હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / જળ / નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧

નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧

થોડાક સમય પહેલા શહેરી વિકાસ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયના અમદાવાદ શહેરમાં આવેલી સેપ્ટ યુનિવર્સિટિમાં નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શહેરોમાં પાલિકાઓ દ્વારા તૈયાર થતી ટાઉન પ્લાનિંગ સ્કીમોને ચીફ ટાઉનપ્લાનર અને શહેરી વિકાસ વિભાગ સુધી મંજૂરીના નેટવર્કમાં થતા વિલંબો, આવી સ્કીમો તૈયાર કરવા માટેના નિષ્ણાત સ્ટાફનો અભાવ, પારદર્શકતા અને ટાઉન પ્લાનિંગમાં તૈયાર કરવામાં આવેલા આયોજનનું અમલીકરણ કરવા માટે લાગતા સમય જેવા પરિબળો અંગે ગંભીર ચર્ચા થઈ હતી. અત્યારે ખાનગી એજન્સીઓ પાસે પણ ટાઉન પ્લાનિંગ અંગેના આયોજન તૈયાર કરાવ્યા પછી પણ તેના અમલને લઈને ગુંચવડાંઓ ઊભા થાય છે. તેની મંજૂરીઓમાં વિલંબ થાય છે. જેની સીધી અસર વિકાસના અનેક માનાંકો પર થઈ રહી છે અને છેવટે છેવડાના નાગરિકનું જ નુકસાન થઈ રહ્યું છે. આથી કાયદા, નિયમોમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવની અધ્યક્ષતામાં ૧૦ સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ડેવલપમેન્ટ પ્લાન, ટાઉનપ્લાન અંગેના મેન્યુએલ બનાવશે. પ્લાનરોને તૈયાર કરવા, નવેસરથી અભ્યાસક્રમો તૈયાર કરવા માટે બનાવેલી આ સમિતિ બે મહિનામાં પોતાનો અહેવાલ શહેરી વિકાસ મંત્રીશ્રીને સોંપશે.

સમિતિએ જે ચાવીરૂષ મુદ્રાઓ ઉપર કાર્ય કરવાનું છે તે મુદ્રાઓ આ પ્રમાણે છે:

  • પ્રવર્તમાન ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા તે અંગેના નિયમો-૧૯૭૯માં જરૂરી સુધારા-વધારા કરવા. ૨. ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ અંગના મેન્યુઅલ બનાવવા, નગર આયોજન માટે મેન પાવરની જરૂરિયાતના ધોરણો નક્કી કરવા. ૩. ટાઉન પ્લાનિંગ અંગે શૈક્ષણિક સંસ્થાનોમાં ચાલતા અભ્યાસક્રમોમાં સુધારાઓ કરવા, શક્ય હોય તો નવેસરથી અભ્યાક્રમ બનાવી શકાય. ૪. સત્તામંડળો, સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન, ટાઉન પ્લાનિંગ ખાતાના કર્મચારીઓ, અધિકારીઓને તાલીમ માટે અભ્યાસક્રમો બનાવવો.
  • ગુજરાતમાં નગરોનું આયોજન સદીઓથી થતું આવ્યું છે. નગર આયોજનની પ્રક્રિયાને કાયદાકીય સ્વરૂપ સને ૧૯૧૫માં ધી બોમ્બે ટાઉન પ્લાનીંગ એક્ટ-૧૯૧૫ દ્વારા આપવામાં આવ્યું ત્યારથી આ પ્રક્રિયા વણથંભી ચાલી રહી છે. ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ સત્તામંડળોની રચના કરવામાં આવી છે. લોકોના સાથ સહકારથી જ વિકાસની પ્રક્રિયાથી નગરનો વિકાસ બને છે. આયોજન પુર્વે લોકોની અને ખાસ કરીને સત્તામંડળમાં રહેતા રહેવાસીઓની સમસ્યાઓ, મુશ્કેલીઓ તથા તેમનો વિકાસની અપેક્ષાઓનો તળસ્પર્શી અભ્યાસ આવશ્યક બને છે. નગરમાં અને ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. જેમકે વેપાર અને વાણિજ્ય, ઔદ્યોગિક ઉત્પાદન, વાહનવ્યવહાર, મકાનોનું બાંધકામ, સામાજિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને આરોગ્યની પ્રવૃત્તિઓ, આનંદ-પ્રમોદ વિગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓનો ઘનિષ્ઠ અને સંલગ્ની વિકાસ થાય તે માટે વિવિધ સંસ્થાઓ, એકમોનો સંપર્ક સાધી તેમની પાસેથી માહિતી, વિચાર તથા કલ્પનાઓને જાણવું આવશ્યક બને છે.
  • નગર આયોજન સમયે એક અત્યંત આવશ્યક જરૂરિયાત અંગે ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવતી નથી અને તે છે નગર માટેનું પાણીનું આયોજન. એક આખા નગરનું જો આયોજન થતું હોય તો તેની સાથે એ નગર માટે જરૂરી એવા પાણીનું આયોજન શા માટે નહી ? મૂળભૂત રીતે એમ કહી શકાય કે, નગર આયોજનમાં પાણી અને પાણીના સ્રોતોને કોરાણે મૂકવામાં આવે છે. શહેરોમાં આવેલા કૂવા અને તળાવો એ વર્ષો પૂર્વે થયેલા એક નગર આયોજનનો જ ભાગ છે તો આજે તેને આપણે નગર આયોજનમાંથી બાકાત કેવી રીતે કરી શકીએ ? વર્ષો પૂર્વે જયારે નગર આયોજન થતું ત્યારે પાણીની જરૂરિયાતને સમજીને જળસ્રોતોનું આયોજન કરવામાં આવતું હતું અને સાથે તેના વ્યવસ્થાપનની નીતિ પણ ઘડી કાઢવામાં આવતી હતી. આ કારણોસર જ ગુજરાતના ઘણા શહેરોમાં કૂવા અને તળાવોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. આ કૂવા અને તળાવો વરસાદી પાણીની સંતૃપ્ત થયા બાદ વધારાનું વરસાદી પાણી ભૂગર્ભમાં સચવાઇ રહે એવું વ્યવસ્થાપન અગાઉના સમયમાં થતું હતું. જયારે આજના સમયમાં નગર આયોજન ઉપર એક દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે છે કે, જળસ્રોતોના આવક-જાવકના માર્ગો ઉપર જ ઘણી અડચણો આપણે ઊભી કરી નાખી છે. આ અડચણોને કારણે આપણે વરસાદના સમયે પૂર પ્રકોપનો સામનો કરવો પડે છે. હાલમાં વરસાદની મોસમ ચાલી રહી છે. અમદાવાદ જેવા શહેરમાં ૧ થી ૫ ઇંચ વરસાદ પડયો અને શહેરના મોટા ભાગના સબ-વેમાં પાણી ભરાઇ ગયા અને તેને યાતાયાત માટે ઉપયોગમાં લેવાતા આવા સબ-વે બંધ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના નગર આયોજનથી શું ફાયદો ?
  • અહી એક વાતની નોંધ લેવી પડે કે, સરકારે વરસાદી પાણી અને તેના વહેણોને સમજીને નગર આયોજનનું કાર્ય કરવું પડશે. વરસાદ પડવાથી કયા વિસ્તારમાંથી પાણી વહીને કયા વિસ્તાર તરફ જશે એ અંગેની માહિતીના આધારે શહેરમાં નગર આયોજનને અમલીકરણ કરવું પડશે. વહી જતાં પાણીને કેવી રીતે અટકાવીને તેને લોકભોગ્ય બનાવી શકાય તેનું આયોજન પણ નગર આયોજનમાં ગંભીરતાપૂર્વક કરવું પડશે. આ એક હકીકત છે અને સરકારે આ હકીકતનો સ્વીકાર કરીને પછી જ નગર અયોજનનું આયોજન કરવું જોઇએ.

લેખક : વિનીત કુંભારાણા

3.11538461538
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top