অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો

જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા કુદરતી સંશાધનો આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા વિગેરે કુદરતી સંપતિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંશાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંશાધનો વારસામાં આપી શકાય. આ કુદરતી સંપતિનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો આપણી માટે હિતાવહ છે. આજનાં આધુનિક સમયમાં માનવી એ વિકાસ તરફ આંધળી દોટ મુકી છે. જેમાં માનવી એ પર્યાવરણને ભૂલી ગયો છે અને માત્ર ‘સ્વ’ કેન્દ્રિત બની ગયો છે. આજે માનવી સ્વાર્થી બનીને માત્ર આ વસ્તુઓ નો ઉપભોગ કરવામાં જ રસ છે. જેના પરિણામે આજે અનેક પ્રકારના પ્રદૂષણો પૃથ્વી પર ફેલાયેલા છે અને જેથી માનવી અનેક રોગો તથા કુદરતી આપતીનો ભોગ બને છે.
પર્યાવરણ અંગેની ગાંધીજીની વાતની વર્તમાન સમયમાં સુસંગતતા સ્પષ્ટ થાય છે. તેઓ કહેતા કે “તમે જે કુદરત પાસેથી લો છો તે તેને પરત આપવું જોઇએ. કુદરતને વધુમાં વધુ વાપરી નાખવી તે વિકાસ નથી પરંતુ કુદરતને સાચવવી, જાળવણી અને ઉત્પાદન કરવું તે વિકાસ છે.”
આથી આપણે કુદરતી સંશાધનો જાળવી રાખવા પ્રયત્નો કરવા જોઇએ એ વાત ગાંધીજીના વિચારોમાં પણ સ્પષ્ટ થાય છે. આથી કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય પ્રયત્નો કરવા જરૂરી બને છે. આથી આપણે કુદરતી સંશાધનો પર પ્રદુષણ અટકાવવા માટે નીચે મુજબ માનવીય ઉપાયોની સમજુતી મેળવીશું.

કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો

નીચે કેટલાક કુદરતી સંસાધનો અને તેને માનવીય પ્રયત્નો દ્વારા ટકાવી રાખવાના ઉપાયો છે.

હવા :

વાતાવરણમાં રહેલી હવા કુદરતી પર્યાવરણનું મહત્વનું અંગ છે. સજીવોની પોષણ કડીઓમાં હવામાં રહેલાં વાયુઓનું ઘણું મહત્વ છે. અમર્યાદિત રીતે વધતી માનવ વસ્તી, ઉદ્યોગ, કારખાના, મિલો અને અને પાવર સ્ટેશનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. હવામાં ઉડતાં રજકણો, સલ્ફરડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ ચાર પ્રદૂષણો હવામાં પ્રદૂષણ ફેલાવનારા મુખ્ય છે. તેના દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય છે.

હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો :

 • ઓધોગિક વિસ્તારોમાં ઝેરી વાયુ ઓકતાં કારખાનામાં વપરાતાં કોલસો, ખનીજ તેલ કે કુદરતી ગેસને બદલે જળવિધુત, સૌરશક્તિ, પવનશક્તિ, ગોબર ગેસ કે સમુદ્રની ભરતી શક્તિનો વપરાશ વધારવો જોઇએ. પરિણામે ખનીજોની બચત સાથે હવા-પ્રદુષણ પણ ઘટશે.
 • ઝેરી ગેસ અને ધુમાડો કાઢતી ચીમનીની ઉંચાઇ ૩૦ મીટરથી વધુ રાખવી જોઇએ. જેથી ઝેરી વાયુઓ, ધુમાડો અને રજકણો હવાના નીચલા થરોમાં ન ભળે. વળી, ઝેરી વાયુઓમાં ભળેલાં હાનીકારક તત્વોને દૂર કરવાની તેમજ હાનીકારક પરદાર્થોમાં રૂપાંતરિત કરવાની આધુનિક પધ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જોઇએ.
 • વૃક્ષારોપણ ઝુંબેશ હવા- શુધ્ધિકરણ માટેનો સરળ ઉપાય છે. વાતાવરણ ને કુદરતી રીતે શુધ્ધ રાખતાં જંગલોનું સંવર્ધન કરવું હવા - પ્રદુષણ અટકાવવાનો ઉપાય છે.
 • વાહનોમાં વપરાતા બળતણની શુધ્ધિ સાથે વધારે પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ કાઢતા વાહનોની કડક ચકાસણી કરી તેના પર આકરા નિયંત્રણો નાખી હવા- પ્રદુષણો ઘટાડી શકાય.

જળ :

સજીવો અને મનુષ્યની મૂળભૂત જરૂરિયાતોમાં પાણી પણ એક અગત્યની જરૂરિયાત છે. ગૃહવપરાશનાં કાર્યો ઉપરાંત ખેતીવાડી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પણ પાણીનો વપરાશ થાય છે. જેમ જેમ પાણીનો ઉપયોગ વધવા લાગ્યો છે. તેમ તેમ તેની તંગી અનુભવાય છે. મનુષ્ય દ્વારા શુધ્ધ પાણીના વપરાશની જગ્યાએ દૂષિત પાણીનું નું પ્રમાણ વધતું જાય છે. સ્વચ્છ, નિર્મળ પાણી આપતી નદિયો આજે ગંદા વહેણવાળી નદી બની ગઇ છે. શહેરો અને ગામની અશુધ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાને કારણે નદીઓ, ઝરણાં સરોવર અને સમુદ્રો સાર્વજનિક ઉકરડા સમાન બની ગયાં છે.

જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો :

 • શહેરોની ગટરો દ્વારા દૂષિત પાણી અને નકામાં ગંદા પદાર્થો જળાશયમાં ઠલવાય તે પહેલા જ તેમા રહેલા હાનીકારક પદાર્થોને દુર કરવાની વ્યવસ્થા કરવી જોઇએ.
 • જે ઔદ્યોગિક એકમો પાણીનો સતત વપરાશ કરતા હોય તેને દૂષિત પાણીનાં શુધ્ધિકરણની યોજના રજુ કરે તે પછી જ પરવાનગી કે માન્યતા આપવાનો આગ્રહ રાખી તેનો અમલ કરવો જોઇએ.
 • ઉદ્યોગો વસાહતોથી દુર સ્થપાય તેની સરકારે તેમજ આપણે સ્વેચ્છિક તકેદારી રાખવી જોઇએ.
 • જળાશયમાં કે તેની આસપાસ નજીકમાં ઢોરને સાફ કરવાની પ્રવૃત્તિ, વાસણ માંજવાની, કપડા ધોવાની અને નહાવા જેવી ગંદકી ફેલાવતી પ્રવૃત્તિઓ નાગરિકોએ બંધ કરવી જોઇએ.
 • જળાશયમાં કોઇપણ પ્રકારનો કચરો નાખવાની સખ્ત મનાઇ ફરમાવવી જોઇએ.

જમીન :

જમીન એ કુદરતની માનવીને સૌથી મોટી ભેટ છે. પૃથ્વી સપાટી મનુષ્ય તેમજ સજીવોને પોષણ, આશ્રય અને આધાર આપે છે. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓને કારણે જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ ઘટી રહયું છે. ખેતી અને ખાણ ઉદ્યોગથી મુદાવરણ દુષિત બન્યું છે. ખેતરોમાં પાક વૃધ્ધિ માટે ઉમેરાતાં રાસાયણિક ખાતરો તેમજ કીટનાશક દવાઓને પરિણામે ભૂમિ પ્રદૂષણમાં ઉભું થયું છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણને કારણે ખેતી યોગ્ય જમીનો ઘટવા લાગી છે. જમીન માર્ગોના વિકાસથી જમીન પર માનવનું પ્રભુત્વ વધ્યું છે. ઔદ્યોગિક કચરો, તેની આડપેદાશો અને ગંદાજળથી જમીન પ્રદુષણમાં વધારો નોધાયો છે.

જમીન પ્રદૂષણ અટકવાના ઉપાયો :

 • ખેતીવાડીમાં બિનજરૂરી કીટનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો જોઇએ.
 • ભૂમિનું સૌથી ઉપરનું પડ ખેત પ્રવૃત્તિ માટે મહત્વનું છે. ઉપરના પડ પર બિનજરૂરી અને વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.
 • જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. આથી જંગલોનો આડેધડ થતો વિનાશ અટકાવો જોઇએ.
 • જમીનમાંથી ખનીજો મેળવવાના લોભમાં જમીનનું બેફામ રીતે થતું ખોદકામ અટકાવવું જોઇએ.
 • ઉદ્યોગની પ્રક્રિયામાંથી થતો ધન કચરો તેમજ ઘરગથ્થુ વપરાશમાંથી પેદા થતા કચરાનો જમીન પ્રદુષિત ન થાય એ રીતે નિકાલ કરવો જોઇએ.
 • ઔદ્યોગિક એકમો, કારખાના અને ઘર વપરાશના ગંદા પાણીનો જમીન પ્રદિુષત ન થાય એ રીતે નિકાલ કરવો જોઇએ.

જંગલો :

જંગલો એ માત્ર માનવ માટે જ ઉપયોગી નહિ પરંતુ પૃથ્વી પરના અન્ય સજીવો માટે પણ આશ્રયસ્થાન છે. જંગલો દ્વારા માનવીને લાકડું, ઔષધી જેવી વસ્તુઓ મળી રહે છે. આ ઉપરાંત વૃક્ષો દ્વારા વાતાવરણમાં સમતુલા જળવાઇ રહે છે. જેથી ઠંડી, ગરમી અને વરસાદનું પ્રમાણ જળવાઇ રહે છે. પરંતુ આજના સમયમાં માનવીની વિકાસ તરફની આંધળી દોટમાં તે આ બધુ ભૂલી ગયો છે. માનવી પોતાના જ પગ પર કુહાડો મારી રહયો છે. અને આજે જંગલોનો દિવસે દિવસે વિનાશ કરી રહયો છે. અને જેના કારણે વાતાવરણ ની સમતુલા ખોરવાઇ રહી છે.

જંગલો બચાવવાના માનવીય ઉપાયો :

 • દરેક માનવીએ સ્વેચ્છિક સમજુતી કેળવી જંગલો બચાવવા જોઇએ.
 • ગ્રામ્ય વિસ્તારોના નાના-નાના જંગલો માટે પણ યોગ્ય સરક્ષણ નાં પગલા લેવા જોઇએ.
 • “વૃક્ષો વાવો વરસાદ લાવો” જેવા સુત્રો દ્વારા માનવીએ. બીજા માનવીને વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઇએ.
 • સરકાર દ્વારા પણ જંગલ નીતિ કડક બનાવવી જોઇએ.
 • ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પડતર ફળદ્રુપ જમીનમાં વનીકરણ કરવું જોઇએ. આમ ઉપર મુજબ પ્રયત્નો કરીને માનવીએ કુદરતી સંશાધનો ટકાવી રાખી ને પોતાની ભવિષ્યની પેઢીને પણ આ સંશાધનોની અમુલ્ય ભેટ આપી શકે છે.

જો આ કુદરતી સંશાધનો યોગ્ય પ્રમાણમાં ટકી રહે તોજ પર્યાવરણ જળવાય રહે અને જો પર્યાવરણનું રક્ષણ થાય તો જ માનવીય સુખાકારી જળવાય રહે. જો પ્રદુષણ નિયંત્રિત રાખવામાં આવે અથવા પ્રદુષણ નિવારવા માટે પ્રયત્ન કરવામાં આવે તો માનવીય આરોગ્ય સારું રહેવા પામે છે અને તે સારી રીતે કાર્ય કરી શકે છે. આમ જો પર્યાવરણ નું રક્ષણ થાય, કુદરતી સંશાધનો ટકી રહે તો માનવીય સુખાકારી અને તકો પણ જળવાય રહે.

લેખક :રાણા લગ્ધીરસિંહ ,સૌરાષ્ટ્ર યુનિ.માં એમ.ફિલ.ના વિદ્યાર્થી છે.

સંકલન : કંચન કુંભારાણા© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate