હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / જળ પ્રયોગશાળામાં બની શકતું નથી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જળ પ્રયોગશાળામાં બની શકતું નથી

જળ પ્રયોગશાળામાં બની શકતું નથી

જળ-પાણી એ કુદરતનું અદ્‌ભુત સર્જન છે. જળના ત્રણ સ્વરૂપ છે. ઘન, પ્રવાહી અને વાયુ. જળ, ઘન સ્વરૂપે બરફ છે. પ્રવાહી સ્વરૂપે સ્વયં જળ છે અને વાયુ સ્વરૂપે વરાળ છે. જળના આ ત્રણેય સ્વરૂપ પણ ખૂબ જ શકિતશાળી છે.

લોહીને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. આપણા શરીરમાં કયાંયથી પણ લોહી વહી જતું હોય તે તેને વહી જતું અટકાવવાની બનતી બધી જ કોશીષ આપણે કરીએ છીએ. આવી જ રીતે જળને પણ પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પણ, જયારે જળ ફોગટમાં વહી જતું હોય ત્યારે આપણે તેને અટકાવવાની કોશીષ કરતાં નથી.

જળનું કોઇપણ સ્વરૂપ રૂદ્ર સ્વરૂપ ધારણ કરે તો વિનાશ કરે છે. જળનો કોઇ રંગ નથી, જળનો મીઠો, તીખો, તૂરો, કડવો, ખારો કે ખાટો સ્વાદ નથી. જળની કોઇ સુગંધ નથી તો પણ જળ સમગ્ર સજીવોમાં જીવનરસ બનેલું છે. જળ આત્મીય છે.

જળ અંતરઆત્મા છે. જળ એ જ જીવન છે આ વિધાન દરેક રીતે સાચું છે. વસુંધરા ઉપર મહાલતો દરેક સજીવ કદાચ ભૂખ સહન કરી શકશે પણ તરસ સહન કરી શકતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, સજીવના શરીરના બંધારણમાં જળનો ફાળો મહત્વનો છે.

માનવ શરીરમાં સીત્તેર ટકા જળ છે. શરીરના દરેક ભાગમાં જળની હાજરી આવશ્યક છે. જે આંખોથી આપણે જગતને જોઇ શકીએ છીએ એ આંખો પણ સજળ છે. ટૂંકમાં જળ વગર જીવન શકય જ નથી.

સજીવના જીવનમાં આવું મહત્વનું સ્થાન ધરાવતાં જળની આપણે હંમેશા ઉપેક્ષા કરતા આવ્યા છીએ, એટલે જ આજના સમયમાં જળની પરિસ્થિતિ, જથ્થો મર્યાદિત છે. જળનો જથ્થો મર્યાદિત થવાનું કારણ શું ? એક જ વાકયમાં એમ કહી શકાય કે, આપણે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં નથી.

કુદરત તરફથી વરસાદ સ્વરૂપે અખૂટ માત્રામાં જળ પ્રાપ્ત થાય છે પણ તેને સંગ્રહ કરવાની આપણે તસ્દી લેતા નથી. હા, એક વાત સ્વીકારવી રહી કે, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વરસાદની માત્રા વધુ-ઓછી હોય છે પણ, જેટલો પણ જળનો જથ્થો કુદરત તરફથી વરસાદ સ્વરૂપે મળે છે તેનો ચોક્કસ સંગ્રહ કરવો જરૂરી છે.

ખેર, આજે હજુ પણ આપણે પાસે કદાચ આપણા પૂરતો જળનો જથ્થો છે પણ, જો જળનો બગાડ અટકશે નહી તો આવનારી પેઢી જળ વગર જીવન કેવી રીતે વ્યથીત કરશે તે ચિંતન માગી લેતો મુદો છે.

ગુજરાત રાજય મુખ્ય પાંચ વિભાગમાં છે. સૌરાષ્ટ્ર વિભાગના મધ્યમાં રાજકોટ શહેર આવેલું છે અને તેની ચોફેર સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ અને જામનગર આવેલા છે. સૌરાષ્ટ્રને કચ્છનો અખાત, અરબી સમુદ્ર અને ખંભાતનો અખાત એમ કુલ ત્રણ મોટા સમુદ્ર કિનારા મળેલા છે.

સૌરાષ્ટ્રની જમીન લાવારસના પોપડાની બનેલી છે. સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજી, ઓજત, ડેમી, મચ્છુ, માલણ, ભોગવો, ઘેલો, ગોંડલી જેવી મુખ્ય નદીઓ પણ છે. આ નદીઓ બારમાસી નથી. તેમાં ફકત ચોમાસામાં જ પાણી રહે છે.

આ કારણોસર સૌરાષ્ટ્રમાં વરસાદી પાણીનો સંગ્રહ જમીનમાં ભૂગર્ભ ટાંકામાં કરવો અતિ આવશ્યક છે. ભૂગર્ભ ટાંકામાં જે પાણી સંગ્રહ થાય એ પછી જે વરસાદી પાણી બચે તેનો ભૂગર્ભમાં સંચય કરવો જોઇએ. જો આપણે વર્ષાઋતુ પહેલા થોડો પુરુષાર્થ કરી આપણા ઘરે આપણી જરૂરિયાત પ્રમાણેનો ભૂગર્ભ ટાંકો બનાવીએ તો ઉનાળાની ઋતુમાં પાણીની તંગી ઓછી રહે.

દરેક નાના મોટા ઉદ્યોગ કારખાનામાં પણ ભૂગર્ભ ટાંકાનું આયોજન કરી ઉદ્યોગની અગાશી છાપરા વિગેરેનું વરસાદી પાણી ભૂગર્ભ ટાંકામાં વહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. ઉદ્યોગમાં એક વખત વપરાયેલા પાણીને રીસાયકલીંગ કરી જયાં સુધી વાપરી શકાય ત્યાં સુધી વાપર્યા કરવું જોઇએ.

છેવટે તે પાણી જે વનસ્પતી કે વૃક્ષોના ઉછેર માટે અનુકૂળ હોય ત્યાં વાપરવું જોઇએ.

ખેતીમાં ભૂગર્ભજળનો વપરાશ ખૂબ જ થાય છે. ખેતીમાં છોડને પાણી નહી પણ જમીનમાં ભેજની જરૂરિયાત હોય છે માટે ખેતીમાં મોટા પાયે ટપક અને ફૂવારા પદ્ઘતિનો ઉપયોગ કરવો જોઇએ જેથી ભૂગર્ભજળનો બચાવ થાય. આ ઉપરાંત આ ભેજને ઉડી જતો અટકાવવા માટે ખેતીમાં મલ્ચિંગનો ઉપયોગ કરીને પણ ખેતીની સમૃદ્ઘિ જાળવી શકાય છે.

ખેતીમાં શેઢાપાળા ઉપર વૃક્ષો ઉગાડવા જોઇએ. વૃક્ષો વાતાવરણમાં ભેજ ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોના મૂળ દ્વારા પણ વરસાદી પાણી ભૂગર્ભમાં જમા થાય છે. આ ઉપરાંત વૃક્ષો જમીનનું ધોવણ થતું પણ અટકાવે છે.

વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ખૂબજ મર્યાદીત છે. પીવાલાયક પાણીમાં થતુ પ્રદૂષણ એ મોટી સમસ્યા છે. પાણીની બચત અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ એ ભવિષ્ય નહી પણ હાલના સમયની આવશ્યકતા છે. પૃથ્વી ઉપર પીવાલાયક પાણી માટે, કુદરત વરસાદ વરસાવીને પાણી આપે છે.

વરસાદી પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરે છે જે ભૂગર્ભજળ તરીકે ઓળખાય છે. કુદરતને સહયોગી થવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતારવુ જોઇએ તેમજ પૃથ્વી ઉપર વરસાદી પાણી જયાં-જયાં અનુકુળતા જણાય ત્યાં-ત્યાં રોકવું જોઇએ.

છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી ચક્રોમાં ફેરફાર થયો હોય એવું અનુભવાય છે. આજથી લગભગ વીસ વર્ષ પહેલા વરસાદ જુન મહિનામાં શરૂ થઇ જતો હતો અને ઓગષ્ટ કે સપ્ટેમ્બરમાં વર્ષાઋતુ પૂર્ણ થઇ જતી હતી.

ગુજરાતી મહિનાઓના સંદર્ભમાં વાત કરીએ તો ભીમ અગિયારસથી વરસાદના આવવાનું શૂકન થતું હતું એ પછી વરસાદ સમયાંતરે વરસતો અને શ્રાવણ મહિનામાં સરવરીયા અને પછી ભાદરવાના ભૂસાકા હોય. હાલના સમયમાં વરસાદ હવે જુલાઇ મહિનામાં શરૂ થાય છે અને એ પણ અનિયમિત.

ભીમ અગિયારના વરસાદનું શૂકન થતું નથી અને શ્રાવણ મહિનામાં ધોધમાર વરસાદ પડે છે. કુદરતના ઋતુચક્રને આપણે પ્રદૂષણ દ્વારા ખોરવી નાંખ્યું છે. આ ઋતુચક્રને ફરીથી તેના યોગ્ય સમયમાં લાવવું અનિવાર્ય છે.

જગતનો તાત હજુ પણ એ જ રૂઢી પ્રમાણે વાવણીના સમયે વાવેતર કરી દે છે અને વરસાદ પૂર્ણ માત્રામાં આવે નહી ત્યારે તેનું બિયારણ નિષ્ફળ જાય છે અને સરવાળે ખેડૂત નુકશાનીમાં રહે છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે અને જયારે કૃષિમાં નુકશાન થાય છે ત્યારે સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઉપર અસર થાય છે.

માનવ જીવન સરળતાપૂર્વક ચાલતું રહે એ માટે આપણે કુદરતને સમજવી જરૂરી છે. કુદરતમાં થયેલા ફેરફાર માટે આપણે જવાબદાર છીએ એ વાત તો સ્વીકારવી રહી પણ એ વાત પણ સત્ય છે કે, કુદરતના ચક્રમાં જે ફેરફાર પ્રદૂષણ દ્વારા થયેલા છે તેને ઠીક કરવા માટે પણ ખાસ્સો એવો સમય લાગશે.

આથી એક વાત માનવે ધ્યાનમાં લેવી જરૂરી છે કે, પ્રદૂષણ અટકાવીએ અને આવનારા સમયમાં માનવ જીવનને સુરક્ષિત કરીએ.

પર્યાવરણના આ બે મુખ્ય પરિબળ વૃક્ષ અને પાણીને આપણે સાચવી લઇએ તો એ આપણને જીવનભર સાચવી લેશે.

3.04347826087
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top