હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / આયોગ / ગુજરાત માહિતી આયોગ / ગુજરાત માહિતી આયોગના પ્રશ્‍નોત્તર(FAQS)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાત માહિતી આયોગના પ્રશ્‍નોત્તર(FAQS)

ગુજરાત માહિતી આયોગ પ્રશ્‍નોત્તર(FAQS) આપેલ છે

પ્રશ્ન: માહિતી અધિકાર અધિનિયમના હેતુ / ઉદ્દેશ શું છે ?

જવાબ માહિતી અધિકાર અધિનિયમ વર્ષ-૨૦૦૫થી અમલમાં આવેલ છે. આ અધિનિયમનો હેતુ નાગરિકોને ‘જાહેર સત્તામંડળો’ પાસે ઉપલબ્ધ હોય તેવી માહિતી મેળવવાની વ્યવહારિક પ્રણાલી/વ્યવસ્થા ઉભી કરીને, વહીવટમાં જવાબદારીની ભાવના અને પારદર્શિતા ઉભી કરવાનો છે. આ અધિનિયમ જમ્મુ અને કાશ્મિર રાજય સિવાય સમગ્ર રાષ્ટ્રમાં લાગુ પડે છે. જમ્મુ અને કાશ્મિર માટે અલગથી જમ્મુ અને કાશ્મિર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૯ અમલમાં છે.

પ્રશ્ન: જાહેર સત્તામંડળ એટલે શું ? અને તેમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કયાં સંગઠનોને આવરી લેવામાં આવેલ છે ?

જવાબ : ‘જાહેર સત્તામંડળ’ એટલે બંધારણ હેઠળ સ્થપાયેલ અથવા રચાયેલ અથવા લોકસભા/ વિધાનસભાએ બનાવેલ કોઈ કાયદા હેઠળ રચાયેલ અથવા કેન્દ્ર સરકાર/ રાજય સરકારની અધિસૂચના અથવા હુકમથી રચાયેલ કોઈ પણ સત્તામંડળ, સંગઠન અથવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાનો સમાવેશ થાય છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨(ઝ)માં કરવામાં આવેલ વ્યાખ્યામાં સમાવિષ્ટ થતાં તમામ સંગઠનોને ‘જાહેર સત્તામંડળ’ તેમાં ગણી શકાય.

આ વ્યાખ્યામાં કેન્દ્ર સરકાર/રાજય સરકારની માલિકીની, નિયંત્રણ હેઠળની અથવા તો મોટા પાયે નાણાકીય સહાય મેળવનાર સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્ર/રાજ્ય સરકાર તરફથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મોટા પાયે નાણાકીય સહાય મેળવનાર બિનસરકારી સંગઠનોને પણ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ‘જાહેર સત્તામંડળ’ ગણવામાં આવશે.

કેન્દ્રીય જાહેર સત્તામંડળોની યાદીમાં, કેન્દ્ર સરકારના વિભાગો/ સંગઠનો, કેન્દ્ર સરકારનાં જાહેર સાહસો, જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલ અથવા મોટા પાયે નાણાકીય સહાય/ભંડોળ મેળવનાર યુનિવર્સિટીઓ/ સંસ્થાઓનો સમાવેશ થાય છે.

રાજયનાં જાહેર સત્તામંડળોની યાદીમાં રાજય સરકાર હસ્તકના વિભાગો/સંગઠનો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, રાજય સરકારનાં જાહેર સાહસો તથા ગ્રાન્ટ-ઈન-એઈડ મેળવતી યુનિવર્સિટી / કોલેજો / શાળાઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન માહિતી એટલે શું ?

જવાબ :માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨(છ)માં ‘‘માહિતી’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે.

૨(છ) ‘‘માહિતી’’ એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સૂચના, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડેલ્સ કોઈ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી સંગઠનને લગતી માહિતી.

પ્રશ્ન માહિતીનો અધિકાર એટલે શું ?

આ અધિનિયમની કલમ:ર(ઠ)માં માહિતીના અધિકારની વ્યાખ્યા કરવામાં આવી છે અને તે મુજબ ‘‘માહિતીનો અધિકાર’’ એટલે કોઈ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં-

 1. કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના;
 2. દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના;
 3. સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના;
 4. ડિસ્કેટ્સ, ફ્લોપી, ટેપ, વિડીયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજી કોઈ ઈલેક્ટ્રોનિક પધ્ધતિ અથવા જયારે આવી માહિતી કોઈ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઈ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે.

પ્રશ્ન જાહેર સત્તામંડળ પાસેથી માહિતી કઈ રીતે મેળવવી ?

જવાબ : માહિતી મેળવવા માટે વ્યક્તિએ, લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનીક માધ્યમથી, સબંધિત વિભાગ/સંસ્થા/કચેરીના જાહેર માહિતી અધિકારીને અરજી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે જો કોઈ અરજદારને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી પાસેથી માહિતી મેળવવી હોય તો તેમણે તે કચેરીના જાહેર માહિતી અધિકારીને અરજી કરવાની રહે.

માહિતી મેળવવાની અરજી ટાઈપ કરીને અથવા હાથે લખીને કરવાની રહેશે પરંતુ તે સુવાચ્ય હોવી જોઈશે. તેમાં અરજદારને કઇ માહિતીની જરૂરિયાત છે તે બાબત સ્પષ્ટ રીતે વર્ણવવી જોઈશે.

આવી અરજી કરવા સમયે અરજદારે, તેમનો સંપર્ક કરવા માટે આવશ્યક હોય તેટલી જ વિગતો આપવાની રહેશે. માહિતી મેળવવાના કારણો અથવા અન્ય અંગત વિગતો આપવાની હોતી નથી.

પ્રશ્ન માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી ફી કેટલી છે ?

જવાબ :ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦ની જોગવાઈ અનુસાર આવી અરજી સાથે રૂા.૨૦/ની ફી ભરવાની રહે છે. આ નિયમ હેઠળ જયાં રોકડેથી ફી સ્વીકારવાની સુવિધા પ્રાપ્ત હોય ત્યાં ફી રોકડેથી ભરી શકાય છે, અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ, પે-ઓર્ડર, નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ અથવા સ્ટેમ્પ પેપર, ફ્રેન્કીંગ અથવા ઈલેક્ટ્રોનીક સ્ટેમ્પીંગ, જયુડીશીયલ સ્ટેમ્પ અથવા સ્ટેમ્પ પેપર, કોર્ટ ફી સ્ટેમ્પ અથવા પોસ્ટલ ઓર્ડર, રેવન્યુ સ્ટેમ્પ અથવા સરકારી તિજોરીમાં, અધિકૃત બેન્ક મારફત, ચલણથી બજેટ હેડ-૦૦૭૦, અન્ય વહીવટી સેવાઓ, ૬૦-અન્ય સેવા, ૮૦૦-અન્ય આવક (૧૭)- ફી અને અન્ય ચાર્જિસ- હેઠળ ભરી શકાય છે.

ગુજરાત હાઈકોર્ટ અને અન્ય કોર્ટને અરજી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટ (માહિતીનો અધિકાર) નિયમો-૨૦૦૫માં ઠરાવ્યા મુજબ રૂા.૫૦/- અરજી ફી પેટે ભરવાના રહેશે.

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૭ની પેટા કલમ-૫ હેઠળના પરંતુક મુજબ ગરીબીની રેખા હેઠળ જીવતા નાગરિક પાસેથી ફી લેવાની રહેતી નથી.

પ્રશ્ન જાહેર માહિતી અધિકારી માટે માહિતી આપવા માટેની સમય મર્યાદા શી છે ?

જવાબ :માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦૫ની કલમઃ૭(૧)માં દર્શાવ્યા મુજબ જાહેર માહિતી અધિકારીએ માહિતી માંગતી અરજી મળ્યેથી બનતી ત્વરાએ અને કોઇપણ સંજોગોમાં ત્રીસ દિવસની અંદર, આવશ્યક અરજી ફી ભરાવીને માહિતી/ વિગતો આપવાની હોય છે અથવા અરજીનો ઇન્કાર કરવાનો હોય છે. આ રીતે ઇન્કાર કરતી વખતે માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ૮ અને ૯ નીચે દર્શાવેલ કારણો આપવાનાં રહે છે.

આમ છતાં જો માંગવામાં આવેલ માહિતી કોઇ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સાથે સંબંધિત હોય તો તેવી માહિતી ૪૮ કલાકમાં પૂરી પાડવાની રહેશે.

પ્રશ્ન માહિતી માંગતી અરજીને એક જાહેર સત્તામંડળ તરફથી બીજા જાહેર સત્તામંડળને તબદીલ કરવાની કાર્યપધ્ધતિ શી છે ?

જવાબ :માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ૬(૩)ની જોગવાઇ મુજબ જ્યારે કોઇ જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવવા માટે કરવામાં આવેલ અરજીની માહિતી પૂર્ણતઃ અથવા અંશતઃ અન્ય જાહેર સત્તામંડળને સંબંધિત હોય ત્યારે જાહેર માહિતી અધિકારીએ આવેલ આવી અરજી પૂર્ણ રીતે અથવા સંબંધકર્તા ભાગ માટે, અરજી મળ્યાની તારીખથી પાંચ દિવસમાં, સંબંધિત સત્તા મંડળને તબદીલ કરવી જોઇશે. આવી તબદીલીની જાણ અરજદારને પણ તુરત કરવાની રહે છે.

પ્રશ્ન માહિતી મેળવવા માટે ફી અને ચાર્જીસ કેટલાં ચૂકવવાનાં રહે છે?

જવાબ : ગુજરાત માહિતીનો અધિકાર નિયમોઃર૦૧૦ હેઠળ માહિતી આપવા અથવા દફ્તર નિરીક્ષણ માટેની ફી અને અન્ય ચાર્જીસનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે મુજબ (અરજી ફી તરીકે રૂ. વીસ) તેમજ નકલ ફી તરીકે પ્રત્યેક A4 અથવા A3 સાઇઝના કાગળ માટે રૂ. બે/- ઠરાવવામાં આવેલ છે. જ્યારે મોટી સાઇઝના પેપર/પ્લાન તેમજ સેમ્પલ / મોડેલ/ ફોટોગ્રાફ માટેની ફીનું ધોરણ ખરેખર થયેલ ખર્ચ જેટલી ફી જેટલું ઠરાવવામાં આવેલ છે. દફ્તર નિરીક્ષણ માટે પ્રથમ અડધા કલાકના સમય માટે કોઇ ફી ચૂકવવાની રહેતી નથી. ત્યારબાદ પ્રત્યેક અડધા કલાક અથવા તેના ભાગ માટે રૂપિયા વીસ મુજબ ફી ચૂકવવાની રહે છે.

તેમ છતાં જ્યાં અન્ય વ્યવસ્થા /પ્રણાલી મુજબ જાહેર સત્તામંડળ દ્વારા ફી/ ચાર્જ લેવામાં આવતો હોય તો તે અમલમાં રહે છે.

હાઇકોર્ટ અને હાઇકોર્ટના તાબાની અદાલતો માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલ નિયમો મુજબ ફી વસૂલ કરવામાં આવે છે અને તે મુજબ પ્રત્યેક નકલ માટે રૂ. પ/- નકલ ફી પેટે ચૂકવવાપાત્ર છે તેમજ વેચાણ માટેના દસ્તાવેજોના કિસ્સામાં નિયત કરેલ વેચાણ કિંમત વસૂલ કરવામાં આવે છે.

માહિતી અધિકાર અધિનિયમની કલમઃ૭ની પેટા કલમ(૫)ના પરંતુક મુજબ ગરીબીની રેખા હેઠળ જીવતી વ્યક્તિઓ પાસેથી કોઇ ફી/ચાર્જીસ લેવામાં આવશે નહી.

પ્રશ્ન જો જાહેર માહિતી અધિકારી સમય મર્યાદામાં વિગતો/માહિતી આપવામાં નિષ્ફળ નિવડે તો અરજદારે માહિતી મેળવવા માટે ફીચૂકવવી પડે ?

જવાબ : જો જાહેર માહિતી અધિકારી માહિતી અધિકાર અધિનિયમમાં ઠરાવેલ સમય મર્યાદામાં પ્રત્યુત્તર આપવામાં નિષ્ફળ નિવડે તો, આ અધિનિયમની કલમઃ ૭(૬)ની જોગવાઇ અનુસાર જાહેર માહિતી અધિકારીએ અરજદારને વિના મૂલ્યે માહિતી આપવાની રહે છે.

પ્રશ્ન : જો કોઇ જાહેર માહિતી અધિકારી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ઠરાવવામાં આવેલ સમયમર્યાદામાં પ્રતિભાવ આપવામાં નિષ્ફળ નિવડે તો શું કરી શકાય ?

આ અધિનિયમની કલમઃ ૧૯(૧)ની જોગવાઇ અનુસાર કોઇપણ વ્યક્તિને જાહેર માહિતી અધિકારી તરફથી જ્યારે ઠરાવેલ સમય મર્યાદામાં કોઇ પ્રતિભાવ ન મળે અથવા મળેલ પ્રતિભાવથી તે અસંતુષ્ટ હોય તો સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારથી ૩૦ દિવસમાં અથવા પ્રતિભાવ મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં તે વ્યક્તિએ પ્રથમ અપીલ અધિકારી સમક્ષ અપીલ કરવાની રહેશે.

સામાન્ય રીતે જાહેર માહિતી અધિકારી કરતાં ઉપરની કક્ષાના હોય તેવા, તે જ કચેરીના વરિષ્ઠ અધિકારી પ્રથમ અપીલ અધિકારી હોય છે અને પ્રથમ અપીલ અધિકારીએ આવી અરજી દાખલ થયાની તારીખથી વધુમાં વધુ ૪૫ દિવસની મર્યાદામાં અપીલ અરજીનો નિકાલ કરવાનો રહેશે.

પ્રશ્ન :પ્રથમ અપીલ અધિકારી સમક્ષ અપીલ અરજી કરવાના સમયે કયા દસ્તાવેજો આપવાના રહે છે?

જવાબ : પ્રથમ અપીલ અધિકારી સમક્ષ કરવામાં આવતી પ્રથમ અપીલ સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવાના રહેશે.

 1. જાહેર માહિતી અધિકારી સમક્ષ કરવામાં આવેલ ‘નમૂના-ક’ ની અરજીની નકલ.
 2. જાહેર માહિતી અધિકારી તરફથી જો કોઇ પ્રતિભાવ મળ્યો હોય તો તેની નકલ.
 3. પ્રથમ અપીલ અરજીમાં ઉલ્લેખ કર્યો હોય અને અરજદાર જેના પર આધાર રાખતા હોય તેવા અન્ય સબંધિત દસ્તાવેજો

પ્રશ્ન જ્યારે પ્રથમ અપીલ અધિકારી સમક્ષ અપીલ અરજી કર્યા પછી પણ કોઇ વ્યક્તિને માહિતી ન મળે તો શું પગલાં લઇ શકે છે ?

જવાબ : માહિતી અધિકાર અધિનિયમની કલમ:૧૯(૩)ની જોગવાઇ મુજબ કેન્દ્રિય જાહેર સત્તામંડળો જેવાં કે કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, એકમો, કેન્દ્રના જાહેર સાહસો, જાહેર ક્ષેત્રની બેન્કો/વીમા કંપનીઓ, કેન્દ્રની યુનિવર્સિટીઓ/ સંસ્થાઓ વિગેરેના કિસ્સામાં સંબંધિત અરજદારે પ્રથમ અપીલ અધિકારીના નિર્ણય સામે (નિર્ણય ન મળ્યો હોય તો પણ) તેમને નિર્ણય મળ્યો હોય તે તારીખથી અથવા જે તારીખ સુધીમાં નિર્ણય મળવાપાત્ર થતો હતો તે તારીખથી ૯૦ દિવસમાં કેન્દ્રિય માહિતી આયોગ, નવી દિલ્હી ખાતે બીજી અપીલ કરવાની રહેશે.

માહિતી અધિકાર અધિનિયમની કલમ:૧૯(૩)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારનાં જાહેર સત્તામંડળો રાજ્ય સરકારના વિભાગો, એકમો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો, રાજ્ય સરકારનાં જાહેર સાહસો, રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓ વિગેરેના કિસ્સામાં ઉપર દર્શાવેલ સમય મર્યાદામાં ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરને બીજી અપીલ કરવાની રહેશે.

પ્રશ્ન કેન્દ્રિય / રાજય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરવાના સમયે કયા દસ્તાવેજો આપવાના રહે છે ?

જવાબ : કેન્દ્રિય/રાજય માહિતી આયોગ સમક્ષ કરવામાં આવતી બીજી અપીલ અરજી સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવાના રહેશે.

 • જાહેર માહિતી અધિકારી સમક્ષ કરવામાં આવેલ નમૂના-‘ક’ ની અરજીની નકલ.
 • જાહેર માહિતી અધિકારી તરફથી જો કોઈ પ્રત્યુત્તર મળેલ હોય તો તેની નકલ.
 • પ્રથમ અપીલ અધિકારી સમક્ષ કરવામાં આવેલ અપીલની નકલ.
 • પ્રથમ અપીલ અધિકારી દ્વારા જો કોઈ હુકમ કરવામાં આવ્યો હોય તો તેની નકલ.
 • અપીલ અરજીમાં ઉલ્લેખ કર્યો હોય અને અરજદાર જેના પર આધાર રાખતા હોય તેવા અન્ય સબંધિત દસ્તાવેજો
 • બાંહેધરી પત્ર

આથી હું ____________________________ બાંહેધરી આપું છું કે આ વિષયમાં ગુજરાત માહિતી આયોગમાં અગાઉ કોોઇ અપીલ/ફરિયાદ કરેલ નથી. સહીઃઃ- અપીલ કરનાર

પ્રશ્ન કેન્દ્રીય/રાજય માહિતી આયોગને સીધી ફરીયાદ થઈ શકે ?

જવાબ : માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૧૮(૧)ની જોગવાઈઓને આધીન રહીને, કેન્દ્રીય માહિતી પંચ અથવા યથાપ્રસંગ, રાજય માહિતી પંચની, કોઈ વ્યક્તિ,-

 • કે જે આ અધિનિયમ હેઠળ આવા કોઈપણ અધિકારીની નિમણુંક કરવામાં આવી નથી તે કારણથી અથવા કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીએ, આ અધિનિયમ હેઠળની તેની અથવા તેણીની માહિતી અથવા અપીલ માટેની અરજી, કલમ-૧૯ની પેટા-કલમ (૧)માં નિર્દિષ્ટ કર્યા મુજબ કેન્દ્રિય જાહેર માહિતી અધિકારી કે રાજયના જાહેર માહિતી અધિકારી કે વરિષ્ઠ (સીનીયર) અધિકારીને અથવા કેન્દ્રિય માહિતી પંચને અથવા યથાપ્રસંગ, રાજય માહિતી પંચને રવાના કરવા માટે સ્વીકારવાની ના પાડી હોય તે કારણથી કેન્દ્રિય જાહેર માહિતી અધિકારીને અથવા યથાપ્રસંગ, રાજયના જાહેર માહિતી અધિકારીને વિનંતી કરી શકી ન હોય;
 • કે જેને આ અધિનિયમ હેઠળ વિનંતીથી માંગવામાં આવેલી કોઈ માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોય;
 • કે જેને આ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલી સમયમર્યાદાની અંદર માહિતી મેળવવા અથવા પ્રાપ્ત કરવાની વિનંતીનો પ્રતિભાવ આપવામાં આવ્યો ન હોય;
 • તેને અથવા તેણીને ગેરવાજબી જણાતી હોય તેવી ફીની રકમ ચુકવવાનું ફરમાવ્યું હોય;
 • તેને અથવા તેણીને આ અધિનિયમ હેઠળ, અધુરી, ગેરેમાર્ગે દોરનારી અથવા ખોટી માહિતી આપવામાં આવી છે તેવું માનતી હોય; અને
 • કે જે આ અધિનિયમ હેઠળ માંગવા અથવા મેળવવા સંબંધે બીજી કોઇ બાબતના સંબંધમાં, તેની ફરિયાદ સ્વીકારવાની અને તે અંગે તપાસ કરવાની ફરજ રહેશે.

પરંતુ SLP (c) No. 32768- 32769/ 2010માં થયેલ CA No. 10787-10788 of 2011, (Chief Information Commissioner and another V/s State of Manipur)માં નામદાર સર્વોચ્ચ અદાલતે આપેલ ચૂકાદા મુજબ જ્યારે અધિનિયમની કલમઃ ૧૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હોય ત્યારે કેન્દ્રિય /રાજ્ય માહિતી આયોગ, માહિતી પૂરી પાડવા માટે જાહેર માહિતી અધિકારીને સૂચના આપી શકે નહિ.

પ્રશ્ન કેન્દ્રિય/રાજય માહિતી આયોગ સમક્ષ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૧૮ હેઠળ ફરીયાદ કરતી વખતે કયા દસ્તાવેજો આપવાના રહે છે ?

જવાબ :કેન્દ્રિય/રાજય માહિતી આયોગ સમક્ષ કરવામાં આવતી કલમ-૧૮ હેઠળની ફરીયાદ સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવાના રહેશે.

 • જાહેર માહિતી અધિકારી સમક્ષ કરવામાં આવેલ નમૂના-‘ક’ની અરજીની નકલ.
 • જાહેર માહિતી અધિકારી તરફથી જો કોઇ પ્રતિભાવ મળ્યો હોય તો તેની નકલ.
 • અરજદાર જેના પર આધાર રાખતા હોય તેવા અન્ય સંબંધિત દસ્તાવેજો.

પ્રશ્ન :બિન-સરકારી સંગઠનો/ સંસ્થાઓને માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦૫ હેઠળ આવરી લેવામાં આવેલ છે ?

જવાબ :સામાન્ય રીતે બિન સરકારી સંગઠનો/સંસ્થાઓને માહિતી અધિકાર અધિનિયમ લાગુ પડતો નથી. તેમ છતાં જો આવાં સંગઠનો/ સંસ્થાઓ સરકાર પાસેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નોંધપાત્ર નાણાંકીય સહાય મેળવતાં હોય તો તેવાં સંગઠનો/ સંસ્થાઓને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવશે અને તેવા કિસ્સામાં આ અધિનિયમની જોગવાઇઓ લાગુ પડશે.

પ્રશ્ન સહકારી મંડળીઓને માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ હેઠળ આવરી લેવામાં આવેલ છે ?

જવાબ :નામદાર સુપ્રિમ કોર્ટે સીવીલ એપ્લીકેશન નં. ૯૦૧૭ ઓફ ૨૦૧૩ (Thalappalam Ser. Co-op. Bank Ltd., and others V/S State of Kerala and others)માં તા. ૦૭-૧૦-ર૦૧૩ના રોજ ઠરાવ્યા મુજબ સહકારી સંસ્થાઓ, જો સરકારી માલિકીની અથવા નિયંત્રણમાં હોય અથવા સરકાર પાસેથી મોટા પાયે નાણાકીય સહાય મેળવતી હોય તેવા આધારોની અનુપસ્થિતિમાં (ગેરહાજરીમાં) આવી સંસ્થાઓનો માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ર(ઝ) હેઠળની વ્યાખ્યામાં ‘જાહેર સત્તામંડળ’ તરીકે સમાવેશ થશે નહી. નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે આવા પ્રકારની સંસ્થાઓ સરકાર તરફથી મોટા પાયે નાણાકીય સહાય મેળવે છે અથવા તો સરકારના નિયંત્રણમાં છે અથવા તો સરકારની માલિકીની છે અથવા તો આવી સંસ્થા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મોટા પાયાની નાણાકીય સહાય મેળવે છે તેવું પ્રસ્થાપિત કરવાની જવાબદારી અરજદારની અથવા તો સંબંધિત સરકારની રહેશે અને આવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે કેન્દ્રિય / રાજ્ય માહિતી આયોગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. અધિનિયમની કલમઃ ૮ની જોગવાઇઓને બાધ ન આવે તે રીતે કલમ: ર(છ)ની જોગવાઇ અનુસાર સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, લાગુ પડતા કાયદા/ નિયમોને આધારે આવી મંડળીઓ પાસેથી વિગતો એકત્રિત કરી શકે છે અને આવી વિગતો અરજદાર સહકારી મંડળીઓના રજીસ્ટ્રારને અરજી કરીને મેળવી શકે છે.

પ્રશ્ન : કોઇપણ ખાનગી સંસ્થાને સંબંધિત હોય તેવી વિગતો અરજદાર મેળવી શકે છે ?

જવાબ :જો કોઇ ખાનગી સંસ્થા પાસે હોય તેવી માહિતી, કે જે માહિતી કોઇ જાહેર સત્તા મંડળ, અમલમાં હોય તેવા કાયદાની જોગવાઇ અનુસાર મેળવી શકે તેમ હોય તો તેવી માહિતીનો પણ અધિનિયમની કલમ-ર(છ) હેઠળની ‘‘માહિતી’’ની વ્યાખ્યામાં સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે સહકારી મંડળીઓના રજીસ્ટ્રારશ્રી, સહકારી કાયદા હેઠળ મેળવી શકાતી વિગતો, સહકારી મંડળીઓ પાસેથી મેળવી શકે છે.

પ્રશ્ન ત્રાહિત પક્ષકાર એટલે શું ? અને ત્રાહિત પક્ષકારની માહિતી જાહેર કરી શકાય ?

જવાબ : માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ર(ઠ)માં વ્યાખ્યા કર્યા મુજબ ત્રાહિત પક્ષકાર એટલે ‘‘માહિતી માંગનાર સિવાયની- અન્ય વ્યક્તિ’’ જેમાં જાહેર સત્તામંડળનો પણ સમાવેશ થાય છે.

જ્યારે કોઇ જાહેર માહિતી અધિકારી પાસે આવેલ અરજીથી માંગવામાં આવેલ વિગતો જાહેર માહિતી અધિકારીને ત્રાહિત પક્ષકાર પાસેથી મળી હોય અને ત્રાહિત પક્ષકારે આ વિગતને ખાનગી ગણી હોય ત્યારે, જાહેર માહિતી અધિકારીએ આવી અરજી મળ્યાની તારીખથી પાંચ દિવસમાં ત્રાહિત પક્ષકારને લેખિતમાં નોટીસ આપીને જણાવવાનું રહેશે કે તેઓ આવી માહિતી આપવા સંમત છે કે નહી, તે બાબત લેખિત અથવા મૌખિક રીતે જણાવે અને જાહેર માહિતી અધિકારીએ માહિતી આપતાં પૂર્વે ત્રાહિત પક્ષકારે આપેલ રજૂઆત ધ્યાને લેવાની રહેશે.

ફક્ત વેપાર અને વાણિજ્ય ગોપનિયતાના કિસ્સાઓ જે કાયદાથી રક્ષાયેલ હોય તે સિવાયના કિસ્સાઓમાં જાહેર માહિતી અધિકારી ત્રાહિત પક્ષકારને નુકશાન થવાની સંભાવનાને વિશાળ જાહેર હિતમાં અવગણીને આવી માહિતી પૂરી પાડી શકે છે.

પ્રશ્ન કયાં કારણોસર જાહેર માહિતી અધિકારી પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવી માહિતી આપવાનો ઇન્કાર કરી શકે ?

જવાબ : જાહેર માહિતી અધિકારી પોતાની પાસે ઉપલબ્ધ માહિતી નીચેનાં કારણોસર આપવાનો ઇન્કાર કરી શકે છે.

 • જો આવી માહિતી માહિતી અધિકાર અધિનિયમની કલમઃ૮ની કોઇપણ જોગવાઇ અનુસાર મુક્તિને પાત્ર હોય,
 • જો આવી માહિતી કોઇપણ વ્યક્તિના ‘કોપીરાઇટ’નો ભંગ કરતી હોય, સિવાય કે તે રાજયની હોય (કલમઃ૯),
 • કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આ અધિનિયમની કલમઃ ર૪ હેઠળ કોઇપણ સંસ્થાને માહિતી અધિકાર અધિનિયમના કાર્યક્ષેત્રમાંથી મુક્ત રાખવામાં આવી હોય તેને સંબંધિત માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે. આવી સંસ્થાના ઉદાહરણમાં કેન્દ્રિય/રાજયની ગુપ્તચર સંસ્થાઓ, ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ, સીમા સુરક્ષા દળ, કેન્દ્રિય ઔદ્યોગિક સલામતી દળ, નેશનલ સીક્યોરીટી ગાર્ડઝ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન, પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક કચેરી હેઠળની સ્પેશીયલ / ક્રાઇમ બ્રાન્ચનો સમાવેશ થાય છે. આવી સંસ્થાઓને કેન્દ્ર/રાજ્ય સરકારે જાહેરનામાથી પ્રસિધ્ધ કરેલ હોવી જોઇએ.

તેમ છતાં આવી સંસ્થાઓને સંબંધિત ભ્રષ્ટાચારની વિગતો મેળવી શકાય છે. જ્યારે માનવ અધિકાર ભંગના આક્ષેપ સંબંધિત વિગતો કેન્દ્ર/રાજ્ય માહિતી આયોગની મંજૂરી પછી જ પૂરી પાડવામાં આવતી હોય છે.

પ્રશ્ન જો જાહેર માહિતી અધિકારીશ્રી માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦૫ હેઠળ નિયત કરવામાં આવેલ સમય મર્યાદામાં માહિતી આપવામાં નિષ્ફળ થાય તો દંડનીય જોગવાઇ કરવામાં આવી છે ?

જવાબ : દરેક જાહેર માહિતી અધિકારી પ્રતિદિન રૂ.૨૫૦/- અને મહત્તમ રૂ. ર૫,૦૦૦/-ના દંડને પાત્ર બને છે. જ્યારે-

 • માહિતી માંગતી અરજીનો અસ્વીકાર કરવામાં આવે,
 • વાજબી કારણ સિવાય માહિતી આપવામાં વિલંબ થાય,
 • બદઇરાદાપૂર્વક માહિતી આપવાનો ઇન્કાર થાય,
 • ઇરાદાપૂર્વક અધૂરી/ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે,
 • માંગવામાં આવેલ માહિતીનો નાશ કરવામાં આવે,
 • માહિતી પૂરી પાડવામાં કોઇપણ પ્રકારે અડચણરૂપ થાય.

કેન્દ્રિય/ રાજ્ય માહિતી આયોગને સંબંધિત જાહેર માહિતી અધિકારીને માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ર૦(૧) હેઠળ દંડ કરવાની સત્તા છે. આયોગને માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ર૦(ર) હેઠળ જાહેર માહિતી અધિકારી વિરૂધ્ધ શિસ્ત વિષયક પગલાં લેવા માટે ભલામણ કરવાની પણ સત્તા છે.

પ્રશ્ન જાહેર સત્તામંડળનાં કાર્યો અને ફરજો શું ?

દરેક જાહેર સત્તામંડળે-

 • પોતાના તમામ રેકર્ડ આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવાના અધિકારને સુવિધાપૂર્ણ બનાવે તેવી રીતે અને તેવા સ્વરૂપમાં યોગ્ય રીતે પત્રકમાં નોંધીને અને અનુક્રમણિકા કરીને જાળવવા જોઈશે અને જેને કોમ્પ્યુટરાઈઝડ કરવા (કોમ્પ્યુટરમાં રાખવા) ઉચિત હોય તેવા તમામ રેકર્ડને, વાજબી સમયની અંદર અને સાધનોની ઉપલભ્યતાને અધીન રહીને કોમ્પ્યુટરાઈઝડ કરાવવાનું સુનિશ્ચિત કરવું જોઈશે અને જુદી જુદી પધ્ધતિથી સમગ્ર દેશમાં નેટવર્ક મારફતે જોડવાનું સુનિશ્ચિત કરવું જોઈશે, જેથી તેમને રેકર્ડ મેળવવામાં સરળતા રહે;
 • આ અધિનિયમ પ્રસિધ્ધ થયાના એકસો વીસ દિવસની અંદર,-(સામાન્ય રીતે જેને પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર કહેવાય છે)
 1. પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો;
 2. પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો;’
 3. દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ;
 4. પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો;
 5. પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ;
 6. પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક;
 7. તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો;
 8. તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ;
 9. તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા;

10. તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મહેનતાણા;

11. તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને ચુકવેલા નાણાં પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર,

12. ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલબજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો;

13. તેણે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો;

14. ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો;

15. જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા ગ્રંથાલય અથવા તેના વાચનકક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો;

16. જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને બીજી વિગતો;

17. ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી;પ્રસિધ્ધ કરવી જોઈશે અને ત્યારપછી દર વર્ષે આ પ્રકાશનોને અદ્યાવત કરવા જોઈશે.

 • મહત્વની નીતિઓ ઘડતી વખતે અથવા લોકોને અસર કરતા નિર્ણયો કરતી વખતે સંબંધિત તમામ હકીકતો પ્રસિધ્ધ કરવી જોઈશે;
 • અસરકર્તા વ્યક્તિઓને તેના વહીવટી અથવા અર્ધ-અદાલતી નિર્ણયો માટે કારણો આપવા જોઈશે.
 • દરેક જાહેર સત્તામંડળે પેટા-કલમ(૧) ખંડ(ખ) ની જરૂરિયાતો અનુસાર, ઈન્ટરનેટ સહિતના સંદેશાવ્યવહારના જુદા જુદા સાધનો મારફતે નિયમિત સમયાંતરે આપમેળે વધુમાં વધુ માહિતી પુરી પાડવા માટે પગલા લેવાનો સતત પ્રયાસ કરવો જોઈશે, જેથી લોકોને માહિતી મેળવવા માટે આ અધિનિયમના ઉપયોગની ઓછામાં ઓછી જરૂર પડે.
 • પેટા-કલમ(૧)ના હેતુઓ માટે, દરેક માહિતીનો લોકો સહેલાઈથી જોઈ શકે તે સ્વરૂપે અને તે રીતે બહોળો પ્રસાર કરવો જોઈશે.

પ્રશ્ન કેન્દ્રિય/ રાજય માહિતી આયોગનું બંધારણ શું છે ?

કેન્દ્રિય/ રાજય માહિતી આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર અને ૧૦થી વધે નહીં તેટલી સંખ્યામાં, આવશ્યક હોય તેટલા માહિતી કમિશનરશ્રીઓ હોય છે

રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને રાજ્ય માહિતી કમિશનરોની નિમણૂક મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાશ્રી તેમજ મંત્રીમંડળના એક સભ્યની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવતી ભલામણને આધારે નામદાર રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવે છે

રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનરો, કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, વ્યવસ્થાપન, પત્રકારત્વ, સમૂહ માધ્યમો અથવા વહીવટ અને સંચાલનના ક્ષેત્રમાં બહોળા જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનમાં નામાંકિત હોય એવી વ્યકિતઓ હોવી જોઇશે

મુખ્ય માહિતી કમિશનર તેમજ તમામ રાજ્ય માહિતી કમિશનરશ્રીઓ પાંચ વર્ષ માટે અથવા તેઓ ૬૫ વર્ષની ઉમરે પહોંચે- તે બે પૈકી જે વહેલું હોય તેટલા સમય સુધી હોદ્દો ધારણ કરી શકે છે

સ્ત્રોત :ગુજરાત માહિતી આયોગ

3.29824561404
બાબુભાઈ ચેલાભાઈ કુવા Jan 28, 2020 06:30 PM

ગ્રામ પંચાયતે પાડેલા પ્લોટોની સનદની માહીતી આરટીઆઇ દ્વારા મળે
સેકસન ૮ મુજબ પ્લોટોની માહીતી
ન આપતા હોય તો આગળ કોઈ કાર્યવાહી કરી શકાય ખરી

સરસકુમાર રામજીભાઇ ડોડીયા Jan 18, 2020 03:25 PM

પ્રશ્નોત્તરી સ્વરૂપે માંગવામાં આવેલ માહીતી આપી શકાય કે કેમ

MACWAN VIPULBHAI JHONBHAI Nov 26, 2019 12:00 PM

જયારે કોઇ વ્યકિત એક એકની એક માહિતી માંગેં ત્યારે શુ કરવુ જે માહિતી અગાઉ તેને આપવામાં આવેલ હોય

મહિપતસિહ મહિડા Mar 25, 2019 04:02 PM

માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૨(છ)મુજબ જાહેર માહિતીઅઘિકારી માંગેલ માહિતી ન આપવાનો નિર્ણય કર શકે ?

ધીરાભાઈ પ્રેમજી ઠાકોર Oct 25, 2018 01:42 PM

જેના પાસે આર.ટી.આઈ ની માહિતી માગી હોય અથવા તો ગામના સરપંચ પાસે કોઈ માહિતી માગી હોય તો તે કોઈ પણ રીતે ફોર્સ કરે તો તેના માટે શું કરવું અથવા તો દબાવ કરે તો શું કરું

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top