অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણ થકી વિકાસ

શિક્ષણ થકી વિકાસ

શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ સ્વીકારે છે. આ દેશનો પ્રત્યેક નાગરિક પછી તે માં-બાપ હોય કે રાજનેતા, સમાજશાસ્ત્રી હોય કે શિક્ષાવિદ્દ આજે શિક્ષણનું મહત્વ સ્વીકારે છે. બીજી તરફ શિક્ષણના સ્તર માટે ચિંતા પણ કરે છે. દરેક બીજાના સામે બળાપો પણ કાઢે છે. જેમ કે, માં-બાપ શિક્ષક કે શાળાને તો શિક્ષકો સરકારી તંત્રને દોષિત ગણે છે. નેતાઓ સિસ્ટમને જવાબદાર ગણે ને લોકો નેતાઓને ભાંડતા ફરે છે. આજે આપણે બાળકોના શિક્ષણમાં માં-બાપના સંદર્ભે વાત કરવી છે. જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની એટલે કે સામાવાળાની દ્રષ્ટિથી જુએ તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. આ વાત શિક્ષણના સંદર્ભમાં માં-બાપને પણ લાગુ પડે છે. આજે પ્રાથમિક શિક્ષણથી શરુ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે માતા પિતા સંતાનોના શિક્ષણથી અજાણ અથવા અળગા કે અજ્ઞાન થઇ જાય છે.

મોટેભાગે સમાજની એકંદર એવી સમજ છે અને ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક કે વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યમિક અને છેવટે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનોને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે. માં-બાપને એમ કે તેમનું સંતાન હોશિયાર છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બાળકના ગમા-અણગમા, તેની શુષુપ્ત શક્તિઓના વિકાસના કે સમગ્રતયા તેના શારીરિક અને માનસિક વિકાસને બદલે ગોખણપટ્ટી અને પુસ્તકીયા જ્ઞાનની મહત્તાને વધારી દેવાયી છે. વિષય કે અભ્યાસક્રમને સમજીને શીખવા કરતા ઉપરછલ્લું અને પરિક્ષા પુરતું જ શીખાય કે શીખવાય છે. પછી જ્યારે સ્પર્ધાત્મક મુલવણી થાય ત્યારે તેમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્કનો ફુગ્ગો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે.

સવોચ્ચ ગુણાંક મેળવનારા સંતાનોની અભિવ્યકિતના કૌશલ્ય અંગે માં-બાપ પુરતો રસ લેતા જ નથી. સ્પર્ધાત્મક માહોલમાં "ગુણવતા" ની ચકાસણી ખરેખર થાય ત્યારે શું કરવું તેની સમજ આવા યુવાનો પાસે હોતી નથી અને માં-બાપને ખબર પડતી નથી. તે સંજાગોમાં ખાનગી હાટ આ સ્થિતીનો લાભ લઇ પુરતું શોષણ કરે છે. વર્તમાન તબક્કે જેમ વિધાર્થી માંગ કરતો નથી તેમ માં-બાપ પણ જાગૃતિ દર્શાવતા નથી. તૈયાર અભ્યાસ સાહિત્ય અને ટ્યુશનની સઘળી માંગ સંતોષવા માટે માં-બાપ હંમેશા તત્પર હોય છે. પરંતુ સંતાનની સમજ શકિત, અભ્યાસનું ઊંડાણ, હસ્તાક્ષર વગેરે બાબતો માટે તેમને સંતાન પાસે બેસવાનો સમય નથી અથવા તો તેઓ બિનજવાબદાર બની જાય છે.

માં-બાપ સંતાનોનાં શિક્ષણ પાછળ ખરેખર કેટલો ખર્ચ કરે છે? એક મોટો વર્ગ એવુ માને છે કે શિક્ષણ પાછળ ખર્ચ ઘણો થાય છે. વાસ્તવિક શિક્ષણ એટલે પાઠયપુસ્તકો, બોલપેન, નોટબુક વગેરે ગણાવી શકાય. પરંતુ પાઠ્યપુસ્તકો કે ભણવાના મટીરિયલના ખર્ચ કરતાં સૌંદર્ય પ્રસાધન અને મોબાઇલ તેમજ વાહનનો ખર્ચ વધુ થાય છે, જે બાબતે માં-બાપ કાળજી રાખતા નથી. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં આ માહોલ વિશેષ જોવા મળે છે. કેટલાક શહેરોમાં તાજેતરનાં વર્ષોમાં યુવાન વિધાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. આ માટે મુખ્ય કારણોમાંનું એક માતા-પિતા દ્વારા કરાતું ગુણાંકના સંદર્ભમા બિનજરૂરી દબાણ જવાબદાર હોય છે. માતા-પિતા કિશોર વયે કે તરુણ વયે સંતાનોને સમય ઓછો આપે છે. આ સંજોગોમાં બાહ્ય કાઉન્સલીંગની માંગ વધતી જાય છે. સંતાનોના ભવિષ્ય સંબંધી માર્ગદર્શન અસ્થાને નથી. પરતુ ભવિષ્યનાં નિર્માણનું આઉટસોર્સીગ થાય છે તે આત્મઘાતી સાબિત થઈ શકે છે. માં-બાપ ની રહેણીકરણી પણ સંતાન ઉપર લાંબાગાળાની છાપ મુકી જાય છે. ખાનપાનનો વિવેક સમાજ સ્વંય નક્કી કરતો હોય છે. માતા-પિતા ચટકા-મસકામાં મસ્ત રહેતા હોય તો સંતાનને કોણ કહેશે? પ્રવૃતિશીલ જીવનના કારણે માતા-પિતા તણાવ અનુભવે તે સહજ છે, પરંતુ ઘરના નાસ્તા અને બહારના તૈયાર નાસ્તાની ગુણવતાની સમજ ન કેળવે તે કેમ ચાલે ?

સમાજ જો દેખાદેખીથી જીવન જીવે અને દેખાદેખીથી ધન્યતા અનુભવે તો સંતાનો તેમજ કરવાના છે. દેખાદેખીનો નશો આવતી કાલની પેઢી માટે ખતરાની ઘંટડી સમાન છે. આ જવાબદારી મા-બાપની છે. ખાનપાન, પહેરવેશ અને ફરવામાં માતા-પિતા વિવેક ચુકે છે. બાળકો હોય કે યુવાન તેની જીદને સહજ તાબે થવાને બદલે તેની માનસીકતાના ઘડતર માટે સમય આપવાની ફુરસદ મા-બાપ કાઢતા નથી. જેના કારણે કિશોરવયે કે તરુણવયે સંતાનો અનિચ્છનીય કે અયોગ્ય નિર્ણયનો શિકાર બને છે.

માતા-પિતા સંતાનનાં ઉજ્જવળ ભવિષ્ય માટે નહીં પણ ટુંકા ભવિષ્ય માટે ચિંતિત છે. એટીકેટી મેળવનાર યુવાનના ગુણાંક સુધરે અને ઉતીર્ણ થઇ જાય તે માટે પાછલી દોટ લગાવનાર મા-બાપ ખરા અર્થમાં સંતાનોનુ અહિત કરતા રહ્યા છે. આજે કેટલા બાળકો સ્વયં શિક્ષણ સંસ્થાની મુલાકાતો લે છે ? કેટલા માં-બાપ પોતે નિશ્ચિત પ્રકારનુ વાંચન કરે છે ? મુખ્ય પ્રશ્ન એ છે કે બદલાતા શિક્ષણનાં પ્રવાહોથી માતા-પિતા સ્વયં અજ્ઞાત છે. મોટાભાગની શિક્ષણ સંસ્થાઓમાં વાલી સાથે સંપર્ક જ નથી. કેટલીક સંસ્થાઓ હજુ પણ માતા-પિતાના નિયમિત મિલન મુલાકાત ગોઠવે છે, છતાં જ્યાં ગોઠવાય છે ત્યા પણ મહદઅંશે ઔપચારિકતા વધુ જોવા મળે છે.

તરુણ અને યુવાવસ્થામાં જોશ વધુ હોય છે, તેને યોગ્ય સમજણ અને માર્ગદર્શન જોઈતું હોય છે. સમાજ કે કુટુંબ તે નથી આપી શકતા ત્યારે વિકરાળ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બાળકનો સર્વાંગી વિકાસ, સારા નાગરિક બનવા જરૂરી ગુણોની ખીલવણી અને ભવિષ્ય માટેનો માર્ગ પસંદ કરવાની આ ઉમરમાં તેને મહત્તમ હુંફ જોઈએ છે. તેને સમજે તેવું વાતાવરણ અથવા તેવા લોકોને તે શોધે છે. માં-બાપે તેના વાલી અને મિત્ર બન્ને બનવું જરૂરી છે. જો બાળકને ઘરમાં મા-બાપ કે વડીલો નીતિનું, મુલ્યોનું શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય અથવા ઉદાસીન રહે તો શિક્ષકો, અધ્યાપકો આ જવાબદારી કેવી રીતે નિભાવી શકે? ઘરની વાતચીત અને કુંટુબનાં વ્યવહારોથી આજનું સંતાન પૂર્ણ જાગૃત છે, સાવધાન છે. આ સંજોગોમાં મગજમાં જે દાખલો ખોટો સ્થિર થયો હોય તેને સાચો કરવાની જવાબદારી શાળાની કઇ રીતે હોઈ શકે ?

મા-બાપની ભુમિકા માત્ર જન્મદાતાની જ નહીં પરંતુ જીવનદાતાની પણ છે. જન્મ આપવા પછી કેવળ આર્થીક જવાબદારી જ મા-બાપ સંભાળતા હોય અને ધડતર માટે આઉટસોર્સીગ જ કરવાનુ હોય તો સંતાન આઉટસોર્સીગના કમાન્ડ પ્રમાણે જ તૈયાર થાય અને પછી મા-બાપને રડવાનો, આંસુ સારવાનો નૈતિક અધિકાર રહેતો નથી. સઘળી સુખ સગવડો જ આપવા અને અગવડથી સંતાનોને આઘા રાખવાની વર્તમાન પદ્ધતિ ભવિષ્યમા ઘણેઅંશે આત્મઘાતી સાબીત થાય છે. સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સસ્તા સમાધાન નહીં પણ સુખનાં ત્યાગની જરૂર છે. દાખલો ન આવડે તો મા-બાપે પણ જીવતરનાં દાખલા શીખવા સમય આપવો પડે, તૈયારી રાખવી પડે. જે ન આવડે તે ચાલશેની મનોવૃતિ સમાજની હોય છે તેવી જ મા- બાપની થાય તો સંતાનો ભાંગશે અને ભાંગશે જ. શિક્ષણ રથનું આ પૈડુ આજે ઘસાયુ છે, ખોડગાતુ થયુ છે. તેનુ કારણ તેમાં તેલ પુરવા માટે, તેના સ્કુ્ ટાઇટ કરવા માટે મા-બાપ પાસે સમય નથી અને તેમને તે અંગે જાગૃતિ પણ નથી. સંજોગો અને સવાલો વિકરાળ બની ગયા છે. આમ ને આમ ક્યાં સુધી ચલાવી લઈશું?

સ્ત્રોત જીગ્યા બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate