অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના નાના વિસાવદર

સ્થાનિક સ્થિતિ અને સ્વૈચ્છિક સંસ્થા પરિચય

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર : સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો એટલે કે કુદરતી સાધન સંપત્તિની દૃષ્ટિએ ઘણો જ પછાત વિસ્તાર. છેલ્લાં વીસેક વર્ષથી અનિયમિત વરસાદના પરિણામે સતત દુકાળ જેવી પરિસ્થિતિ અને પરિણામે વૈકલ્પિક આજીવિકા શોધવા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર તેમ જ ખાસ કરીને પુરૂષવર્ગના સ્થળાંતરથી સ્ત્રીઓ અને બાળકોના જીવન અને ભવિષ્ય ઉપર વિપરિત અસર ઊભી થવા લાગી છે. આ રીતે ગામડાંની આર્થિક, સામાજિક પરિસ્થિતિ કથળવા લાગતાં તેના ઉકેલ લાવવા માટે કાર્યકરોના એક સંનિષ્ઠ જૂથે ૧૯૮૦માં શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થાની રચના કરી છે. સંસ્થા વિવિધ સામાજિક, આર્થિક, આરોગ્ય અને જળ સંગ્રહ કાર્ય વિષયક પ્રશ્નો ધ્યાનમાં રાખી વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરે છે

આ ગામની કુલ વસ્તી ૧૦૫૦ની છે, જેમાંથી અમુક કુટુંબો ધંધા અર્થે સુરત અને અમદાવાદ જેવાં શહેરોમાં સ્થાઈ થયેલ છે જેથી હાલ આ ગામની વસ્તી ૬૭ર લોકોની છે. તાલુકા મથકેથી ૧ર કિ.મી. દૂર આવેલું આ ગામ ખાંભા-અમરેલી રોડ ઉપર ર કિ.મી. અંદર આવેલું છે ગીર જંગલની સરહદ ઉપર ડુંગરાળ પ્રદેશમાં વસેલુ ગામ છે ગામની મુખ્ય વસ્તી પટેલ, બાવાજી, ભરવાડ, આહિર અને દલિત કુટુંબોની છે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે.

ગુજરાતનાં મોટા ભાગનાં ગામોની જેમ આ ગામમાં પણ પાણીનો પ્રશ્ન વર્ષોથી વણઉકલ્યો હતો. શિયાળાના ચાર માસ પૂરા થાય કે પાણીની રામાયણ શરૂ થઈ જાય અને પાણી માટે ઝગડા શરૂ થઈ જાય. એક બેડા પાણી માટે લાંબી લાઈનો લાગતી તેમ જ દૂર દૂર વગડામાં વાડીઓમાં પાણી માટે રખડવું પડતું. વર્ષ ૨૦૦૦માં અહીં સંસ્થાએ લોકભાગીદારીથી વોટરશેડનાં કામનું લોકો દ્વારા જ અમલીકરણ કરાવ્યું. એ સમયે જળ સંગ્રહનાં કાર્યો થતાં પાણીનાં સ્તર ઊચાં આવ્યાં પરંતુ ગામમાં ટકાઉ પીવાના પાણી અને સ્વચ્છતા અંગે કોઈ જ વ્યવસ્થા ન હતી.

નિદર્શનનો હેતુ અને સમજ આ ગામમાં, સંસ્થા દ્વારા ગામની બહેનોનાં સંગઠનો રચાયાં, બચત મંડળો બન્યાં, યુવક મંડળો બન્યાં, લોકભાગીદારીની સમજ ઊભી થઈ હતી. તેમ છતાં, પાણીનો મુખ્ય પ્રશ્ન ઉકલ્યો નહોતો.

આઠેક વર્ષ પહેલાં ગામમાં સરકારની પાણી પુરવઠા યોજના દ્વારા પાણીની ટાંકી, કૂવો, અવેડો, સ્નાનગહ અને હેન્ડપંપ વગેરે સુવિધાઓ તૈયાર થઈ હતી. પરંતુ યોગ્ય જાળવણી અને સારસંભાળના અભાવે, ભૂકંપ તથા અતિવૃષ્ટિની થપાટો ખાઈને આ સુવિધા જજરિત થઈ ગઈ હતી. લોકો એમ માનતા કે આ સુવિધાઓની સંભાળની બધી જવાબદારી સરકારની છે. ગામ લોકોની નહીં. સરવાળે, સુવિધાઓ હોવા છતાં તેની જાળવણી કે સમારકામ ન થતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર જ રહી.

આ સ્થિતિમાં પરિવર્તન લાવી, ગામલોકોમાં પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થાની સમજ કેળવાય તે હેતુથી આ ગામમાં નિદર્શન યોજવામાં આવ્યું. આ જિલ્લા-તાલુકાનાં અન્ય ગામોને તેમાંથી પ્રેરણા મળે તે હેતુ પણ હતો.

નિદર્શનની પ્રક્રિયા

ગામમાં આ યોજનાના અમલીકરણ માટે સૌ પ્રથમ ગામના આગેવાનોની એક બેઠક તા. ર૪/૧૨/૨૦૦૫ના રોજ બોલાવવામાં આવી અને તેમને નિદર્શનની સમજ આપવામાં આવી. ત્યાર બાદ, ગામમાં પીવાના પાણીની ટકાઉ વ્યવસ્થા અને સ્વચ્છતા માટે આયોજન કરવા માટે ગ્રામસભા બોલાવવાનું નકકી કરવામાં આવ્યું.

દરમિયાન, આ મુદ્દે બહેનોમાં જાગૃતિ આવે અને યોજનામાં બહેનોની ભાગીદારી વધુ રહે તે માટે ગામમાં ચાલતાં સ્વસહાય જૂથોનાં બહેનોની એક મીટિંગ બોલાવવામાં આવી. પ્રવાહ નિદર્શન કામગીરી યોજના અંગે પાણી સ્વચ્છતા અને લોકભાગીદારી માટે ચર્ચા કરવામાં આવી. યોજનામાં લોકભાગીદારી તથા સમાનતા ઊભી કરવા માટે તા. ર/૧/ર009ના રોજ જ્ઞાતિવાર આગેવાનો સાથે મીટિંગ કરવામાં આવી, જેમાં લોકફાળો, ભાગીદારી, પાણી વિતરણ વ્યવસ્થા, જ્ઞાતિ સમાનતા, બહેનોની ભાગીદારી બાબતે માહિતી આપવામાં આવી. તા. પ/૧/ર009 ના રોજ સરપંચશ્રી, સંસ્થાના કાર્યકરો સાથે મળી ઘરે ઘરે જઈ પ્રવાહ નિદર્શન યોજનાની માહિતી આપી લોકસહકાર તથા લોકભાગીદારી માટે લોકોની સમજ ઊભી કરવામાં આવી. તેમ જ પાણી સમિતિની રચના કરવી, તેનાં કાર્યો ફરજો અને સત્તા કેવા પ્રકારની હોય તેની જાણકારી આપવામાં આવી અને તા. ૭/૧/૨૦૦૬ ના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામસભામાં મોટા પ્રમાણમાં લોકો હાજર રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા.

ગ્રામસભા અને પાણી સમિતિની રચના

ગ્રામ સભામાં પટેલ, બાવાજી, ભરવાડ, દલિત, આહિર વગેરે દરેક જ્ઞાતિના લોકો હાજર રહ્યા. સભામાં સરપંચ, તલાટી કમ મંત્રી, સંસ્થાના પ્રમુખ અને પ્રવાહના સભ્યો વગેરે હાજર રહ્યા. ગ્રામ સભાનો એજન્ડા નીચે મુજબ હતો:

  • ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાઓની માહિતી આપવી
  • નિદર્શન યોજનાની સમજ કેળવવી
  • પાણી સમિતિની રચના કરવી
  • લોકોની ભાગીદારી માટે લોકોને જાગ્રત કરવા
  • સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવો

ગ્રામસભાના અંતે, ૧૯ સભ્યોની પાણી સમિતિની રચના કરવામાં આવી જેમાં મોટા પ્રમાણમાં બહેનો જોડાયાં, તેમ જ ગામના તમામ વર્ગના લોકોને જ્ઞાતિ-જાતિ, ઉચ-નીચ, ગરીબ-તવગરના ભેદભાવ વગર પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. ત્યાર પછી, તા. ૧૧/૧/૨૦૦૬ના રોજ પાણી સમિતિની એક બેઠક બોલાવી, સભ્યોની ભૂમિકા, જવાબદારી, હોદ્દાઓની સમજ આપી, સમગ્ર આયોજન અને અમલીકરણની જવાબદારી તેમને સોંપવામાં આવી

ગામમાં પીવાના પાણીના સ્ત્રોત હતા, પાણીનાં સ્તર પણ સારાં હતાં પરંતુ વ્યવસ્થિત આયોજન નહોતું. જૂના સોતમાં કૂવો, ટાંકી, વીજળીઘર, આવેડો, હેન્ડપંપ હતા પણ બંધ હાલતમાં હતા. પાણી સમિતિ દ્વારા આ બધા સોતનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું નીચે મુજબ આયોજન કરવામાં આવ્યું.

  • નવો ટાંકો બનાવવો
  • વીજળીઘર
  • કૂવાથી ટાંકા સુધી પાઈપ લાઈન નાંખવી
  • સ્ટેન્ટ પોસ્ટ ચાર બનાવવા
  • ટાંકાથી સ્ટેન્ડ પોસ્ટ અને આવેડા સુધી પાઈપ લાઈન નાંખવી
  • સ્નાનઘાટ શરૂ કરવો
  • આવેડા ઉપર કેટલશેડ બનાવવો
  • કૂવો સાફ કરી રીપેર કામ કરવું
  • જળ સંચય માટે કૂવાની બાજુમાં નાલાપલગ બનાવવું
  • ઉકરડા દૂર કરવા

ઉપરોકત કાર્યો કરવાથી વિસાવદર ગામના પાણીની અને સ્વચ્છતાની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું. યોજનાના કામોની દેખરેખ, જાળવણી, સ્વચ્છતા, આરોગ્ય, વહીવટ, જાતીય સમાનતા, વિતરણ વ્યવસ્થા માટે વહીવટી સમિતિ, બાંધકામ સમિતિ અને વિતરણ વ્યવસ્થા તથા જાળવણી સમિતિ એવી પાણી સમિતિની પેટા સમિતિઓ બનાવવામાં આવી. ઉપરની સમિતિઓમાં જુદા જુદા સભ્યોની નિમણૂંક આપી જવાબદારીની વહેચણી કરવામાં આવી અને તેની ભૂમિકા અને ફરજો તેમજ હોદાની સમજ આપવામાં આવી.

લોકફાળો પાણી સમિતિના આયોજન મુંજબનાં કામ કરવા પાછળ રૂ. ૭,૨૦,૦૦૪ના ખર્ચનો અંદાજ હતો. જેમાં, રૂ. ૭,૪૮,૦૦૪નું પ્રવાહ-સી.એફ.ડી.એ. તરફથી અનુદાન મળવાનું હતું. આથી બાકીના રૂ. ૭૨,૦૦૦ની જોગવાઈ ગામલોકો પાસેથી લોકભાગીદારી (લોકફાળો)રૂપે મેળવવાનું સમિતિએ નક્કી કર્યું. ગામમાં કુલ ૧૩પ ઘર છે. સમિતિએ ઘર દીઠ સરખા ભાગે, કુટુંબ દીઠ લેવી, રેશનીંગ કાર્ડ દીઠ કે પાણીના વપરાશ મુજબ લોકફાળો લેવાના વિકલ્પ વિચારી જોયા અને પછી ચર્ચાને અંતે એક ઘર દીઠ રૂ. પ33 લોકફાળોભાગીદારી લેવાનું નક્કી કર્યું. રોકડ ન આપી શકે તેમને શ્રમદાનનો વિકલ્પ આપવામાં આવ્યો, તેમ જ પહોંચવાળા લોકો રેતી, સિમેન્ટ વગેરેમાં પણ મદદ કરે તેવું નક્કી થયું. આ માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં પાણી સમિતિના નામે ખાતું ખોલાવી લેવડ દેવડ માટે પાણી સમિતિના અધ્યક્ષ અને બે મહિલા સભ્યોને તેની સત્તા સોંપવામાં આવી

પ્રેરણા પ્રવાસ

પરિયોજનાના આયોજન મુજબ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું અને તે પછી પાણી સમિતિને નિદર્શનની કામગીરીનુ અમલીકરણ કઈ રીતે કરવું અને કેવું હોવુ જોઈએ તેની જાણકારી આપવા માટે કચ્છની વી.આર.ટી.આઈ. સંસ્થા દ્વારા જ્યાં આવી કામગીરી થઈ છે તે માધાપર અને ગાંધીગ્રામના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. પાણી સમિતિના સભ્યો, સ્વ સહાય જૂથની બહેનો ગામ આગેવાન બહેનો વગેરે પ્રવાસમાં જોડાયાં.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

આ યોજન મુજબ કામ કરવા માટે મુખ્યત્વે રેતી, સિમેન્ટ, કપચી, લોખંડ અને ગેલવેનાઈઝ પાઇપની જરૂરિયાત હતી, જેના ત્રણ ભાવ લઈ સારી ગુણવત્તાવાળી સામગ્રી પાણી સમિતિ દ્વારા ખરીદવામાં આવી. ત્યાર બાદ, પાણી સમિતિના સભ્યો, એન્જિનીયર, પાણી પુરવઠા બોર્ડના અધિકારી, પંચાયતના તલાટી કમ મંત્રી, સંસ્થાના સભ્યો તથા ગામલોકોની દેખરેખ હેઠળ નીચે મુજબનાં વિવિધ કામ કરવામાં આવ્યાં.

  • ગામની દસ વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને પ૦,૦૦૦ લિટરની ક્ષમતાનો પાણીનો ટાંકો
  • પંપ હાઉસ અને મોટર
  • કૂવાની સફાઈ અને સમારકામ
  • પાઈપ લાઈન
  • કૂવામાં રિચાર્જ થાય તે માટે નજીકના વહેણમાં પાકું નાલાપલગ
  • કેટલશેડ
  • સ્ટેન્ડ પોસ્ટ (૪)

આ રીતે સમગ્ર આયોજન પૂરું થવાથી હવે ગામમાં સ્ટેન્ડ પોસ્ટ દ્વારા પાણી મળવાથી બહેનો ઘણી જ ખૂશ છે. અગાઉ તેમને પાણી માટે દૂર દૂર જવું પડતું અને બીજાં કામ માટે સમય રહેતો નહોતો. હવે મજૂરવર્ગ મજૂરીએ જઈ શકે છે અને ખેતીવાળી બહેનો ખેતીનાં અને ઘરકામ સહેલાઈથી કરી શકે છે.

નિદર્શનનો આર્થિક દૃષ્ટિકોણ

નિદર્શનના અંતે ઊભી થયેલી વ્યવસ્થા મુજબ, પાણીના સમાન અને કાયમી ધોરણે દર મહિને રૂ. ર000ની જરૂરિયાત રહેશે, જેમાં એક વ્યકિતનો પગાર, જાળવણી ખર્ચ તેમ જ વીજળીના બિલનો સમાવેશ થાય છે. આ આવક ઊભી કરવા માટે ઘરદીઠ રૂ. ર૦૦ વાર્ષિક પાણીવેરો ઉઘરાવીને સમિતિના ખાતામાં જમા કરવામાં આવશે, વાર્ષિક માથાદીઠ ખર્ચ રૂ. ૩૬ જેવો આવશે.

તમામ સંસાધનોની ખરીદીમાં પાણી સમિતિ દ્વારા ત્રણ ભાવ મંગાવી સારી કંપની સારી ઉચ્ચ ગુણવત્તાવાળો સામાન ખરીદી કરી તમામ કામો મજબુત ટકાઉ પાણી સમિતિના સભ્યો, પંચાયતના સરપંચશ્રી તથા ગામ લોકોની દેખરેખ અને સલાહ સૂચન મુજબ કરવામાં આવેલ છે

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

નિદર્શનની શરૂઆતના કાર્યક્રમમાં આગેવાનો સાથે બેઠક યોજી પાણીના પ્રશ્ન ચર્ચા થઈ ત્યારે આગેવાનોને પોતાના ઘેર બોર હોવાથી પાણીની કોઈ મુશ્કેલી નહોતી. આથી તેમણે નિદર્શનનો લાભ લેવાની તૈયારી બતાવી નહોતી. ત્યાર પછી તેમને સમજાવવામાં આવ્યું કે બાકીનાં ૧૨૦ ઘરોને પાણી મળતું નથી. આ રીતે સમજાવટના અંતે તેઓ સૌના લાભમાં કામ કરવા તૈયાર થયા. નિદર્શનની પ્રક્રિયા દરમિયાન વંચિતોને સાંકળવાથી તેઓ તેમના પ્રશ્નો ઉઠાવતા થયા છે. જેમ કે પાઈપ લાઈન ફીટીંગ વખતે તેમના ઘર પાસે જમીન પથ્થરવાળી હોવાથી અમુક જગ્યાએ પાઈપ ઉપર દેખાતી હતી. આ બાબતે તેમણે રજૂઆત કરી અને પાઈપ વધુ ઊડી ઉતારવામાં આવી.

એ જ રીતે, આયોજન મુજબ પાણી પુરવઠા યોજનાના જૂના ટાંકાનું સમારકામ કરવાનું હતું, પણ ગામલોકોએ કામમાં રસ લઈને નવો જ ટાંકો બનાવવાનું નક્કી કર્યું.

ગામની દલિત તથા વંચિત મહિલાઓનું સંગઠન બન્યું અને ગામમાં તેમનું વજન વધ્યયું છે. નાનું ગામ હોવાથી આખા ગામને લાભ થયો છે. બધાએ પોતાની ભાગીદારી આપી પોતાનું કામ છે તેવું જણાવ્યું છે. ગામ લોકો જણાવે છે કે તેમના ગામમાં હજુ સુધી કયારેય આ રીતે, આવું કોઈ કામ થયું નથી. જેમ કે ગામના કાળુભાઈ ભરવાડ કહે છે કે 'ગામના ભરવાડ પશુપાલનવાળાને સૌથી વધુ પાણી ઢોર માટે જોઈએ. હવે આવેડો તથા ઉપર કેટલશેડ બનતાં ઢોરોને પણ શુદ્ધ પાણી પીવા મળશે."

નિદર્શનની નીતિવિષયક હિમાયત

  • પાણી સમિતિમાં દરેક જ્ઞાતિના લોકોનું પ્રતિનિધિત્વ હોવાથી તથા મીટિંગોમાં દરેક સભ્યોની હાજરીના આગ્રહને કારણે ગામના બધા વર્ગના લોકો, બહેનો તથા દલિતો અને વંચિતો પણ કામમાં સંકળાય છે અને ગામના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય છે.
  • નિદર્શન કામ દરમિયાન ખૂબ મોટા પાયે લોકજાગૃતિના પ્રયાસો કરવાથી મોટા ભાગે કામમાં કોઈ અડચણો ઊભી થતી નથી.
  • નિદર્શન કાર્યક્રમ દ્વારા વિસાવદર ગામનો પાણીનો કાયમી પ્રશ્ન હલ થયો છે અને પાણી વિતરણ વ્યવસ્થા કાયમી બની છે. ઉપરાંત એક ભંડોળ ઊભું થયું હોવાથી હવે નિભાવણી કે સમારકામ માટે કોઈ સરકારી સહાયની રાહ નહીં જોવી પડે.
  • સ્થાનિક લોકો પોતાના ગામની આ ખૂબ મોટી સમસ્યા પોતાની રીતે દૂર કરીને અને સ્વાવલંબી બની શકે છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય   Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate