অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્લોબલ વૉર્મિંગ એટલે શું

ગ્લોબલ વૉર્મિંગ

ગ્લોબલ વૉર્મિંગ વિશે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણુ બધુ છપાયું, બોલાયું કે ચર્ચાયું છે. જેમાં અંતે એટલું બહાર આવ્યું છે કે ગ્લોબલ વૉર્મિંગનાં માઠા પરિણામોથી બચવાના એક પ્રયત્ન રૂપે ગ્લોબલ વૉર્મિંગ અંગે લોકોને માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે. આ લેખનો મુખ્ય હેતુ ગ્લોબલ વૉર્મિંગ વીશે જાણકારી ફેલાવવાનો છે.

ગ્લોબલ વૉર્મિંગ એટલે શું

સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે આ ગ્લોબલ વૉર્મિંગ એ કઇ બલાનું નામ છે. ગ્લોબલ વૉર્મિંગ સમજવા માટે થોડું ભૂતકાળમાં જવુ જરૂરી છે. ભૂતકાળમાં જયારે સૂર્ય મંડળની રચના થઇ અને પૃથ્વીએ જયારે સૂર્યની ચારેતરફ વર્તુળમાં ફરવાનું શરૂ કર્યું ત્યારે પૃથ્વી એ ફક્ત ગરમ ગોળો હતી. લાખો વર્ષ બાદ પૃથ્વીનો ગોળો ઠરવા લાગ્યો અને તેની સપાટી પરનું પડ સખત બન્યું આજે આપણે આ પડને ધરતી કહીયે છીએ. પરંતુ ત્યારે પણ પૃથ્વી પર વાતાવરણ નહોતું. પૃથ્વી પર હજી કાર્બનડાયૉક્સાઇડ જેવા અંગારવાયુ ભરપુર માત્રામાં હતા અને ઑક્સીજનનું પ્રમાણ નહીવત્ત હતું.
ધીરે ધીરે પૃથ્વી ઠરવાથી ઘણો કાર્બન અંતરીક્ષમાં જવાથી પૃથ્વી પર તેનું પ્રમાણ ઘટ્યું. ત્યાર બાદ પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખીઓ ફાટવાની, વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળ ચાલી. આ ઘટમાળ દ્વારા પૃથ્વી પર સમુદ્રો બન્યા. પૃથ્વી પરનો કાર્બનડાયૉક્સાઇડ તેમજ પાણીમાં દ્રાવ્ય હોવાના કારણે સમુદ્રમાં અને કાર્બનેટ ખડક સ્વરૂપે પૃથ્વીનાં પેટાળમાં દબાઇ ગયો અને પૃથ્વી પરનું તેનું પ્રમાણ ૭૦% થી ઘટીને ૦.૦૦૩% રહ્યું જેથી ધરતી પર વાતાવરણ શક્ય બન્યું. કાર્બનડાયૉકસાઇડને આપણે ફક્ત આપણાં દુશ્મન તરીકે ન જોઇ શકાય. કારણકે કાર્બનડાયૉક્સાઇડ સુર્યના કેટલાંક કીરણોને રોકી પાડે છે અને તેથી પૃથ્વી પર ગરમાવો જળવાઇ રહે છે. જો આમ ન બને તો પૃથ્વી પર ફક્ત અને ફક્ત બરફ છવાયેલો હોત.
સુર્ય પરથી પૃથ્વી પર આવતા કીરણો વાતાવરણમાંથી પસાર થતા પૃથ્વી પર પડે છે. આ કીરણોનોમાંના કેટલાંક કીરણો વાતાવરણમાં શોષાઇ જાય છે અને કેટલાંક કીરણો (અધોરક્ત કીરણો) અંતરીક્ષમાં પાછા ફરે છે. કાર્બન ડાયોક્સાઇડ કીરણોને પાછા જવા નહી દઇ પૃથ્વીને વધુ ગરમ કરી શકે. પરંતુ પૃથ્વી પર કાબનડાયોક્સાઇડ ઓછો હોવાથી ગરમીનું પ્રમાણ વધતું નથી અને પૃથ્વી પર વાતાવરણ મહદ્દઅંશે જળવાઇ રહે છે.
પૃથ્વી પર એકધારા વાતાવરણને પરિણામે ઋતુઓ શક્ય બની અને એક કોષી જીવથી લઇને માનવી સુધીનું જીવન શક્ય બન્યું. પૃથ્વીની આ પરિસ્થિતિમાં કોઇ મોટો બદલાવ ન આવે તો જીવન ચીરકાળ સુધી લંબાય. પરંતુ આઘાતજનક વાત છે કે આપણે મનુષ્યોએ આ સાનુકુળ પરિસ્થિને છંછેડી છે જેના માઠા પરિણામો ભોગવવા જ રહ્યાં.
પૃથ્વી પર માનવજાતનાં અવતરણ બાદ કેટલાંક વર્ષો સુધી વાતાવરણ સ્થિર રહ્યું. અઢારમી સદીમાં માણસજાતે ઔદ્યોગીક યુગમાં પગ મુક્યો અને ફેરફારોની શરૂઆત થઇ. ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઇ શરૂ કરી. વીજ ઉત્પાદન માટે મોટા મોટા થર્મલ પાવરસ્ટેશનો, પેટ્રોલીયમ અને ખનીજો માટે જમીનનું ખનન, જમીનની જરૂરીયાત માટે જંગલનો વિનાશ, દાવાનળ વગેરે અનેક બાબતો દ્વારા માનવજાતે કુદરતને ઘણું નુકસાન પહોચાડ્યું છે. પેટ્રોલીયમનો બેફામ વપરાશ, વીજ ઉત્પાદન માટે કોલસો બાળીને, મોટા મોટા કારખાનાઓ માટે બળતણના ઉપયોગ દ્વારા પૃથ્વીપર કાર્બનડાયૉકસાઇડ અને અન્ય ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક કક્ષાએ લાવીને મુકી દીધું છે.
પૃથ્વી પર કાર્બનડાયૉક્સાઇડ વધવાથી સુર્યના જે કીરણો અધોરક્ત સ્વરૂપે પાછા ફરતા હતાં તે પૃથ્વીપર રોકાવા લાગ્યા. પૃથ્વીપરનું તાપમાન લગભગ ૧ અંશ શેલ્સીયસ વધારી નાખ્યું (ભૂતકાળમાં ૨ અંશ શેલ્સીયસનો વધારો પૃથ્વીપર હિમયુગ લાવ્યો હતો). આ તમામ બાબતોના પરિણામે પૃથ્વી વધુ ને વધુ ગરમ થવા લાગી તે પ્રક્રિયાને ગ્લોબલ વૉર્મિંગ કહેવાય છે.

ગ્રીનહાઉસ ગેસ ઉત્પાદન કરનાર ક્ષેત્ર અને તેમાં વાયુનું પ્રમાણ ( % )

પ્રક્રિયા

ઉત્પન્ન વાયુ

ઉત્પન્ન થનાર વાયુ

કાર્બન

મીથેન

નાઇટ્રોજન

વીજ ઉત્પાદન

૨૧.૩

૨૯.૫

૧.૧

ઔદ્યોગીક પ્રક્રિયા

૧૬.૮

૨૦.૬

૫.૯

વાહન દ્વારા વપરાતું બળતણ

૧૪.૩

૧૯.૨

કૃષિ ઉત્પાદન

૧૨.૫

૪૦

૬૨

અશ્મીજન્ય બળતણ મેળવવાની પ્રક્રિયા

૧૧.૩

૮.૪

૨૯.૬

રહેણાક, વાણીજ્ય અને અન્ય

૧૦.૩

૧૨.૯

૪.૬

૧.૫

અન્ય

૧૩.૫

૯.૪

૨૫.૮

૨૯.૫

ગ્લોબલ વૉર્મિંગની અસરો

ગ્લોબલ વૉર્મિંગ જીવનના દરેક પાસાને અસર કરશે. ગ્લોબલ વોર્મિંગના લીધે ધ્રુવ પ્રદેશો પર લાખો વર્ષથી જમા થયેલો બરફ પીગળવા લાગશે, ઉંચા પર્વતો પર સ્થિત હીમનદીઓ પીગળી જશે આ બાબતોને લીધે દરિયાની સપાટી વધશે.

સામાન્ય રીતે જળ સંસાધનોમાંથી ગરમીના સમયમાં કેટલુંક પાણી બાષ્પીભવન પામતું હોય છે. પરંતુ ગ્લોબલવૉર્મિંગના કારણે ગરમીના દીવસો વધતા આ બાષ્પીભવન પણ વધશે. જેટલુ બાષ્પીભવન વધશે તેટલો વરસાદ વધશે અને પુરનું કારણ બનશે. આખુ જળચક્ર અસંતુલીત થશે જેના પરિણામે કેટલાંક પ્રદેશોમાં અગાઉ જણાવ્યુ તેમ પુરની પરિસ્થિતિ સર્જાશે તો કેટલાંક પ્રદેશોમાં વરસાદના અભાવે દુકાળ પડશે.

કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વૉર્મિંગની અસરોની શરૂઆત થઇ ચૂકી છે. ધ્રુવપ્રદેશોમાં બરફના મહાકાય ટૂકડાઓ ટૂટીને દરિયામાં પડી રહ્યાં છે. હીમનદીઓનો પટ દિવસે દિવસે સંકોચાવાથી નદીઓમાં પાણી હાલ ઘટી રહ્યું છે. જુદા જુદા દેશોના નગરો પૂરગ્રસ્ત હોવના સમાચારો અવાર-નવાર સાંભળવામાં આવે છે. ઉનાળાનાં દિવસો લંબાતા જાય છે અને ગરમીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. દરિયાની સપાટી વધવાના કારણે તેનું ખારૂ પાણી તટની જમીનની અંદર ઘૂસીને ભુગર્ભ જળને ખારા કરી રહ્યું છે.

હવે સમય આવી ગયો છે કે, ગ્લોબલવૉર્મિંગને ચીલાચાલુ કે રોજીંદી ઘટના ન ગણતા ગંભીરતાથી આપણે સૌ સાથે બેસીને વીચારવું પડશે કે આ મુસીબતનો સામનો કઇ રીતે કરીશું.

ગ્લોબલ વૉર્મિંગની અસર ઓછી કરવાના પ્રયાસો

ગ્લોબલ વૉર્મિંગની અસરો ઓછી કરવા માટે વિશ્વના વિભિન્ન દેશો પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યાં છે. કાર્બનડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ ગેસ ઓછા કરવા માટે વિશ્વના દેશો વચ્ચે ક્યોટો સમજૂતી થઇ રહી છે.

ગ્લોબલ વૉર્મિંગની અસરો કેવી રીતે ઓછી થાય તે માટે અમેરીકાના અગ્રણી અલ ગોરે અને ભારતના ડૉ.રાજેન્દ્ર પચોરી જેવા વિદ્વાનો વ્યક્તિગત ધોરણે અને વિશ્વની કેટલીક અગ્રણી સ્વૈચ્છિક સંસ્થાઓ સામુહિક ધોરણે પ્રચાર કરી રહી છે.

જો કે ગ્લોબલ વૉર્મિંગ માટે ઘણા લોકો માને છે કે હાલ પૃથ્વી પર વધતી ગરમી માટે કોઇ કારણ નથી. તેમજ ધ્રુવ પ્રદેશોમાં પીગળતા બરફના કારણે આપણે ચિંતા કરવાને જરૂર નથી. તેઓ માને છે કે કેટલાંક લોકો પોતે પ્રચારમાં આવવા માટે ગ્લોબલ વૉર્મિંગના નામે અતિશ્યોક્તિ કરે છે.

આ જે હોય તે પરંતુ આપણે આપણા ભવિષ્યની કથિત મુસીબત માટે કરવા જેવા ઉપાયો જરૂર કરી શકીયે. કારણે કે આવા ઉપાયોથી કઇ નહીતો પ્રદુષણ રોકાશે અને કુદરતી સંસાધનોનો દુર્વ્યય અટકશે. કેટલાંક આપણાથી કરી શકાય તેવા ઉપાયો નીચે જણાવેલ છે.

  • ઘરમાં સામાન્ય બલ્બ અને ટ્યુબલાઇટની જગ્યાએ હાલ બજારમાં ઉપલ્બ્ધ સી.એફ.એલ. બલ્બ વાપરવાથી ૬૦ ટકા ઉર્જાની બચત થાય છે.
  • વિવિધ વીજ ઉપકરણમાંથી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે તે ઉપકરણ ખરીદવાનો આગ્રહ રાખો.
  • ઉપકરણ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે મુખ્ય સ્વીચ બંધ રાખો
  • જો ઘરમાં જુનુ રેફ્રીજરેટર હોય તો નિયમિત સફાઇ કરવી અને વધુ પડતો બરફ જામવા ન દેવો. – વધુ બરફ જામવાના કારણે કોમ્પ્રેસરને વધુ કાર્ય કરવું પડે છે સરવાળે તેટલો કાર્બનડાયોક્સાઇડ વધે છે.
  • રસોડામાં રસોઇ કરતી વખતે વાસણ ઢાંકેલુ રાખવું.
  • દરેક વ્યક્તિએ બની શકે તો એકજ બાલદી પાણીથી ન્હાવાનો આગ્રહ રાખવો. –
  • નહાવાનું પાણી ગરમ કરવાનું થાય ત્યારે પરિવારનાં તમામ સભ્યોનું પાણી સાથે ગરમ કરવાનો આગ્રહ રાખવો. – વારંવાર પાણી ગરમ કરવાનું ટાળવાથી ઉર્જાનો વ્યય અટકશે.
  • પ્લાસ્ટીકની બોટલ અથવા થેલીનો ઉપયોગ ટાળવો. – અથવા એકવાર ખરીદેલી બોટલ કે થેલીનો ફરી ફરી ઉપયોગ કરવો નવી ખરીદી ટાળવી.
  • દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જોઇએ. – એક વૃક્ષ તેના જીવનચક્રમાં લગભગ એક ટન કાર્બન ગ્રહણ કરે છે.
  • સ્થાનિક ઉત્પાદીત  ખાદ્ય પદાર્થો(અનાજ, શાકભાજી અને ફળો) અને ચીજ-વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો
  • હંમેશા તાજા બનાવેલા ભોજનનો આગ્રહ રાખવો.–  જેથી ઠંડુ ભોજન ગરમ કરવાથી વપરાતી ઉર્જા બચશે અને આરોગ્ય પણ સારૂ રહેશે.
  • બને ત્યાં સુધી કુદરતી ખાતરથી પેદા થયેલ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો. – રાસાયણિક ખાતર કાર્બનડાયોક્સાઇડની માત્રા ઘણી વધારે છે.
  • શક્ય હોય ત્યાં પોતાના વાહનને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો.- આ ઉપાયો અંગે અન્ય મિત્રો તથા સગા-સંબંધીને જાણ કરી તેમને આ ઉપાયો કરવા પ્રેરવા.
  • પોતાના અંગત સ્વાર્થ માટે કુદરતને નુકશાન પહોચાડવું યોગ્ય નથી આખરે

“આ હવા ને આ ધરા આ ગગન છે આપણું,શક્ય છે ને છે જરૂરી સ્વાવલંબન આપણું.”

લેખક :  દક્ષેશ શાહ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate