આઈડીએસએન દ્વારા સપ્ટેમ્બર 2013માં 'સહાયમાં સમાનતા'- માનવતાવાદી પ્રતિભાવમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ તરફ ધ્યાન આપવું' - એ શીર્ષક ધરાવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલનો સારાંશ 'ઉન્નતિ, જોધપુર'ના ચીફ ઑપરેટિંગ ઑફિસર સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા લખવામાં આવ્યો છે.
દલિતોના માનવ અધિકારોની હિમાયત કરવા માટે માર્ચ 2000માં આઈડીએસએનની સ્થાપના કરવામાં આવી હતી. આ અહેવાલ 'નેશનલ દલિત વૉચ' અને 'નેશનલ કૅમ્પેઇન ઓન દલિત હ્યુમન રાઇટ્સ' દ્વારા 2012માં તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2007થી 2010 દરમ્યાન ભારતભરમાં આવેલાં પૂર વખતે, આપવામાં આવેલા તાત્કાલિક પ્રતિસાદ અંગે થયેલા અભ્યાસોની સમીક્ષા પર આ અહેવાલ આધારિત છે. માનવતાવાદી સહાયમાં જ્ઞાતિ આધારિત ભેદભાવની અસર, તથા આપત્તિ નિવારણના કાર્યક્રમોમાં હજી પણ આ સમસ્યા શા માટે યથાવત્ છે તે અંગેની સંક્ષિપ્ત રૂપરેખા આ અહેવાલમાં દર્શાવવામાં આવી છે. આ અહેવાલ માનવતાવાદી સહાય માટેના આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રત્યેની વર્તમાન પ્રતિબદ્ધતાઓની ચકાસણી કરે છે. ઉપરાંત, આ અહેવાલમાં દલિત સમુદાયોને મદદ પૂરી પાડવા અને જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે અસરકારક નીવડેલા પ્રયત્નોનાં નોંધપાત્ર ઉદાહરણો આપવામાં આવ્યાં છે. અહેવાલમાં નિશ્ચિત ભલામણો પણ કરવામાં આવી છે.
જ્ઞાતિ આધારિત ભેદભાવ દક્ષિણ એશિયામાં બહોળો વ્યાપ ધરાવે છે તથા વિશ્વભરમાં તેનું અસ્તિત્વ છે, એટલું જ નહીં વિશ્વભરના 26 કરોડ લોકો તેની અસરો ભોગવી રહ્યા છે. જ્ઞાતિ આધારિત ભેદભાવને કારણે અસમાનતા કેટલી વિકસી છે તે સેંકડો હોનારતો બાદની રાહત તથા પુનર્વસવાટની કામગીરીઓ દરમિયાન દલિતોને થયેલા અનુભવો પરથી જાણી શકાય છે. સીમાંત સામાજિક સ્થિતિ, અનિશ્ચિત અને વિષમ પરિસ્થિતિઓ તેમ જ સામાજિક રક્ષણનો સદંતર અભાવ જેવી વંચિતતાઓને કારણે આપત્તિની પરિસ્થિતિમાં વ્યવસ્થાતંત્ર દ્વારા બહિષ્કારની વિકટ સમસ્યા ઉદ્ભવી છે. હોનારતોમાં દલિત સમુદાયે વેઠવા પડતા નુકસાનની સદંતર ઉપેક્ષા કરવામાં આવે છે. તેમને હિંસાની વાસ્તવિક અને સ્પષ્ટ ધમકી આપીને સામાન્ય જળ સ્રોતો, આરોગ્ય સેવાઓ, ભોજન અને આશ્રય સ્થાનો જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. આના ઉપાયરૂપે તેઓ વ્યાજે નાણાં લેવાની મુસીબત વહોરી લે છે, અથવા આંતર રાજ્ય સ્થળાંતર કરવા પ્રેરાય છે, અથવા તો પછી આંતરિક વિસ્થાપનનો માર્ગ અપનાવે છે. મહિલાઓ, બાળકો, વૃદ્ધો તથા વિકલાંગ વ્યક્તિઓ વધુ ગંભીર જોખમો અને બહિષ્કારનો સામનો કરે છે.
માનવતાવાદી સહાય સાથે સંબંધિત નીતિઓ તથા કામગીરીઓમાં જ્ઞાતિલક્ષી પરિબળો અને સત્તાનાં માળખાંઓને નજરઅંદાજ કરવામાં આવે છે અને પૂર્વગ્રહ ઇરાદાપૂર્વકનો ન હોવા છતાં, કામગીરીમાં ભેદભાવભર્યાં ધોરણો જોવા મળે છે. સહાયમાં સમાનતાનો અભાવ પ્રવર્તે છે અને જ્ઞાતિ આધારિત બહિષ્કારને વેગ આપવામાં આવે છે. અસરગ્રસ્ત લોકો અંગેની છૂટીછવાઈ વિગતોની અપ્રાપ્યતા તેમ જ સમાનતાની દેખરેખ રાખવા સામેના પડકારો, જ્ઞાતિ આધારિત ભેદભાવ અંગેની માહિતી મેળવવા આડે અવરોધરૂપ બને છે. સૌથી વધુ વંચિત હોય તથા સીમાંત હોય તેવા લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચી રહી છે તે સુનિશ્ચિત કરવા માટે સમાનતા અંગેની દેખરેખ રાખવી જરૂરી છે. આકસ્મિક પ્રતિસાદ (ઇમર્જન્સી રિસ્પોન્સ) દરમિયાન અને ત્યાર બાદ સામાજિક સમાવેશકતા પર દેખરેખ રાખવામાં આવે, તો તેના કારણે સમસ્યાઓ નક્કી કરવા માટે જરૂરી પુરાવા તથા વિગતો મળી રહે છે અને ઉપાયો સૂચવી શકાય છે.
યુએન કમિટી ઓન રેશિયલ ડિસ્ક્રિમિનેશન (CERD), હ્યુગો ફ્રેમવર્ક ફોર ઍક્શન (HFA), સ્ફિયર હ્યુમેનિટેરિયન ચાર્ટર અને મિનિમમ સ્ટાન્ડર્ડ્ઝ ઇન ડિઝાસ્ટર રિસ્પોન્સ વગેરે જેવાં આંતરરાષ્ટ્રીય માળખાંઓ, તમામ માનવતાવાદી કામગીરી નિષ્પક્ષતા, તટસ્થતા, માનવતા, સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાનૂનના સિદ્ધાન્તો દ્વારા માર્ગદર્શિત થાય તેમ જ આ કામગીરીઓ હોનારતના અસરગ્રસ્ત લોકો માટે ઉત્તરદાયી રહે, તે માટે પ્રયત્નશીલ છે. માનવતાવાદી સહાયમાં જ્ઞાતિ આધારિત ભેદભાવનું નિરાકરણ લાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હોવાનાં ઉદાહરણો પણ મોજૂદ છે, જે સમાવેશકતાના ત્રણ માર્ગો દર્શાવે છેઃ લક્ષ્ય નિર્ધારિત કરવું, દલિત નેતૃત્વનું સશક્તિકરણ અને પારદર્શિતા. લક્ષ્ય નિર્ધારણમાં માનવતાવાદી કાર્યકર્તાઓ, સમુદાયમાં સૌથી વધુ વંચિતતા ધરાવનારી વ્યક્તિઓને શોધી શકાય તેવી પ્રક્રિયા દ્વારા દલિતો અને મહિલાઓને લક્ષ્ય બનાવે અને ત્યાર પછી એ લોકોને મદદ કરવા માટે સમુદાયના સભ્યોને સભાનપણે સાંકળે તે જરૂરી છે. સશક્તિકરણ દ્વારા સમાવેશકતા અને દલિત નેતૃત્વ તેમને પ્રોજેક્ટની આગેવાની લેવામાં, પ્રતિસાદ પ્રયાસોનું આયોજન કરવામાં અને તેમના અધિકારો માટે સરકારી સંસ્થાઓને ઉત્તરદાયી બનાવવામાં મદદ પૂરી પાડે છે. પારદર્શિતા દ્વારા સમાવેશકતા એ જ્ઞાતિ આધારિત ભેદભાવની વાસ્તવિકતાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે માહિતી એકત્રીકરણ, જરૂરિયાત આધારિત મૂલ્યાંકન તથા માહિતીના આદાન-પ્રદાન પ્રત્યે માનવતાવાદી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ પ્રતિબદ્ધ થાય તે બાબત પર ભાર મૂકે છે. પરોપકારનું ક્ષેત્ર, જ્ઞાતિ અને બહિષ્કારના પ્રશ્નો પર ધ્યાન આપે તે વધારે જરૂરી બની રહ્યું છે. તે માટે સ્ફિયર અને એચએપી જેવા માપદંડોના મજબૂત માર્ગદર્શનનો તથા આપત્તિ જોખમ નિવારણના ભાગરૂપે વંચિતતા પર ધ્યાન આપવાની સમાવેશક પ્રતિબદ્ધતાનો ટેકો મળી રહ્યો છે. આ પરિસ્થિતિ હકારાત્મકતા આશાવાદ જન્માવે છે.
આકસ્મિક પ્રતિસાદ અને ડીઆરઆર કાર્યક્રમોમાં માનવ અધિકારના દ્રષ્ટિકોણને સાંકળવામાં આવે તેવી ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે. જ્ઞાતિ આધારિત ભેદભાવ તથા બહિષ્કારની સમસ્યાને ઓળખવી એ પ્રથમ પગલું છે. દરમિયાનગીરીઓનાં ક્ષેત્રોના માનવતાવાદી કાર્યક્રમોમાં જ્ઞાતિ આધારિત ભેદભાવના જોખમને નિવારવા માટેનું સામાન્ય વલણ લાભદાયી રહેશે. માનવતાવાદી કાર્યકર્તાઓએ સીમાંત અને બહિષ્કૃત જૂથોને અસરકારક રીતે લક્ષ્ય બનાવવા માટે, સમાવેશક અને યોગ્ય આપત્તિ વ્યવસ્થાપન કાયદાઓ તથા નીતિઓના સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમલ તેમ જ વિકાસ માટે મદદ પૂરી પાડવી જોઈએ. આપત્તિ નિવારણ અને આકસ્મિક પ્રતિસાદોમાં, જ્ઞાતિ આધારિત ભેદભાવ પર ધ્યાન આપવા માટેની જરૂરિયાતોનો આધાર, આકસ્મિકતા દરમિયાન કાર્યકર્તાઓની હિમાયત, દેખરેખ અને ઉત્તરદાયિત્વની કામગીરી પર છે.
એજન્સીની નીતિઓમાં આ પગલાંઓ સ્થાપિત કરવાં જોઈએ તેમ જ સરકારી અને બિનસરકારી કાર્યકર્તાઓ દ્વારા અસરકારક અમલીકરણ માટે પૂરતાં સંસાધનોની ફાળવણી થવી જોઈએ. નિર્ણય લેવાની પ્રક્રિયામાં અને માનવતાવાદી કાર્યોમાં અસરગ્રસ્ત સમુદાયોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે તે સમુદાયોને સક્ષમ તથા સુદ્રઢ બનાવવાં જરૂરી છે. વંચિતતાની પરિસ્થિતિ પાછળનાં મૂળ કારણનું નિવારણ એ ચાવીરૂપ મુદ્દો હોવો જોઈએ, કારણ કે જ્યાં સુધી જ્ઞાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે નિર્ણાયક અને લાંબા ગાળાનું વલણ અપનાવવામાં નહીં આવે, ત્યાં સુધી દલિતો અને અન્ય વંચિત જૂથો સાથે થતો ભેદભાવ યથાવત્ રહેશે. ક્લાઇમેટ ચેન્જની અસર (જેના કારણે પર્યાવરણ સંબંધિત હોનારતો સજાર્વાથી દલિતો જેવાં વંચિત જૂથોની અનુકૂલનશીલ ક્ષમતા સામે પડકાર ઊભો થાય છે), ઝડપી અને બિનઆયોજિત શહેરીકરણ, વસતિ વધારો વગેરે જેવી સમસ્યાઓને કારણે સંસાધનોની તંગી સજાર્ય છે અને વર્તમાન વંચિતતાની સ્થિતિ વધુ વિકટ બને છે તેથી એ મુદ્દો પણ ધ્યાન પર લેવા જેવો છે.આકસ્મિક પ્રતિસાદ અને જોખમ નિવારણના કાર્યક્રમોમાં જ્ઞાતિ આધારિત ભેદભાવથી અસરગ્રસ્ત હોય તેવી વ્યક્તિઓના સમાવેશ અને સામાજિક ન્યાયની દેખરેખ કરવા માટે સામાજિક ન્યાય તપાસણી થાય તે જરૂરી છે, અને આવી તપાસ માટે સહભાગી પદ્ધતિઓ તથા સિદ્ધાન્તો પર આધારિત પદ્ધતિઓ તેમ જ સાધનો હોવાં જરૂરી છે. આ પદ્ધતિઓ તથા સાધનો અધિકૃત ફોર્મેટમાં સુગ્રથિત હોવાં જોઈએ અને માનવતાવાદી સહાયની તમામ દરમિયાનગીરીઓમાં તે ફરજિયાત હોવાં જોઈએ.
વંચિતતાનું માપન કરવા પાછળનો ઉદ્દેશ્ય સમુદાયોને તેમની નબળાઈઓથી વાકેફ કરીને તેમને સક્ષમ બનાવીને લવચિકતા તરફ વાળવાનો છે. વંચિતતા માપન માટેની પદ્ધતિઓ તથા સાધનો જ્ઞાતિ આધારિત ભેદભાવને કારણે સમુદાયોએ વેઠવી પડતી વંચિતતા નક્કી કરવા તથા તેના દસ્તાવેજીકરણને સક્ષમ બનાવતાં હોવાં જોઈએ. ઉપરાંત, આપત્તિ બાદના પુનઃસ્થાપન માટેના જરૂરી અધિકારો ન આપવા તથા રાહતમાંથી બાકાત રાખવાની રીતની ઓળખ અને દસ્તાવેજીકરણને શક્ય બનાવનારાં હોવાં જોઈએ. વંચિતતા માપન પદ્ધતિઓને આપત્તિ અગાઉ અમલમાં મૂકવામાં આવે, તો તે વધુ અસરકારક રહે છે. આ પદ્ધતિઓ વર્તમાન કાર્યક્રમોમાં રહેલી ઊણપોનું મૂલ્યાંકન કરવામાં અને તે ઊણપો દૂર કરવા માટેનાં પગલાં ભરવામાં પરોપકારી સંસ્થાઓને મદદરૂપ થવી જોઈએ. વંચિતતા માપન પદ્ધતિઓ તૈયાર કરવા માટેનાં ચાવીરૂપ પગલાં નીચે પ્રમાણે છેઃ
આ પદ્ધતિમાં ક્ષેત્ર-વાસ્તવિકતાઓ પર આધારિત ફેરફારો માટેનો અવકાશ હોવો જોઈએ અને તેનાં તારણોનો બહોળી હિમાયત માટે પ્રસાર થવો જોઈએ. દલિત સમુદાયો સાથે તેમની પહોંચના વિસ્તારોમાં બેઠકો થવી જોઈએ અને એકત્રિત તારણો તેમને જણાવવાં જોઈએ.
અવાર-નવાર હોનારતનો ભોગ બનતા પ્રદેશોમાં વંચિતતાના માપનની કામગીરી દ્વારા આપત્તિ અગાઉની સ્થિતિમાં એકઠી કરવામાં આવેલી માહિતી સાથે, આગામી તબક્કો હોનારત સજાર્ય તે સમયે સમાવેશકતા પર દેખરેખ અંગેનો હોય છે. સમાવેશકતા પર દેખરેખની કામગીરી બે કક્ષાએ કામ કરવા માટે સજ્જ હોવી જોઈએ. પ્રથમ, આ સમાવેશકતા, માનવતાવાદી હિસ્સાધારકો વિવિધ વ્યવસ્થાને લગતા તથા અન્ય કારણોસર પ્રતિભાવો ન પહોંચતા હોય તેવા વિસ્તારોમાં તેમના પ્રતિભાવોની સહાય દલિત રહેવાસીઓ સુધી પહોંચાડી શકે તે માટે દલિતોની વંચિતતાઓ અંગેનું જ્ઞાન પૂરું પાડતી હોવી જોઈએ. બીજું, જ્યારે સરકારી અને માનવતાવાદી સહાય અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ચૂકી હોય, ત્યારે સમાવેશકતાની આ કામગીરી થકી માનવતાવાદી હિતધારકો, દલિતોને રાહત-સેવા વાસ્તવમાં મળી હોવાની હકીકતનું મૂલ્યાંકન કરવા સક્ષમ બનવા જોઈએ. આમ કરવાથી માનવતાવાદી હિતધારકોના પ્રતિસાદમાં વધારો થશે અને દલિતો-પીડિતોને તેમના અધિકારોનું રક્ષણ કરવામાં સહાય પૂરી પાડવા માટે અને વિવિધ સ્તરે તેમની હિમાયત કરવા માટે માહિતી એકત્રિત કરવામાં મદદ મળી રહેશે. સમાવેશકતા પર દેખરેખ માટેની પદ્ધતિઓની રૂપરેખા તૈયાર કરવા અંગેનાં ચાવીરૂપ પગલાં નીચે પ્રમાણે છેઃ
નીચે જણાવેલાં પગલાં માનવતાવાદી હિતધારકોને એ સુનિશ્ચિત કરાવશે કે તેમના આપત્તિ રાહત અને આપત્તિ જોખમ નિવારણ કાર્યક્રમોમાં દલિતોને સામેલ કરવામાં આવ્યા છેઃ
1. માનવતાવાદી કાર્યકર્તાઓએ હોનારતની સ્થિતિમાં દલિત પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો મારફત વંચિત-દલિત સમુદાયો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે સ્થાનિક સમુદાય આધારિત જૂથને સુસજ્જતાની પ્રવૃત્તિઓ અને પ્રતિસાદ આયોજનોમાં ઔપચારિક રીતે સાંકળવામાં આવે તે જરૂરી છે.
2. માનવતાવાદી કાર્યકર્તાઓએ સ્થાનિક વસતિમાં વિવિધતાને પ્રતિબિંબિત કરવા માટે આકસ્મિક પ્રતિસાદ (ઇમર્જન્સી રિસ્પોન્સ) કાર્ય બળ (વર્ક ફોર્સ)ને પ્રાદેશિક અને સ્થાનિક એમ બે સ્તરે વિભિન્નીકૃત કરવું જોઈએ. આપત્તિના સમયમાં પ્રતિસાદ માટે ફક્ત વિશિષ્ટ આકસ્મિક સ્ટાફ પર આધાર રાખવાને બદલે વર્તમાન સામાજિક સેવા પૂરી પાડનાર (સર્વિસ પ્રોવાઇડર્સ)ને સાંકળી શકાય. રાહત કાર્યક્રમોમાં બહિષ્કૃત સમુદાયોના સભ્યોની સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા લઘુતમ દૈનિક વેતન સાથે પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને અમુક સંખ્યાના દિવસોની રોજગારી નિશ્ચિત કરવા માટે કેશ ફોર વર્ક જેવા કાર્યક્રમો ચલાવવામાં અથવા તો નાના વ્યવસાયો સ્થાપવામાં સીમાંત બહિષ્કૃત-સમુદાયોને લક્ષિત સહાય પૂરી પાડી શકાય. કેશ ફોર વર્ક કાર્યક્રમો પુનઃનિર્માણની કામગીરીમાં સહાય પૂરી પાડી શકે છે.
3. પાણી અને સ્વચ્છતાનો અધિકાર એ આરોગ્યનો અધિકાર, રહેઠાણનો અધિકાર અને પૂરતા ખોરાકના અધિકાર સહિતના અન્ય માનવ અધિકારો સાથે સંબંધિત છે. આ રીતે, તે માનવ અસ્તિત્વ માટેની જરૂરી બાંયધરીઓનો ભાગ છે. હોનારતોના અસરગ્રસ્તોની, માંદગી અને મોતનો શિકાર બનવાની શક્યતા ઘણી વધારે હોય છે. આ પરિસ્થિતિ મહદ્અંશે અપૂરતી સ્વચ્છતા, પાણીનો અપૂરતો પુરવઠો અને સ્વચ્છતાની જાળવણીના અભાવ સાથે સંબંધિત હોય છે. તેથી, પાણી, સ્વચ્છતા અને આરોગ્ય (વૉટર, સેનિટેશન એન્ડ હૅલ્થ - વૉશ)ના સંદર્ભમાં દલિતોની જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. દાક્તરી સહાય, પીવાનું પાણી તથા ખોરાક અંગેની રાહત માર્ગદર્શિકાઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને દલિતો તથા સામાજિક બહિષ્કૃત લોકોને વંચિત જૂથો તરીકે સામેલ કરવામાં આવ્યાં છે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. બહિષ્કૃત સમુદાયોને વૉશ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં નીચે પ્રમાણેનાં હોઈ શકે છેઃ
ક. નિર્વાસિતોની પાણીની માગની જરૂરિયાત જાણવી તથા શુદ્ધિકરણ તથા ટ્રિટમેન્ટની પ્રક્રિયા લાગુ કરવી.
ખ. દલિત-પુરુષો અને મહિલાઓ સરળતાથી પાણી મેળવી શકે તેવા વિસ્તારોના આયોજન તથા વ્યવસ્થાપનમાં દલિત સ્ત્રી-પુરુષોનાં સહભાગિતા અને પ્રતિનિધિત્વને પ્રોત્સાહન પૂરું પાડવું. આ સેવાઓ મેળવવા માટે તેમણે વેઠવા પડતા સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક અવરોધોનું નિવારણ લાવવું પણ જરૂરી છે.
ગ. દલિત સમુદાયના સભ્યોની પહોંચ સરળ હોય તેવા વિસ્તારોમાં જળ સ્રોતો સ્થાપવા.
ઘ. દલિત સમુદાયોનાં નિર્વાસન કેન્દ્રો અને પુનઃવસવાટનાં કામચલાઉ સ્થળોએ વૉશની જરૂરિયાતો, દેખરેખની સ્થિતિ તથા પ્રગતિ અને વૉશ સંબંધિત પ્રશ્નો વિશે જાણકારી મેળવવામાં સહાય પૂરી પાડવી.
ચ. સ્વચ્છતા-વંચિતતા મૂલ્યાંકન હાથ ધરવા માટે ગ્રામ સ્તરે વૉશ ક્લસ્ટર (જૂથો)ની રચના કરવી અને સમયાંતરે વૉશ ક્લસ્ટરની મિટિંગનું આયોજન કરવું. આ મિટિંગમાં જરૂરિયાતો તથા ઊણપોની ચર્ચા કરવામાં આવે તથા તેનું નિવારણ કરવામાં આવે. આ ક્લસ્ટરમાં સમુદાયની જ મહિલાઓને પણ સામેલ કરવી જોઈએ.
છ. વૉશ કિટ્સ (આરોગ્ય, પાણી, ઘરની સ્વચ્છતા માટેની કિટ્સ)નું નિયમિતપણે વિતરણ કરવું.
જ. નિર્વાસનનાં સ્થળો અને પુનર્વસવાટનાં સ્થળોની પરિસ્થિતિ અંગેના અહેવાલો સંબંધિત સત્તા-તંત્ર અને વ્યાપક સમુદાય આધારિત સંસ્થાઓનેે નિયમિતપણે પહોંચાડવા.
ઝ. સમુદાયોમાં વૉશના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી.
ટ. અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે સુરક્ષાત્મક પગલા ભરવાં. જેમ કે, જાતિ (સામાજિક લિંગ) આધારિત હિંસા અને પજવણી અટકાવવા કે ઘટાડવા માટે, કૅમ્પમાં પાણી પીવાના કે ભરવાના સ્થળે તથા બાથરૂમ-શૌચાલયો વગેરે સ્થળોએ લાઈટની વ્યવસ્થા કરવી.
આ અહેવાલનો સારાંશ 'ઉન્નતિ, જોધપુર'ના ચીફ ઑપરેટિંગ ઑફિસર સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા લખવામાં આવ્યો છે.
સ્ત્રોત: વિચાર, ઉન્નતી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/12/2020