હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ

શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ

શહેરી વિસ્તારોમાં ભૂગર્ભજળ સ્રોતોની સાથે સપાટી સ્રોતોનું પણ મહત્વ ખૂબ જ અગત્યનું છે. સપાટીય સ્રોતો મુખ્યત્વે વિસ્તારની રૂપરેખા(ટોપોગ્રાફી), ભૂ-વિજ્ઞાન(જીયોગ્રાફી), વરસાદનું પ્રમાણ, વહેતું પાણી(રનઓફ), વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઉપર અવલંબિત હોય છે. ભૂગર્ભજળ વ્યવસ્થાપન જળભૂસ્તર વિજ્ઞાન(જિયોહાઇડ્રોલોજિ) કરતાં ઉપરોકત મુદ્રાઓ ઉપર આધાર રાખે છે. આથી ઉપરોકત મુદ્રાઓ પરત્વે ધ્યાન આપવું વધારે અગત્યનું છે. શહેરોમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન મુખ્યત્વે વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભજળ રિચાર્જ દ્વારા કરવામાં આવે છે. ભૂગર્ભજળ વ્યવસ્થાપનની વિચારણા મુખ્યત્વે ભૂગર્ભજળનું શોષણ, રિચાર્જ અને તેની ગુણવત્તા ઉપર મદાર રાખે છે. આપણી પોતાની જમીનમાંથી ભૂગર્ભજળનું કેટલું ખેંચાણ કરવું એ અંગેનો કોઇ કાયદો છે નહી, પણ એ આપણી વિવેકબુદ્ઘિનો વિષય છે. કેટલી ઊંડાઇએથી પાણીનું ખેંચાણ કરવું એ અંગે કોઇ મર્યાદા નથી પણ એ આપણા હાથની વાત છે કે, આપણે ઓછી ઊંડાઇએથી પાણી મેળવી શકીએ. આપણે ભૂગર્ભજળના ખેંચાણની સાથે ભૂગર્ભમાં વરસાદી પાણીનું રિચાર્જ પણ કરવું જોઇએ જેથી ભૂગર્ભજળની ઊંડાઇ જળવાઇ રહે. મોટેભાગે કોઇપણ વિસ્તાર માટે જે આયોજન અને નીતિઓ બનાવવામાં આવે છે તેમાં રાજકિય અને સામાજિક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ઘણી વખત જળવિજ્ઞાન(હાઇડ્રોલોજિ) અને જળ-ભૂસ્તરવિજ્ઞાન(જિયોહાઇડ્રોલોજિ) અંગેનું જ્ઞાન અને જે-તે વિસ્તારના માગ અને પૂરવઠાના પ્રમાણ અંગે અલગતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી દ્વારા રિચાર્જ અંગેની પ્રવૃતિને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે પણ જળ-ભૂસ્તરવિજ્ઞાનના આધારે એવું કહી શકાય કે, તેની બાજુમાં આવેલા વિસ્તારમાં આવા રિચાર્જના કારણે પાણીનો ભરાવો પણ થઇ શકે તેમ છે જે પૂર સંકટમાં પરિણમે એવું પણ બને! એવી જ રીતે સતત પાનીના ખેચાણના કારણે જે-તે વિસ્તારનું પાણીનું સ્તર એકદમ નીચું જતું રહે છે અને દરિયાનું ખારૂં પાણી સ્રોતોમાં આવી જવાની શકયતા વધી જાય છે. આથી જે-તે વિસ્તારના જળભૂસ્તરવિજ્ઞાનની સાથે તે વિસ્તારના માગ અને પૂરવઠાના પ્રમાણને પણ જોડવું જોઇએ એ બાદ જ ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગેની સાચી કાર્યવાહી કરી શકાય. શહેરી વિસ્તારોમાં આ બાબત ત્યારે જ શકય બને કે, આયોજન અને સંચાલકિય સ્તરોને સ્થાપિત કરતાં પહેલા તે વિસ્તારની સામાજિક અર્થવ્યવસ્થાને સાદ્રશ્ય હોય! શહેરી વિસ્તારોમાં આવેલી પાણી પૂરવઠાની કચેરીમાં ભૂગર્બજળ સ્રોતો અને તેના પૂરવઠા અંગેની 'ઓફિસીયલ" માહિતી જ હોય છે. આ કચેરીઓ પાસે અંગત માલિકીના કૂવા-બોરવેલમાંથી ઉલેચવામાં આવતા પાણી કે ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવતા ભૂગર્ભજળ અંગેની માહિતી હોતી નથી. આવા સંજોગોમાં ભૂગર્ભજળ અંગેની તેમજ તેના વપરાશ અને રિચાર્જ અંગેની ચોક્કસ માહિતી મળી શકતી નથી. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના નેટવર્ક દ્વારા જે કૂવા-બોરવેલનું મોનિટરિંગ કરવામાં આવે છે તેની સંખ્યા ઓછી હોય છે અને આવા કૂવા-બોરવેલ વચ્ચે અંતર પણ વધારે હોય છે. આથી આ પ્રકારના મોનિટરિંગથી ભૂગર્ભજળ અંગેની ચોક્કસ માહિતી મેળવવી કેટલા અંશે વાજબી ગણી શકાય તે એક મનોમંથનનો વિષય છે. ભૂગર્ભજળના મોનિટરિંગ દ્વારા ભૂગર્ભમાં કેટલું રિચાર્જ કરવું તેની યોગ્ય માહિતી આપણને મળી શકે છે. આ સાથે આપણી પાસે ભૂગર્ભજળના વપરાશના પણ સાચા આંકડા હોવા જરૂરી છે. આ બન્ને માહિતીના સમન્વયથી જ ભૂગર્ભજળ રિચાર્જનું સાચુ ચિત્ર આપણી સમક્ષ આવી શકે છે.

ભૂગર્ભજળ દુર્લભ છે તેની યોગ્ય માવજત કરવી તે આપણી ફરજ છે. બારમી પંચવર્ષિય યોજનાના હેવાલના વોલ્યુમ:૨ ના પાના નંબર ૩૪૫ નીચે જણાવ્યા પ્રમાણેની ભલામણો કરવામાં આવી છે:

  1. શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં પાણીની ફાળવણી અંગેના મુદ્રાને યોગ્ય રીતે તપાસીને રાષ્ટ્રીય સ્તરનું તણાવ ઓછું કરવાની જરૂર છે. શહેરી વિસ્તારોમાં ઓદ્યોગિક વિકાસ શહેરની પાણીની જરૂરિયાતને વધારે છે. આવા સમયે શહેરના ઉદ્યોગોએ જરૂર પૂરતાં પાણીના સ્રોતોનું ખનન કરવું જોઇએ જેથી આપણે આવનારી પેઢી માટે ભૂગર્ભજળનો જથ્થો અનામત રાખી શકીએ.
  2. પાણી પૂરવઠા અને તેના વિતરણના ખર્ચમાં ઘટાડો લાવવા માટે જર્જરિત વિતરણ વ્યવસ્થાનું સમારકામ કરવું જોઇએ અને સ્થનિક જુના ભૂગર્ભજળસ્રોતોનું નવિનીકરણ કરવું જોઇએ. મોટાભાગે શહેરી વિસ્તારોમાં પાણી સપ્લાય શહેરથી દૂર આવેલા સ્રોતથી આપવામાં આવે છે જેને કારણે પાણીના પરિવહનની કિંમત વધે છે સાથે લીકેજની શકયતાઓમાં પણ વધારો થાય છે. આથી પાણી સપ્લાયના સ્રોત વપરાશકર્તાઓથી નજીક હોવા જરૂરી છે. શહેરી સ્રોત તરીકે વહેતા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ અને શહેરમાં જે જળાશયો આવેલા છે તેમાથી જ શહેરોમાં પાણીનું વિતરણ કરવું જોઇએ.
  3. પાણી પૂરવઠાની ગણતરીમાં ભૂગર્ભજળનો સમાવેશ કરવો જોઇએ. જયારે કોઇ એક શહેર માટે પાણીનું આયોજન કરવાનું હોય છે ત્યારે પાણીનો બચાવ અને તેના રિચાર્જ ઉપર ધ્યાન આપવામાં આવે છે પણ ભૂગર્ભજળના વિકાસને આયોજનમાંથી બાકાત રાખવામાં આવે છે. જે વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પાણી મળી શકતું નથી ત્યાં ફરજિયાત ભૂગર્ભજળના નિષ્કર્ષણ ઉપર આધાર રાખવો પડે છે.

ખેર, સૌથી મોટી સમસ્યા તો એ છે કે, જે વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તે અનુચિત છે અથવા તો ક્ષતિ ભરેલા છે. આ ઉપરાંત શહેરો માટે જે દૂરથી ભૂગર્ભસ્રોતો દ્વારા પાણી પાઇપલાઇન દ્વારા પહોચાડવામાં આવે છે તેની આયાત મોંઘી પડે છે. આથી એક શહેરના પાણીના આયોજનમાં ભૂગર્ભજળનો ટકાઉ અને કાર્યદક્ષ ઉપયોગ થઇ શકે એ માટે ભૂગર્ભજળના માપનને આયોજનમાં સમાવેશ કરવો જોઇએ.

શહેરોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પાણીની જરૂરિયાતને સંતોષી શકાય છે. જરૂરિયાત પ્રમાણેના વરસાદી પાણીના સંગ્રહ બાદ વધારાના પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવું જોઇએ જેથી ભૂગર્ભજળ સપાટીમાં વધારો થઇ શકે. ભૂગર્ભજળની સપાટીના નિરિક્ષણ માટે મોનિટરીંગ વેલ્સની પ્રથા એકદમ સરળ અને ચોક્કસ છે. વેલ ઇન્વેન્ટરી પદ્ઘતિ દ્વારા ભૂગર્ભજળ સપાટીનું નિરિક્ષણ કરી શકાય છે. આ પદ્ઘતિમાં વરસાદ પહેલા અને વરસાદ બાદ કૂવાના પાણીના સ્તરને ચકાસવામાં આવે છે.

શહેરીકરણના વિસ્તરણને કારણે ભૂગર્ભજળ સપાટી ઉપર શું અસર થઇ છે તે જાણવા માટે શહેરમાં એક અલગ નિરિક્ષણ પદ્ઘતિ હોઇ શકે. શહેરોમાં ભૂગર્ભજળ સપાટીના નિરિક્ષણ માટે 'મોનિટરીંગ નેટવર્ક" ઊભું કરવું પડે. આ માટે પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્રયોગાત્મક અભિગમ અપનાવવો પડે. ઉદાહરણ તરીકે આઇ.આઇ એમ.બેંગલુરૂ દ્વારા શહેરોમાં અને શહેરોની આસપાસ આવેલા ઓદ્યોગિક એકમોમાં ભૂગર્ભજળનો વપરાશ કેવી રીતે કરવામાં આવે છે તેનો અભ્યાસલક્ષી પ્રોજેકટ હાથ ધર્યો હતો. આ પ્રકારના અભ્યાસલક્ષી પાઇલોટ પ્રોજેકટ દરેક શહેરોમાં હાથ ધરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં ભૂગર્ભજળની સપાટીનું અવલોકન થઇ શકે તેમ છે. આવા અવલોકનથી ભૂગર્ભજળની વર્તમાન સ્થિતિ અને સંભવિત ભવિષ્યની સ્થિતિ અંગેનો સચોટ ચિતાર આપી શકાય છે. આ ઉપરાંત ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગેના વિવિધ મોડેલ પ્રસ્થાપિત કરી શકાય છે જેમ કે, શહેરમાં આવેલા સપાટીય જળસ્રોતો અને ભૂગર્ભજળસ્રોતોનું એકબીજા સાથે જોડાણ કરવું, શહેરના જળચક્રનો અભ્યાસ કરીને સંભવિત પૂરની સ્થિતિનું વ્યવસ્થાપન, ભૂગર્ભજળ રિચાર્જ, ગંદા પાણીને રિસાયકલ કરીને પુન:ઉપયોગ અને કલાઇમેટ ચેન્જની અસરને જાણીને રિવર બેસીન સ્કેલ ઉપર સપાટીય સ્રોત અને ભૂગર્ભજળ સ્રોતનું વ્યવસ્થાપન.

બારમી પંચવર્ષીય યોજનામાં એવી ભલામણ કરવામાં આવેલી છે કે, આખા દેશમાં એક લાખ કૂવાઓને ભૂગર્ભજળ સપાટીના નિરિક્ષણ હેઠળ લેવા જોઇએ. આમાંથી અમુક કૂવાઓ પંચાયતિરાજ દ્વારા અને અમુક કૂવાઓ શહેરના તંત્ર દ્વારા નિરિક્ષણમાં આવવા જોઇએ. આ નિરિક્ષણ દ્વારા પાણી ધરાવતા ખડકોમાં કેટલું પાણી જમા થાય છે અને કેટલા પાણીનો વપરાશ થાય છે એ જાણવા મળી શકે અને એ પણ જાણવાની કોશિષ કરવી જોઇએ કે, પાણી ધરાવતા ખડકોમાં જમા થતા પાણીથી તેની નજીકના વિસ્તારમાં આવેલા ભૂગર્ભજળની પ્રતિક્રિયા કેવી છે?

સંશોધનોથી પ્રાપ્ત વિગતોથી ફલિત થાય છે કે, ભૂગર્ભજળનો વધારે પડતો ઉપયોગ કરવાથી તેની સપાટી સતત નીચી જઇ રહી છે અને આ માટે શહેરીકરણ અને ઓદ્યોગિકરણમાં પાણીનો થઇ રહેલો બેફામ વપરાશ જવાબદાર છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન ક્ષેત્રે તાજા પાણીની માંગ વધી છે જેને કારણે ભૂગર્ભજળ સપાટીમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ભૂગર્ભજળના વધુ પડતા ખેચાણવાળા વિસ્તારમાં મોટાભાગે ભૂગર્ભજળનો ઉપયોગ ખેત ઉત્પાદન મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. આવા વિસ્તારોમાં ખેતીમાં માઈક્રો ઇરિગેશન પદ્ઘતિ દ્વારા સિંચાઇ આપવાની ભલામણો કરવાથી ભૂગર્ભજળનો વપરાશ ઘટી શકે. વધુ વરસાદ ધરાવતા ડુંગરાળ ભૂપ્રદેશ અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહના અભિગમ પ્રત્યે લોકોને જાગૃત કરવાથી ભૂગર્ભજળનો બચાવ થઇ શકે.

વર્તમાન સમયમાંઆપણે ભૂતળમાંથી જે પાણી મેળવીએ છીએ એ વર્ષો પહેલા જમા થયેલું પાણી છે. અગાઉના સમયમાં પર્યાવરણની સાનુકૂળ સ્થિતિને કારણે વરસાદ નિયમિત અને પૂરતાં પ્રમાણમાં થતો હતો. આ ઉપરાંત લોકો દ્વારા પણ આવા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી ભૂગર્ભજળ સચવાઇને રહેતું હતું. આજે પરિસ્થિતિ અલગ છે. કલાઇમેટ ચેન્જની અસર હેઠળ વરસાદનું ચક્ર ખોરવાઇ ગયું છે. વરસાદ અનિયમિત થયો છે. લોકો પરંપરાગત વરસાદી પાણીના સંગ્રહની પદ્ઘતિને ભૂલી રહ્યા છે અને વધુને વધુ પાણી ભૂતળમાંથી ખેંચી રહ્યા છે. ભૂતળમાં પાણી ખેચાણની સાથે રિચાર્જ કરવામાં આવશે નહીં તો આવનારી પેઢી માટે આપણે પાણી વગરના ખાલી ભૂતળ તેમને ભેંટમાં આપીશું. આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એ માટે ભૂગર્ભજળના વપરાશની સાથે ભૂગર્ભજળનું રિચાર્જ કરવું ખૂબ જ અગત્યનું છે. વર્તમાન પરિસ્થિતિની તાસીરને સમજીને આપણે અત્યારથી જ ભૂતળને રિચાર્જ કરવાનું શરૂ કરીએ તો હાલના અને આગામી સમયમાં પાણીની ખેંચમાં રાહત મેળવી શકાય.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top