હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ

વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ વિશેની માહિતી

મિત્રો, આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. તાજેતરમાં દિલ્હીમાં વાતાવરણમાં પ્રદૂષકોના વધારે પ્રમાણને કારણે થોડા દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. ઉદ્યોગો, વાહનવ્યવહાર અને અનેક પ્રકારના  માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે. પર્યાવરણને સાચવવા અને એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના મહાન ઉદ્દેશ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવેમ્બર મહિનાની 26મી તારીખને “વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસ” તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી.

વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે “United Nations Environment Program – UNEP” દ્વારા સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ દશકામાં સમગ્ર વિશ્વે એવું માન્યું છે કે ખરેખર પર્યાવરણની જાળવણી અને એને લગતા કાર્યક્રમોને વિશેષ મહત્વ આપવાની જરૂરિયાત છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ વિવિધ દેશો દ્વારા પર્યાવરણની જાળવણીની નેમ સાથે વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસ ઉજવણી  કરવામાં આવે છે. પૃથ્વી પર જેટલી કુદરતી સંપત્તિ છે તે મર્યાદિત છે. માનવી એનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને પર્યાવરણને નુકસાનકારક હોય એવા કોઈ પગલા ન ભરે તો જ આપણે સૌ લાંબા ગાળા સુધી એનો ઉપયોગ કરી શકીશું. ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણની સમતુલા ખોરવાતી ગઈ. સમય જતાં એમાં વેગ આવ્યો અને પ્રદૂષણ એટલી હદે વધી ગયું કે દિલ્હી જેવા મોટા શહેરોમાં કાયદેસર શાળાઓમાં રજાઓ જાહેર કરવી પડી. અમૂક દિવસે અમુક નંબરવાળી ગાડી જ ચલાવી શકાશે એવી યોજનાઓ બનાવવી પડી. અમુક સમય કરતાં જૂના વાહનોને રદ કરવા સુધીની કાર્યવાહી થઈ રહી છે. આપણે સૌ જાણે કે એક ગૅસ ચૅમ્બરમાં રહેતા હોય એવો સમય આવી ગયો છે.

પર્યાવરણની જાળવણીની વાતો વચ્ચે  ત અંગેના પ્રચારાત્મક  પગલાં લેવાય તો કાઈક અંશે લોકોમાં જાગૃતિ જરૂર આવે. કેટલીક સામાજિક સંસ્થાઓ અને NGO પર્યાવરણની જાળવણી માટેના વિવિધ કાર્યક્રમો યોજતાં હોય છે પરંતુ એનાથી લાભ કેટલો થાય છે તે સવાલ છે. સરકારોની ઉદાસીનતા અને આપણાં સૌની પણ પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજોની અવગણના આપણાં ભવિષ્ય માટે જોખમરૂપ સાબિત થશે એ ચોક્કસ બાબત છે.

ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે.સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. હાલમાં વિશ્વનો જે દરે ઝડપી આર્થિક વિકાસ થઇ રહ્યો છે તે આત્મઘાતક છે, તે નિર્વિવાદ બાબત છે. આ વિકાસથી માનવજાત જ ખતમ થઈ જાય તો તે વિકાસ શા કામનો અને શા માટે ? આ વિકાસથી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જે વૈશ્વિક તાપમાન અને તેના વિનાશકારી અનિષ્ટોનું મૂળ છે. આથી આપણે હાલની વિકાસ પધ્ધતિ અને તેના અગ્રતાક્રમો તથા વ્યૂહરચનામાં આમૂલ પરિવર્તન કરવાની તાતી જરૂર છે. માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. વિશ્વના દેશોએ આ પ્રકારની પર્યાવરણ સંરક્ષિત “ ઇકોફ્રેન્ડલી ” વિકાસ અપનાવવાની તાતી જરૂર છે. આ પ્રકારનાં વિકાસથી પર્યાવરણ અને જૈવિક સૃષ્ટિનું સંરક્ષણ અને સંવર્ધન થાય, તેને આપણે પર્યાવરણ સંરક્ષિત વિકાસ કહિએ છીએ. જેમાં કુદરતી સંસાધનો અને પર્યાવરણનું પોષણ કરીએ છીએ. શોષણ કરતા નથી.

પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. જેમાં મુખ્ય કરારો નીચે મુજબ છે.

  • એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ
  • જૈવ વિવિધતાં જાળવવાની સંધિ
  • મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્તિને જાળવવાની સંધિ
  • વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ
  • વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર
  • ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ
  • મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. વળી, સુર્યની ઉર્જાનો ઉપયોગ પણ સલામત અને અખૂટ છે. તો મિત્રો, આવો આજે આપણે સૌ આ પર્યાવરણ સંરક્ષણ દિવસે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્ય માટે આપણું યોગદાન આપીએ.

સ્ત્રોત જીગ્યા બ્લોગ

3.22222222222
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top