অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્લોબલ વોર્મિંગ અને પાણી

ગ્લોબલ વોર્મિંગ અને પાણી

વિશ્વમાં ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે આજે ગ્લોબલ વોર્મિંગથી અજાણ હશે! આજે આપણે જાણીએ છીએ કે, ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણના દ્રષ્ટિકોણથી એક વૈશ્વિક સમસ્યા છે. કોઇપણ સમસ્યાનો તાર્કિક ઉકેલ મેળવવો હોય તો એક જ રસ્તો છે કે, કોઇપણ જાતના આગ્રહ કે પૂર્વગ્રહને બાજુએ મૂકીને એ સમસ્યાને પૂર્ણરૂપે સમજવી. સમસ્યા માટે કોણ જવાબદાર છે તેની મથામણ તત્પૂરતી ભૂલી જવી જોઇએ. ગ્લોબલ વોર્મિંગને કારણે ઊભી થઇ રહેલી પાણીની વિકટ અછત સાથે માનવજીવનને સાંકળી લેતા મુદાઓ ઉપર ચર્ચા કરીએ તો આ ચર્ચાનું નિષ્કર્ષ એ છે કે, ગ્લોબલ વોર્મિંગની સૌથી વધારે વિપરીત અસર ખેતી અને પીવાના પાણીને થશે. જીવનમાં પાણી જરૂરી છે એવી જ રીતે ખેતી માટે પાણી જરૂરી છે. બદલાતા હવામાનને કારણે ખેતીમાં પાણીની અછત વર્તાશે જેને કારણે ખેતીની પદ્ઘતિ સહિત અનેક બાબતોમાં બદલાવ આવશે કારણ કે, માનવજીવન ખેતી સાથે અતૂટ બંધનથી મજબૂત રીતે જોડાયેલું છે. આજના હાઇટેક યુગમાં ખેતીમાં સૌથી વધારે ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે બીજી સમસ્યા એ છે કે, આપણે ભૂગર્ભજળ વાપરી તો નાખીએ છીએ પણ સામે એટલું વરસાદી જળ ભૂગર્ભમાં રિચાર્જ કરતાં નથી.
એક વાત સત્ય છે કે, પૃથ્વી ઉપર પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. બદલાતા હવામાનને કારણે અમુક પ્રદેશોમાં વરસાદની માત્રામાં ઘટાડો થયો છે. આવા સંજોગોમાં પરંપરાગત સ્રોતો તરીકે જાણીતા તળાવો જ આપણા માટે પાણીનો મુખ્ય આધાર બની શકે. જે રીતે માનવ વસતીની સાથે ભૂગર્ભજળનો વપરાશ અને બગાડ વધી રહ્યો છે તે રીતે જોતાં ભવિષ્યમાં ભાવિ પેઢી માટે ભૂગર્ભજળ અલભ્ય હોઇ શકે! વરસાદી પાણીના સંગ્રહ તથા વપરાશ માટે સ્થાનિક સ્રોતો વધારે વિશ્વનિય બની શકે તેવી સ્ષષ્ટ છાપ ઊભી થઇ રહ્યી છે.
આવી બદલાવની સ્થિતિનો સામનો બે પ્રકારે કરી શકાય:(૧) બદલાતા સમય અને સંજોગોને આધિન થઇ તેને અનુરૂપ જીવનશૈલી વિકસાવવી જેને અંગ્રેજીમાં 'એડોપ્શન" કહે છે અને (૨) બદલાતી પરિસ્થિતિની અસરો ઓછી કરવા અંગેના પગલાઓ ભરવા જેને અંગ્રેજીમાં 'મીટીગેશન" કહે છે. આ બન્ને પ્રકારોને ધ્યાનમાં રાખીને વ્યુહરચનાઓ ઘડવી જરૂરી છે. આપણા કુદરતી સ્રોતોના સંદર્ભમાં જોઇએ તો સ્થાનિક નદીઓ, વોકળાઓ, તેમના આવક્ષેત્રો અને તેના આધારે વિકાસ પામેલી જળસંસ્કૃતિનું ટકાઉ આયોજન અને વ્યવસ્થાપન થવું જોઇએ. આપણે જોઇએ છીએ કે, આજે જાહેરખબરોમાં પણ વૃક્ષો, પાણી અને વન્યસૃષ્ટિને પ્રાધાન્ય આપવામાં આવે છે તો આપણે આપણા કુદરતી સ્રોતોને જાળવવામાં શા માટે પાછા પડીએ?! એક કદમ આગળ જઇને વાત કરીએ તો વનખાતા દ્વારા, નગરપાલિકા દ્વારા, જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ(ભુજ-કચ્છ) દ્વારા તથા નાગરિકોના સંયુકત પ્રયાસો દ્વારા આપણે એડોપ્શન અને મીટીગેશનનો દ્વી-અભિગમ અપનાવીને આ દિશામાં પગલા માંડી ચૂકયા છીએ. હમીરસરની જાળવણી માટે આગળ આવી રહેલી સંસ્થાઓ, મોટાબંધનો ગ્રીન બેલ્ટ, ગટરના પાણીને રિસાયકલીંગ કરીને પુન:ઉપયોગ આ બાબતના દ્રષ્ટાંતો છે.
અહીં સવાલ એ છે કે, શું આટલું પૂરતું છે? સ્પષ્ટ શબ્દોમાં જવાબ છે : ના. હજુ તો આ પાશેરમાં પૂણી છે. આ વૈશ્વિક સમસ્યાના નિરાકરણ માટે જાગૃતિ લાવવી કે નમૂનારૂપ કાર્યો કરી તેને સફળતા તરફ લઇ જવાનું ભગિરથ કાર્ય બાકી છે. આ કાર્ય પાર પાડવા માટે સર્વેએ સાથે મળીને નિર્ણયો લેવા પડશે, જેના માટે કદાચ દબાણ પણ ઉભુ કરવું પડે, ચોક્કસ નીતિઓ પણ ઘડવી પડે કે કડક પગલાઓ પણ ભરવા પડે! આવા કાર્યો કરવા માટે જરા પણ વિલંબ કરવો એ આપણા જ પગ ઉપર કુહાડી મારવા બરાબર છે માટે જાગ્યા ત્યારથી સવાર સમજીને સમસ્યાના નિરાકરણમાં લાગી જવું એમાં જ ડહાપણ અને દિર્ધદ્રષ્ટિ રહેલી છે.
લેખક : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate