૨. તે જમ્મુ અને કાશ્મીર રાજય સિવાયના સમગ્ર ભારતને લાગુ પડે છે.
૩. કલમ 4 ની પેટા-કલમ (1), કલમ 5ની પેટા-કલમો(1) અને (ર), કલમો 12,13,15,16,24,27 અને 28ની જોગવાઇઓ તરત જ અમલમાં આવશે અને આ અધિનિયમની બાકીની જોગવાઇઓ તેના અધિનિયમનના એકસો વીસમા દિવસે અમલમાં આવશે.
આ અધિનિયમમાં, સંદભર્થી અન્યથા અપેક્ષિત ન હોય તો,-
(ક) “ સમુચિત સરકાર “એટલે-
(1) કેન્દ્ર સરકાર અથવા સંઘ રાજયક્ષેત્ર વહીવટ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ધિરાણ મેળવેલ જાહેર સત્તામંડળના સંબંધમાં, કેન્દ્ર સરકાર;
(2) રાજય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ,માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ધિરાણ મેળવેલ જાહેર સત્તામંડળના સંબંધમાં, રાજય સરકાર;
(ખ) “કેન્દ્રીય માહિતી પંચ”એટલે કલમ 12ની પેટા-કલમ(1) હેઠળ રચાયેલ કેન્દ્રીય માહિતી પંચ;
(ગ) “કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી” એટલે કલમ 5ની પેટા-કલમ(1) હેઠળ મુકરર કરેલ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અને તેમાં પેટા-કલમ (ર) હેઠળ તે તરીકે મુકરર કરેલ કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારીનો સમાવેશ થાય છે,
(ઘ) "મુખ્ય માહિતી કમિશનર” અને "માહિતી કમિશનર” એટલે કલમ 12ની પેટા-કલમ(3) હેઠળ નીમાયેલા મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર;
(ચ) " સક્ષમ સત્તાધિકારી" એટલે-
(1) લોકસભાના અથવા રાજય વિધાનસભાના અથવા એવી વિધાનસભા ધરાવતા સંઘ રાજયક્ષેત્રના કિસ્સામાં અધ્યક્ષ અને રાજયસભા અથવા રાજય વિધાન પરિષદના કિસ્સામાં અધ્યક્ષ;
(ર) ઉચ્ચત્તમ ન્યાયાલયના કિસ્સામાં, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ;
(3) ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ;
(4) સંવિધાનથી અથવા તે હેઠળ સ્થપાયેલા અથવા રચાયેલા બીજા સત્તામંડળોના કિસ્સામાં, રાષ્ટ્રપતિ અથવા રાજયપાલ;
(5) સંવિધાનની કલમ 239 હેઠળ નીમાયેલા વહીવટદાર;
(છ) "માહિતી" એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઇ-મેઇલ, અભિપ્રાયો, સૂચના, અખબારી-યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડલ્સ, કોઇ ઇલેકટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ કોઇ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઇ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઇપણ સ્વરૂપમાં કોઇપણ સામગ્રી,
(જ) "ઠરાવેલુ" એટલે સમુચિત સરકારે અથવા યથાસંગ, સક્ષમ સત્તામંડળે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલું;
(ઝ) "જાહેર સત્તામંડળ” એટલે-
(ક) સંવિધાનથી અથવા તે હેઠળ;
(ખ) સંસદે કરેલા કોઇ બીજા કાયદાથી;
(ગ) રાજય વિધાનમંડળે કરેલા કોઇ બીજા કાયદાથી;
(ઘ) સમુચિત સરકારે બહાર પાડેલા કોઇ જાહેરનામાથી અથવા કરેલા કોઇ હુકમથી, સ્થાપેલ અથવા રચાયેલ કોઇ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજયની સંસ્થા, અને તેમાં, સમુચિત સરકારે પૂરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે
(1) માલિકીના, નિયંત્રિત અથવા મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ;
(2) મોટા પાયે ધિરાણ મેળવતાં બિન-સરકારી સંગઠનનો, પણ સમાવેશ થાય છે.
(ટ) "રેકર્ડ" માં નીચેનાનો સમાવેશ થાય છેઃ-
(ક) કોઇ દસ્તાવેજ, હસ્તપ્રત અને ફાઇલ;
(ખ) કોઇ દસ્તાવેજની માઇક્રોફિલ્મ, માઇક્રોફીશ અથવા ફેસીમાઇલ નકલ;
(ગ) આવી માઇક્રોફિલ્મમાં સમાવિષ્ટ પ્રતિકૃતિ અથવા પ્રતિકૃતિઓની (મોટી કરેલી હોય કે ન હોય તો પણ) કોઇ નકલ; અને
(ઘ) કોમ્પ્યુટર અથવા બીજા કોઇ સાધનથી રજૂ કરેલી બીજી કોઇ સામગ્રી;
(ઠ) "માહિતીનો અધિકારુ" એટલે આ અધિનિયમ હેઠળ કોઇ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં-
(1) કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના;
(2) દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના;
(3) સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના;
(4) ડિસ્કેટ્યસ, ફલોપી, ટેપ, વિડિયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજી કોઇ ઇલેકટ્રોનિક પધ્ધતિ અથવા જયારે આવી માહિતી કોઇ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઇ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના; અધિકારનો સમાવેશ થાય છે,
(ડ) "રાજય માહિતી પંચ" એટલે કલમ 15ની પેટા-કલમ(1) હેઠળ રચાયેલું રાજય
માહિતી પંચ;
(ઢ) "રાજયના મુખ્ય માહિતી કમિશનર" અને "રાજય માહિતી કમિશનર" એટલે કલમ ૧૫ની પેટા-કલમ(3) હેઠળ નીમાયેલા રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનર;
(ત) "રાજયના જાહેર માહિતી અધિકારી" એટલે કલમ 5ની પેટા-કલમ(1) હેઠળ મુકરર કરેલ રાજયના જાહેર માહિતી અધિકારી અને તેમાં પેટા-કલમ (ર) હેઠળ એવા રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીનો પણ સમાવેશ થાય છે;
(થ) "ત્રાહિત પક્ષકારુ" એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઇ વ્યકિત અને તેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.
સ્ત્રોત: ગુજરાત માહિતી આયોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020