অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના પીપરડી

નિદર્શન યોજના પીપરડી

નિદર્શન યોજના છાયણ

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય-સારથી

‘સારથી સંસ્થા છેલ્લાં ૨૫ વર્ષથી ગ્રામવિકાસના ક્ષેત્રે સક્રિય છે. સંસ્થાએ પોતાનું કાર્ય ૧૫ ઓગસ્ટ, ૧૯૮૦માં પંચમહાલ જિલ્લામાં સમાજ કાર્ય અને સંશોધન કેન્દ્ર, તીલોનીયાના સબ સેન્ટરના રૂપમાં નાના સરસણ ગામમાં શરૂ કર્યું હતું. સારથીએ ૧૯૮૦થી ૧૯૯૯૦માં ગ્રામ વિકાસ માટેના કાર્યક્રમોમાં, આયોજનમાં તથા તેના અમલીકરણ અને મૂલ્યાંકનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સંસ્થાની ક્ષમતા અને વિસ્તારની જરૂરિયાતને કારણે સંસ્થાનું કાર્યક્ષેત્ર વિસ્તરતું રહ્યું છે. સંસ્થા હવે ગુજરાતના સૌથી પછાત એવા પંચમહાલ જિલ્લાના સંતરામપુર, લુણાવાડા, શહેરા, મોરવા, કાલોલ અને કડાણા તાલુકાઓમાં ૧૫૦ ગામો ઉપરાંત, દાહોદ જિલ્લાના ધાનપુર અને ફતેપુરા તાલુકામાં, વડોદરા જિલ્લાનો સાવલી તાલુકામાં, સાબરકાંઠા જિલ્લાના મેધરજ અને માલપુર તાલુકામાં તથા ગુજરાતની સરહદે આવેલ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સૌથી પછાત સિમલવાડા તાલુકામાં અને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના પછાત દેપાલપુર તાલુકામાં સક્રિય છે.

સંતરામપુર તાલુકો

સારથીના મુખ્ય કાર્યક્ષેત્ર સંતરામપુર તાલુકામાં, મોવાસા ફિલ્ડ વિસ્તારનાં ૨૭ ગામોમાંથી છાયણ, સવગઢ અને કાળીબેલ ગામોમાં પ્રવાહ દ્વારા સી.એફ.ડી.એ. કાર્યક્રમ હેઠળ નિદર્શન કામગીરી કરવામાં આવી છે. આ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ જૂના કાળીબેલ ગામને નિદર્શન માટે પસંદ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારમાં વર્ષના ૮થી ૧૦ મહિના સુધી કૂવા અને તળાવોમાં પશુઓ તથા ખેતી માટે પાણી ઉપલબ્ધ રહે છે. બાકીના ૪ માસ દરમિયાન અમુક જ હેન્ડ પંપ અને કૂવાઓમાં પાણી હોય છે. વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ડુંગરાળ અને પથરાળ છે. તેથી કૂવાઓ ઊંડા કરવા ખૂબ જ ખર્ચાળ છે. કૂવાઓની સરેરાશ ઊડાઈ ૬૦થી ૭૦ ફૂટ જેટલી છે. પરંતુ ઉનાળામાં તેમાં માર્ડ લગભગ ૧થી ૨ ફૂટ જેટલું પાણી ઉપલબ્ધ રહે છે. આ વિસ્તારનાં ગામોમાં બારીઆ, પગી, ગોરી, પટેલીયા, ખાંટ, વાદી, ભોઈ, પટેલ, શેખ, વાળદ, પંચાલ વગેરે જુદી જુદી જ્ઞાતિના લોકો રહે છે.

નિદર્શનનો હેતુ અને સમજ

સંસ્થાના કાર્યક્ષેત્ર હેઠળના આ વિસ્તારમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની હંમેશા તંગી રહેતી હોવાથી સંસ્થા તેના કોઈ કાયમી ઉપાયની શોધમાં હતી. જૂના કાળીબેલ ગામમાં પાંચ વર્ષ પહેલાં બહેનોના બચત જૂથ અને બાલવાડી કેન્દ્ર ચલાવવામાં આવતાં હતાં. તેમ જ, સવગઢ ગામમાં સંસ્થા દ્વારા ભૂતકાળમાં હેન્ડ પંપ મુકવામાં આવેલ છે. છાયણ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી બચત જૂથના માધ્યમથી આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ, ધિરાણ, મહિલા આરોગ્ય અને જાગતિ કેમ્પો કરવામાં આવ્યા છે. અહીં સતત દુકાળની પરિસ્થિતિને લીધે આ ગામના લોકો પાણીની મુશ્કેલીના નિવારણ માટે સંસ્થાના સંપર્કમાં હતા. આ કામમાં લોકો પૂરેપૂરો સહકાર અને લોકફાળો આપવા પણ તૈયાર હતા. આથી સંસ્થાએ આ ગામોમાં નિદર્શનની પ્રક્રિયા કરી, પીવાના પાણીની મુશ્કેલી કરીને અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ દાખલો બેસાડવાના હેતુથી અહીં નિદર્શન યોજવાનું નક્કી કર્યું.

નિદર્શનની પ્રક્રિયા

સૌ પ્રથમ જૂના કાળીબેલ ગામમાં નિદર્શન યોજનાની પ્રક્રિયાનો પ્રારંભ કરતાં, ગામમાં જુદાં જુદાં ફળિયાંઓમાં લોકો સાથે મીટિંગો યોજવામાં આવી. તેમાં તેમને નિદર્શનનો હેતુ અને અન્ય સમજ આપવામાં આવી. ત્યાર પછી, આ વિશે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે નિદર્શન યોજના હેઠળ ગામમાં એક કૂવો બનાવી, તેની પાસે પાણી ટાંકી દ્વારા જૂના કાળીબેલ ગામમાં ફળિયાદીઠ સ્ટેન્ડ પોસ્ટ દ્વારા પાણી પહોંચાડવું. આ સાથે પશુઓ માટે એક આવેડો બનાવવો અને શાળામાં વરસાદી પાણીના સંગ્રહનો ટાંકો બનાવવો. આ આયોજનની એક વિસ્તુત દરખાસ્ત તૈયાર કરીને પ્રવાહ, અમદાવાદને મોકલવામાં આવી.

દરખાસ્તને પગલે, ગામની સ્થિતિ જાણવા માટે પ્રવાહના નિષ્ણાતોની એક ટુકડી ગામની મુલાકાતે આવી. ગામલોકો અને વડીલો સાથેની તેમની વાતચીત પરથી સ્પષ્ટ થયું કે ગામના તળાવમાં જો પાણી હોય તો પીવાના પાણીની વર્ષ દરમિયાન લગભગ કોઈ જ મુશ્કેલી પડતી નથી. પ્રવાહના નિષ્ણાતોએ તળાવની આજુબાજુના કૂવાઓના માલિકો સાથે પણ ચર્ચા કરી. સૌએ જણાવ્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી માર્ચ મહિના પછી કૂવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી મળી રહે છે. કૂવા ઊંડા કરવા આર્થિક રીતે પોસાય તેમ નથી અને ગામમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે કોઇ સ્ટ્રકચર કે લોકજાગૃતિ નથી. ઉનાળાના ત્રણ માસ માટે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને પશુઓ માટે નજીકના ગામના કૂવાઓમાંથી પાણી મેળવવામાં આવે છે.

વડીલો સાથે ચર્ચા કરતાં માલુમ પડયું કે છાયણ, સવગઢ અને જૂના કાળીબેલ ગામની મધ્યમાં આવેલ તળાવમાં જ્યારે પાણી હોય ત્યારે કૂવાઓમાં બારે માસ પાણી રહેતું હતું. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં ઓછા વરસાદને કારણે તળાવમાં પાણીની આવક ઓછી હતી. તેમ જ તળાવના તળમાં ચીકણી માટીનો થર જામી જવાથી પાણી સહેલાઇથી રિચાર્જ થતું ન હતું અને મોટા ભાગના પાણીનું બાષ્પીભવન થતું હતું. તળાવને ઊંડું કરવામાં આવે તો ત્રણેય ગામોના તળમાં પાણી રિચાર્જ થવાથી આજુબાજુના કૂવાઓ તથા હેન્ડપંપમાં પાણીની આવકથી બારે માસ પીવા તથા ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થઇ શકે.

આ બધી વિચારણાને અંતે, અગાઉ તૈયાર કરેલ પીવાના પાણીની યોજના રદ કરીને પીવાના પાણીના સોત માટે જુદા જુદા વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી કેમ કે ગામમાં ખરેખર પાણીના વિતરણનો નહીં પણ પાણીની ઉપલબ્ધિનો જ મુખ્ય પ્રશ્ન હતો. છેવટે ગમની ભૌગોલિક સ્થિતિ અને નિષ્ણાતોનાં મંતવ્યોના આધારે ત્રણેય ગામની વચ્ચે આવેલ તળાવને ઊંડું કરવાનું નક્કી કરવામાં આવ્યું.

એ સાથે, તળાવમાં પાણીની જ્યાંથી આવક રહે છે તે કેચમેન્ટ એરિયાની ટ્રીટમેન્ટ કરીને પાણી તળાવ સુધી લાવવા માટે ચેનલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. તળાવમાં ચીકણી માટીનો થર દૂર થવાથી પાણી રિચાર્જ થવાનું પ્રમાણ પણ વધે. આ કારણથી ત્રણેય ગામની જમીનમાં ભૂગર્ભ પાણીની સપાટીમાં વધારો થાય તેમ હતો, જેનો ગામ લોકો પોતાના કૂવાઓ અને હેન્ડ પંપ દ્વારા ઉપયોગ કરી શકે. પાણીનાં સ્તર વધવાથી ગામ લોકોને આખા વર્ષ દરમિયાન માણસો અને પશુઓને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે. પ્રસ્તાવીત ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી વધારાના પાણીના ઉપયોગથી પશુઓ માટે ઘાસચારો તથા અન્ય પાકો પણ લઈ શકે તેમ હતા. ગ્રામજનોની આવકમાં પણ ખૂબ સારા પ્રમાણમાં વધારો થઈ શકે. અગાઉ બહેનોને દૂરથી પાણી લાવવું પડતું હતું તેથી તેમના સમય-શ્રમનો બચાવ થવાથી તેનો ઉપયોગ અન્ય કામો, ખેતી તથા બાળકોના અભ્યાસમાં ફાળવી શકે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક નવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી. જે મુજબ, પ્રસ્તાવિત નિદર્શનનું સ્થળ સંતરામપુર તાલુકાના જૂના કાળીબેલના ઉત્તર-પૂર્વ ભાગમાં. સવગઢના પૂર્વ ભાગમાં અને છાપણ ગામની દક્ષિણ દિશામાં પંચાયતની માલિકીના વિસ્તારમાં નક્કી કરવામાં આવ્યું. તે સાથે જરૂરિયાતવાળાં ફળિયાઓમાં 3 હેન્ટ પંપ મુકવાનું નક્કી કરવામાં આવ્યું. આ દરખાસ્ત મંજૂર થતાંની સાથે, સંસ્થાએ ત્રણે ગામોમાં ફળિયાદીઠ મીટિંગ કરીને લોકોને નિદર્શન વિશે માહિતગાર કર્યા. તેમાં બહેનોને ખાસ સાંકળવામાં આવ્યાં અને જુદા જુદા મુદ્દાઓની વિસ્તારથી ચર્ચા કરી નિદર્શનની રૂપરેખા ગામ લોકોની હાજરીમાં કરવામાં આવી. ત્રણેય ગામોમાં પાણી સમિતિ રચવામાં આવી અને એકમેકના સહયોગમાં તેમણે નિદર્શનનું કામ ઉપાડી લીધું.

નિદર્શનનો ભૌતિક અને યાંત્રિક દૃષ્ટિકોણ

નિદર્શનની પસંદગી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, ગામ લોકોના તથા સંસ્થાના અનુભવોના આધારે નક્કી કરવામાં આવેલ છે. નિદર્શન કામગીરી ત્રણેય ગામના લોકો માટે અલગ અને નમુનારૂપ છે, કારણ કે આ રીતે પાણીની મુશ્કેલી માટે લોકો ભેગા મળીને કોઈ યોજના વિશે વિચારેલ નથી પરંતુ આ યોજનામાં લોકોની શરૂઆતથી જ ભાગીદારી રહી છે. જેમાં યોજનાનું આયોજન, સ્થળ પસંદગી, પાણીની સમાન વહેંચણી વગેરેના મુદ્દાઓ સાંકળવામાં આવ્યા અને આ યોજનાન સફળતાપૂર્વક અમલીકરણ તથા નિભાવણી અને ટકાઉપણા માટે પણ ગામલોકોએ જ ઉપયોગ અને જાળવણીના નિયમો બનાવ્યા છે.

નિદર્શન હેઠળ તળાવનો ગોર્જ પોર્શન ઊંડો કરવાનું, ગોર્જ પોર્શન સુધી પાણીની આવક વધારવ માટે કેચમેન્ટ વિસ્તારમાંથી ચેનલ તૈયાર કરવામાં આવી છે અને ચેનલમાંથી પાણી સાથે માટી વહી ન આવે અને તળાવમાં કાંપનો બહુ ભરાવો ન થાય તે માટેની વ્યવસ્થા પણ ચેનલમાં કરવામાં આવી છે. આ સાથે સવગઢ ગામમાં ૧ હેન્ડ પંપ તથા છાયણ ગામમાં ૨ હેન્ડ પંપ મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

ઊડું કરેલું તળાવ હાલના વરસાદને કારણે પૂરું ભરાઈ ગયું છે, જેની અસરો નજીકના સમય ગાળામાં જોવા મળશે.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

નિદર્શન પ્રોજેક્ટમાં તળાવ ઊંડું કરવાનો અને અન્ય સ્ટ્રકચરોનો કુલ ખર્ચ રૂ, ૬,૬૫,૬૮૦.૦૦ કરવામાં આવ્યો. જેનાથી આજુબાજુના અંદાજે ૧૦૦ કૂવાઓ અને ૨૭ જેટલા હેન્ડ પંપ રિચાર્જ થવાથી પીવા પાણીની સમસ્યા ઉકેલાશે તેમ જ, વધારાના પાણી દ્વારા ગ્રામજનો વર્ષ દરમિયાન વધારાના બે પાકો, અંદાજિત ૧૫૦ હેક્ટર જેટલા વિસ્તારમાં લઈ શકશે. જેનાથી અંદાજિત 3 લાખ રૂપિયાનું અનાજ, શાકભાજી અને ઘાસચારો ઉપલબ્ધ થશે. જેથી ગ્રામજનોની આર્થિક સધ્ધરતામાં વધારો થવાથી તેઓ તેનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ વગેરેમાં કરી શકશે. જે આ નિદર્શનનો મુખ્ય વધારાનો લાભ રહેશે. આ ઉપરાંત આ યોજનાથી ૩૦૦૭ ગ્રામજનો અને ૧૮૧પ પશુઓ મળી કુલ ૪૮૨૨ જીવોને વર્ષ દરમિયાન શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ અમલીકરણના દરેક પાસાઓમાં ગામના દરેક વર્ગના લોકોને સક્રિય રીતે જોડવા માટે પંચાયતમાં ઠરાવ પણ કરેલ છે. નિદર્શનની કામગીરીમાં બહેનોની મહત્તમ ભાગીદારી રાખવામાં આવી છે. દરેક ગામમાં એક પાણી સમિતિ બનાવવામાં આવી છે. નિદર્શનના કામોમાં ૧૦ % લોકફાળો પણ રાખવામાં આવેલ છે. યોજનામાં લીધેલ જુદા જુદા સ્ટ્રકચરો અને કામગીરી માટે ગામલોકોએ પોતાની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બધા વપરાશ કર્તાઓ સાથે મિટીંગો કરી દરેક ગામમાં પોતાની પાણી સમિતિ બનાવવામાં આવેલ છે. નિદર્શનની પ્રવૃત્તિઓમાં દરેક તબક્કાઓમાં ગ્રામજનોની સહભાગીતા જોવા મળી હતી. જેમાં બહેનોએ પણ નિર્ણય લેવામાં તથા શ્રમદાનમાં પણ સક્રિય ભાગ લીધો. આ યોજનાથી ગ્રામજનોને ખૂબ જ સંતોષ થયો છે તે જોઈ શકાય તેમ છે. લોકોમાં સંગઠનની ભાવના પેદા થવાથી તેમને આ પ્રકારે બીજા સામુહિક કામ કરવાનું પ્રોત્સાહન પણ મળ્યું છે. જેમ કે ગામમાં વર્ષોથી ડેરી માટે કોઈ મકાન ન હતું. તેથી તળાવની માટીનો ઉપયોગ કરી ખાડાવાળી જગ્યા પૂરી ત્યાં ડેરી બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું ગામના લોકોને શરૂઆતથી જ નિદર્શનમાં ભાગીદાર કરવામાં આવેલ હોવાથી નિદર્શનની કામગીરી બાદ જાળવણીમાં પણ લોકોનો સક્રિય ફાળો રહેશે. નિદર્શનમાં સંકળાયેલ ત્રણે ગામમાં પાણી સમિતિ બનાવવામાં આવી છે, જે નિદર્શનની કામગીરી, સારસંભાળ, લોકફાળો અને જાળવણી જેવી બાબતોની દેખરેખ રાખે છે. ઉપરાંત, બે ત્રણ વર્ષ બાદ તળાવમાં થયેલ કાંપ લોકફાળાથી દૂર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ રીતે યોગ્ય સંસ્થાકીય માળખું ઊભું થાય તે માટે સંસ્થા દ્વારા દર મહિને સમિતિની મુલાકાત લઈ નિદર્શનની સ્થિતિ અને લાંબા ગાળાની જાળવણી માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યાં છે. સમિતિ દ્વારા નિદર્શનના ઉપયોગ અને જાળવણી માટે નીચે મુજબ નીતિનિયમો બનાવવામાં આવેલ છે: • દરેક ગામમાં પાણી સમિતિ ગામમાં બનાવેલ નિદર્શનની જાળવણી કરશે. • ત્રણેય ગામની પાણી સમિતિ ઉપર ત્રણેય ગામની કારોબારી સમિતિ નિદર્શનની જાળવણી અને ઉપયોગ માટે દેખરેખ અને સલાહ સૂચનો આપશે. • જ્યારે નિભાવણી માટે આકસ્મિક ખર્ચની જરૂરિયાત ઊભી થશે ત્યારે સમિતિ યોગ્ય ફાળો નક્કી કરી ઉઘરાવશે. • સમિતિના નામનું બેન્કમાં ખાતું ખોલવામાં આવશે જેમાં લોકફાળો તથા અન્ય આવકની રકમ રાખવામાં આવશે. જે ખાતા સમિતિના પ્રમુખ અને મંત્રીની સંયુક્ત સહીથી નિભાવવાના રહેશે. સમિતિ દરેક વર્ષે એક વખત ગ્રામસભા યોજી ખર્ચની ચર્ચા કરી બહાલી આપશે.

નીતિવિષયક હિમાયત

અહીં નિદર્શન યોજવાથી આજુબાજુનાં ગામોના લોકોને આ રીતે પીવાના પાણી માટેની વિકેન્દ્રિત વ્યવસ્થાઓ ઊભી કરવાનું પ્રોત્સાહન મળે તે હેતુ સાકાર થઈ રહ્યો છે. નિદર્શનની કામગીરી જોઈને આજુબાજુનાં ગામના લોકો પણ આવી યોજના પોતાના ગામોમાં થાય તે માટે માગણી કરવા લાગ્યા છે.

ઉપરાંત, યોજનાની સફળતાથી પ્રેરાઈને ત્રણે ગામોનાં લોકોએ સ્વજલધારા યોજનામાં જોડાવાનું પણ નક્કી કર્યું છે. સંસ્થાના પ્રયાસોથી છાયણ ગામને વાસ્મોની સ્વજલધારા યોજનામાં સામેલ કરી દેવામાં આવ્યું છે અને અહીં પાણી પુરવઠા બોર્ડ સાથે મળીને ચાર વરસાદી પાણી સંગ્રહના ૭૫૦૦ લિટરની ક્ષમતાના ભૂગર્ભ જળ ટાંકા બનાવવામાં આવ્યા છે. અન્ય પાંચ ગામોમાં પાણી સમિતિની રચના કરવામાં આવેલ છે. જે પૈકી બે ગામોને સ્વજલધારા યોજનામાં સામેલ કરી દેવામાં આવ્યાં છે.

આમ, ગામની સ્થાનિક સ્થિતિ અનુસાર ગામલોકો પોતે પીવાના પાણીની મુશ્કેલી હળવી બનાવવાનાં પગલાં વિચારે અને નિષ્ણાતોની સહાય મેળવી લાંબા ગાળા સુધી મદદરૂપ બને તેવાં કામ કરે તો ચોક્કસ સફળતા મળે છે, તે આ નિદર્શનની મુખ્ય નીતિવિષયક હિમાયત અહીં સાકાર થઈ રહી છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય

જી-૨, રક્ષા એપાર્ટમેન્ટ, ૨૦૦, આઝાદ સોસાયટી, પોલિટેકનિક રોડ, આંબાવાડી, અમદાવાદ -

 

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate