને મોળું મળે છે.
સુવિધાની દૃષ્ટિએ આ ગામ ઉટીયા ગ્રામ પંચાયત હસ્તકની જૂથ પંચાયતમાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા છે તથા કોમ્યુનિટી હોલની વ્યવસ્થા છે, જેનો ઉપયોગ ગામના લોકો જાહેર બેઠકો તથા તહેવારોમાં કરે છે. જૂના ગામમાં વીજળીની સગવડતા છે જ્યારે નવા ગામમાં વીજળી ઉપલબ્ધ નથી.
ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ જોતાં, ગામમાં બે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. જેમાં જૂનું ગામ નીચાણવાળા સપાટ વિસ્તારમાં છે, જ્યારે નવું ગામ ઊચાણવાળા વિસ્તારમાં પથરાળ જમીનવાળી ટેકરી ઉપર છે. ગામની પિયત જમીન ૧.૬૯ હેક્ટર, બિનપિયત જમીન ૧૯૩.૩૮ હેક્ટર, પડતર જમીન ૩૪.૮૭ હેક્ટર તથા ગૌચર જમીન ૮.૯૨ હેક્ટર છે. હાલ જમીનમાં ખારાશનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે અને કૂવામાં ૪પથી પ૦ ફૂટ ઊંડાઇએ પાણી આવે છે.

ગાંજાવદર ગામ નિદર્શન માટે પસંદ કરવાનાં કારણો

 • વસ્તીમાં નાનું ગામ છે.
 • ગામના લોકો રસવાળા અને ઉત્સાહી તેમ જ સહકારની ભાવનાવાળા છે.
 • ગામ શહેરથી દૂર અંતરિયાળ છે. જ્યાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ છે.
 • પીવાના પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થાનો અભાવ છે.
 • લોકો અસંગઠિત અને સરકાર ઉપર આધારશીલ છે.
 • પરિવારોમાં પુરુષોનું વર્ચસ છે.
 • લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે.

આ ઉપરાંત, મહિલા વિકાસ સંગઠનની દૃષ્ટિએ,

 • સંગઠન માટે આ નવીન પ્રક્રિયા હતી.
 • સંગઠનનાં બહેનો આ વિસ્તારમાં તેમની ઓળખ ઊભી કરી શકે.
 • સંગઠનનાં બહેનો લોકો સાથે રહીને કામ કરે તો તેમનું પોતાનું ઘડતર થાય, સાચા અર્થમાં સામાજિક શિક્ષણનું જ્ઞાન વિસ્તરે અને તેના દ્વારા અન્ય સંગઠનો અને ગામો તેમાંથી પ્રેરણા મેળવી શકે.

નિદર્શનનો હેતુ અને સમજ

મહિલા વિકાસ સંગઠન દ્વારા ગાંજાવદર ગામના લોકો સાથે રહીને સમાનતાના દૃષ્ટિકોણથી પીવાના પાણી અને સ્વચ્છતાનાં કામો લોકભાગીદારીથી કરવાની સમજ સાથે અહીં કામ કરવામાં આવ્યું. જેથી ગામ સ્તરે લોકોમાં સંગઠનની ભાવના દૃઢ બને અને ગામના પ્રશ્નો ઉપર લોકો અરસપરસના સંવાદ દ્વારા ચર્ચા વિચારણા કરી આયોજન બદલ કામો કરે. સાથે-સાથે લોકોમાં સ્વાવલંબનની તથા માલીકીપણાની સમજ વિકસે જેથી તેઓ ગામના પ્રશ્નો અને સંઘર્ષોને નિવારી શકે અને અન્ય ગામો માટે લોકભાગીદારીથી ગ્રામવિકાસનું એક ઉદાહરણ ઊભું થાય.

નિદર્શનની પ્રક્રિયા

સૌ પ્રથમ ગામમાં સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિને સમજવા માટે સામાજિક અને ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો. ત્યાર બાદ ગ્રામસભા રાખવામાં આવી. તેમાં સંસ્થાનો પરિચય, પ્રવાહ નેટવર્કનો પરિચય, કાર્યક્રમનો ઉદ્દેશ, પાણી સમિતિની રચના, સમિતિના ઠરાવો, કામની ચર્ચા, કામની વહેંચણી અને જવાબદારી, વીડિયો શો, મહિલા સંગઠનની રચના, તાલીમ, પ્રેરણા પ્રવાસ અને બેંકમાં ખાતું ખોલવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

ગાંજાવદર ગામમાં પીવાના પાણીને લઇને શું શું થઈ શકે તેવું છે તે ગામલોકો સાથે રહીને નક્કી કરવામાં આવ્યું. જે અનુસાર, ગામના લોકોને પ્રેરણા મળે તેવા વરસાદી પાણીનો સંગ્રહ કરતા ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા. જેમાં જરૂરી લોકફાળા માટે લોકોએ શ્રમદાન (જાતે ખોદાણકામ, મજૂરીખર્ચ) કર્યું. આ ભૂગર્ભ ટાંકાથી લોકોને પાણીની સરળ ઉપલબ્ધિ તથા પાણીના પ્રશ્નને નિવારવા પાણી સંગ્રહની સારી પદ્ધતિની જાણ થઇ.

ઉપરાંત હેન્ડપંપ જે બંધ હાલતમાં હતા તેને ફરીથી ચાલુ કરી તેના વધારાના પાણીને સંગ્રહ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જેમાં પાણી હતું તેવા જૂના કૂવાનું સમારકામ કરીને હયાત પાણીના સોતને ઉપયોગમાં લેવાની કામગીરી ચાલુ કરી. આ કૂવામાંથી પાણી સરળતાથી કાઢી શકાય તે માટે ગરગડી પણ ગોઠવેલ છે.

કુલ પ ભૂગર્ભ ટાંકામાંથી, ૨ ટાંકા જૂના ગામમાં, ૨ નવા ગામમાં તથા ૧ દલિતને ફાળવવાનું ગામલોકોએ નક્કી કર્યું. પરંતુ જૂના ગામવાળા લોકો પણ નવા ગામમાં સ્થળાંતર કરવાનું વિચારતા હોવાથી પાંચેય ટાંકા નવા ગામમાં થયા. જોકે દલિતોને એક ભૂગર્ભ ટાંકો ફાળવવામાં આવ્યો. તમામ પ્રક્રિયા ગામલોકો માટે નવી હોવાથી તેઓને પણ વધારે જાણવા મળ્યું હતું.

મુશ્કેલીઓ

 • લોકો માટે આ નવીન પ્રક્રિયા હતી, તેથી શરૂઆતમાં લોકો જોડાતા નહીં.
 • ગામ સ્તરે કયાં કયાં કામો કરવાં અને તેની જવાબદારી કેમ નક્કી કરવી તેની સમજનો અભાવ જોવા મળતો.
 • ગામમાં પુરુષોનું વર્ચસ હોવાથી બહેનો, ભાઇઓની વચ્ચે આવી શકતાં નહીં. તેથી બહેનોની ભાગીદારી વધારવામાં મુશ્કેલી પડતી હતી.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

 • લોકોનું સંગઠન ઊભું થયું. જેમ કે પાણી સમિતિ અને મહિલા બચત મંડળની રચનાની પ્રક્રિયા થઈ.
 • પુરુષોના વર્ચસમાંથી બહેનો બહાર આવ્યાં અને મીટિંગોમાં આવી નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર થયાં.
 • ગામના ભાઇઓની માનસિકતા એવી હતી કે બહેનો બહાર આવશે નહીં. પરંતુ હાલ બહેનો, ભાઇઓની સાથે ચર્ચા કરે છે અને ગામના પ્રશ્નોના નિરાકરણની પ્રક્રિયામાં જોડાય છે.
 • આયોજન અને નિર્ણય પ્રક્રિયામાં બહેનોની ભાગીદારી વધી. ૦ વરસાદી પાણી સંગ્રહની સમજ ગામના અન્ય લોકોમાં ઊભી થઈ. તેથી તેઓ પણ આવા પ્રકારનાં કામો કરવાં જોઇએ, તેવો સંવાદ કરતા થયા.
 • સરકારી માળખા બાબતે અને સંસ્થાઓની કામગીરી બાબતની સમજનો દૃષ્ટિકોણ લોકોમાં બદલાયેલ જોવા મળેલ છે. જેમ કે સરકારી લોકો તેમની રીતે કામ કરીને ચાલ્યા જાય છે, જ્યારે સંસ્થા ગામના લોકોને જોડીને કામ કરે છે, તેવી લોકોની સમજ ઊભી થઈ છે.
 • યુવાધનને વિકાસની દિશા મળી છે.
 • સરકારી હિતધારકો ગામના કાર્યક્રમોમાં સહભાગી બને છે.
 • બે જ્ઞાતિના લોકો સાથે બેસતા થયા.
 • ગામનાં સ્વચ્છ વાતાવરણ ઊભું થયું છે. અને પાણી તેમ જ સ્વચ્છતા બાબતે બહેનોમાં જાગૃતિ ઊભી થઈ. ગામની સમિતિના સભ્યોને અને ગ્રામ્ય લોકોને પર્યાવરણની સમજ ઊભી થઈ.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

સંસ્થાના માર્ગદર્શનમાં લોકો દ્વારા કરવામાં આવેલાં આ કામનું સંચાલન અને યોગ્ય નિભાવણી લાંબા સમય સુધી થઈ શકે તેમ છે કે નહીં તે જાણવા માટે સંસ્થાએ કેટલાક ચાવીરૂપ માપદંડો વિચાર્યા છે:

 • પાણી સમિતિના સભ્યો નિયમિત મીટિંગ કરતા હશે.
 • સમાનતાના દૃષ્ટિકોણથી બહેનોની સહભાગીદારીથી નિર્ણયો લેવાતા હશે.
 • સરકારી યોજનાઓનું અમલીકરણ થતું હશે.
 • નિયમિત રજિસ્ટરો જાળવવામાં આવતાં હશે.
 • ગામના પ્રશ્નોનું નિરાકરણ કરવાની ચર્ચા સભ્યો દ્વારા કરવામાં આવશે.
 • બહેનો સંગઠનની પ્રક્રિયામાં જોડાઇને બચતની સાથે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરતાં હશે.
 • ગામના લોકો ઓછા પાણીએ થતા પાકો વાવવા તરફ પ્રેરાશે તથા ગામના લોકો રાસાયણિક ખાતરોને બદલે ખેતીમાં સેન્દ્રિય ખાતર વાપરતા હશે.
 • ગામના લોકો વરસાદી પાણીના સંગ્રહ માટે જાગૃત થશે.
 • અસંગઠિત લોકો સંગઠિત થયેલા હશે અને બચતની સાથે રોજગારી તરફ વળેલા હશે.
 • પાણી સમિતિના સભ્યો તેમની ફરજોનું અમલીકરણ કરશે અને કરાવશે.
 • પાણી સમિતિના સભ્યો ગામ સ્તરના બધા વિકાસના કાર્યક્રમમાં સહભાગી બનીને ગામલોકોને તેમાં જોડશે.

ગાંજાવદર ગામનું ગીત

ઝોલાપરી નદી નામ છે,

એની પડખે ગાંજાવદર ગામ છે

ગામ ગામથી નાનું છે,

તેથી ખૂબ મજાનું છે

માણસમાં માણસનો વાસ,

મહેકે સંપેલી સુવાસ ઉીચ નીચના ભૂંસ્યા ભેદ,

નાત જાત પર મૂકયો છેદ

ઘર નાનાં ને ફળિયાં લાંબાં,

ફળિયે ફળિયે બન્યા ટાંકા શેરીઓ છે બજાર નહીં,

લોક ટોળાં કે કતાર નહીં સંગઠનમાં અઢળક તાકાત,

પ્રશ્નો ઉકેલે ફટાક ખેતર લીલાં બારે માસ,

કોઠીએ ભરવા અનાજ ગામની પાદર જૂની વાવ,

ત્યાંથી ઓરી એક ઝોલાપરી નદી ફરતે લીલી વાડ,

પાળ ઉપર એમ ઊભાં ઝાડ ઝાડ જળમાં જુએ છે,

ઝૂકી ચહેરો ધુએ છે ગામમાં નિશાળ છે,

ભણતાં નાનાં બાળ છે જેવું સુંદર એવું નામ,

એવું આખું છે "પ્રવાહમય" ગામ.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય E-mail: pravahgujarat@gmail.com; Website: WWW.pravah-gujarat.org

3.125
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top