હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / જળ / જળ એ જ જીવન, નહીં તો જળ વગરનું જીવન!
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જળ એ જ જીવન, નહીં તો જળ વગરનું જીવન!

જળ એ જ જીવન, નહીં તો જળ વગરનું જીવન વિશેની માહિતી આપવામાં આવી છે

જળ એ જ જીવન’ આ સૂત્ર ઉપર અથવા તો નિબંધ લખતા હોઈએ અથવા તો વ્યાખ્યાન આપતા હોઈએ, ત્યારે શાણી-શૂપડી વાતો કરી નખાય. બાકી વાસ્તવિક જીવનમાં પાણી બચાવાની આપણને ટેવ નથી, કારણ કે જળ અને જીવન બંને વેડફવાની આપણી બેફિકરી આદતથી આપણે પોતે પણ સાવ અજાણ હોઈએ છીએ. માણસ જાતથી વધારે પાણીનો આડેધડ ઉપયોગ કરાય એવું, આ સંસારનો કયો જીવ સમજે છે. માણસ ભલે બુદ્ધિધારી પ્રાણી ગણાય છતાં પ્રાણીઓ નથી કરતા એવા ભગા કરવામાં આપણે કશું બાકી નથી રાખ્યું. જેમકે પાણીનો ઉપયોગ આપણે માત્ર પીવા માટે જ નથી કરતા. પીવા સિવાય પાણી મૂકવા, પાણી કાઢવા તથા પાણી ફેરવવા પણ પાણી વાપરતા આપણને આવડે છે. વળી આપણાથી આગળ થઈ ગયેલી પંદર પેઢીઓની પરંપરા પ્રમાણે આપણે જે રીતે પાણીનો પાણીની જેમ જે ઉપયોગ કરતા આવ્યા છીએ એમાં રાતોરાત કેવી રીતે બદલાવ લાવવો ? પાણી બચાવોના ફરમાનની બહુ બહુ તો આપણે કોઈને ખો આપીને પાણી બચાવોની ઝુંબેશમાં આપણું યોગદાન આપી દઈએ. આપણામાંના એકેએક જણા પાછા પોતાની જાણકારી મુજબ સીધા સ્વર્ગથી ઉતરેલા દેવદૂત હોય એવા ભ્રમમાં જીવતા હોય. એટલે એમના પોતાના પૂરતો પાણીનો ગમે તેટલો અને ગમે તેવો ઉપયોગ માન્ય ગણાય. બાકી આપણા સિવાયના બીજા બધા પૃથ્વીજનોએ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણા સિવાય દરેક જણે પાણી બચાવવું જોઈએ.

માણસોએ પીવા-ધોવા-નહાવા કરતા વહાવવામાં પાણીનો ઉપયોગ વધારે કર્યો અને આજે પાણીને બચાવવા માટેની ચળવળો કરવી પડે છે. આમ તો ટીપે ટીપે સરોવર ભરાય પણ, મારા એકલાના થોડાક ટીપાઓ સરોવરમાં એડ નહિ થાય તો સરોવરને ઝાઝો ફરક પડવાનો નથી. આવું દરેક જણ માનતા હોય છે. વળી ઘેર આવેલા મહેમાનો સહારાના રણમાંથી દોડીને સીધા આવ્યા હોય એમ એમની આગળ પાણીથી છલકતો ગ્લાસ ધરી દેવામાં આવે. પણ પહેલેથી જ સંતૃપ્ત અતિથિ એ ગ્લાસના પાણીમાં હોઠ બોળીને ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી દે અને પછી આખા ગ્લાસનું પાણી ગટરાય અર્પણ... આપણે પીવા માટે કોઈની સામે હાથ-પગ ધોવા જેટલું પાણી ધરી દેતા હોઈએ, હાથ-પગ ધોવા માટે નહાવા જેટલું અને નહાવા માટે તરવા જેટલું, પાણીની જેમ પાણી વાપરવાની માણસની આદતમાં પાણી બચાવવાનો ક્યાં મેળ ખાવાનો. વળી પાણી બચે કે ના બચે વધે કે ના વધે વપરાશ તો વધતો જવાનો.

ચા પીવી હોય કે હોળી રમવી હોય, સ્વિમિંગ કરવું હોય કે કાર ધોવી હોય, તમારી ભેંસને નવડાવવી હોય કે તમારે કોઈનું નહાવું હોય. પોતપોતાની જરૂરિયાત મુજબ સૌ પાણી વાપરતા હોય. લીક થતા નળમાંથી ટપકતા જળને જોઈને લોકો જીવ પણ બાળતા હોય. પોતાનો ના હોવાને કારણે તમે નળને રીપેર ના કરાવો એ સ્વાભાવિક છે, પરંતુ પાણીના બગાડ બાબતે જીવ બાળો તો પણ આદર્શ નાગરિક હોવાનું ગૌરવ કરી લેવાય. પાણીના આવા બગાડ અને બદલાતા પર્યાવરણને કારણે પૃથ્વી પર પાણી નહિ બચે તો ? તો કેટલીક બાબતોમાં તો માણસો પાણીની જેમ પોતાનો રસ્તો શોધી લેતા હોય છે. પીવાનું પાણી ના બચે તો પાણીની જગ્યાએ અન્ય આનંદદાયક પીણાથી જાણે કે માણસ પોતાની તરસ છીપાવી દે, કપડાં પણ ધોવાને બદલે ડ્રાયક્લિન કરી નખાય. વળી માણસના આળસુ કે ફૂવડવેડા પાણી બચાવોની ઝૂંબેશમાં વટાવી લેવાય, પરંતુ દૈનિક ક્રિયાઓ માટે પાણીને બદલે કાગળ ઉપર કાયમી આધાર ના રખાય, કારણ કે જે દિવસે ગો ગ્રીનની ચળવળે વધારે જોર પકડ્યું અને કાગળનું ઉત્પાદન બંધ થઈ ગયું એ દિવસે ?

આવી અનેક પરિસ્થિતિજન્ય તકલીફોના વિચાર માત્રથી જ થથરી જવાય અને એટલે જ કદાચ લોકો જળ એ જ જીવન એમ કહેતા હશે, કારણ કે માણસ તન તોડ અને માથાફોડ મહેનત કરીને પૈસા કમાય છે. બે ટાઈમ સારું ખાવા માટે. આટઆટલો પરિશ્રમ કરી. ભાવતા ભોજન જમીને પણ. અંતે હવે શું કરશું વાળી ચિંતા જ થવાની હોય તો એ મહેનત, એ કમાયેલા પૈસા, એ ભાવતા ભોજન એ બધા ઉપર પાણી ફરી વળે.

પાણી વગર સંસારમાં કેટલી ભયાનકતા સર્જાઈ શકે છે એવો સમષ્ટિનો વિચાર કરવાની આપણી ફિતરત નથી. આપણે બહુ બહુ તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે વાળી ચિંતા કરી શકીએ. આમ પાણી બચાવવા માટે માણસને આવા જુગુપ્સાજનક ભય બતાડવા પડે એ કેટલી જુગુપ્સાજનક બાબત ગણાય.દરેક વાતમાં ‘આપણે કેટલા ?’ વાળી ભાવના અને વર્તન એતો આપણી પ્રકૃતિ અને આપણી ઓળખાણ છે. મોટા ભાગે માણસને રીયલાઈઝ કરાવવા માટે ‘માણસની નીચે રેલો આવે, ત્યારે ખબર પડે’ જેવા વિધાનો વપરાતા હોય છે, પરંતુ જળનું જતન કરવા માટે વિધાનને જરા પલટીને કહેવું પડે કે જે દિવસે માણસની નીચે રેલો નહિ આવે, ત્યારે ખબર પડશે.

ટૂંકમાં જીવવું હોય તો જળ બચાવો.

સંદર્ભ અને લેખ : અલ્પા શાહ(સૂડી વચ્ચે સોપારી) ફેમિના

3.43333333333
Zala Laxman Sep 09, 2019 06:14 PM

Nice નિબંધ

Bhavana AADHAR AHIRE Aug 10, 2019 01:05 PM

Save water save life

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top