વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિદર્શન યોજના-ખાંડીયા ગામ

પીવાના પાણી માટેની નિદર્શન યોજ્ના ખાંડીયા ગામ

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય

કાર્યરત છે. સંસ્થા આ વિસ્તારમાં પીવાના પાણી, ખેતી વિકાસ અને કુદરતી આફતના સમયે સ્થાનિક સ્થિતિઓને લક્ષમાં લઈ કાર્ય કરે છે. આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા અને લીંબડી તાલુકામાં આ વિષયે કાર્યરત છે. બંને તાલુકા ધરતીકંપ, દુકાળ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તાર છે. રોજગારીની તકો આ વિસ્તારમાં ખૂબ ઓછી છે. તળમાં પાણી ખારાં. પિયત માટે આ તળનાં પાણી બિલકુલ ઉપયોગી નથી તેથી દર વર્ષે હજારોની સંખ્યામાં મજૂરો રોજીરોટી માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરે છે. પશુપાલકો પોતાનાં પશુ બચાવવા મોટા પાયે સ્થળાંતર કરે છે. ઉદ્યોગ-ધંધાનો વિકાસ નહીંવત હોવાથી આ વિસ્તારનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે. લોકોનું જીવનધોરણ ઘણું કંગાળ અને પછાત છે. તળાવમાં વરસાદી પાણી હોય ત્યાં સુધી લોકોને પીવાલાયક પાણી મળે છે. ઉનાળામાં કૂવા અને તળાવ બંને સુકાઈ જાય છે તેથી તળનાં પાણી ડંકી વાટે પીવાં પડે છે. આ પાણી બિલકુલ પીવાલાયક હોતું નથી. પાણીમાં અનેક નુકસાનકારક તત્વો સાથે ફલોરાઈડનું પ્રમાણ પણ ઘણું વધારે જોવા મળે છે. ગામોની સ્વચ્છતામાં પણ ઘણું પછાતપણું જોવા મળે છે.

નિદર્શનનો હેતુ અને પ્રક્રિયા

આ વિસ્તારની ઉપરોક્ત સ્થિતિને લક્ષમાં લઈ સૌથી વધુ અસરગ્રસ્ત એવાં ગામોમાંથી ચૂડા તાલુકાના ખાંડીયા ગામની નિદર્શન માટે પસંદગી કરવામાં આવી. આ ગામ વર્ષોથી પાણીની મુશ્કેલી વેઠી રહ્યું છે. ગામને 'નો-સોર્સ વિલેજ' જાહેર કરવામાં આવ્યું છે. ગામતળાવ શિયાળાના અંત સુધીમાં સુકાઈ જાય છે અને તેના એકાદ મહિનામાં, તળાવમાંના પીવાના પાણીના કૂવામાં પણ પાણી ઓછું થઈ જાય છે. ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ અને બીજાં નુકસાનકારક તત્વોનું પ્રમાણ વધુ છે. જેની સીધી અસર ગામલોકોના સ્વાસ્થય પર પડી રહી છે. આથી ગામલોકો નિદર્શન યોજના હેઠળ વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા બનાવવા ઇચ્છતા હતા. જોકે પ્રવાહના ટેકનિકલ સલાહકારે તળાવનું ખોદકામ કરી, તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થાય અને વધુ મહિનાઓ સુધી પાણી રહે તેવી વ્યવસ્થાની સલાહ આપી. આ માટે પહેલાં તળાવનો કન્ટર સર્વે જરૂરી હતો. મુશ્કેલી એ થઈ કે તળાવનું પાણી બિલકુલ સુકાય નહીં ત્યાં સુધી સર્વે શકય નહોતો અને જ્યારે પાણી સુકાયું ત્યાં સુધીમાં પ્રવાહની સહાય અન્ય ગામોમાં વહેંચાઈ ગઈ હોવાથી ખાંડિયા ગામે પાણીને લગતાં કામ કરવાની શકયતા ન રહી. આ સંદર્ભમાં, ગામમાં સ્વચ્છતાની સ્થિતિમાં સુધાર પર ધ્યાન આપવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી અહીં બિમારીનું પ્રમાણ ઘણું રહેતું હતું. ગામમાં કુલ ૪૯૨ પરિવારો છે, તેમાંથી માત્ર ૧૨ પરિવારો પાસે શૌચાલયની સુવિધા હતી. આ યોજનાનો અમલ થયા પહેલાં નાનાં બાળકો ઘરની નજીક ખુલ્લામાં શૌચક્રિયા માટે બેસતાં હતાં. બિમાર વૃદ્ધ અને મહિલાઓ ખુલ્લામાં શૌચક્રિયા કરવામાં અનેક મુશ્કેલી અનુભવતાં. ઘરમાં વપરાયેલા પાણીનો નિકાલ ગામના જાહેર રસ્તા પર થતો. આ બધાના કારણે ગામમાં અને ગામની આજુબાજુ સખત ગંદકી થતી. આ કારણે, સંસ્થાના માર્ગદર્શનમાં, આ ગામના લોકોએ નિદર્શન યોજના હેઠળ સ્વચ્છતાની સુવિધાઓ ઊભી કરવા પર ધ્યાન આપ્યું.

નિદર્શનની પ્રક્રિયા

ગામમાં નિદર્શન યોજના અમલમાં મૂકતાં પહેલાં ગામમાં ગ્રામસભા કરવામાં આવી જેમાં દરેક જ્ઞાતિના પ્રતિનિધિ અને લોકોએ ભાગ લીધો. ગ્રામસભામાં યોજનાની પૂરી વિગત રજૂ કરવામાં આવી. લોકફાળો અને શ્રમફાળા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. ગ્રામસભામાં સ્વચ્છતા અને પાણી સમિતિની રચના કરવામાં આવી. દરેક જ્ઞાતિ, મહિલાઓ અને પછાતવર્ગના જૂથનું પ્રતિનિધિત્વ પૂરતું જળવાય તેની કાળજી લેવામાં આવી. સમિતિના સભ્યોને કામની જવાબદારી સોંપવામાં આવી. વર્ષની કામગીરી દરમિયાન દરેક મહિનામાં એક વખત સમિતિની બેઠક બોલાવવામાં આવી. તેમાં કામની અને વસ્તુની ગુણવત્તા ઉપરાંત કામમાં આવતા અવરોધો અને તેના ઉકેલ માટેના ઉપાયોની ચર્ચા કરવામાં આવતી. યોજનાની કામગીરી દરમિયાન અમુક લાભાર્થીઓના ઘરે સામગ્રી મૂકયા બાદ તેઓ યોજનાના કામ તરફ બિલકુલ ધ્યાન આપતા નહીં તેના લીધે કામની પ્રગતિ અટકતી હતી. આવા તબક્કે સમિતિ નિર્ણય લઈ ઉકેલ લાવવામાં મહત્વનો ફાળો આપતી હતી. ગામ આગેવાનો અને મહિલાઓમાં ગ્રામ સ્વચ્છતા અને ગ્રામવિકાસ તરફનો દૃષ્ટિકોણ વિકસે તે માટે અવારનવાર સૌની સાથે સમિતિની બેઠક રાખવામાં આવતી. ખુલ્લી ચર્ચા થતી. મહિલાઓ શરૂઆતના તબક્કામાં બોલતાં નહીં, પણ પ્રેરણા પ્રવાસ ગોઠવ્યા પછી સમિતિનાં મહિલા સભ્યો ચર્ચામાં ભાગ લેતાં થયાં. આ ઉપરાંત પાણી અને સ્વચ્છતાના વિષય પર વકતૃત્વ સ્પર્ધા બાળકો અને મહિલાઓમાં રાખવામાં આવી. ગામની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યાં. આ રીતના વિવિધ કાર્યક્રમોથી સમિતિના સભ્યોમાં જાગતિ આવી શકી. પાણી અને સ્વચ્છતા સમિતિમાં લેવાતા નિર્ણયની વાતો ગામલોકો સુધી પહોંચતી. ખુલ્લી ચર્ચા અને સૌની નજર સામે સારી કક્ષાની સાધનસામગ્રી લાભાર્થી સુધી પહોંચતાં અન્ય લોકોમાં તેની સારી અસર ઊભી થઈ. કામમાં ઝડપ આવી, લોકફાળો મેળવવામાં ઝડપ આવી. લાભાર્થીના શ્રમફાળા અને દેખરેખ સાથે તેમનાં પોતાનાં બાંધકામ થયાં અને સમિતિના યોગ્ય નિર્ણયોમાં સૌ લાભાર્થીઓએ પૂરો સહકાર આપ્યો. ગામ નિર્ણયથી આ યોજના ગામની બની શકી. સંસ્થાના મતે, સામાન્ય અવરોધોને બાદ કરતાં આ યોજના ઘણી સફળ રહી. આ યોજનાના પરિણામ સ્વરૂપે સામાજિક એકતા, સ્વચ્છતા અને સહકાર જેવા આદર્શ ગુણોની શરૂઆત આ ગામમાં થઈ શકી. સંસ્થાના મતે, લીંબડી અને ચૂડા તાલુકાનાં ગામોમાં આ ગામની પ્રતિષ્ઠા વધી છે.

નિદર્શનનો ભૌતિક અને યાંત્રિક દૃષ્ટિકોણ

સ્થાનિક સાધનસામગ્રીનો ઉપયોગ ખાંડીયા ગામમાં ભૂરા રંગના પથ્થર નીકળે છે. આ પથ્થરનો ઉપયોગ સ્થાનિક લોકો કમ્પાઉન્ડ વોલ અને ઘરના ચણતરમાં કરે છે. નિદર્શન યોજનામાં પણ આ સ્થાનિક પથ્થરનો શોષખાડા માટે જરૂરી મુખ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. આ પથ્થરના ઉપયોગથી ગામના રપ પરિવારો માટે શોષખાડા તૈયાર થઈ શકયા. આ ઉપરાંત સ્થાનિક રેતીથી ગામમાં ૧૫૦ વ્યક્તિગત શૌચાલય બનાવવામાં આવ્યાં. દરેક લાભાર્થી દ્વારા આ સામગ્રી પૂરી પાડવામાં આવી અને તેથી સારી ગુણવત્તાનું બાંધકામ થઈ શકયું.
પર્યાવરણ, આરોગ્ય અને સ્વચ્છતા પર અસર ગામના કુલ ૪૯૨માંથી માત્ર ૧૨ પરિવારો પોતાના શૌચાલયની સુવિધા ધરાવતા હતા. તેમાંથી હવે ૧પO પરિવારો આ સુવિધાનો લાભ મેળવી શકયા છે. ગામમાં એક પણ શોષખાડો હતો નહીં, પરંતુ હવે ૨૫ પરિવારોએ ગંદા પાણીના નિકાલ માટે શોષખાડા તૈયાર કર્યા છે. સંસ્થા દ્વારા સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો થવાથી ગામમાં સ્વચ્છતાની જાગૃતિ આવી છે. આ ગામ સ્વચ્છતાની દૃષ્ટિએ એક આદર્શ ગામ બની શકે તે માટેની શરૂઆત થઈ શકી અને એવું વાતાવરણ ઊભું થઈ શકયું.
વ્યક્તિગત શૌચાલય દ્વારા આરોગ્ય પર અસર ગામમાં નાનાં બાળકો માટી ભાગે ઘરની નજીકમાં ખુલ્લામાં કુદરતી હાજતે બેસતાં હતાં. તેથી ગંદકીનું વાતાવરણ ચોમાસામાં પરાકાષ્ટાએ પહોંચતું હતું. ઉલટી, ઝાડા જેવા રોગનું પ્રમાણ ચોમાસામાં વધી જતું હતું. શૌચાલયની સુવિધા થતાં હવે બાળકો શૌચાલયનો ઉપયોગ કરતાં થયાં છે. ગામનાં તમામ બાળકો અને પરિવારજનો શૌચાલયનો ઉપયોગ કરતાં થશે તો ગામના આરોગ્ય પર ખૂબ સારી અસર જોવા મળશે.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

નિદર્શન હેઠળ ગામના પરિવારો માટે વ્યક્તિગત શૌચાલયો અને શોષખાડાઓમાં તૈયાર કરવામાંઆવ્યા તેના ખર્ચની વિગતો નીચે મુજબ છે. (રૂપિયામાં )

ક્રમ

પ્રવૃત્તિ

પ્રવાહનો ફાળો

લોકફાળો

કુલ બજેટ

શૌચાલય સુવિધા

૭૩૬૮૦૦

૩૦૮૨૫૦

૧૦૪૮૦૫૦

શોષખાડા સુવિધા

૨૦૧૨૫

૮૨૫૮

૨૮૭૫૦

સામાજિક પ્રવૃત્તિ

૩૦૦૦૦

-

૩૦૦૦૦

વહીવટી ચાર્જ

૨ % લેખે ૨૧૭૨૫

3 % લેખે 3ર,૫૮૮

૫૪૩૧૩

-

 

૫૪૩૧૩

 

કુલ રૂ

૮૪૪૨૩૮

૩૧૬૮૭૫

૧૧૬૧૧૧૩

વ્યક્તિગત શૌચાલય સવિધા

આ યોજનામાં ગામના ૧૫૦ પરિવારોએ લાભ લીધો અને સંસ્થા તરફથી તેમને સામગ્રી પૂરી પાડવામાં આવી.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

ગામમાં વિવિધ જ્ઞાતિઓ રહે છે. જેમાં કોળી, ભરવાડ, બ્રાહ્મણ, દરબાર, વાઘરી, દલિત, ચમાર, વણકર વગેરેનો સમાવેશ થાય છે.જાતિવાદ, જ્ઞાતિવાદ અને ઊંચનીચના વાડા આ ગામમાં છે. આમ છતાં ગામલોકો ગામતળાવમાં આવેલા પીવાના કૂવામાંથી સાથે રહીને પાણી ભરે છે. સંસ્થાએ શરૂઆતથી જ ગામમાં પાણી અને સ્વચ્છતા સમિતિની રચનામાં ગામની વિવિધ જ્ઞાતિના પ્રતિનિધિઓનો સમાવેશ થાય તે વાતની કાળજી લીધી અને તેમાં પછાતવર્ગનું પ્રતિનિધિત્વ કરતાં પO ટકા બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે સમિતિમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ પછાત વર્ગનું રહ્યું. પરિણામ એ આવ્યું કે અસ્પૃશ્યતાનો પ્રશ્ન હોવા છતાં ગામ સમિતિની બેઠકમાં સૌ સાથે મળી પાણી, ચા અને નાસ્તો સાથે કરતાં હતાં. સાથે મળી પ્રેરણા પ્રવાસનું આયોજન કરતા, સાથે જમતા હતા. આવું આ ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ બન્યું હતું. યોજનાનો લાભ લેવામાં પણ અસમાનતા જોવા ન મળી. સૌને સરખો યોગ્ય ન્યાય આપવા પ્રયત્ન કરવામાં આવ્યો. આ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ગામમાં સાથે મળી નિર્ણય લેવાની શરૂઆત થઈ શકી છે. જ્ઞાતિવાદ અને ઊંચનીચના વાડામાંથી નીકળવાની ગામલોકોને આ યોજના નીચે તક મળી છે. ગામમાં સંપ વધ્યો છે અને સ્વચ્છતાનાં કામ થયાં છે.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

ગામમાં નિદર્શન યોજનાના પ્રારંભે ગ્રામસભા યોજીને ગામલોકોને સમગ્ર યોજનાનાં બધાં પાસાં સમજાવવામાં આવ્યાં હતાં. ત્યાર પછી ગામલોકોએ ગામના પછાત વર્ગ અને મહિલાઓના સૌથી વધુ પ્રતિનિધિત્વવાળી પાણી અને સ્વચ્છતા સમિતિ રચી છે. આમ તો ગામમાં નિદર્શન યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલય અને શોષખાડાઓ બનાવવામાં આવ્યા હોવાથી તેની નિભાવણી અને જાળવણી માટે પાણી સમિતિએ ખાસ જવાબદારી ઉપાડવાની રહેતી નથી. પરંતુ, લાભાર્થીઓ તેમનાં શૌચાલયો અને શોષખાડાની યોગ્ય સારસંભાળ રાખે તે જોવાની જવાબદારી પાણી સમિતિની રહે છે. પાણી સમિતિ આ જવાબદારી યોગ્ય રીતે સંભાળી શકે તે માટે તેને યોગ્ય તાલીમ આપવામાં આવી છે, તેમ જ પ્રેરણા પ્રવાસો દ્વારા તેનું ક્ષમતાવર્ધન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગામમાં જે સામાજિક પરિવર્તન આવ્યું છે તે વિશેષ નોંધપાત્ર છે અને આ પરિવર્તન પોતે જ એક સક્ષમ સંસ્થાકીય માળખું ઊભું કરે તેવી સંભાવના છે.

નીતિવિષયક હિમાયત

ખાંડીયા ગામમાં એક વર્ષના સમયગાળા સુધી ડેમોસ્ટ્રેશન સ્ટ્રકચરની કામગીરી ચાલી. આ સમય દરમિયાન ગામ આગેવાનો, ગ્રામ સમુદાય અને પ્રવાહ સંસ્થામાંથી કામગીરીના મૂલ્યાંકન અર્થે આવતા પ્રતિનિધિઓ વચ્ચે કામગીરીની ચર્ચા વિચારણા થતી. આ ઉપરાંત પ્રવાહ દ્વારા અવારનવાર યોજનાના સંદર્ભમાં વર્કશોપ કે મીટિંગ રાખવામાં આવતી તથા ગ્રામીણ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રેરણા પ્રવાસ, વક્તત્વ સ્પર્ધા વગેરે ઉપરાંત કામગીરી મૂલ્યાંકન અર્થે એક માસમાં એક વખત મીટિંગ યોજવામાં આવતી. આ તમામ કામગીરીમાંથી નીચે દર્શાવ્યા મુજબના હિમાયતી મુદ્દાઓ અલગ તરી આવે છે.

  • મહિલાઓ અને પછાતવર્ગના પ્રતિનિધિ તથા લોકોને તક આપવામાં આવે તો પોતાના પ્રશ્નો અને ગામના પ્રશ્નોના અવાજ રજૂ કરી શકે છે. • નમૂનારૂપ કામગીરીવાળાં ગામોની મુલાકાત ગોઠવવાથી ગામ સમિતિના સભ્યોમાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે. જે ગામના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
  • યોજનાના અમલમાં ગામ સમિતિ અને ગામલોકોને સાથે રાખી કામગીરી કરવામાં આવે તથા આર્થિક વ્યવહારો ખુલ્લા, પારદર્શક રાખવામાં આવે તો ગ્રામજનોનો પૂરો સહકાર મળે છે, તેથી યોજના ૧૦૦ ટકા સાકાર થાય છે અને તમામ ગ્રામજનો તેનાં ફળ મેળવી શકે છે.
  • શિક્ષિત અને અધિકારી વર્ગ જ વિકાસની સાચી દિશા બતાવી શકે છે તેવું માનવું બિલકુલ જરૂરી નથી, અભણ લોકો પોતાની કોઠાસૂઝથી વિકાસ અને ઉકેલની દિશા બતાવી શકે છે, પણ આ જૂથને આર્થિક ટેકાની જરૂરિયાત હોય છે, તેવું આ કામગીરી દરમિયાન જોવા મળ્યું.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય

ખાંડીયા ગામતાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર અમલીકરણઃ પાણી સમિતિ, ખાંડીયા

માર્ગદર્શક ગ્રામીણ સેવા ટ્રસ્ટ, લીંબડી

3.01785714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top