অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નેટ ન્યૂટ્રાલિટી

નેટ ન્યુટ્રાલિટીનો સીધોસાદો અર્થ છે કે આપણે ઇન્ટરનેટ જોડાણ મેળવીને પછી જે કાંઇ સર્ફ કરીએ છીએ તેમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ કોઇ માથું નહીં મારવાનું. અહીં માથું મારવાનો મતલબ છે આપણે નેટ પર શું કન્ટેન્ટ જોઇ રહ્યા છીએ તેને અને નેટ યુઝ કરવાના ચાર્જને કોઇ સંબંધ ના હોવો જોઇએ. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની ( ભારતમાં મોટાભાગના લોકો તેમને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓનું જ નેટ વાપરે છે એટલે આપણા દેશમાં વોડાફોન, એરટેલ, આઇડિયા, ટાટા ડોકોમો એ બધા જ મોટા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે)આપણે કેટલો ડેટા વાપર્યો તેના પર ચાર્જ લગાડે તે બરાબર છે પરંતુ તે ડેટા આપણે કઇ બાબતમાં કન્ઝ્યૂમ કર્યો કે કઇ સાઇટ પર કન્ઝ્યૂમ કર્યો તેની સાથે આઇએસપીને કોઇ લેવાદેવા ના હોવી જોઇએ. આ થઇ નેટ ન્યૂટ્રાલિટી. કોઇપણ વ્યક્તિ ઇન્ટરનેટ સર્વિસનો મુક્ત અને સમાન રીતે ઉપયોગ કરી શકે તે નેટ ન્યૂટ્રાલિટીમાં અપેક્ષિત છે.
ઇન્ટરનેટ વાપરતી વખતે નેટિઝનને એવો સંકોચ ના થવો જોઇએ કે પોતે કોઇ ભારતીય અખબારની સાઇટ જોવાને બદલે વિદેશી અખબારની સાઇટ જોશે તો વધારે રકમ ચૂકવવી પડશે કે પછી વીડિયો જોવા માટે યુ ટ્યુબને બદલે અન્ય કોઇ એક્સ-વાય-ઝેડ ટ્યૂબ પર વીડિયો જોશે તો સરખામણીએ વધુ ચાર્જ ચૂકવવો પડશે. ઇન્ટરનેટની પૂર્વજ ફોન સેવાઓ છે. દુનિયાભરમાં ફોન સેવાઓ શરૂ થઇ ત્યારે જ ન્યૂટ્રાલિટીનો ખ્યાલ પણ પેદા થયો હતો કે ફોન કેટલા સમય માટે વાપર્યો તેના આધારે ચાર્જ લેવાવો જોઇએ પરંતુ કોની સાથે વાત કરવા માટે કે કયા મુદ્દે વાત કરવા ફોન વાપર્યો તેના આધારે ચાર્જ ના હોય. આ એક રીતનું જેન્ટલમેન પ્રોમિસ છે જેને ઇન્ટરનેટના ઉદ્‌ભવ સાથે ઇન્ટેરનેટ સેવાઓની બાબતમાં પણ સાંગોપાંગ લાગુ કરવામાં આવ્યું છે.

અસરો શું ?

ઇન્ટરનેટ પર વધતો ટ્રાફિક જોઇ આઇએસપીની દાઢ સળકી છે. તેમને એમ થાય છે કે અમારી સેવાઓનો ઉપયોગ કરીને અમુક કંપનીઓ કમાઇ જાય છે તો અમારો પણ તેમના હિસ્સામાં ભાગ કેમ નહીં ? પણ, જો આ કંપનીઓનું ચઢી વાગ્યું તો ઇન્ટરનેટમાં સમાનતા ગાયબ થઇ જશે પછી 'બળિયાના બે ભાગ' કે 'મારે તેની તલવાર' જેવો ખેલ ચાલશે. અત્યારે તમે ગુગલ કરતાં હજાર ગણુ સારું સર્જ એન્જિન વિકસાવી શકો છો કે ફેસબુક કરતાં લાખ ગણી સારી સોશિયલ સાઇટ વિકસાવી શકો છો. તમારી સાઇટમાં દમ હશે તો લોકો તેના પર સામેથી આવશે જ. પણ આઇએસપી કંપનીઓએ ફેસબુક કે ગુગલ સાથે હાથ મિલાવી લીધા હશે તો તે મફત કે નજીવા ભાવે સર્ફ કરી શકાશે જ્યારે તમારી નવી સાઇટ જોવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડશે. સરવાળે તમારી સાઇટનું બાળમરણ થઇ જશે. જો આ આઇએસપી કંપનીઓનું આજથી પંદર-વીસ વર્ષ પહેલાં ચઢી વાગ્યું હોત તો ફેસબુક, ગુગલ વગેરેનો જન્મ જ ના થયો હોત કારણ કે એ બધાની શરૂઆત તો 'જગ્યા છે સાંકડી પણ દુકાન છે ફાંકડી'ની સ્ટાઇલથી નાનાપાયે જ થઇ હતી.
અત્યારે તમે કોઇ સારા હેતુ માટે એનજીઓ શરૂ કરો તો તેની વેબસાઇટ વિકસાવી શકો છો. પણ પછી માની લ્યો કે આઇએસપી એવું નક્કી કરી લેશે કે તમારી એનજીઓની સાઇટ પર જવું હોય તો તેના માટે ઊંચો ભાવ ચૂકવવો પડશે. તો સરવા‌ળે તમારી સાઇટ ફ્લોપ જશે અને તમે જે વિચાર કે કાર્યનો પ્રસાર કરવા માગો છો તે શક્ય નહીં બને. માની લ્યો કે તમે અમુકતમુક ફોન કંપની કે આઇએસપી દ્વારા આડેધડ વસુલાતા ઊંચા બિલોથી નારાજ છો તો તમે અત્યારે ફેસબુક, ટ્વિટર કે કોઇપણ સાઇટ પર જઇને તેની વિરુદ્ધ બખાળા કાઢી શકો છો. પણ, આ કંપનીઓ નેટ ન્યુટ્રાલિટી ખત્મ કરી નાખશે તો તમે તે કંપની વિરુદ્ધ કશુંક લખ્યું હશે એ પોસ્ટ બ્લોક થઇ જશે. તમારું વિરોધ કરવાનું એક પ્લેટફોર્મ ઝૂંટવાઇ જશે.
ટૂંકમાં ઇન્ટરનેટની દુનિયા પર સાઇટસ બનાવનારા અને તેને વાપરનારા નહીં પરંતુ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કરતી આઇએસપી કંપનીઓનો અંકુશ આવી જશે. આ કંપનીઓ પર કોઇ રાજકીય પક્ષ, કોઇ ઔધોગિક જૂથનો અંકુશ હશે તો તે તેના હરીફો પાસેથી ઇન્ટરનેટનું પ્લેટફોર્મ જ ઝૂંટવી લેશે. માની લ્યો કે આપણા દેશમાં યુપીએનું દસ વર્ષનું શાસન હતું ત્યારે તેણે બધી આઇએસપી પર કબજો મેળવી કોઇએ ઇન્ટરનેટ પર કયાંય નરેન્દ્ર મોદીનું ભાષણ બતાવવું નહીં, તેમના ટ્વિટ, ફોટા દર્શાવવા જ નહીં, તેમની પ્રશંસા કરતા લખાણો મૂકવાં નહીં એવું કરાવ્યું હોત તો ? નેટ ન્યુટ્રાલિટી ખતમ થાય તો એક મુક્ત સમાજ તરીકે આપણને જે નુકસાનો થશે તે કલ્પનાતીત હોઇ શકે છે.

શા માટે જરૂરી છે નેટ ન્યુટ્રાલિટી

અત્યારે ઇન્ટરનેટ એ સાઇટ ડેવલપ કરનાર, તેના માટે કન્ટેન્ટ બનાવનાર અને તે કન્ટેન્ટને વાપરનાર કે શેર કરનાર વચ્ચેનો જ ખેલ છે. આઇએસપીએ માત્ર નેટ જોડાણ આપવાનું હોય છે પછી તેણે આગળની કોઇ માથાકૂટમાં પડવાનું નથી. તેના સર્વરમાંથી કયા પ્રકારની કન્ટેન્ટ પોસ્ટ થઇ રહી છે, શેર થઇ રહી છે એ તેની ચિંતાનો વિષય નથી. લોકો ઇચ્છે તે વેબસાઇટ બનાવે છે, તેના પર ઇચ્છે તે કન્ટેન્ટ મૂકી શકે છે અને લોકો ઇચ્છે તે વેબસાઇટ પર જઇને તે કન્ટેન્ટને એન્જોય કરે છે, માહિતી મેળવે છે કે ગીતો સાંભળે છે કે પછી ફોટા પોસ્ટ કરે છે. ટૂંકમાં શું કન્ટેન્ટ સર્જવામાં આવી રહી છે કે શું કન્ટેન્ટ શેર થઇ રહી છે તેમાં આઇએસપીએ કોઇ માથું મારવાનું હોતું નથી. આ સ્વતંત્રતા છે એટલે જ ઇન્ટરનેટ દુનિયાભરમાં આટલું ફૂલ્યુંફાલ્યું છે, વિકસ્યું છે, કરોડો લોકો તેની સાથે જોડાય છે અને પોતાની જિંદગીને બહેતર બનાવી રહ્યા છે.
આજે વર્લ્ડ વાઇડ વેબ સાચા અર્થમાં દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવી રહી છે. આ વ્યવસ્થા છે એટલે ઇન્ટરનેટ પર અત્યારે હજારો જાતની ઉપયોગી સેવાઓ પ્રાપ્ય થઇ રહી છે. તમે મનફાવે તેવો બ્લોગ બનાવી શકો છો, તમને ગમતાં ગીતોનું પ્લેલિસ્ટ ઓનલાઇન મૂકી શકો છો. તમને તમારાં ગામની , તમારી નાતની , તમારી સ્કૂલની વેબસાઇટ બનાવવી હોય તો ઝાઝી ચિંતા કર્યા વિના એક સર્વરની સેવા મેળવી તે મૂકી શકો છો. અત્યારે આ નેટ ન્યુટ્રાલિટી છે એટલે ઇન્ટરનેટની દુનિયામાં ઇનોવેશન થઇ શકે છે. નેટ ન્યૂટ્રાલિટી છે એટલે જ માઇક્રોસોફ્ટ, ગુગલ, એપલ વચ્ચે જંગ જામી શકે છે. નેટ ન્યૂટ્રાલિટી છે તો જ તમે કોઇ ખચકાટ વિના નક્કી કરી શકો છો કે તમારે એમેઝોન પરથી ખરીદી કરવી છે કે ફ્લિપકાર્ટ પરથી ? આઇએસપી કંપનીઓનું ચાલશે તો આ બધું બંધ થઇ જશે.

ઉપાય શું છે ?

અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ગ્રાહકો રાજા છે. ગ્રાહકો કોઇપણ બજારને ધારે તે દિશામાં વાળી શકે છે. પરંતુ તે માટે ગ્રાહકોનો સંયુક્ત મજબૂત અવાજ જરૂરી છે. જે આઇએસપી નેટ ન્યૂટ્રાલિટીનો ભંગ કરે છે તેમ લાગે તો તેનો વિરોધ કરી શકો. જે વેબસાઇટ આવી કોઇ આઇએસપી સાથે મળી જઇ પક્ષપાતી ચાર્જ માળખું ગોઠવવા પ્રયાસ કરી રહી છે તેમ લાગે તો તેનો વિરોધ કરો. ટ્રાઇએ નેટ ન્યૂટ્રાલિટી વિશે વાંધા સૂચનો મગાવવા શરૂ કર્યાં છે. ટ્રાઇની સાઇટ પર જઇને કે તેને ઇમેઇલ કરીને પણ નેટ ન્યૂટ્રાલિટીની તરફેણ કરી શકાય છે.

વાંધો ક્યાં પડયો ?

ભારતમાં હાલ નેટ ન્યૂટ્રાલિટીની બાબતમાં ફાચર મારવાની હિલચાલ એરટેલ દ્વારા શરૂ થઇ છે. એરટેલ કંપનીએ એવી સ્કીમ લોન્ચ કરી કે તમે અમુક તમુક એપ્સ વાપરો તો તમારે નેટનો ચાર્જ નહીં ભરવો પડે. તે સંજોગોમાં તમારા નેટ યૂઝનું પેમેન્ટ પેલી એપ્સ કંપની કે વેબસાઇટ કરશે. પરંતુ જો તમે તે સિવાયના એપ્સ વાપરો તો તમારે ચાર્જ ભરવો પડશે. આવી જ એક ડિલ તાજેતરમાં ફેસબુક દ્વારા પણ કરવામાં આવી છે કે તમે અમુકતમુક કંપનીનું નેટ વાપરી ફેસબુક જોશો તો કોઇ ચાર્જ નહીં. બાકી બીજી કંપનીનું નેટ વાપરી ફેસબુક જોશો તો ચાર્જ અલગ થશે. આ તો હજુ શરૂઆત છે. હજુ આગળ આગળ એવું પણ થશે કે તમે ટ્રેનની ટિકીટ કઢાવવા નેટ વાપરશો તો મિનિમમ ચાર્જ થશે પરંતુ તમે સંગીત સાંભળવા નેટનો ઉપયોગ કરશો તો તમારે વધારે ચાર્જ ભરવો પડશે. સમજી શકાય છે કે આ યાદી પછી વધારે લાંબી અને વધારે જટિલ થતી જવાની.
માની લ્યો કે ગુગલ જેવી જાયન્ટ કંપની કોઇ આઇએસપી સાથે ડિલ કરી લે તો પછી એવું થશે કે તમે ગુગલ સર્ચ વાપરો કે ગુગલના એપ્સ વાપરો તો તમારા વતી ગુગલ પૈસા ભરશે પરંતુ તમને ગુગલ સર્ચ કરતાં બીજું સર્ચ એન્જિન વધારે ફાવતું હોય તો તમારે આઇએસપીને વધારે ચાર્જ ભરવો પડે. પછી એવાં પેકેજ આવશે કે તમે ભારતીય સાઇટ્સ જુઓ તો તે માટે રૂ. ૫૦૦ આપો, વિદેશી સાઇટસ જુઓ તો રૂ.૧૦૦૦ ભરો.

ભારતીય વાસ્તવિકતા

ભારતમાં ‘ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ (ટ્રાઇ)એ નેટ ન્યુટ્રાલિટી અંગેની નીતિ નક્કી કરતાં પહેલાં લોકો પાસેથી સૂચનો મંગાવ્યાં હતાં. તેમાં ૧૦ લાખથી પણ વઘુ લોકોએ નેટ ન્યુટ્રાલિટીની તરફેણ અને તેમાં કોઇ પણ જાતના સમાધાન સામે વિરોધ નોંધાવ્યો.

નેટ ન્યુટ્રાલિટીનો સવાલ ભારતમાં બે મુદ્દે ઊભો થયો : ‘ઓવર ધ ટૉપ’ (ઓટીટી) તરીકે ઓળખાતી સેવાઓ અંગે અને ‘એરટેલ ઝીરો’ જેવા ખાસ પ્રકારના મફત પ્લાન અંગે. ‘ઓવર ધ ટૉપ’ એટલે સાદી ભાષામાં એવી બધી વેબસાઇટો, મોબાઇલ એપ્લિકેશન અને સુવિધાઓ, જે ઇન્ટરનેટ કનેક્શન હોય તો જ મેળવી શકાય. ધારો કે ઍરટેલનું મોબાઇલ-ઇન્ટરનેટ કનેક્શન હોય અને તેની મદદથી સ્માર્ટફોન પર ગુગલ, વૉટ્‌સએપ, ફેસબુક, સ્કાઇપ, વાઇબર, ફિ્‌લપકાર્ટ વગેરે કોઇ પણ સાઇટ કે ઍપ ખોલીએ, તો એ સાઇટોની સેવા ‘ઓવર ધ ટૉપ’ કહેવાય.

તેમાંથી સ્કાઇપ, વાઇબર જેવી કેટલીક સેવાઓ સામે ટૅલીકૉમ કંપનીઓને ખાસ વાંધો પડવાનું મોટું કારણ : ઇન્ટરનેટ પહેલાંના યુગમાં માણસ પોતાના મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરીને ફોન પર વાતો કરતો હતો અને તેનું બિલ ફોન કંપનીઓને ચૂકવતો હતો. હવે સ્માર્ટ ફોનના યુગમાં માણસના ફોનમાં મોબાઇલ અને ઇન્ટરનેટ બન્ને કનેક્શન હોય. ઇન્ટરનેટની મદદથી તે વેબસાઇટો પર હરે-ફરે-ચરે ત્યાં સુધી મોબાઇલ કંપનીઓ રાજી. (કેમ કે ઇન્ટરનેટ વપરાશનો ચાર્જ તેણે ફોનકંપનીઓને ચૂકવવો પડે છે) પણ જેવો એ ઇન્ટરનેટની મદદથી (વાઇબર અને સ્કાઇપ જેવી સર્વિસ થકી) મફતીયા ફોન કરતો થઇ જાય, એ સાથે જ કંપનીઓના પેટમાં તેલ રેડાય. કેમ કે, ઇન્ટરનેટનો ધંધો કરવા જતાં, ફોનના ધંધા પર પાટુ પડે છે.

તેના ઉપાય તરીકે ફોન કંપનીઓએ વિચાર્યું કે આપણા જ ઇન્ટરનેટ નેેટવર્ક પર સવાર થઇને, આપણા જ ફોનના ધંધા પર ઘા કરતી સાઇટો કે ઍપ્સ માટે, ઇન્ટરનેટના ચાર્જ ઉપરાંત વધારાની રકમ પણ વસૂલવી જોઇએ. આવી પ્રસ્તાવિત વધારાની રકમ ગ્રાહકોને ‘દંડ’ લાગે ને ફોનકંપનીઓને ‘વળતર’. ‘ટ્રાઇ’ સમક્ષ ફોનકંપનીઓએ ‘વળતર’ વસૂલવાની પરવાનગી માગતી રજૂઆત કરી. ‘ટ્રાઇ’એ શરૂઆતમાં તેમની પ્રત્યે સહાનુભૂતિનું વલણ રાખ્યું હતું. પણ એવામાં ‘ઍરટેલ ઝીરો’ પ્લાનની વાત આવી, એટલે મામલો વણસ્યો.

‘ઍરટેલ ઝીરો’ પ્લાન ટૂંકમાં એવો હતો કે એ પ્લાન લેનાર  ફોન પર ઇન્ટરનેટ મફત વાપરવા મળે. કેમ કે, ઇન્ટરનેટનો ખર્ચ કેટલીક (‘ઍરટેલ’ની યોજના પ્રમાણે, લગભગ દોઢસો) વેબસાઇટો ભોગવે. બદલામાં, વેબસાઇટોને ફાયદો એ કે ‘ઝીરો સ્કીમ’વાળા ગ્રાહકને મળેલા મફત કનેક્શનમાં ફક્ત એ વેબસાઇટો જ જોઇ શકાય, જેમણે ‘ઍરટેલ’ને રૂપિયા ચૂકવ્યા હોય. આ ગોઠવણમાં ન ઉતરી હોય એવી વેબસાઇટો કાં દેખાય જ નહીં, કાં તેની ગતિ એટલી ધીમી હોય કે ગ્રાહક કંટાળીને ત્યાં જવાનું બંધ કરે.

અગાઉ ‘ફેસબુક’, ‘ટ્‌વીટર’ જેવી વેબસાઇટો ફોનકંપનીઓ સાથે આવી ગોઠવણ પાર પાડી ચૂકી હતી. તેના પ્રતાપે ગ્રાહકોને ફોન પર ફેસબુક કે ટિ્‌વટર મફતમાં (ઇન્ટરનેટ કનેક્શનનો ચાર્જ ચૂકવ્યા વિના) વાપરવા મળતાં હતાં. સવાલ એ થાય કે આ બન્ને સાઇટ ફોન પરથી સીધી, ઇન્ટરનેટનો ખર્ચ કર્યા વિના, ખોલી શકાતી હોય તો, તેમની હરીફ કે તેમના જેવી બીજી સાઇટ ખોલવાની તસ્દીમાં કોણ પડે? અને એ જ કારણે બીજી સાઇટોને અન્યાય ન થાય? સોશ્યલ નેટવર્કિંગને બદલે ઇ-કૉમર્સની સાઇટનો દાખલો લેવાથી વાત વધારે સ્પષ્ટ થશે. ધારો કે એમેઝોન કે ફિ્‌લપકાર્ટ આ રીતે ફોન પર મફતમાં ખોલી શકાય, પણ કોઇએ નાના પાયે શરૂ કરેલી વેબસાઇટ જોવા માટે ઇન્ટરનેટનો ખર્ચ કરવાનો થાય, તો નવી કંપનીનો ભાવ કોણ પૂછે?

આ જાતની દલીલોના આધારે ભારતમાં નેટ ન્યૂટ્રાલિટીની તરફેણમાં વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી. પરંતુ દરેક મુદ્દાની જેમ આ મુદ્દે થોડા વિસંવાદી સૂર ઉઠ્યા. એક સૂર એવો હતો કે ભારત જેવા દેશમાં લાખો વંચિતોને મફતમાં ઇન્ટરનેટ મળતું હોય, ત્યારે નેટ ન્યૂટ્રાલિટીનું પૂંછડું પકડી રાખવાનો અર્થ નથી. આમ કહેનારાનો તર્ક એવો હતો કે ભારતમાં નેટ-નિષ્પક્ષતા કરતાં નેટનો પ્રસાર વધારે જરૂરી છે. એવું પણ કહેવાયું કે નેટ ન્યૂટ્રાલિટીની વાતો કરનારા ઉચ્ચ-મઘ્યમ વર્ગના શહેરી લોકો છે, જે ઇન્ટરનેટને પોતાનો ગરાસ ગણે છે અને ઇચ્છતા નથી કે સામાન્ય માણસો સુધી ઇન્ટરનેટ મફતમાં પહોંચે.

આ તર્કમાં એ વાત સગવડપૂર્વક ભૂલાવી દેવામાં આવી હતી કે ઝીરો સ્કીમ પ્રમાણે મળેલા મફત ઇન્ટરનેટ કનેક્શનમાં અમુક જ વેબસાઇટોનું વર્ચસ્વ જામશે એનું શું? વેબસાઇટો કમાય એનો વાંધો નથી, પણ એ કોનામાંથી, કોના ભોગે, કોને વસ્તુઓ (કે સેવા) વેચીને કમાશે? દેખીતું છે : પેલા નવા, ‘મફત’વાળા ગ્રાહકોના મોટા સમુહને.

એવું પણ કહેવામાં આવ્યું કે અમેરિકા જેવા દેશોમાં ‘નેટ ન્યૂટ્રાલિટી’ની વાતો કરીએ તે બરાબર છે, પણ ભારતમાં એ બઘું ન ચાલે. બીજી કૉન્સ્પીરસી થિયરીને જરા વધારે ઊંડી અને વધારે ટેક્‌નિકલ બનાવવામાં આવી હતી, જેનો ટૂંકસાર એવો હતો કે ‘ફિ્‌લપકાર્ટ’ને પછાડીને ઇ-કૉમર્સનું ભારતીય માર્કેટ સર કરવા ઇચ્છતી ‘ઍમેઝોન’ ભારતમાં નેટ ન્યૂટ્રાલિટીની ઝુંબેશનો પડદા પાછળથી દોરીસંચાર કરે છે. અલબત્ત, તેમાં આખી નેટ ન્યૂટ્રાલિટીની ચર્ચાને ‘ઍમેઝોન વિરુદ્ધ ફિ્‌લપકાર્ટ’ની લડાઇમાં પલટી નાખવામાં આવી.

‘ઍરટેલ ઝીરો’ની જેમ જ, પણ જરા વધારે ઊંચા સમાનતાના દાવા સાથે ‘ફેસબુક’ ‘ઇન્ટરનેટ ડૉટ ઓઆરજી’ સ્કીમ ચલાવે છે. ફેબુ્રઆરીમાં રિલાયન્સ સાથે મળીને તેણે ભારતમાં પણ આ યોજના તરતી મૂકી. તેનો દાવો સાઇટો પાસેથી નાણાં લઇને દુનિયાભરના વંચિતોને મફત ઇન્ટરનેટ કનેક્શન આપવાનો છે. ભારતની ઘણી વેબસાઇટો તેમાં સામેલ થઇ હતી, પરંતુ નેટ ન્યૂટ્રાલિટીનો વિવાદ ચગ્યા પછી મિડીયાની અને બીજી ઘણી નામી કંપનીઓએ ‘ઇન્ટરનેટ ડૉટ ઓઆરજી’ પણ છોડવાનો નિર્ણય લીધો.

સ્ત્રોત: ધ હિન્દૂ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate