অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના નવી વસાહત, વાગરા

સ્થાનિક સ્થિતિ અને સ્વૈચ્છિક સંસ્થા પરિચય

શ્રમિક વિકાસ સંસ્થાન. વાગરા શ્રમિક વિકાસ સંસ્થાન ૧૯૮૭થી ગ્રામીણ વિકાસ સાથેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. સંસ્થા મુખ્યત્વે બક્ષી પંચનાં બાળકોને શિક્ષણ પૂરું પાડવું, યુવાનોને રોજગારી આપવી અને આઇ.ટી.આઇની તાલીમ અપાવવી તેમ જ મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે.

વાગરા: ભરૂચ જિલ્લાનો વાગરા તાલુકો આર્થિક રીતે પછાત છે. તાલુકાના મુખ્ય મથક વાગરાની વસ્તી ૬૮૪૫ (૧૫૦૦ કુટુંબોની) છે, પટેલ, વાણીયા, દરબાર, દલિત, વસાવા, રાઠોડ તથા મુસ્લિમ સમાજના લોકો અહીં રહે છે. ખાસ નોંધનીય વાત એ છે કે ભરૂચ જિલ્લામાં મુસ્લિમ કોમની વસ્તી વધુ હોવા છતાં લોકો દરેક ઉત્સવો સૌ સાથે મળી ઉજવે છે અને વિકટ પરિસ્થિતિમાં પણ એકબીજાના સહયોગથી કામ પાર પાડે છે. ગામમાં મુખ્ય પ્રશ્ન રોજગારી અને પાણીનો છે. ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીની ટાંકી તળાવ કિનારે બનાવવામાં આવી છે જેના દ્વારા ગામના અંદરના ભાગમાં પાણી પહોંચતું કરવામાં આવે છે.

નવી વસાહત, વાગરા: ગામથી ૧.૫ થી ૨ કિ.મી. દૂર આવેલો છેવાડાનો વિસ્તાર સુવિધાઓથી વંચિત છે. હળપતિ કોલોની, નવી વસાહત, વાગરા તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ૮૧૦ જેટલી વસ્તી છે. ૧૫૦ કુટુંબો છે. અહીં પૂરતી વીજળીની કે રસ્તાની પણ વ્યવસ્થા નથી અને એ જ રીતે નિયમિત પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. પાણીની અહીં ખરેખર મોટી મુશ્કેલી છે. પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇન ત્ટી ગઈ છે. ઊંડા ખાડા કરી જ્યારે પાણી નીતર્યું આવે તે ભરવાનું, આ કારણે લોકોને મજૂરી પણ જઈ શકાય નહીં. બાળકોને અભ્યાસે પણ મોકલી શકાય નહીં કેમ કે સૌએ પાણી આવે તેની રાહ જોઈ બેસી રહેવું પડે. શિક્ષણ અને સંગઠનના અભાવને કારણે આ વિસ્તારની કોઈ અસરકારક રજૂઆત કરી શકે નહીં. આ વિસ્તારના પંચાયત સભ્ય પણ કોઈ રજૂઆત ન કરતા હોવાથી વિસ્તારની ઓરમાયા જેવી સ્થિતિ હતી. ગ્રામ પંચાયતમાંથી કોઈ વખતે પાણી આવે તો તે મોળું કે ખારું હોવાથી રસોઈ માટે કે પીવા માટે અનુકૂળ ન હોય.

નિદર્શનની પ્રક્રિયા

વાગરા તાલુકામાં સક્રિય શ્રમિક વિકાસ સંસ્થાને નવી વસાહત, વાગરાની પાણીની મુશ્કેલી ધ્યાને લઈને અહીં પ્રવાહના સાથમાં પીવાના પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થા ઊભી કરવા નિદર્શન પ્રવૃત્તિનું આયોજન કર્યું. સંસ્થા દ્વારા વસાહતની બહેનો અને યુવકો સાથે બેઠક કરી અને સ્થાનિક પરિસ્થિતિ શું છે અને શું કરવું જરૂરી છે તેની ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ, એક પાણી સમિતિની રચના કરવામાં આવી. પાણી સમિતિમાં વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલ તથા શિક્ષિત, અભણ, આર્થિક રીતે પછાત તથા દરેક વયના હોય તેવા સભ્યો સમાવવામાં આવ્યા. સંસ્થાના માર્ગદર્શનમાં અને વિસ્તારના લોકો સાથે ચર્ચાવિચારણા પછી પાણી સમિતિએ નિદર્શન પ્રોજેક્ટની દરખાસ્ત તૈયાર કરી અને તે પ્રવાહને મોકલી આપવામાં આવી. એપ્રિલ ૨૦૦૫માં દરખાસ્ત મંજૂર થઈ અને એમ.ઓ. યુ. કરવા માટે પત્ર આવ્યો. એમ. ઓ. યુમાં સંસ્થા અને પાણી સમિતિની સંમતિસહી થઈ પરત થતાં પ્રવાહ, સી.એફ.ડી.એ. તરફથી નાણાકીય સહાયનો પ્રથમ હપ્તો મોકલી આપવામાં આવ્યો. જોકે ટેકનિકલ બાબતમાં લાંબી ચર્ચાવિચારણાને કારણે ભૌતિક કામગીરીની શરૂઆતમાં ઘણો વિલંબ થયો. સંસ્થા તથા પાણી સમિતિ દ્વારા નીચે મુજબની સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવીઃ

  • પાણી સમિતિને વહીવટી તાલીમ
  • લોકફાળો લોક ભાગીદારી અને સમીક્ષા
  • પ્રેરણા પ્રવાસ - આગાખાન સંસ્થા, વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ ઉપલેટા તથા સેક્ટર રિફોર્મ અને સ્વજલધારા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલાં કામોની જાતમાહિતી મેળવવા માટે નવી વસાહતનાં 90 ભાઈબહેનોનો પ્રેરણા પ્રવાસ ગોઠવવામાં આવ્યો
  • હિસાબ જાળવવાની તાલીમ
  • ક્ષમતાવર્ધનની તાલીમ
  • સ્વચ્છતા સાથે, કરકસરયુક્ત પાણી વપરાશ
  • અસ્કયામત જાળવણી અને મરામત અને જાણકારી
  • વ્યવસ્થાપન અને સોંપણી

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

પાણી સમિતિએ વસાહતની પાણીની મુશ્કેલી હળવી કરવા માટે નીચે મુજબનું આયોજન તૈયાર કર્યું.

  • ઓવર હેડ ટાંકી, પO હજાર લિટર
  • પી.વી.સી. પાઇપ લાઇન, ૧૫૦ મીટર
  • ભૂગર્ભટાંકો
  • શૌચાલય
  • પંપસેટ
  • સ્ટેન્ડ પોસ્ટ

પહેલાં ભૂગર્ભટાંકાની કામગીરી કરવામાં આવી. તે પૂરી થયા પછી, ઓવરહેડ ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું. જોકે વરસાદ પડતાં ટાંકાના પાયામાં પાણી ભરાઈ ગયાં અને ૧૦ ફૂટથી વધારે ઊંડા ખાડામાં કામ કરવું મુશ્કેલ હોવાથી મજૂરો તૈયાર થયા નહીં. સાધનસામગ્રી કામના સ્થળે લાવવી મુશ્કેલ બની હોવાથી પણ કામ ધીમું પડી ગયું.

કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ પણ નડી. જેમ કે કામ પહેલાંના અંદાજ મુજબ ૧૦,૦૦૦ લિટરનો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ સ્થાનિક પાણીની જરૂરિયાત અને પાણીસમિતિના સૂચનને ધ્યાનમાં રાખી ટાંકાની ક્ષમતા વધારીને ૪૦,૦૦૦ લિટર કરવામાં આવી. ટાંકાની ઊચાઈ ૧૦ મીટરને બદલે ૬ મીટર, ગોળાકારને બદલે ચોરસ વગેરે ફેરફારો કરવામાં આવતા બધા એસ્ટીમેટ બદલાયા. પહેલા અંદાજમાં પંપસેટ રૂમ બનાવવાનું આયોજન નહોતું, પરંતુ પેનલબોર્ડ તથા વાલ્વનું વરસાદ વગેરેથી રક્ષણ કરવા માટે રૂમ બનાવવાનું પણ નક્કી થયું. ટાંકાની ક્ષમતા વધારવાનો અને પંપરૂમ બનાવવાનો નિર્ણય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો, પણ તેને કારણે પ્રવાહ તરફથી એડવાન્સ રકમ આવી ગઈ હોવા છતાં કામમાં ઝડપી પ્રગતિ થઈ શકી નહીં. દરમિયાન સંસ્થાના નિયામક બદલાતાં નાણાકીય લેવડદેવડની પ્રક્રિયામાં પણ વિલંબ થયો. આ બધાં કારણોને અંતે, એક સમીક્ષા બેઠક યોજવામાં આવી અને તે પછી કામ પાટે ચઢયું.

હવે ઓવરહેડ ટાંકીનું કામ, પાઇપલાઇનનું કામ, શૌચાલય, સ્ટેન્ડ પોસ્ટ અને પંપસેટ અને રૂમ વગેરે કામ પૂરાં થઈ ગયાં છે. થોડું કામ બાકી છે, તે ઝડપથી પૂરું થવામાં છે.

કામની ધીમી ગતિ, આયોજનમાં ફેરફાર, ટેકનિકલ તેમ જ વહીવટી મુશ્કેલીઓ વગેરે કારણોસર નિદર્શનના ખર્ચમાં લગભગ એક લાખ રૂપિયાનો વધારો થઈ ગયો છે. હાલ શ્રમિક વિકાસ સંસ્થાને આ ખર્ચ ઉપાડી લીધો છે.

લોકફાળો કુટુંબદીઠ સરેરાશ રૂ. ૩૦૦/- લેવામાં આવ્યો છે. માસિક કુટુંબદીઠ રૂ. 30/- એટલે કે ૧૫૦ કુટુંબના ૧૫૦ X 30 = ૪૫૦૦/- લેવાનું નક્કી કરવામાં આવ્યું, જેથી મેઇન્ટેનન્સ, વીજળી બીલ, વાલ્વમેનનો પગાર વગેરેને પહોંચી વળી શકાશે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

આ વસાહતના લોકોએ આ રીતે પહેલી જ વાર સાથે મળીને કોઈ કામ કર્યું છે. પાણી સમિતિથી સંગઠન શક્તિ કેળવાતાં, હવે તેમણે પંચાયત અને અન્ય સંબંધિત કચેરીએ રજૂઆત કરીને પોતાની વસાહતમાં ૨૪ કલાક વીજળી અને આંતરિક રસ્તાની સુવિધા પણ મેળવી છે.

નિદર્શન પ્રોજેક્ટથી દરરોજ સવાર સાંજ ૧ કલાક સ્ટેન્ડ પોસ્ટ ઉપર અને ઘરદીઠ જેના ત્યાં કનેકશન છે તેને પૂરતું પાણી મળશે. લોકોને દૂર સુધી પાણી ભરવા જવાનો સમય બચશે જેના કારણે તે રોજગારી અને બાળકોને માટે વધારે સમય ફાળવી શકશે. ઉપરાંત પોતાનું પાણી છે તે મળશે તેથી તેમને તે બાબતનું મહત્વ અને સ્વમાન રહેશે.

ગામમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન સક્રિય છે. જેના દ્વારા સામૂહિક શૌચાલય માટે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે. રોપા લાવી ઘરદીઠ વૃક્ષારોપણ કરવા માટે લોકજાગૃતિ કેળવવામાં આવી છે. ઉપરાંત પ્રત્યેક ઘરઆંગણની સ્વચ્છતા માટે અઠવાડિયાનો દિવસ નક્કી કરી સફાઈ કરવાનું આયોજન કર્યું છે. બાળકો સ્વચ્છ રહે, નિયમિત શાળાએ જાય તથા આરોગ્ય તપાસણીમાં પણ પોતે હાજર રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય   Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate