હોમ પેજ / શિક્ષણ / બાળકોનું કોર્નર / ગુજરાતમાં તહેવારો 
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાતમાં તહેવારો 

ગુજરાતમાં તહેવારો 

દિવાળી : પ્રકાશનું પર્વ

‘દીપાવલી’ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો છે. સંસ્‍કૃતમાં ‘દિપાવલી’ નો અર્થ દિપકોની હારમાળા. પ્રજવલ્‍લિત દીવાઓની હારમાળાની ભવ્‍યતા સૌને રોમાંચિત કરે છે. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. યુગોથી ભારતીય સંસ્‍કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવાની સમજ સ્‍વીકારી છે.

ગુજરાતમાં દીપાવલી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે. સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને દિવાઓથી સજાવે છે. સ્‍મૃતિ અને સંપત્તિની દેવી મા લક્ષ્‍મીજીનું આહ્વાન કરાય છે. ઉમંગના આ સમયે નાના-મોટા સૌ સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે.

દીપાવલીના પર્વને લઇ અનેકવિધ દંતકથા તેની સાથે જોડાયેલી છે. એક કથા અનુસાર ભગવાન વિષ્‍ણુના લગ્‍ન સમૃદ્ધિની દેવી મા ‘લક્ષ્‍મી’ સાથે થયા હતાં. બીજી પ્રચલિત કથા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામ ૧૪ વર્ષના વનવાસ બાદ લંકાપતિ રાવણનો વધ કરી વિજય પ્રાપ્‍ત કરી અયોધ્‍યામાં પાછા ફર્યા હતા. આ પ્રસંગે અયોધ્‍યાવાસીઓએ ઘરે ઘરે દિપ માલાઓ પ્રગટાવી તેમનું સ્‍વાગત કર્યું હતું. અન્‍ય બીજી પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્‍ણે આ દિવસોમાં રાક્ષસ રાજ નરકાસુરનો વધ કરી સમાજને તેના ભય અને આસુરી વૃત્તિથી મુક્ત કર્યા.

દીપાવલી પર્વના પાંચ દિવસોનો ઉત્‍સવ અવર્ણનીય હોય છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, પડવો, અથવા વર્ષપ્રતિપદા (જે દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષનો પ્રારંભ) થાય છે. પાંચમા દિવસે ભાઇ-બીજ પર્વની ઉજવણી થાય છે. ત્‍યારબાદ સાતમા દિવસે લાભપાંચમ પર્વ આવે છે. નવા કામકાજની શરૂઆત આ દિવસે કરવામાં આવે છે.

નવવર્ષ પર્વ નિમિત્તે લોકો હર્ષ-ઉમંગ અને ઉલ્‍લાસની સાથે મંદિરોમાં જઇ પૂજા-અર્ચના કરી એકબીજાને હ્યદયથી મળી નવા વર્ષની શુભેચ્‍છા પાઠવે છે.

દીપાવલીનું પર્વ આશા-ઉમંગની વધામણીનું છે. એકબીજા ગુજરાતીઓ એક બીજાને પ્રેમપૂર્વક મળી પ્રેમ-શુભેચ્‍છાની આપ-લે કરે છે.

દિવાળી એ આપણો સૌથી અગત્યનો તહેવાર છે, એટલે તેના વિષે કોઈ ના જાણતું હોય એવું ના બને. આપણે સૌ જાણીએ છીએ કે આસો માસના અંતે એટલે કે વર્ષના અંતે દિવાળી ઉજવાય છે અને ઘણા તહેવારોના સમુહને દિવાળી કહીએ છીએ. આજે દિવાળી વિષે લખવાનું મન એટલા માટે થયું કે ઘણા વિદ્યાર્થીઓ આપણા તહેવારો વિષે જાણે છે બધું પરંતુ જો તેમને મારો પ્રિય તહેવાર વિષય પર નિબંધ લખવાનો કહો તો ગૂંચવાઈ જાય છે. કૈક જાણવું અને તેને શબ્દોમાં રજુ કરવું એ બન્ને વચ્ચે ફરક છે. તો ચાલો આજે આપણે દિવાળીના તહેવારનું મહત્વ સમજીએ.

ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે.

ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે.

વાઘ બારસ એટલે કે વાક બારસ અને આ દિવસે વાણી ની દેવી સરસ્વતીનું પૂજન થાય છે. ઘણા આદિવાસી અને જંગલ વિસ્તારોમાં વાઘ (જંગલી પશુઓ)નું પૂજન પણ થાય છે. ત્યાર બાદ ધનતેરસ એ દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે. પ્રથમ વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન કરી બીજે દિવસે લક્ષ્મી-પૂજનનો અર્થ એ છે કે જ્ઞાનનું મહત્વ ધન દોલતથી વધારે છે. લક્ષ્મી પૂજનના દિવસે દેવી લક્ષ્મીજી પાસે માત્ર ધન નહી સંતાન અને ધન બંનેની માગણી કરવાની પૂજા થાય છે. કાળી ચૌદશના દિવસે અશુભ તત્વો કે આસુરી શક્તિઓ આપણા જીવનથી દૂર રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે, તો વળી કેટલાક લોકો સ્મશાનમાં પૂજા પણ કરે છે. દિવાળીના દિવસે દીપ પ્રગટાવી આનંદ ઉત્સવ મનાવાય છે. નવા કપડા પહેરી બાળકો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવે છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ બનાવવાનો અને ખાવાનો પણ રીવાજ છે. બીજા દિવસે કારતક સુદ એકમ એટલે કે નવું વર્ષ મનાવાય છે. સહુ એક-બીજાને મળી શુભેચ્છાઓ પાઠવે છે. વેપારીઓ ચોપડા પૂજન કરી નવા વર્ષના કામકાજનો પ્રારંભ કરે છે. બીજા દિવસે ભાઈ બીજે ભાઈઓ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈને જમાડી તેના શુભ માટે પ્રાર્થના કરે છે, તો ભાઈ બહેનને ભેટ-સોગાદ આપે છે.

અન્ય માન્યતાઓ મુજબ દિવાળીને 'દિપાવલી' તરીકે પણ ઓળખવામાં આવે છે. 'દીપ' એટલે 'પ્રકાશ' અને 'આવલી' એટલે 'હરોળ'. આ પ્રકાશની હરોળને દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને દર્શાવવામાં આવે છે. આસો સુદ પૂર્ણિમાના તેરમાં દિવસે (ધનતેરસે) દિવાળીનો પ્રથમ દિવસ ઉજવવામાં આવે છે. 'ધન' એટલે 'સંપત્તિ' અને 'તેરસ' એટલે 'તેરમો દિવસ'. આ દિવસે લક્ષ્મીજીની એટલે કે ધનની દેવીની પુજા કરવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાઓએ મૃત્યુના રાજા 'યમરાજ' માટે સતત પ્રગટતા દીવાઓ મુકવામાં આવે છે. ચૌદમાં દિવસે (નારક ચતુર્દશી) હિન્દુઓની માન્યતા મુજબ ભગવાન કૃષ્ણએ દુનિયાને ભયભીત કરનાર રાક્ષસ નાર્કાસુરનો વધ કર્યો હતો. આ દિવસથી થોડાઘણા ફટાકડાઓ ફોડવાનું શરૂ થાય છે.

પખવાડિયાના પંદરમાં દિવસે સાચી દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીના શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ સુધી ઘર સાફ કરવામાં ન આવ્યું હોય તો, દિવસની શરૂઆતમાં જ લક્ષ્મીજીને આવકારવા સાફ-સફાઈ કરવી જ જોઈએ. આ દિવસે ઉપહારો અને મીઠાઈઓની સમગ્ર પરિવાર અને મિત્રો વચ્ચે આપ-લે કરવાથી સંબંધો મજબુત બને છે. રાત્રે જમ્યા પછી ફટાકડા ફોડવામાં આવે છે.

કાર્તિકના અજવાળિયાના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત આંગળી પર ઉપાડી ગોકુળના લોકોની ઇન્દ્રના ક્રોધથી રક્ષા કરી હતી અને રાજા વિક્રમાદિત્યને મુગટ પહેરાવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારના છેલ્લા અને પાંચમાં દિવસને 'ભાઈબીજ' તરીકે ઉજવવામાં આવે છે.

નવરાત્રી

ગુજરાતમાં નવરાત્રી નો તહેવાર નવ દિવસ સુધી ઉત્‍સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃતય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી.

નવરાત્રીમાં અંબાના માનમા ઉજવવામાં આવે છે જેના ઘણા રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે બુરાઇનો નાશ કરે છે. શિવની પત્‍ની પાર્વતીના પણ ઘણા રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવોને પ્રસન્‍ન કરવા માટે પૂજા પાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે.

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.) બીજો રજો ગુણ (જે દયા દર્શાવે છે.) ત્રીજો ગુણ સત્‍વગુણ (જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે.) આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

આ તહેવાર અબાલ-વૃદ્ધ દરેક ઉમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે. આ દિવસ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્‍કૃતિને માણવા માટે આવે છે.

‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્‍દ સંસ્‍કૃત શબ્‍દ ‘ગરબદીપ’ પરથી આવ્‍યો જેનો અર્થ ગોળાકાર માટલું જે માનવીય શરીરમાં રહેલ આત્‍માના પ્રતિક છિદ્રોવાળું રૂપ છે.

તહેવાર જીવનમાં આવતા સંઘર્ષનો હિમ્‍મતથી સામનો કરવાનો સંદેશ આપે છે. દુર્ગાની સત્‍યના અસત્‍ય પરના વિજય અપાવે છે. સરસ્‍વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે. અને ‘મા’ લક્ષ્‍મી સુખ અને સમૃદ્ધિ આપે છે.

પુરાણો અનુસાર કૃષ્‍ણ ભગવાન વાંસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી હતી. આ રાસ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ પ્રખ્‍યાત છે

નવરાત્રીમાં ગરબા રમવા માટેની ઘણા પ્રકાર છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદીસાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે. 

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પૌશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે. 

ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવદિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઇને જાય છે.

પતંગ ઉત્સવ

ગુજરાતમાં મકરસક્રાંતિનું પર્વ પતંગ ઉત્‍સવ તરીકે મનાવવામાં આવે છે. આનંદ-ઉલ્‍લાસના પતંગ ઉત્‍સવ દ્વારા ગુજરાત તેની સાંસ્‍કૃતિ શક્તિનું પ્રદર્શન વિશ્વને કરાવે છે. પતંગ જેમ ઊંચે આસમાને ચગે છે તેમ ગુજરાત ચોતરફના વિકાસમાં અગ્રેસર રહી વિશ્વ ફલક પર અવ્‍વલ નંબર બનવાના પ્રયાસ સતત કરતું રહ્યું છે.

 

સમગ્ર રાજ્યમાં જાન્‍યુઆરી માસમાં ખુલ્‍લા વિશાળ આસમાની આકાશમાં રંગબેરંગી પતંગો જુદી જુદી સાઇઝ, આકાર અને જાત-જાતના ચગવા માંડે છે. વહેલી સવારથી માંડી મોડી સાંજ સુધી બાળકો, કિશોર-કિશોરીઓ યુવાન અને વુદ્ધો આ પતંગના પેચ અને સહેલની મઝા માણે છે. રાત્રીના સમયે પતંગ રસિયાઓ ટુક્કલની મઝા માણે છે. રાત્રીના અંધકારમાં એક જ પતંગની દોરી પર પ્રગટેલી મીણબત્તી ટુક્કલમાં મૂકી તેને આકાશમાં છોડવામાં આવે છે. અંધારામાં ટુક્કલનો દેખાવ ખુબ જ નયનરમ્‍ય બને છે.

મકરસક્રાંતિ અથવા ઉત્તરાયણ, આ દિવસ સૂર્ય તેની ગતિ-દિશા બદલે છે અને આ દિવસ બે ઋતુઓનો સંધિકાળ પણ બને છે. હિન્‍દુ જ્યોતિષ શાસ્‍ત્ર મુજબ સૂર્ય આ દિવસે મકર રાશીમાં પ્રવેશે છે અને તેની ગતિ ઉત્તર તરફની બને છે.

પતંગ ચગાવવો અને તેની સહેલ લેવી, અન્‍ય પતંગો સાથે પેચ લેવા વગેરે દ્વારા પતંગ રસિયાઓ દિવસભર આનંદ લૂંટે છે. ધાર્મિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે. ધાર્મિક માન્‍યતા પ્રમાણે ઉત્તરાયણના સમયે સ્‍વર્ગના દરવાજા ખૂલે છે. ગુજરાત ભરમાં ઉજવાતો પતંગ ઉત્‍સવ ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, સૂરત, રાજકોટ અને નડિયાદમાં અનેરો ઉત્‍સાહ જોવા મળે છે. અહીં પતંગો અને વિવિધ પ્રકારની દોરી-માંજોની જાત પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

પતંગ ઉત્‍સવના દિવસની આગલી રાત્રે પતંગ રસિયા પતંગની ખરીદી કરવા પતંગ બજારમાં નીકળી પડે છે. આખી રાત પતંગ ખરીદીનો માહોલ સમગ્ર શહેરોમાં જોવા મળે છે. વિવિધ પ્રકારના, વિવિધ રંગો અને આકારના પતંગો ખરીદવા માટે બાળકો-યુવાનોનમાં ઉત્‍સાહ-આનંદ અનેરો જોવા મળે છે. પતંગ બજારમાં અકલ્‍પનિય માહોલ જોવા મળે છે

ગુજરાત પ્રવાસન નિગમ પતંગ મહોત્‍સવની ઉજવણીનું આયોજન કરે છે. પતંગ ઉત્‍સવ રાષ્‍ટ્રીય પર્વ તરીકે જાહેર થયેલું છે. આ પતંગ મહોત્‍સવ પ્રસંગે ગુજરાત પ્રવાસીઓ માટે ધ્‍યાનાકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે. વૈશ્વિક રોકાણકાર સુમિત તેમજ વાયબ્રન્‍ટ ગુજરાતના કાર્યક્રમોનું આયોજન આ પર્વ સાથે સાંકળી લઇ ઉત્‍સવ સાથે આર્થિક વિચાર ગુજરાતે રજૂ કરી તેમાં સકારાત્‍મક પરિણામો હાંસલ કરેલા છે. સન ૨૦૦૩ થી ‘વાયબ્રન્‍ટ’ શબ્‍દ ગુજરાતની ઓળખ આપે છે. ગુજરાતે દેશ અને વિદેશોમાં તેની વિશ્વસનીયતા ‘વાયબ્રન્‍ટ’ થકી ઊભી કરી છે.

વૈશ્વિક આર્થિક મંદીના માહોલ વચ્‍ચે પણ ગુજરાતે ૨૦૦૯ માં વૈશ્વિક રોકાણકાર સુમિત અન્‍વયે ૧૩ મી જાન્‍યુઆરીના રોજ અમદાવાદ ખાતે ૧૨ લાખ કરોડ ઉપરાંતના સમજૂતી કરારો થયા હતા. જેમાં ૨૫૦૦ કરતા પણ વધુ કરારો વિવિધ ક્ષેત્રો માટે હતા. રાજ્ય સરકાર અને જે તે રોકાણકારો સાથે થયા હતાં. આ સમજૂતી કરારો ઉપરથી રાજ્યમાં અંદાજે ૨૫ લાખથી પણ વધુ રોજગારીની તકો ઊભી થશે. છેલ્‍લાં ત્રણ વર્ગના વાયબ્રન્‍ટ ગુજરાત સુમિત એ વર્ગનું વર્ષ ૨૦૦૩, ૨૦૦૫ અને ૨૦૦૭ માં કુલ રૂપિયા ૬.૩૪ લાખ કરોડથી પણ વધુ રોકાણ માટેના સમજૂતી કરારો થયા હતાં. જેની સામે છેલ્‍લે વર્ષ ૨૦૦૯ માં ગુજરાતમાં રોકાણ માટે અંદાજીત ૧૨ લાખ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્‍યાં હતાં.

શીવરાત્રી

ભગવાન શીવજીનો જન્‍મદિવસ શીવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની ફાગણ વદની (ફેબ્રુઆરી અને માર્ચ) છ રાત્રીઓ દરમિયાન ઉજવવામાં આવે છે. મહાશીવરાત્રીની રાત્રીએ ભગવાન શીવજી તાંડવ  નૃત્‍ય કરે છે. પૌરાણીક કથાઓ અનુસાર આ નૃત્‍ય ભગવાન શીવજીએ ‘પાર્વતીજી’ સાથે લગ્‍ન કરેલા ત્‍યારે આ શીવરાત્રીનું પર્વ ઉજવાયું હતું. ગુજરાતના તમામ સ્‍થળોએ ‘મહાશીવરાત્રી’ નું પર્વ ખૂબ જ હર્ષ - ઉલ્‍લાસ સાથે ઉજવાય છે. ભગવાન શીવજીની અર્ચના-પૂજન દૂધના અભિષેક અને બિલિપત્રના ત્રિદલ - પર્ણોને અર્પણ કરી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રી જાગરણ કરી શીવભક્તિ તન્‍મય બને છે.

ભારતભરનાં મંદિરો ૩૦ લાખથી પણ વધુ શીવજીના પ્રતીકાત્‍મક સ્‍વરૂપ ‘લીંગ’ ના સ્‍વરૂપો સ્‍થપાયેલા છે. તમામ લીંગ સ્‍વરૂપે શીવજી બિરાજમાન હોય છે. શીવજીના મુખ્‍ય બાર જ્યોર્તિલીંગો ભારતભરમાં આવેલાં છે. તેના દર્શન પૂજનથી માનવીના છેલ્‍લા સાત જન્‍મોના પાપો બળી ભસ્‍મ થાય છે અને નિર્મળ અને નિષ્‍પાપ બની ધન્‍યતા અનુભવે છે.

બાર જ્યોર્તિલીંગોમાંથી પ્રથમ જ્યોર્તિલીંગ ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે વેરાવળ સ્‍થિત સોમનાથ મંદિર આવેલું છે. ધાર્મિક યાત્રાળુ માટે સોમનાથ મંદિર શ્રદ્ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર છે. સોમનાથ ભગવાન એટલે ચંદ્રના નાથ.

ભગવાન શીવજીનું મંદિર સોમનાથ તેની ભવ્‍યતા અને સમૃદ્ધિ માટે વિશ્વમાં સૈકાઓથી પ્રચલીત છે. મોગલ સમ્રાટોએ સોમનાથ પર છ-છ વાર ચઢાઇ કરી તેનો વિધ્‍વંશ કરવાના પ્રયત્‍નો કર્યા. પરંતુ દરેક વિધ્‍વંશ બાદ તેનું નિર્માણ થતું રહ્યું. આજે શીવજીના મંદિર એવા સોમનાથ તેની ભવ્‍યતા, અખંડિતતા અને આસ્‍થાના કેન્‍દ્ર તરીકે વિશ્વભરમાં વિખ્‍યાત છે.

સોમનાથ મંદિરનું સ્‍થાપત્‍ય વિજ્ઞાન અને સ્‍થાપત્‍યકળાનો સમન્‍વય છે. સોમાનાથ મંદિર સંકુલમાં નકશીકામ - કોતરણીકામના બેનમૂન સ્‍થાપત્‍યો તેમજ નિર્માણ કાર્યો જોવા મળે છે. ગુજરાતમાં સલાહ કામગીરીમાં નિપૂણતા ધરાવતા ‘સોમપુરા’ જ્ઞાતિબંધુઓએ આ મંદિરના સ્‍થાપત્‍યકળામાં તેમનું કૌવત બનાવ્‍યું છે

શીવરાત્રીની ઊજવણી વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ આવે છે. અહીં મુખ્‍ય તહેવાર ‘મહાશીવરાત્રી’ નો ઉજવાય છે. તેનું આયોજન રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન કચ્‍છ રણ ઉત્‍સવની સાથે કરે છે. આ ઉપરાંત કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ‘સોમનાથ’ ખાતે ભવ્‍ય મેળાનું આયોજન કરવામાં આવે છે. (ન્‍વે. - ડિસે.) આ ઉપરાંત ‘શીવરાત્રી’ પર્વની ઊજવણી ‘ભવનાથ’ મહાદેવ ખાતે કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્‍લામાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શીવજીનું ભવ્‍ય શીવમંદિર ખાતે મહાશીવરાત્રી પર્વના પાંચ દિવસ મેળો ભરાય છે.

‘ભવનાથ’ ખાતે પવિત્ર મૃગકુંડમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્‍નાન કરી નિષ્‍પાપ બને છે. હજારોની સંખ્‍યામાં આ પવિત્ર સ્‍થાનમાં દર્શન માટે યાત્રીઓ આવે છે. મહાશીવરાત્રીના મહાસ્‍નાન બાદ મહાપૂજાની ભવ્‍ય યાત્રા નીકળે છે. જેમાં હજારોની સંખ્‍યામાં દર્શનાર્થીઓ, નાગા બાવાઓ, ભજન મંડળીઓ, સાધુ-સંતો અને નગરજનો જોડાય છે. અહીં સૌથી ધ્‍યાનાકર્ષક અને રોમાંચનો અનુભવ કરાવતી ઘટના એ નાગાબાવાઓના મુખ્‍ય મહંતની હાથી પર નીકળતી સવારી અને તેની પાછળ ધજાપતાકાઓ સાથે તેના અનુયાયીઓ નિહાળવાનો લાહવો અલૌકીક હોય છે. આ મેળામાં ભવાઇ, રાસગરબા, ડાયરો વગેરેની જમાવટ યાત્રાળુને આકર્ષિત કરે છે.

ધૂળેટી

ગુજરાત ઉત્‍સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારરના બીજા દિવસે   ધૂળેટીનો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્‍સવ મનાવાય છે. હિન્‍દુઓનો મહત્‍વનો ઉત્‍સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.

હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્‍ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્‍નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્‍યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્‍વરૂપે શ્રીકૃષ્‍ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.

હોળી એ આસુરી શક્તિ પર વિજયનું પર્વ છે. શિયાળાની ઋતુના અંત ના સમયે આ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. બે દિવસ ઉજવાતા આ ઉત્‍સવમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ આખો દિવસ ઉપવાસ રાખે છે. તેમાં એ માન્‍યતા છે કે ભગવાન શ્રીવિષ્‍ણુનો પરમ ભક્ત પ્રહલાદને સાંજે હોલિકા જે રાજા હિરણ્યકશ્‍યપુની બહેન છે. જેને અગ્‍નિએ નહિ બળવાનું વરદાન આપ્‍યું હોય છે. તે પ્રહલાદને ખોળામાં બેસાડી, હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ હોલિકા તેની ફરતે અગ્‍નિ-વરદાન હોવા છતા બળીને ભસ્‍મ થઇ જાય છે અને ભગવાન શ્રી વિષ્‍ણું પોતાના ભક્ત પ્રહલાદને બચાવી લે છે. ભક્ત પ્રહલાદને સુરક્ષિત જોઇ સૌ ભક્તજનો અબીલ-ગુલાલ રંગોથી આનંદ લૂંટે છે અને ઉત્‍સવની ઉજવણીમાં ખજૂર, મમરા, ધાણી, હેરડાં વગેરે પ્રસાદરૂપે લે છે. ભક્તો એકબીજાને તિલક કરી ગલે મળે છે. કિશોરીઓ મા ‘ગૌરી’ ની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો ઉત્‍સવ મનાવવામાં આવે છે.

ગુજરાતના આદિવાસી પ્રદેશ પંચમહાલ, ડાંગ, છોટાઉદેપુર તેમજ સાબરકાંઠામાં ધૂળેટીનાં ઉત્‍સવ અનોખી રીતે ઉજવાય છે. આદિવાસી પ્રજા સાથે મળી નૃત્‍ય કરે છે. તેમની પરંપરાગત સંગીતશૈલીમાં ગીતો ગાઇ ઉત્‍સવની મઝા માણે છે. આ તહેવારને ‘ભગોરિયા’ તરીકે ઓળખે છે.

જન્માષ્ટમી

ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રાવણ સુદ આઠમે જન્‍મ્‍યા હતા. તેની ઊજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્‍માષ્‍ટમીનું પર્વ મનાવાય છે.

ભગવાન શ્રીકૃષ્‍ણ ગુજરાતમાં પૂર્વ વિસ્‍તારના દરિયાકાંઠે દ્વારકા પ્રદેશના રાજા હતા. ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્‍ણની જન્‍માષ્‍ટમી ખૂબ જ ધામધૂમ અને આનંદ-ઉપવાસના વાતાવરણમાં ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્‍ણ મથુરાની જેલમાં જન્‍મ્‍યા. તેમના પિતાએ યોગમાયાના બળે જેલમાંથી યમુના નદી પાર કરી. નંદ-યશોદાને ઘરે ઉછેરવા મૂકી આવ્‍યાં. ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્‍ણે તેમની બાળ લીલાઓ કરી હતી. ભગવાન શ્રીકૃષ્‍ણ હિન્‍દુ ધર્મની આસ્‍થાનું પ્રતિક છે. જે હજારો વર્ષ પછી પણ તે અડગ રહ્યું છે.

પરંપરાગત રીતે કૃષ્‍ણભક્તો સાતમનો આઠમનો ઉપવાસ રાખે છે. આઠમની મધ્‍યરાત્રીએ કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરી નોમના દિવસે સમયમાં ‘દહી’ હાડી ના કરતબો યુવાન પેઢી કરે છે. જેમાં ખૂબ જ ઊંચાઇ પર જાહેરમાર્ગ પર મટકીમાં માખણ ભરી લટકાવવામાં આવે છે. માનવીય ત્રિકોણ-પિરામિડ બનાવી મટકીની ઊંચાઇએ પહોંચી તેને ફોડવાના પ્રયાસો કરી આનંદ લૂંટે છે. મટકી ફોડવામાં સફળ થનારને આનંદ-ઉમંગથી વધાવવામાં આવે છે.

ભક્તજનો મંદિરો અને ધર્મસ્‍થળોએ ‘હરેકૃષ્‍ણ હરેકૃષ્‍ણ કૃષ્‍ણ કૃષ્‍ણ હરે હરે....’ ની મંત્રધૂન ગાઇ કૃષ્‍ણભક્તિમાં તરબોળ થઇ જાય છે. ગુજરાતમાં યાદવ વંશ જ ના લોકોમાં વિશેષરૂપ કૃષ્‍ણ ભક્તિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતીમાં દ્વારકા, ડાકોર એ પ્રસિદ્ધ શ્રીકૃષ્‍ણ મંદિરો છે

ગણેશ ચતુર્થી

ભગવાન શ્રી ગણેશનું મુખ આપણને ‘‘ઉચ્‍ચ વિચાર’’ અને ‘‘લાભ’’ ની પ્રરેણા આપે છે. ભગવાન શ્રી ગણેશના મોટા કાન નવી વાતો જાણતા રહેવાની પ્રેરણા આપે છે.ભગવાન શ્રી ગણેશની નાની આંખો પોતાના લક્ષ્‍યને વળગી રહેવાની પ્રરેણા આપે છે.ભગવાન શ્રી ગણેશનું લાંબુ નાક નવું નવું શીખવાની પ્રેરણા આપે છે.ભગવાન શ્રી ગણેશનું નાનું મુખ ઓછી બોલી, વધારે સાંભળવાની પ્રેરણા આપે છે.ગણેશને ગણપતિ પણ કહેવામાં આવે છે જે ચાતુર્ય, વિવેકબુદ્ધિ, આત્‍મોદ્ધારના ભગવાન છે. ‘ગ’ નો અર્થ ‘‘જાણકાર’’, ‘ન’ નો અર્થ ‘‘અંત્‍યોદ્ધાર’’ અને ‘ઇશ’ અને ‘પતિ’ નો અર્થ ભગવાન થાય છે. ગણેશનો અર્થ ‘‘ગણના દેવતા’’ પણ થાય છે. ગણેશ ભગવાન શીવના પુત્ર છે. દક્ષિણ ભારતમાં ગણેશને પિલ્‍લાઇવર તરીકે પૂજવામાં આવે છે. ગણેશ કોકંબા, દુંદાળા અને હાથીના મુખવાળા દેવ છે. જેમના ચાર હાથ, હાથદંત તથા સુવર્ણ સમાન વાતો છે. પુરાણોમાં હાથી સત્‍ય, ધીરજ અને ચાતુર્યનું પ્રતીક છે. તેમના હાથમાં લાડુ, શંખ, કમળ, ગદા હોય છે ગણેશની સવારી ઉંદર છે. જે નાના સાથે મોટાના ભળવાનું પ્રતીક છે. તે સૌથી વધુ પૂજાતા દેવ છે. દરેક ધાર્મિક કાર્ય, ઉત્‍સવ, યજ્ઞ, પર્વમાં સૌથી પહેલા તેમની પૂજા થાય છે. તેમની તસવીર દરેક શુભેચ્‍છા પત્રમાં જોવા મળે છે. ૐ ગણેશાય નમઃ દરેક શુભેચ્‍છા પત્રની શરૂઆતમાં લખાય છે. તેનો અર્થ ગણેશ હું પ્રાર્થના કરું છું થાય છે. ઘણા લોકો, વિદ્યાર્થીઓ, દુકાન માલિકો, ફિલ્‍મકારો કે પરમાણું વૈજ્ઞાનિકો તેમના કામની શરૂઆત ગણેશની પૂજા કરીને કરે છે. ગણેશના જન્‍મની જુદી જુદી માન્‍યતાઓ છે

ઇ.સ. ૫૦૦ પહેલાના સાહિત્‍યમાં તેમનો ઉલ્‍લેખ ઝાઝો જોવા મળતો હતો. પરંતુ મધ્‍યકાલીન ૧૫ મી સદીમાં તેમનો ઉલ્‍લેખ જોવા મળે છે. પદ્મ પુરાણના અનુસાર ગણેશ શીવ અને પાર્વતીના નાના પુત્ર છે. શીવ પુરાણ અનુસાર ‘મા’ પાર્વતીના શરીરના મેલમાંથી થયો હતો. જ્યારે ભગવાન શીવ ન હતાં. ‘મા’ પાર્વતી તેમના દ્વારની રખેવાળી માટે કોઇક જોઇતું હતું. ‘મા’ પાર્વતીએ તેમના મેલમાંથી એક મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા અને તેનું નામ ગણેશ આપ્‍યું. ગણેશને ‘મા’ પાર્વતીએ દ્વારની રખેવાળી કરવાનો આદેશ આપ્‍યો જ્યારે ભગવાન શીવ આવ્‍યા ત્‍યારે ગણેશે તેમને અંદર જવા ન દીધા. દલીલો બાદ ભગવાન શીવે ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે ‘મા’ પાર્વતીને આ વાતની જાણ થઇ ત્‍યારે તેઓ ગુસ્‍સે ભરાયા અને તેમના બાળકને પાછો લાવવા માટે શીવને કહ્યું. ત્‍યારબાદ ગણેશના ધડમાં હાથીનું માથું લગાવવામાં આવ્‍યું અને ગણેશના શરીરમાં પ્રાણ પૂર્યા. પુરાણો કહે છે કે ગણેશની પૂજા કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં કરવામાં આવે છે. જેનું કારણ હતું કે એકવાર શીવે પોતાના બે પુત્ર ગણેશ અને કાર્તિકેયને પૃથ્‍વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તે હરિફાઇમાં કાર્તિકેય મોરની સવારી કરીને પૃથ્‍વીના ચક્કર લગાવ્‍યા. પણ, ગણેશે શીવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ગણેશે તેના માટે કારણ આપ્‍યું કે એના માત-પિતા જ તેની દુનિયા છે. તે માટે તેણે તેમની પ્રદક્ષિણા કરી. શીવ આ વાત જાણીને ખુશ થયા અને શીવે કોઇપણ શુભ કાર્યનું શરૂઆતમાં ગણેશની પૂજા થાય તેવા આર્શિવાદ આપ્‍યા. નરસિંહ પુરાણના અનુસાર જો તેમની પૂજા કોઇ કાર્યની શરૂઆતમાં ન કરવામાં આવે તો તે કાર્યમાં વિધ્‍ન આવે છે. તેના કારણે દરેક શુભ-કાર્યની શરૂઆતમાં ગણેશની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ગણેશને વિધ્‍નહર્તા પણ કહેવામાં આવે છે. જે દરેક વિધ્‍નોને દૂર કરે છે. ગણેશ દરેક વિધ્‍નોને દૂર કરે છે. ભારતીય મહાકાવ્‍ય ‘‘મહાભારત’’ ગણેશે મહર્ષિ વેદવ્‍યાસના કહેવા પ્રમાણે લખ્‍યું હતું. જ્યારે ગણેશે ને તે ‘‘મહાભારત’’ લખવા માટે કહેવામાં આવ્‍યું ત્‍યારે તેમને શરત મૂકી કે તેમની કલમ જ્યાં સુધી અટકશે નહીં કે જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય. તેના જવાબમાં મહર્ષિ વેદ વ્‍યાસે કહ્યું કે ગણેશ વાક્ય ત્‍યારે જ લખશે જ્યારે તેમને આ વાક્ય બરાબર સમજાઇ ગયું હશે. એટલે જ્યારે પણ ગણેશ તે વાક્ય સમજતા ત્‍યાં સુધી મહર્ષિ નવો શ્લોક બનાવી લેતા. ગણેશને ‘એકદંતા’ પણ કહેવામાં આવે છે. કારણે તેમનો એક દાંત તૂટેલો છે. પદ્મ પુરાણ અનુસાર એક દિવસે જ્યારે ભગવાન શીવ સૂતા હતા ત્‍યારે પરશુરામ તેમને મળવા માટે આવ્‍યા. ગણેશે તેમને શીવને મળવા ન દીધા. કારણ તે સમયે શીવ સૂતા હતાં. તેના કારણે પરશુરામ ક્રોધે ભરાયા અને ગુસ્‍સામાં તેમણે ગણેશ પર કુહાડીનો પ્રહાર કર્યો. જે કુહાડી ભગવાન શિવે તેમને આપેલી. તે કુહાડી ભગવાન શીવની છે તેમ જાણતા હોવાને કારણે ગણેશે તેમા પ્રતિકાર ન કર્યોં. તેના કારણે કુહાડીથી તેમનો એક દાંત તૂટી ગયો. પુરાણોના અનુસાર મહિનાના ચોથા દિવસ ને ચતુર્થી તરીકે ઓળખાય છે જે ગણેશની પૂજા માટે શુભદિવસ માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ભાદરવા મહિનાની ચતુર્થી એ ભગવાન ગણેશનો જન્‍મ થયો. આ દિવસે ચંદ્રના દર્શન કરવા અશુભ મનાય છે. જેનું કારણ એ છે કે એક વખત ગણેશ અને તેમના વાહન ઉંદર ને જોઇએ ચંદ્ર હસ્‍યો હતો. તેના કારણે ગણેશે ચંદ્રને શ્રાપ આપ્‍યો કે જે કોઇ આ દિવસે ચંદ્રને જોશે તેના કામમાં વિધ્‍ન આવશે. લોક માન્‍ય તિલકે મહારાષ્‍ટ્રમાં ગણેશ ચતુર્થી ઉજવવાની શરૂઆત કરી. ગણેશ ચતુર્થીમાં દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને છેલ્‍લા દિવસે તેમની મૂર્તિને પધરાવી દેવામાં આવે છે.

એમ માનવામાં આવે છે કે ગણેશનો જન્‍મ કલયુગમાં ‘‘ધૂમકેતુ’’ ના રૂપે થશે. જે રાક્ષસોને મારીને વિશ્વમાં શાંતિ અને સુખ લાવશે.

ગણેશજીના જમણો હાથ અભય મુદ્રામાં છે. જે માનવ સમાજની સુરક્ષા અને અભય પ્રદાન કરે છે. બીજા હાથમાં અંકુશ ધારણ કર્યું છે. જે આસુરી તત્‍વો માટે સંહાર રૂપ છે. અને ભક્તો માટે તેને નિયમ-શિસ્‍તમાં રાખવા માટેનું છે. ‘મોદક’ એ સ્‍વાશ્રય અને પ્રેમનું પ્રતીક છે. ગણેશજી આપણને નિયમનપૂર્વક જીવનશૈલી શિખવાડે છે. શાસ્‍ત્રો મુજબ જીવન જીવવાનું કરે છે.

સ્ત્રોત: જિંગ્ન્ય બ્લોગ

2.98387096774
Anonymous May 05, 2020 05:05 PM

તહેવારોના નામ

તામિલનાડુ ની માહિતી Aug 19, 2018 05:37 PM

માહિતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top