অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ

ગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ

ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. 26 જાન્યુઆરી 1950 ના એ પાવન દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું, અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર બન્યું ત્યારથી સંયુકતપણે આપણે સહુ આપણા સૌના વિકાસ અને ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છીએ. જ્યાં વૈશાલીમાં દુનિયાનું પુરાણું ગણતંત્ર હતું તેવી ભારતભૂમિમાં સહસ્ત્રાબ્દીઓ બાદ નવીન અને આધુનિક ગણતંત્ર ફરીથી નિર્માયું અને આજે આપણે તે ગણતંત્રના મીઠા ફળ ભોગવી રહ્યા છીએ. કેટલાક ક્ષેત્રોમા સફળતા મળી છે તો કેટલાક ક્ષેત્રોમા હજુ વધુ મહેનતની જરૂર છે. છતાં એકંદરે સતત અસ્થિરતાના આ વિશ્વમાં લોકશાહીને આપણે ટકાવી શક્યા છીએ એટલું જ નહી વધારે મજબુતીથી સુસ્થાપિત કરી છે. આજના દિવસે વિદેશી આધિપત્યના, અન્યાય અને ગુલામીના, દેશની આર્થિક, સામાજીક અને સંસ્કૃતિક અધ:પતન માટે કારણરૂપ સંસ્થાનવાદ સામે અવાજ ઉઠાવવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર સહુ નામી-અનામી શહીદોના બલિદાનને યાદ કરી તેમના સપનાનું સમૃધ્ધ, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારત બનાવવા પોતાની ભૂમિકા ભજવવાની પ્રતિજ્ઞા લઈએ.

આજે પણ આપણે વિકાસશીલ દેશ છીએ. કુદરતી સંસાધનોથી ભરપુર ભૂમિના સંતાનો હોવા છતાં કુપોષણ, ભૂખમરો, અશિક્ષણ, બાળમજૂરી, બેકારી, જેવી પાયાની સમસ્યાઓને પણ હલ કરવામાં આંશિક જ સફળ થયા છીએ. આર્થિક અસમાનતા અને મહિલાસશસ્ત્રીકરણ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. સામાજિક ન્યાય, આરોગ્ય અને સમતાપૂર્ણ સમાજના નિર્માણનો ધ્યેય અપૂર્ણ છે. આતંકવાદ અને નકસલવાદની સમસ્યાઓ ગંભીર છે. નિરાકરણ માટે વધુને વધુ પ્રયત્નોની જરૂર છે. તેમ છતાં, આજે આપણો દેશ વિશ્વની સહુથી ઝડપથી વિકસતી અર્થ-વ્યવસ્થા છે. દુનિયાની ત્રીજા ક્રમની સૈન્ય શક્તિ હોવા સાથે અવકાશ સંશોધન ક્ષેત્રે દુનિયામાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. ન્યુક્લિયર શક્તિ હોવા સાથે અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. દુનિયાની સહુથી વધુ યુવાન વસ્તી ધરાવતો આપણો દેશ આવનાર પડકારોનો સામનો કરવા કટીબદ્ધ છે. આ દેશમાં આજે તેજસ જેવા વિમાનોથી લઇ અગ્નિ જેવી મિસાઈલ બનાવવાની ક્ષમતા છે. મંગલ મિશનની સફળતા આપણા વૈજ્ઞાનિક વિકાસને દર્શાવે છે તો દુનિયાનો કોઈ દેશ કે પ્રજા ભારતને અવગણી ના શકે તેવું વૈશ્વિક મહત્વ મેળવી ચુક્યા છીએ. અનેક સફળતાઓ મેળવી છે અને હજુ તેથી વધુ કરવાનું બાકી છે.

દેશમાં આજે આનંદ અને ઉલ્લાસ છે તો એક ગુજરાતી તરીકે આપણે 26 જાન્યુઆરી 2001 ના ગોઝારા ભૂકંપને પણ યાદ કરીએ. અનેક નિર્દોષો તેનો ભોગ બનેલ તે સહુને શ્રદ્ધાંજલિ અર્પીએ. સહુ પોતાના ભેદભાવ ભૂલી દેશના વિકાસમાં યોગદાન આપીએ એજ આજના દિવસે આપણો સંકલ્પ બને.

સ્ત્રોત:

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate