অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સમાજ-જીવનમાં પર્યાવરણની આવશ્યકતા

સમાજ-જીવનમાં પર્યાવરણની આવશ્યકતા

સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી. કારણ કે, મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે. વ્યક્તિ જ્યારે ભોજન માટે બેસે ત્યારે પ્રકૃતિનાં આ પાંચેય તત્વો તેની સાથે સંકળાયેલા હોય છે. આપણા ઋષિમુનિઓ અને ધર્મસ્થાપકોએ પણ પર્યાવરણના દાયરામાં રહીને લાંબુ આયુષ્ય ભોગવ્યું હોવાના અનેક દાખલા જોવા મળે છે. આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે અને તેનું આયુષ્ય પહેલાંની સરખામણીમાં ઘણું ઓછું થઈ ગયું છે. આથી કહી શકાય કે, પર્યાવરણ છે તો જીવન છે.

જીવસૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ માનવજીવનનાં દરેક તબક્કે પોતાના નિભાવ માટે અને એશો આરામ માટે કોઈ ને કોઈ રીતે પ્રકૃત્તિનાં તત્વોનો ઉપભોગ કર્યો છે. ધીમે-ધીમે માનવીએ પ્રકૃત્તિનાં તત્વોનો એટલો તો ઉપભોગ કર્યો છે કે આજનો માનવી ઝાડ-પાનનાં જંગલોમાંથી સીધો સીમેંટ-કોંક્રીટનાં જંગલોમાં આવીને ફસાઈ ગયો છે. પ્રાચીન સમયમાં પણ પર્યાવરણની જાળવણી માટે રાજા મહારાજાઓએ અનેક પ્રયત્નો કરેલા હતા. આપણા મહાન સમ્રાટ અશોકે પણ પર્યાવરણની સુરક્ષા માટે નક્કર પગલાં લીધેલાં. જેમાં રસ્તાઓની બાજુમાં વૃક્ષોનાં વાવેતર દ્વારા વૃક્ષારોપણ માટે પ્રજાને પ્રોત્સાહિત કરી હતી

પહેલાનાં સમયમાં વૃક્ષોને પવિત્ર ગણવામાં આવતાં અને તેની પૂજા પણ થતી. વૃક્ષોનો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ રહ્યો છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, વરસાદ લાવે છે. રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. ફળ-ફૂલ, ગુંદર, લાખ અને વિવિધ ઔષધિઓ આપે છે. આજે આપણે ઉદ્યોગીકરણ અને શહેરીકરણનાં મોહમાં પ્રકૃત્તિનાં મહત્ત્વનાં તત્વ અને આપણા પ્રથમ મિત્ર એવાં વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. સુંદર રાચ-રચીલાં ફર્નિચરનાં મોહમાં જીવંત એવા વૃક્ષોને કાપી નાખતાં ખચકાતાં નથી. લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરીને તેનો કચરો ગમે ત્યાં ફેંકી દે છે. તેનું પરિણામ એ આવે છે કે, આ કચરો જમીનમાં દટાઈ જાય છે અને તેટલી જમીન મૃત બની જાય છે. ત્યાં કોઈ પણ બીજ અંકુરિત થઈ શકતું નથી અને છોડ કે વૃક્ષ તરીકે વિકસી શકતું નથી.

કાયદા દ્વારા પ્લાસ્ટિકની બેગના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને ખુબ જ નુકશાન પહોંચાડે છે. વૃક્ષોની અછતને લઈને આજે વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહેલું જણાય છે. વૃક્ષો પશુ-પંખીઓને રહેઠાણ અને રક્ષણ પૂરૂં પાડે છે. આજે પશુ-પંખીઓની સંખ્યા બહુ જ ઘટી ગયેલી જોવા મળે છે. આજે આપણને પંખીઓનો કલરવ કે કોયલનું કૂંજન સાંભળવું દુર્લભ બની ગયું છે. આજે આપણે આપણા મૂક મિત્ર એવા પશુ- પંખીઓના રક્ષણ માટે અને તેના અસ્તિત્વ માટે જોઈએ તેટલાં જાગૃત બની શકાયા નથી. સમુદ્રો, નદીઓ, ઝરણાં અને તળાવો આપણાં જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

પ્રાચીન માનવ સંસ્કૃતિઓનો વિકાસ આ નદીઓ અને જળાશયોને લીદે જ થયેલો હતો. પાણી વિના જીવન સંભવી શકે નહીં. પાણી આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. ખેતી માટે અને અન્ય જીવન જરૂરી કામોમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. પાણી વિના આપણને અનાજ અને લીલાં શાકભાજી પ્રાપ્ત બની શકતાં નથી. ઉદ્યોગોમા પેદા થતા ગંદા કેમિકલયુક્ત કચરાનો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે. પરિણામે નદી કે જેને માતા તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે તે પણ અપવિત્ર બની ગઈ છે. આવાં કેમિકલયુક્ત પાણીમાં ઉત્પાદિત શાકભાજી અને અનાજ આપણને મળે છે જે આપણા આરોગ્યને નુકસાનકર્તા છે.

પ્રાણીઓ પણ પર્યાવરણનો જ એક ભાગ છે અને તે પણ આપણાં જીવનમાં ખૂબ જરૂરી છે. પાલતું પ્રાણીઓ જેવાં કે, ગાય, ભેંસ, બકરી વગેરે આપણને દૂધ આપે છે. બળદ, હાથી આપણને ભારે વજન લઈ જવા માટે ઉપયોગી બને છે. ઘોડા, ઉંટનો મુસાફરી માટે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓનાં મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓનાં મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગેટાંના ઉનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં થાય છે.

આ ઉપરાંત, વિવિધ ઔષધિઓ, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો બનાવવા માટે પણ પ્રાણીઓની ચરબીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આમ, આપણી પાયાની જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક એ ત્રણેયની પૂર્તિ પર્યાવરણ જ કરે છે. પર્યાવરણની અગત્યતા કે આવશ્યકતા તો ઉપરોક્ત ચર્ચા કરેલ છે તેના કરતાં અનેકગણી છે. તે માનવીના સમાજ જીવનાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

માણસ પર્યાવરણના આ બધા જ તત્વો-વસ્તુઓનો આજે અમર્યાદિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે. પણ આજના સમયમાં તેના અમર્યાદિત ઉપયોગના લીધે પર્યાવરણના આ ચક્રમાં વિક્ષેપ પેદા થતા ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, સુનામી, ઓઝોન ઈફેક્ટ જેવી સમસ્યા પેદા થઈ છે. આજે આપણે આપણી આવશ્યકતાની મર્યાદિત પૂર્તિના બદલે અમર્યાદિત પૂર્તિ માટે જળ, જમીન, પેટ્રોલિયમ પદાર્થો- ખનીજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધારે કરતાં થયા છીએ. તેથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોળવાઈ છે તેને લઈને આજે અનિયમિત ઓછો-વધુ વરસાદ, અનિયમિત તાપમાન, અનિયમિત વધુ- ઓછી ઠંડી, ધરતીકંપ, સુનામી, રણોનું વિસ્તરણ વગેરે જેવી કુદરતી આપત્તિઓ આવ્યા જ કરે છે. વળી, વાતાવરણમાંના ઓઝોનના સ્તરમાં ગાબડું પડી ગયું છે. આ બધું જ આપણા માટે ચિંતાનો વિષય છે. જે પર્યાવરણની અસમુતલાને પરિણામે જ થઈ રહ્યું છે.

 

વધુમાં જણાવીએ તો, પર્યાવરણની સમતુલા જોખમાવાથી માનવ-સમાજ જીવન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે જો આપણે સમયસર નહિ ચેતી જઈએ અને પર્યાવરણની રક્ષા માટે જાગૃત નહિ થઈએ તો, “જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી” એ ઉક્તિ મુજબ ઘણી કુદરતી આફતોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

કારણ કે, પર્યાવરણ એ કુદરતની ભેટ ચે અને કુદરત જ્યારે રૂઠે ત્યારે માનવ તેની સામે લાચાર છે તેથી જો આપણે પર્યાવરણનું જતન નહિ કરીએ તો તે માત્ર આપણા માટે જ નહિ પરંતુ આપણી આવનારી ભાવિ પેઢી માટે પણ ઘણું ખતરનાક નીવડી શકે છે. તેથી ટૂંકમાં જણાવીએ તો, પર્યાવરણ એ માનવ સમાજ તથા સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. આમ, માનવ સમાજ અને પર્યાવરણની આવશ્યકતા વિશે પ્રસ્તુત લેખમાં કરેલ સમગ્ર ચર્ચાના અંતે એટલું જણાવી શકાય કે, સમગ્ર જીવસૃષ્ટિ માટે પર્યાવરણનું માતા જેટલું જ મહત્ત્વ છે. તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરીએ અને આપણે કુદરતના નિયમોને આધીન રહીએ તો પર્યાવરણમાં સમતુલા પેદા થશે અને તે આવનાર ભવિષશ્યની પેઢી માટે શાણપણનું ભાથું છે.

પંકજકુમાર જે. વાઘેલા

લેખક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગરમાં પીએચ.ડી. સ્ટુડન્ટ છે.

સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate