অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળસ્રોતોના વ્યવસ્થાપન વગર ભવિષ્ય અંધકારમય

જળસ્રોતોના વ્યવસ્થાપન વગર ભવિષ્ય અંધકારમય

થોડા દિવસ પહેલા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનો જળસ્રોત સંબંધિત એક લેખ વાંચવા મળ્યો હતો આપણે સ્વચ્છ અને ગુણવત્તાસભર પીવાના પાણીની મંછા રાખતાં હોઇએ તો આપણે આપણા પરંપરાગત જળસ્રોતોને જાળવી રાખવા જરૂરી છે. આપણી વચ્ચે રહેલા કેટલાક લોકો આપણા દેશની બધી નદીઓને જોડવાની પરિકલ્પના ઉપર મદાર રાખીને બેઠા છે. આ સંબંધમાં હું ચાર મુદા ઉપર વાત કરીશ. એક તો પીવાનું પાણી, ઘર વપરાશનું પાણી, સિંચાઇનું પાણી અને ઓદ્યોગીક હેતુ સંબંધિત આપણને કેટલા પાણીની જરૂરિયાત છે અને કુદરતી સંશાધનો તરફથી આપણને કેટલું પાણી મળે છે? બીજું આપણી કુલ વસતિનો ત્રીજો ભાગ દર વર્ષે પૂરગ્રસ્ત થાય છે. ત્રીજું વિવિધ વિસ્તારોમાં મોસમ પ્રમાણે વ્યકિત દીઠ પાણીની ઉપલબ્ધી ૧૦ કિલોલિટર થી ૫૦ કિલોલિટર છે અને ચોથું અનુમાન પ્રમાણે દર વર્ષે વધતી જતી વસતિ પ્રમાણે પાણીની ઓછામાં ઓછી જરૂરિયાત કેટલી હોઇ શકે? આપણે એ યાદ રાખવું જોઇએ કે, વર્ષ ૨૦૨૦ સુધીમાં અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક ૪૦ કરોડ ટન છે અને દેશની વસતિ પણ વધી રહ્યી છે એ વાતમાં કોઇ શંકા નથી. ભારતવર્ષમાં બધા જ પ્રાકૃતિક સ્રોતોથી દર વર્ષે આશરે ૪૦૦૦ અરબ ઘનમીટર મળે છે. પાણીના આ જથ્થામાંથી ૭૦૦ અરબ ઘનમીટર પાણી જમીન શોષી લે છે. ૭૦૦ અરબ ઘનમીટર પાણી બાષ્પ સ્વરૂપે ફરી કુદરતમાં ભળી જાય છે. ૧૫૦૦ ઘનમીટર પાણી સમુદ્રમાં વહી જાય છે. આમ, ફકત ૧૧૦૦ અરબ ઘનમીટર જ પાણી આપણા હાથમાં આવે છે. આ ૧૧૦૦ અરબ ઘનમીટર પાણીમાંથી ૪૩૦ અરબ ઘનમીટર પાણી ભૂગર્ભજળ તરીકે જમીનમાં ઉતરે છે. ૩૭૦ અરબ ઘનમીટર પાણીનો ઉપયોગ થાય છે અને ૩૦૦ અરબ ઘનમીટર બાકી બચે છે. બાકી બચતાં આ પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થવું જરૂરી છે.
સામાન્ય રીતે દર વર્ષે ભારતવર્ષમાં ચાર કરોડ હેકટરમાં ફેલાયેલી મુખ્ય આઠ નદીઓના તટ વિસ્તારોમાં પ્રચંડ પૂર આવે છે. આ પૂરને કારણે ૨૬ કરોડ લોકોને નુકશાન થાય છે. જયારે બીજી બાજું ૧૪ રાજયોના કુલ ૧૧૬ જિલ્લાના ૮.૬ કરોડ લોકો દુકાળમાં સપડાય છે. આપણા દેશના જે વિસ્તારમાં પૂર આવે છે તે વરસાદની ઋતુમાં ૧૫૦૦ અરબ ઘનમીટર પાણી જે સમુદ્ર તરફ જાય છે તેને કારણે આવે છે. એ વિસ્તારોમાં પૂર પ્રકોપ ઓછો થાય અને દુકાળમાં સપડાયેલાઓને રાહત થાય એ માટે આ પાણીને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વાળી દેવું જોઇએ. જો આ શકય બને તો દર વર્ષે પૂરગ્રસ્ત વિસ્તારના લોકના જાનમાલનું રક્ષણ તો થશે જ અને સાથે-સાથે દેશને ૨૪૦૦ કરોડ રૂપિયાના પ્ર્રાકૃતિક નુકશાનથી પણ બચાવી શકીશું! આવું કરવા માટે આપણો ઉદ્રેશ્ય એ હોવો જોઇએ કે, ૧૫૦૦ અરબ ઘનમીટર પૂરના પાણીને આપણે એવી રીતે નિયંત્રીત કરીએ કે એ પાણીનો ઉપયોગ દુકાળગ્રસ્ત વિસ્તારના લોકો કરી શકે! આ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે નદીઓને એકબીજા સાથે જોડી, તેના જળભંડારને સાચવીને યોગ્ય રીતે ઉપયોગ કરવો. ભારતવર્ષની નદીઓને જોડવાની જે યોજના છે તેમાં આ ૧૫૦૦ અરબ ઘનમીટર પાણીના વ્યવસ્થાપનનો સમાવેશ કરવો પડશે અને સાથે-સાથે આપણા હાથમાં જે ૧૧૦૦ અરબ ઘનમીટર પાણી આવે છે એમાંથી જે ૩૦૦ અરબ ઘનમીટર પાણી બાકી રહે છે તેનું પણ યોગ્ય વ્યવસ્યાપન કરવું જરૂરી બની જાય છે. પાણીના વ્યવસ્થાપનની સાથે એ પાણીના ઉપયોગ અંગેના લાંબાગાળાના ઉપાયો પણ શોધવા જરૂરી છે.
પીવાના પાણી માટેની એવી યોજના બનાવવી જોઇએ જેથી પ્રત્યેક વ્યકિત દીઠ ૨૫ કિલોલિટર પ્રતિ વર્ષ પાણી મળી રહે. આવી યોજનાને ચાલુ કરતાં પહેલા દરેક ગામ, શહેરમાં આવેલી ઇમારતોમાં વરસાદી પાણીના સંગ્રહ કરવાનું ફરજિયાત કરી નાખવું જોઇએ. જરૂર પડે તો વરસાદી પાણીના સંગ્રહ બાબતે અલગથી કાયદો પણ બનાવવો જોઇએ. આ સાથે જે ઉદ્યોગો વધારે પાણી વાપરે છે અને ગંદુ પાણી જયાં-ત્યાં છોડી દે છે તેને પણ રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લે એવો કાયદો પણ બનાવવો જોઇએ. દરેક ઉદ્યોગમાં ગંદા પાણીને સાફ કરવાની મશીનરી અવશ્ય હોવી જોઇએ એવો કાયદો ઘડી કાઢવાની જરૂર છે. કુદરત તરફથી મળતાં અમૂલ્ય જળ ભંડારને આપણે વેડફતાં રહીશું તો આપણું ભાવિ અંધકારમય છે એ વાત નિશ્ચિતછે. આવું ન બને એ માટે જળસ્રોતોનું યોગ્ય વ્યવસ્થાપનની સાથે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી બની જાય છે.
આપણા પૂર્વ રાષ્ટ્રપતિની વાત બિલકુલ સાચી છે. જે રીતે વસતિ વધારો થઇ રહ્યો છે તેની સામે પાણીના ઉપયોગ કરતાં બગાડ વધી રહ્યો છે. આ બગાડને અટકાવવો જરૂરી છે અને સાથે-સાથે કુદરતી આફતોની સામે પણ ટકી રહેવું જરૂરી છે. નદીઓના પૂરના પાણીને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં લઇ જવાની તેમની વાત એકદમ યોગ્ય છે પણ અહીં મુશ્કેલી સ્થાનિક રાજકારણની છે. જો દરેક નાગરિક હું ફકત ભારતીય નાગરિક છું એ વિચારે તો નદીઓને જોડવાની વાત બિલકુલ અશકય લાગતી નથી. ખેર, આપણે આશા રાખીએ કે, ભવિષ્યમાં આ યોજના ફરી પુન:જીવીત થાય અને ભારતવર્ષના દરેક વિસ્તારમાં પર્યાપ્ત પાણી મળી રહે.
લેખક  વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate