હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો

શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો

શૈક્ષણિક લાયકાત સાથે માણસની ઉત્પાદન ક્ષમતા વધતા રોજગારીની તકો પણ વધે છે. એટલે શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસા એક પ્રકારનું મૂડી રોકાણ પણ છે.

આજીવિકાના પરંપરાગત સાધનો જમીન અને ગૃહ ઉદ્યોગ દિવસે ને દિવસે ઓછાં થયાં છે. તેવા સંજોગોમાં શિક્ષણ અને રોજગાર વચ્ચેનાં સીધા સંબંધનું મહત્ત્વ વધતાં શિક્ષણની માંગ ઉત્તરોતર વધી છે.

એટલે જે તે રાજ્યના વિકાસ કેટલો સમનવિષ્ટ છે તે ચકાસવા માટે ત્યાંના શિક્ષણનો વિકાસ સમજવો પડે.

ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ખુબ ઊંચો છે. પણ શિક્ષણની સ્થિતિ આશા જન્માવતી નથી. રાજ્યની આર્થિક વૃદ્ધિનો જરૂરી લાભ શિક્ષણના વિકાસ મળ્યો હોય એવું દેખાતું નથી.

શિક્ષણની ગુણવત્તાનું ગુલાબી ચિત્ર કેટલું સાચું?

શિક્ષણ માટે જરૂરી માળખાકીય સવલતોમાં નોધપાત્ર સુધારો છે પણ સત્તાવાર આંકડા દ્વારા રજૂ થતું ગુલાબી ચિત્ર વાસ્તવિકતા કરતાં થોડું છેટું છે.

શિક્ષણની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચું છે. એમાં કોઈ નોંધપાત્ર સુધારો થયેલો દેખાતો નથી. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ 2001માં 69.14 ટકા હતું, તે વધીને 2011માં 78.03 ટકા થયું છે.

પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો ક્રમાંક 16માંથી નીચો ઉતરીને 18 થયો છે. શાળામાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પણ 11 થી 14 વર્ષના 5 ટકા બાળકો હજુ પણ સ્કૂલ સુધી પહોંચતા જ નથી.

આ માટે બધાં રાજ્યોની તુલનામાં ગુજરાતનો ક્રમાંક છેક 22 છે. એનો અર્થ એ થયો કે દેશના ઘણાં રાજ્યોએ ગુજરાત કરતાં વધુ પ્રગતિ કરી છે.

આંકડાઓ પર એક નજર

વચ્ચેથી અભ્યાસ છોડી દેનાર ધોરણ 1 થી 4માં બાળકોની સંખ્યા 1999-2000મા 22.30 ટકામાંથી નોંધપાત્ર રીતે ઘટીને 2014-15માં 1.97 ટકા તેમજ ધોરણ 5 થી 7 વિદ્યાર્થીઓની સંખ્યા 41.88 ટકાથી ઘટીને 6.61 થઈ છે.

આ વર્ષો દરમ્યાન છેલ્લાં થોડાં વર્ષોમાં એક શિક્ષક દ્વારા ચાલતી શાળાઓનું પ્રમાણ ઘટીને 1.5 ટકા અને એક જ વર્ગખંડમાં ચાલતી શાળાનું પ્રમાણ ઘટીને 1.1 ટકા થયું છે.

શાળામાં જરૂરી માળખાકીય સવલતો સુધારવામાં સરકારી પ્રયત્નોનું ઘણું સારું પરિણામ મળ્યું છે.

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે, હવે 99.9 ટકા શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે અલગ ટોઇલેટની અને પીવાના પાણીની સગવડ છે.

99.7 ટકા શાળામાં વીજળી અને 70.7 ટકા શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે. ગુજરાતમાં માળખાકીય સવલતો અન્ય રાજ્યો કરતાં ઘણી સારી છે અને છેલ્લાં પાંચ વર્ષમાં ઘણો સુધાર પણ આવ્યો છે.

સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વિરોધાભાસી

પણ આ આંકડા 'પ્રથમ' નામની બિન-સરકારી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતાં વાર્ષિક સર્વે 'અસર' (ASER)ના તારણો સાથે મેળ ખાતા નથી.

'અસર'ના સર્વે મુજબ, ગુજરાતની 81.1 ટકા શાળામાં છોકરીઓ માટે અલગ ટોઇલેટ અને 84.6 ટકામાં પીવાનાં પાણીની વ્યવસ્થા છે.

અસરમાં એ પણ નોધાયું છે કે, 75 ટકા શાળામાં કોમ્પ્યુટર લેબ છે, પણ માત્ર 31.5 ટકા શાળામાં જ એનો ઉપયોગ થાય છે. શાળા શિક્ષણની ગુણવત્તા અંગે 'અસરે' 2004થી ધ્યાન દોર્યું છે.

ગુજરાત સરકારે 2009થી ગુણવત્તાની સમીક્ષા કરવા ગુણોત્સવની શરૂઆત કરી અને શાળાઓને એ,બી,સી અને ડી ગ્રેડમાં વહેંચી જરૂર પ્રમાણે પગલાં લેવાની યોજના પણ બનાવી.

જે શાળાઓના પરિણામ ગુણોત્સવ દરમ્યાન સુધર્યાં ના હોય તેમને સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપી દેવાની પણ જાહેરાત કરાઈ છે.

પણ 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દિશામાં ખાસ પ્રગતિ નહિ થઈ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

શાળાઓની ગુણવત્તા અને સ્થિતિ

1986માં કોઠારી કમિશને રાજ્ય સરકારોને તેમની ઘરેલું આવકના 6 ટકા શિક્ષણ માટે ફાળવવાની ભલામણ કરી હતી, જેની સામે ગુજરાતમાં સરેરાશ માત્ર 1.5 થી 2 ટકા જેટલું જ બજેટ ફાળવવામાં આવે છે.(નેહા શાહ , અસોશિએટ પ્રોફેસર ઇકોનોમિક્સ, એલ જે કોલેજ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ)

જાન્યુઆરી 2017માં સરકારે જાહેર કર્યું કે, રાજ્યમાં હવે કોઈ ‘ડી’ ગ્રેડની સ્કૂલ નથી. એટલે કે રાજ્યની બધી શાળામાં ગુણવત્તાનું પ્રમાણ સુધર્યું છે. આ વિશે પણ 'અસર'નો 2016નો રિપોર્ટ જુદું ચિત્ર રજુ કરે છે.

આ રિપોર્ટ પ્રમાણે સરકારી શાળામાં પાંચમાં ધોરણમાં ભણતા 47 ટકા અને આઠમા ધોરણમાં ભણતા 23.4 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ગુજરાતીનું - પોતાની માતૃભાષાનું પુસ્તક વાંચી શકતાં નથી.

પાંચમાં ધોરણના 83.9 ટકા અને આઠમા ધોરણના 65.2 ટકા વિદ્યાર્થીઓ સાદા ભાગાકાર કરી શકતાં નથી. ભારતનાં 27 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન અનુક્રમે 24મુ અને 19મુ છે.

અત્રે નોધવું રહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં માત્ર પ્રાથમિક શાળામાં 10.2 ટકા વિદ્યાર્થીઓ જ ખાનગી શાળામાં પ્રવેશ લીધો હતો.

એટલે કે આ આંકડા 89.8 ટકા વિદ્યાર્થીઓનું ચિત્ર રજુ કરે છે. કેન્દ્ર સરકારનાં માનવ સંસાધન મંત્રાલયનાં 2016નાં રિપોર્ટ પ્રમાણે ગણિત અને અંગ્રેજીમાં વિદ્યાર્થીઓના દેખાવમાં ગુજરાતનો ક્રમાંક અનુક્રમે 21 અને 27 હતો.

ગુજરાતી ભાષાનું કથળતું જતું સ્તર

ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી એસ.એસ.સી ની પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પરિણામ સતત કથળતું રહ્યું છે. ભાષાની સમજના અભાવે વિદ્યાર્થી અન્ય વિષય સમજવામાં પણ મુશ્કેલી અનુભવે છે.

પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષામાં દેખાવ નબળો જ રહે છે.

રાષ્ટ્રીય સ્તરે થતી NEET કે JEEE જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગ્યું હોવાની ફરિયાદ ઉઠતી જ હોય છે.

તાલીમબદ્ધ શિક્ષકોની કમી

શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબધ્ધ શિક્ષકોનું ખૂબ મહત્વ છે. કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં (સરકારી અનુદાન મેળવતી અને ખાનગી સહીત) પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી.

જે છે તે બધાં તાલીમ પામેલાં નથી. 2014-15માં પ્રાથમિક શાળામાં 12,281 શિક્ષકોની ખાધ હતી. અમદાવાદ જીલ્લામાં 11 ટકા અને કચ્છ જીલ્લમાં 24.70 ટકા શિક્ષકોની ખાધ હતી.

2015માં ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન અને ગણિતનાં 2,413 શિક્ષકો ઓછા હોવાનું નોંધાય છે.

સરકારી શાળાઓમાં આશરે 30 ટકા જેટલો કાર્યભાર વિદ્યા-સહાયકો દ્વારા સંભાળવામાં આવે છે.

શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબધ્ધ શિક્ષકોનું ખૂબ મહત્વ છે. કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં (સરકારી અનુદાન મેળવતી અને ખાનગી સહીત) પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી.

જે છે તે બધાં તાલીમ પામેલાં નથી. 2014-15માં પ્રાથમિક શાળામાં 12,281 શિક્ષકોની ખાધ હતી. અમદાવાદ જીલ્લામાં 11 ટકા અને કચ્છ જીલ્લમાં 24.70 ટકા શિક્ષકોની ખાધ હતી.

2015માં ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન અને ગણિતનાં 2,413 શિક્ષકો ઓછા હોવાનું નોંધાય છે.

સરકારી શાળાઓમાં આશરે 30 ટકા જેટલો કાર્યભાર વિદ્યા-સહાયકો દ્વારા સંભાળવામાં આવે છે.

ખાનગી શાળામાં પ્રાથમિક શિક્ષણની વાર્ષિક ફી પાંચ હજાર રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની છે.

ઘણી ખાનગી સ્વનિર્ભર શાળાઓ પાસે પણ ગુણવત્તા સભર સુવિધાઓ નથી. યોગ્ય પ્રયોગશાળા, પુસ્તકાલય, મેદાન જેવી વ્યવસ્થાઓ અપૂરતી છે.

શિક્ષકોનાં કૌશલ્યને સુધારવા માટે જરૂરી તાલીમ થતી નથી એટલે નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિષે તેઓ ઝાઝું જાણતાં નથી હોતાં.

બાળકના સર્વાંગી વિકાસને બદલે આખી વ્યવસ્થા પરીક્ષાલક્ષી બનીને રહી જાય છે. શાળાને કથળેલા ધોરણને ધ્યાનમાં રાખી વાલીઓને ટ્યુશનનો આધાર લેવો પડે છે.

એમાં વાલીનો ખર્ચ બેવડાય છે અને બાળક પર અભ્યાસનું ભારણ. ખેલકૂદ અને અન્ય ઇતર પ્રવૃત્તિ માટે બાળક જરૂરી સમય ફાળવી શકતાં નથી.

પરિણામે તેમનો વિકાસ સર્વાંગી બનવાને બદલે પરીક્ષાનું પરિણામ સુધારવા પૂરતો મર્યાદિત થઈ જાય છે. "ભાર વિનાનું ભણતર" માત્ર દીવાલ પર લખેલું સૂત્ર બનીને રહી જાય છે.

"ભાર વિનાનું ભણતર" માત્ર દીવાલ પર લખેલું સૂત્ર

બાળકનાં સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને અભ્યાસ ક્રમ ગોઠવતી, વર્ષે પચાસ હજાર થી લાખ રૂપિયા જેટલી ફી લેતી આંતર્રાષ્ટ્રીય બોર્ડ કે કેન્દ્રીય બોર્ડ સાથે જોડાણ ધરાવતી મોંઘી શાળાઓ સ્વભાવિક રીતે માત્ર મુઠ્ઠીભર ખમતીધર કુટુંબના બાળકો માટે જ છે જે સામાન્ય આવક ધરાવતા પરિવારોને પોસાતી નથી.

એન્જિનિયરિંગ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા અને રોજગારીનો પડકાર

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ પરિસ્થિતિમાં ખાસ ફર્ક નથી. આજે ગુજરાતમાં રાષ્ટ્રીય મહત્ત્વની 6 સંસ્થાઓ, 18 રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યુનિવર્સિટી, 4 કૃષિ યુનિવર્સિટી, 3 સેન્ટ્રલ યુનિવર્સિટી, અને 19 ખાનગી યુનિવર્સિટી છે.

સરકાર સંચાલિત યુનીવર્સીટીમાં પણ ખાનગી સ્વનિર્ભર કોલેજો નું પ્રમાણ વધતું જાય છે, જે નફાના હેતુ થી ચાલતી હોવાને, કારણે ફીનું ધોરણ ખૂબ ઊંચું હોય છે. ફીનું નિયંત્રણ સરકાર નિર્મિત સમિતિ કરે છે.

2016માં 136 એન્જિનિરિંગ કોલેજો ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એમાંની માત્ર 17 કોલેજો જ સરકારી અથવા સરકારના અનુદાન મેળવે છે અને 87 ટકા કોલેજ સ્વનિર્ભર છે.

બિલાડીના ટોપની માફક ખુલતી કોલેજો પાસે સ્વભાવિક રીતે કુશળ શિક્ષકો નથી હોતાં, જરૂરી સાધનો અને માળખાકીય સુવિધા પણ નથી હોતી.

પરિણામે મોટા ભાગની કોલેજો ડિગ્રી આપવા માટે જરૂરી ન્યૂનતમ અભ્યાસક્રમ પૂરો કરવા સુધી આવીને અટકી જાય છે. ઉચ્ચ શિક્ષણમાં જરૂરી કૌશલ્યોનું ઘડતર થાય તેવી તાલીમ મળતી નથી.

ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના 2015-16ના આંકડા પ્રમાણે એન્જિનિયરિંગનાં માત્ર 20 ટકા વિદ્યાર્થીઓને કોર્સ પૂરો થતાં નોકરી મળે છે. આ ઉદાસીન ચિત્ર પાછળ મુખ્યત્વે ત્રણ કારણો છે.

એક, ઉદ્યોગોની માંગ કરતાં વધુ વિદ્યાર્થીઓ એન્જિનિયર થઈને બહાર આવે છે.

બીજું, ગુજરાતની કોલેજોમાં ઘડાયેલાં કોર્સ ઉદ્યોગોની જરૂરિયાત કરતાં ઘણાં પાછળ ચાલે છે એટલે એવાં વિદ્યાર્થીઓની માંગ રહેતી નથી.

અને ત્રીજું, મોટા ભાગના વિદ્યાર્થીઓમાં વાતચીત વ્યવહારનું કૌશલ્ય કાચું પડે છે.

2016માં એન્જિનિયરિંગની 71 હજાર બેઠકોમાંથી 27 હજાર બેઠકો ખાલી રહી હતી.

અન્ય પ્રોફેશનલ કોર્સિસની પરિસ્થિતિ

આજ પરિસ્થિતિ થોડાં વર્ષો પહેલાં ઘણી પ્રતિષ્ઠિત ગણાતી એમ.બી.એ અને એમ.સી.એ ડીગ્રીની છે.

જે કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઘણી તૈયારી કરવી પડતી હતી તેમાં આજે લગભગ 60 ટકા જેટલી બેઠકો ખાલી છે.

2016માં ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટીએ એમ.બી.એ.નાં વિદ્યાર્થીઓ માટે યોજેલા રોજગાર મેળામાં દોઢ લાખથી અઢી લાખ રૂપિયા જેટલા ઓછા વાર્ષિક પગારવાળી નોકરી માટે જ કંપનીઓ આવી હતી અને ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓને જ નોકરી મળી.

વર્ષની આશરે લાખેક રૂપિયાની ફી ભરીને ડિગ્રી લીધાં પછી મોટા ભાગના વિદ્યાર્થીઓને વેચાણ વિભાગમાં એક સેલ્સમેન કરી શકે એ પ્રકારનું કામ મળી શકે છે. તે પણ કામના કલાકોની ગણતરી નહીં કરવાની શરતે.

બજારમાં કૌશલ્યની માંગ કરતાં પુરવઠો વધી ના જાય એ માટે સરકાર તરફથી લાંબા ગાળાનું આયોજન કરી એ મુજબ વિવિધ કોર્સ અને તેની બેઠકોને મંજૂરી આપવાની હોય.

સરકાર તરફથી એવી કોઈ કસરત હાથ ધરાયાનું ધ્યાનમાં નથી. કૌશલ્યની માંગ અને પુરવઠાને સંપૂર્ણપણે બજારનાં હવાલે છોડી દેવામાં આવ્યું છે.

બિલાડીના ટોપની માફક ખુલતી ખાનગી કોલેજો

બી.ઍડ, આર્કિટેક્ચર, લૉ જેવા કોર્સમાં પણ ઘણી કોલેજો ખુલી ગઈ છે. તે કેટલા વિદ્યાર્થીઓને ટકાઉ અને ગૌરવવંતી નોકરી અપાવી શકશે એ આવનારો સમય જ કહેશે.

રાજ્યનાં બજેટમાં શિક્ષણ માટેની નાણાંની જોગવાઈનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે.

1986માં કોઠારી કમિશને રાજ્ય સરકારોને તેમની ઘરેલું આવકના 6 ટકા શિક્ષણ માટે ફાળવવાની ભલામણ કરી હતી, જેની સામે ગુજરાતમાં સરેરાશ માત્ર 1.5 થી 2 ટકા જેટલું જ બજેટ ફાળવવામાં આવે છે.

તેમાં પણ મુખ્યત્વે માળખાકીય સવલતો પર ધ્યાન અપાયું છે.,પણ ગુણવત્તા સુધારવા પૂરતાં શિક્ષકોને ભરતી, તેમની જરૂરી તાલીમ કે નવી શિક્ષણની પદ્ધતિઓ અપનાવવા પર જરૂરી ધ્યાન આપવાની તાતી જરૂર છે.

જેનાથી આવનારી પેઢીમાં બજારના ઉતાર-ચઢાવનો સામનો કરવા યોગ્ય કૌશલ્ય ઘડાય તેમજ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગૌરવભેર ટકી શકે.

 

નેહા શાહ,બીબીસી ગુજરાતી માટે

2.7
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top