অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભૂગર્ભ જળભંડારના કૃત્રિમ રીચાર્જની અસલિયત

ભૂગર્ભ જળભંડારના કૃત્રિમ રીચાર્જની અસલિયત
પ્રાચીનકાળથી ભારતમાં વર્ષા જળસંચય પ્રચલિત છે. પ્રાગઐતિહાસિક કાળથી વરસાદનું પાણી એકત્ર કરવાની પ્રથા આપણા દેશમાં ચાલતી રહી છે. જળ વ્યવસ્થાપનની પરંપરા મૌજૂદ હોવાના અનેક પ્રમાણ પ્રાચીન ગ્રંથો, શિલ્પલેખ તથા હસ્તપ્રતોમાં છે. પરંતુ વર્ષાજળ સંગ્રહની પ્રાચીન પદ્ધતિમાં પાતાળની સરવાણીઓને નવપલ્લવિત કરવાનું જ્ઞાન નહોતું, માત્ર જળસંગ્રહનો હેતુ હતો. વિજ્ઞાનની પ્રગતિ સાથે આપણે ભૂગર્ભજળના ભંડારનું રીચાર્જિંગ કરતા શીખ્યા છીએ, જેથી ઊંડા જઈ રહેલા પાણીના તળ સુધારી શકાય.
ભારતમાં સિંચાઈ, પેટાજળ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણીના વપરાશમાં નોંધાઈ રહેલી વૃદ્ધિમાં ભૂગર્ભ જળ ઉપરનું અવલંબન ખાસ્સું વધી ગયું છે. ખેતીવાડીના વિકાસ તથા દુષ્કાળ નિવારણ માટે ઘણા બધા રાજ્યોમાં ખુદ સરકારે મોટા પાયે ભૂગર્ભ જળભંડારનાં દોહનને ઉત્તેજન આપતા તેના પરિણામો જરૂર મળ્યા, પરંતુ બેફામ વપરાશ અને વિવેકપૂર્ણ ઉપયોગ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જતા અનેક ક્ષેત્રોમાં પાણીના તળ ખૂબ ઊંડે જવા લાગતા એક નવી સમસ્યાનો જન્મ થયો છે. દરિયાકાંઠાના ક્ષેત્રમાં ભૂગર્ભ જળભંડારમાં ખારાશ વધતી જાય છે, તો પાતાળ કૂવાની ઊંડાઈમાં વધારો થતાં પાણી ખેંચવા પાછળ વીજળીનો ભારે વપરાશ થવા લાગ્યો છે. પાણીની અછત પડતાં માનવીએ આડેધડ ભૂગર્ભ જળના ભંડાર ઊલેચી નાંખવા શરૂ કર્યા છે, પણ રીચાર્જનું મહત્ત્વ બહુ ઓછા સમજે છે. પાતાળમાંથી જેટલું પાણી ખેંચો તેટલું પાણી ભાવિ પેઢી માટે જમીનમાં વર્ષાજળ સંચય દ્વારા ઊતારવું જોઈએ. અન્યથા વસૂકી ગયેલા પાતાળને કારણે ઊભી થતી ગંભીર પર્યાવરણીય તથા આર્થિક સામાજિક સમસ્યા વેઠવા માનવ જાતે તૈયાર રહેવું પડશે.
ભૂગર્ભ જળભંડારોમાં પાણીનો નવો જથ્થો દર ચોમાસે જમા કરાવવાની કૃત્રિમ રીચાર્જની ઝુંબેશનું મહત્ત્વ આમ આદમી સુધી પહોંચાડી તેનો સહયોગ પ્રાપ્ત કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા માહિતી પ્રચાર-પ્રસારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રીપોર્ટ, નકશા, ચાર્ટ, વેબસાઈટ વગેરે દ્વારા કયા ક્ષેત્રમાં વર્ષાજળ સંચયની કેટલી ગુંજાયશ છે તેની માહિતી વૈજ્ઞાનિક ઢબે પુરી પાડવામાં આવે છે. ૨૦૦૬થી જળસંસાધન મંત્રીના અધ્યક્ષપદે એડવાઇઝરી કાઉન્સિલ ઓન આર્ટિફિશીયલ રીચાર્જ ઓફ ગ્રાઉન્ડ ઉપરાંત સંસાધન મંત્રાલય દ્વારા ભૂમિજળ સંવર્ધન પુરસ્કાર પ્રતિ વર્ષ એનાયત કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારની પહેલ

જળાશય, વાવ, કૂવા સહિતના જળસંચય સ્થાનની બહાર વહી જતા વરસાદના પાણીનો પ્રવાહ નાથીને વૈજ્ઞાનિક ઢબે કૃત્રિમ રીચાર્જના ઇજનેરી કૌશલ્યનાં ઉપયોગ દ્વારા પાતાળ જળના ભંડારમાં વધારો કરવાનું કામ ભારત સરકારના જળ સંસાધન મંત્રાલય હસ્તકના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ચાલી રહ્યું છે, જે ભૂવૈવિધ્ય તથા કુદરતી જળપ્રાપ્તિના પ્રમાણની અસમાનતાને કારણે ખૂબ વિકટ કાર્ય છે
ભૂતળ રીચાર્જનો પ્રથમ સંકલિત પ્રયોગ યુ.એન.ડી.પી.ની સહાયથી ૧૯૭૬-૭૮ દરમ્યાન હરિયાણાની ઘાઘર નદીના વહેણ પ્રદેશમાં હાથ ધરાયો પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર તથા મહેસાણાનો ઉમેરો થયો હતો. અહીં સફળતા પ્રાપ્ત થયા બાદ વર્ષાજળનો કૃત્રિમ રીચાર્જ માટે ઉપયોગ કરવાની ટેકનિકને આઠમી યોજનામાં સ્થાન અપાયું હતું. કર્ણાટકના કોલાર જિલ્લાના ગૌરીબિદનૌર તથા મુલબાગલ તાલુકા, સંતરા અને કેળાનો મોટો પાક લેતા મહરાષ્ટ્રના અમરાવતી તથા જલગાંવ જિલ્લાઓ તથા દિલ્હી અને ચંદીગઢમાં અનુશ્રવણ તળાવ, એખ ડેમ, સિમેન્ટ રબર, ટલગ, તથા રીચાર્જ કૂવા વગેરેના બાંધકામ દ્વારા ભૂગર્ભમાં પાણી ઊતારવાની મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી.

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળેલી સફલતાને પગલે આ પ્રવૃત્તિનું વિસ્તરણ કરી નવમી યોજનામાં ૨૭ રાજ્યોમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૦૮-૦૯ દરમ્યાન આંધ્ર પ્રદેશ, કર્ણાટક,મધ્યપ્રદેશ તથા તામિલનાડુમાં ૮ વિસ્તારોમાં કૃત્રિમ જળ રીચાર્જ તથા વર્ષાજળ એકત્રિકરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કૃત્રિમ રીચાર્જ વ્યસ્થાનું સર્જન કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા રાજ્ય સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની મદદ પણ લેવામાં આવે છે.

જમીનમાં પાણી ઉતારવા માટે તૈયાર કરાતા સ્ટ્રક્ચરની સફળતા તપાસવા માટે હાથ ધરાયેલી મોજણીમાં જાણવા મળ્યા પ્રમાણે સખત ખડક ધરાવતી જમીનમાં ચેકડેમ, અનુશ્રવણ તળાવ અને રીચાર્જ શાફ્ટ ઉપયોગી સાબિત થયા છે, જ્યારે પોચી જમીનમાં ટ્યુબવેલ તથા રીચાર્જ ખાડા પાણીને ઝડપભેર જમીનના તળમાં ઊતારી દેતા જણાયા છે. શહેરી વિસ્તારો તથા ભારે વરસાદ મળવતા પર્વતાળ ક્ષેત્રમાં ‘રૂક ટોપ’ પદ્ધતિ ઉપયોગી રહી છે. પાતાળ જળની સરવાણીઓનું કૃત્રિમ પદ્ધતિ વડે રીચાર્જ કરાતા પ્રોજેક્ટોની સફળતાની ઝલક અહીં પ્રસ્તુત છે. નવમી યોજના દરમ્યાન સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા આર્ટિફિશીયલ રીચાર્જ પ્રોજેક્ટ હાથ ધરવાની કામગીરી કેન્દ્રની ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેશન તરીકે ઓળખાતી યોજના હેઠળ હાથ ધરવામાં આવી હતી. દુષ્કાળની સંભવના ધરાવતા પ્રદેશ તથા ભૂગર્ભજળના અતિ દોહનનો ભોગ બનેલા ક્ષેત્રોમાં હાથ ધરાતી આ કામગીરી હેઠળ સ્ટ્રક્ચર બાંધકામની જવાબદારી રાજ્યને સોંપી તેનો સઘળો ખર્ચ કેન્દ્ર આપે છે. હાલ રૂ. ૧૦૦ કરોડની ફાળવણી સાથે આ યોજના આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, પંજાબ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં ચાલી રહી છે. ભૂગર્ભજળના ભારે દોહનનો ભોગ બનેલા આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ તામિલનાડુ તથા ગુજરાતના ૧,૧૮૦ તાલુકાઓમાં કૂવાઓ દ્વારા રીચાર્જ કરવાની યોજના નવમી યોજનામાં સમાવેશ થયા બાદ સફળતાપૂર્વક ચાલી રહી છે. રાજ્યસ્તરે અમલ ધરાવતી આ યોજના હેઠળ રીચાર્જના ઘટક તરીકે સાદા કૂવાની પસંદગી કરી વરસાદનું પાણી તેમાં ઉતારવા માટેની વ્યવસ્થા જનભાગીદારી દ્વારા હાથ ધરવામાં આવે છે. સીમનું પાણી અને ખેતરનું પાણી કૂવાઓ તફ ઢળે તેવી વ્યવસ્થા ગોઠવી કૂવાના તળ ઊંચા લાવવામાં સફળતા મળી છે.

ભૂગર્ભ જળભંડારોમાં પાણીનો નવો જથ્થો દર ચોમાસે જમા કરાવવાની કૃત્રિમ રીચાર્જની ઝુંબેશનું મહત્ત્વ આમ આદમી સુધી પહોંચાડી તેનો સહયોગ પ્રાપ્ત કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા માહિતી પ્રચાર-પ્રસારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રીપોર્ટ, નકશા, ચાર્ટ, વેબસાઈટ વગેરે દ્વારા કયા ક્ષેત્રમાં વર્ષાજળ સંચયની કેટલી ગુંજાયશ છે તેની માહિતી વૈજ્ઞાનિક ઢબે પુરી પાડવામાં આવે છે. ૨૦૦૬થી જળસંસાધન મંત્રીના અધ્યક્ષપદે એડવાઇઝરી કાઉન્સિલ ઓન આર્ટિફિશીયલ રીચાર્જ ઓફ ગ્રાઉન્ડ ઉપરાંત સંસાધન મંત્રાલય દ્વારા ‘ભૂમિજળ સંવર્ધન પુરસ્કાર’ પ્રતિ વર્ષ એનાયત કરવામાં આવે છે. કાર્યક્ષમ ઢબે વર્ષાજળ સંચય તથા જળ પુર્નઉપયોગને જનભાગીદારી દ્વારા શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકતી સંસ્થાને અલગથી રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. પર્યાવરણ (રક્ષણ) કાયદો, ૧૯૮૬ અન્વયે રચાયેલ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટી પણ જળસંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે. પાતાળજળનું રીચાર્જ કરવાની પ્રવૃત્તિ હવે રાષ્ટ્રીય અગ્રતા બની ચૂકી છે અને આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, છતિસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી અને તામિલનાડુ જેવા રાજ્યો તેનો ગંભીરતાથી અમલ કરી રહ્યાં છે. તામિલનાડુમાં તમામ સરકારી ખાતાઓને સાથે રાખી વર્ષાજળ સંચય પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. અલબત્ત, ગુજરાત સરકારે જળ રીચાર્જ માટે સૌરાષ્ટ્રમાં હાથ ધરેલી આક્રમક પદ્ધતિ એટલી સફળ રહી છે કે અન્ય રાજ્યોને તેમાંથી પ્રેરણા, માર્ગદર્શન અને બોધપાઠ લેવા પડે, ખેડૂતોને સાથે રાખી ગુજરાત સરકારે ડિસેમ્બર, ૨૦૦૮ સુધીમાં ૫ લાખ રીચાર્જ સ્ટ્રકચર ઊભા કર્યા હતા. જેમાં૧,૧૩,૭૩૮ ચેકડેમ, ૫૫,૯૧૭ બોરીબંધ, ૨,૪૦,૧૯૯ ખેત તલાવડીનો સમાવેશ થતો હતો. આ ઝુંબેશ એટલી સફળ રહી છે કે ચેકડેમના ક્ષેત્રમાં પાણીના તળ ૩ થી ૫ મીટર ઊંચા આવ્યા છે અને સૂકાઈ ગયેલા કૂવાઓમાં હવે બારેમાસ પાણી રહે છે. રીચાર્જીંગના પગલે પાણીની ગુણવત્તા પણ સુધરી હોવાનું ઠેરઠેર જણાયું છે.

બિન સરકારી સ્વૈચ્છિક તથા સેવાભાવી સંસ્થાઓની પ્રશંસ્ય પહેલ

પાણીની બચત, વિવેકપૂર્ણ ઉપયોગ તથા પાતાળજળનું રીચાર્જ કરવાનું મહત્ત્વ સામાન્ય જનતા સુધી પહોંચાડી તેમના જ સહયોગ દ્વારા ઢગલાબંધ સ્થળે સ્થાનિક જળસંકટ દૂર કરવામાં અનેક એન.જી.ઓ. સફળ થયા છે. તેની નોંધ સરકારે લેવી પડી છે. મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં હિવરે બજાર ગામે શ્રી પોપટરાવ પવારે યશવંત એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની રચના કરી સમર્પણભાવ સાથે વોટર શેડ ડેવલપમેન્ટ કાર્યક્રમનો પરિણામદાયી અમલ કરી બતાવ્યો છે. ખેતતલાવડી, નાળા ઉપર પાળા બાંધવા, અનુશ્રવણ તળાવ વગેરેના બાંધકામ દ્વારા પાણીના તળ સુધી અહીં ઘાસચારો અને દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. જળ સંચયને સામાજિક ઉદ્ધાર પ્રવૃત્તિ તરીકે હાથ ધરનાર આ ગ્રામ પંચાયતને ૨૦૦૭માં નેશનલ વોટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જમીન સંરક્ષણને જળસંચય અને પુર્ન ઉપયોગ સાથે જોડી લોકઝુંબેશ લાવનાર શ્રી અન્ના હઝારેને પદ્મભૂષણનો ખિતાબ અપાયો છે, તો રાજસ્થાનમાં અલવર જિલ્લાના ગામડાઓમાં જળઝુંબેશ ચલાવનાર તરુણ ભારત સંઘના શ્રી રાજેન્દ્ર સિંઘને મેગસાયસાય એવોર્ડ પ્રાપ્ત થયો છે. ૫૦૦૮નો નેશનલ વોટર એવોર્ડ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ચાલતી વૃક્ષપ્રેમ સેવા સંસ્થાને મળ્યો છે. જળસંકટ ભોગવતા તમામ રાજ્યોમાં જળ બચત, સંગ્રહ, વિવેકપૂર્ણ વપરાશ તથા કૃત્રિમ રીચાર્જની પ્રવૃત્તિ સમાજસેવા કરતી સંખ્યાબંધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે તે શુભ નિશાની છે.

સદીઓ પછી સર્જાયેલા ભૂગર્ભજળ ભંડારો આડેધડ ઉલેચી નાંખવાનું સંકટ ઊભું થયા બાદ સરકારી તથા બિનસરકારી સ્તરે રીચાર્જીંગ પ્રવૃત્તિ હાથ ધરાતા સામાન્ય પ્રજામાં પણ હવે જાગૃતિ ફેલાતી જાય છે. ધરતીને તેનું જળ પાછું આપ્યા સિવાય પ્રકૃતિનો ફાયદામંદ ભોગવટો કરવો માનવી માટે સંભવ નથી, પરિણામે પાતાળ જળની સરવાણીઓ જીવંત રાખવા માટે વર્ષાજળ સંચય અને રીચાર્જીંગને રાષ્ટ્રીય અગ્રતા આપ્યા વગર છૂટકો નથી. પાણીના ભંડાર અખૂટ નથી, વપરાશ માટે પૂરતા છે. જીવનરક્ષક દ્રવ્ય તરીકે માનવ, પશુ, પંખી તથા વનસ્પતિ જગતને પાણી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રાખવું હશે તો જળ વપરાશની એક સજ્જડ શૃંખલા ઊભી કરવી પડશે. અન્યથા અનાજ ઉત્પાદનમાં આત્મ નિર્ભર બનવા દાયકાઓ મહેનત કર્યા પછી મળેલી સફળતા જળસંકટમાં ખોવાઈ જશે. જળ વપરાશમાં ભારતને સ્વાત્મનિર્ભર રાખવા માટે રીચાર્જ હવે એકમાત્ર ઉપાય છે.

સ્ત્રોત: બી.એમ.ઝા  ડા. આર.સી. જૈન ( લેખક બી.એમ. ઝા કેન્દ્રીય ભૂગર્ભ જળ બૉર્ડ- ફરિદાબાદના અધ્યક્ષ તથા ડૉ. આર.સી. જૈન કેન્દ્રીય ભૂગર્ભ જળ બૉર્ડ- ફરિદાબાદના અધ્યક્ષ તથા ડૉ. આર.સી. જૈન કેન્દ્રીય ભૂગર્ભ જળ બૉર્ડ-અમદાવાદના પ્રાદેશિક નિયામક છે.)

સંકલનઃ કંચન કુંભારાણા© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate