অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોજગાર ગેરંટી યોજના

પ્રસ્તાવના

આપણા દેશમાં ઘણા ખરા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અને તેમાંથી પણ ઘણા લોકોની પરિસ્થિતિ તો એટલી ખરાબ છે કે તેઓને જીવવા માટે બે ટંકનું પુરતુ ભોજન પણ મળતુ નથી. પરીણામે ભુખમરાને કારણે ઘણા લોકોના મરણ થયા છે. આવા પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સરકારે લોકોને કામ આપવાનો કાયદો અમલમાં મુકયો છે. આ કાયદામાં સરકારે દરેક કુટુંબને વર્ષમાં ૧૦૦ દિવસના રોજગારની બાહેંધરી આપી છે.

રાજુલા તાલુકામાં અમલ

રાજુલા તાલુકામાં આ યોજના ૧/૪/ર૦૦૮ થી અમલમાં છે. આ યોજના બહોળા લોકસમુદાય સુધી પહોંચે તે માટે ઉત્થાન સંસ્થાએ તેના કાર્ય વિસ્તારમાં ચાલતા એસ.એચ.જી. યુવક મંડળો, યુવતી મંડળો, ખેડૂતો, વોટરશેડ કમિટીઓ વગેરે સાથે રહીને વિડીયો શો, એફ.જી.ડી. ગ્રામસભા વગેરે કરીને લોક જાગૃતિ કરવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દાને લઈને ઝુંબેશ પણ કરવામાં આવી છે.

એસ.એચ.જી. ના બહેનોને પુરી સમજણ મેળવીને ગ્રામ પંચાયતોમાં જોબકાર્ડ માટેની રજૂઆતો પણ કરી છે. શરૂઆતમાં તો સરપંચોનું કહેવું હતું કે આવી કોઈ યોજના જ નથી. પટવાના સરપંચ લાખાભાઈનું કહેવુ હતુ કે, 'આવી કોઈ યોજના નથી.' જો ઉત્થાન સંસ્થાને ખબર હશે તો સંસ્થા જ કામ કરશે. કાર્ય વિસ્તારના બહેનોએ પોતપોતાની ગ્રામ પંચાયતોમાં સરપંચ મંત્રીઓને ઘણીવાર રજૂઆત કરી પણ એકપણ જોબકાર્ડ ગામમાં કાઢવાની પ્રક્રિયા થઈ નહી એટલે ખેરા ગામના બે એસ.એચ.જી. ના બહેનો એ ટી.ડી.ઓ. રાજુલાને મૌખિક તથા લેખિતમાં રજૂઆત કરી. એકમાત્ર કુંભારીયા ગામના સરપંચ જયસુખભાઈ એ સૌપ્રથમ જોબકાર્ડનું વિતરણ કુંભારીયા ગામમાં કર્યુ અને બહેનોને ચાર દિવસનું કામ આપ્યું. બહેનોની વારંવાર રજૂઆતને કારણે ટી.ડી.ઓ.–રાજુલાએ ઉત્થાન સંસ્થામાં સરપંચ મીટીંગમાં હાજર રહીને યોજના વિશેની માહિતી આપી તથા સરકારના દબાણને કારણે બધા ગામોમાં ગ્રામસભા કરાવી પણ આ ગ્રામસભામાં લોકોને જાણ ન કરતા બધી ગ્રામસભા નિષ્ફળ થઈ. આ યોજનામાં ગામના સરપંચો અને મંત્રીને સહેજ પણ રસ ન હતો પણ લોકજાગૃતિને કારણે હાલ બધા જ ગામોમાં જોબકાર્ડ નીકળવાની પ્રક્રિયા ચાલુ છે. તાલુકા પંચાયત રાજુલાના અધિકારીઓનું કહેવુ છે કે હાલ ૬૦૦૦ જેટલા જોબકાર્ડ ઈસ્યુ થઈ ગયા છે અને બીજાની પ્રક્રિયા સતત શરૂ જ છે. અત્યાર સુધીમાં ૮ ગામમાં આ યોજના મુજબ કામ થયા છે અને હાલ વિસળીયા, ખેરા, કુંભારીયા, દાતરડી, પીપાવાવ એમ પાંચ ગામમાં કામ ચાલુ છે.

બહેનોના અવિરત દબાણને કારણે જોબકાર્ડ નીકળવાનું ચાલુ તો થયુ પણ તેમાં મુશ્કેલી ઊભી થઈ. સરપંચોનું કહેવું હતું કે આ યોજના માત્ર બી.પી.એલ. લોકો માટે જ છે એટલે તેમના કાર્ડ જ નીકળશે ફરીથી બહેનોએ ટી.ડી.ઓ. રાજુલાને રજૂઆત કરી પછી જવાબ મળ્યો કે હાલ તુરંત બી.પી.એલ. લોકોના જોબકાર્ડ પહેલા કાઢીએ છીએ પછી બીજાના પણ કરીશું.

આ મુદ્દે વખતોવખત ઉત્થાન સંસ્થાના કાર્યકરોએ મંડળોની મીટીંગમાં બહેનોની જાગૃતિ વધે તે માટેના પ્રયાસો કર્યા છે. પ્રતિનિધિ બેઠકમાં પણ આ યોજનાની ચર્ચા થઈ છે. તથા દરેક સમયે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવ્યું.

ખેરા ગામમાં તો જોબકાર્ડ કાઢવાની ના જ પાડવામાં આવતી હતી એટલે એસ.એચ.જી. ના બહેનોએ વારંવાર રજૂઆત કરી જેથી મંત્રીએ ડરીને આગેવાન મંગુબેનનું જોબકાર્ડ તૈયાર કરી તેમના ઘરે આપી આવ્યા. જોબકાર્ડના ફોટોગ્રાફ માટે પણ મુશ્કેલીઓ આવી. કોઈ પંચાયત ફોટોગ્રાફ પાડતી ન હતી અને લોકોને ફોટો પડાવીને આપવા કહયુ હતુ. જેથી કુંભારીયા, ખેરા, ઝોલાપર, નિંગાળા, બારપટોળી, પટવા વગેરે ગામના બહેનોએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી ગ્રામ લેવલે પંચાયત પાસે અને પંચાયતના ખર્ચ કેમ્પ કરી ફોટોગ્રાફ પાડવામાં આવ્યા.

જે ગામોમાં કામ થયા અને જ્યાં ચાલુ છે તેવા ઠેકાણે પગારના પ્રશ્નો ઊભા થયા. સરકારના નિયમ મુજબ ચેકથી વેતન ચુકવવાનું હોવાથી મંત્રીઓએ ખાતા ખોલાવવા માટે જોબકાર્ડ દીઠ પ૦ રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યુ. તેમને વ્યવસ્થિત માર્ગદર્શન આપી જાતે જ બેંક ખાતા ખોલાવવા કહ્યું જેથી બહેનોએ જાતે જ બેંક ખાતા ખોલાવ્યા. અત્યારે હાલ જે કામ થાય છે તથા જે પહેલા થયા તે મુજબ કાયદા પ્રમાણે કોઈને વેતન ચુકવાતુ  નથી. એક માત્ર કુંભારીયા ગામમાં જ બહેનોને દીવસ દીઠ ૧૦૦ રૂપિયા ચુકવાયા છે. બાકીના ગામોમાં સરેરાશ ૪૦–પ૦ રૂપિયા વેતન મળે છે. તે માટે લોકોને માર્ગદર્શન આપ્યું કે કાયદા મુજબ ઓછામાં ઓછુ ૬૦ રૂપિયા તો વેતન મળે જ બાકી તમારા કામ પ્રમાણે વધારે પણ મળે. માનવઅધિકાર દિનની ઉજવણી સમયે પણ આ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું જેના કારણે ભેરાઈના લોકોએ માહિતીઅધિકાર કાયદા હેઠળ કામના એસ્ટિમેટ અને વેતન ચુકવણાની માહિતી માંગી છે. જવાબમાં મંત્રી અને તાલુકા પંચાયતના લોકોએ સમાધાન કરવાની તથા યોગ્ય વેતન ચુકવવાની વાત કરી છે. ખેરા ગામના યુવાનો પણ હાલ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવાના છે. યુવાનોના જણાવ્યા પ્રમાણે ખેરાના ઉપસરપંચ તથા અન્ય લોકો કામના માપ લખાવવા પ૦ રૂપિયા ઉઘરાવે છે. જેના કારણે કામના સ્થળે ઝગડો પણ થયો છે. ગામના શિક્ષક હાજરી પુરે છે. કામના સ્થળે જોડી બનાવીને કાર્ય થાય છે. જેથી લોકોને સરેરાશ વેતન ઓછુ મળે છે. જે માટે લોકોને જમીન પ્રમાણે ઘનમીટરના જે ભાવ સરકારે નકકી કર્યા છે તે જણાવ્યા છે. લોકોનું કહેવુ છે કે વેતન ચુકવાયા પછી અમે જો અન્યાય થશે તો માહિતી અધિકાર હેઠળ માહિતી માંગીશું. ઘણા લોકોનું કહેવુ છે કે અમે લેખિત તથા મૌખિકમાં પંચાયત પાસે કામ માંગ્યું છે પણ પંચાયતના લોકો કહે છે ઉપરથી કામ આવ્યાં નથી. ઘણા ખરા ગામમાં સરપંચો માથાભારે તથા મોટી વગ ધરાવતા હોવાથી લોકોને ધમકાવે છે. તથા લોકો પણ રજૂઆત કરતા ડરે છે. કામના વેતનમાં એકેય લોકોને ૧પ દિવસમાં વેતન મળતુ નથી. મહિના દિવસે વેતન ચુકવાયા છે. બધાને બેંક મારફત જ ચુકવાયા છે પણ વેતન ઓછુ પડતુ હોવાથી ફરીયાદ ઊભી થઈ છે લોકોનું કહેવુ છે કે આના કરતા તો બીજી દાડીમાં વધારે વેતન મળે છે.

તાલુકામાં એકેય ગામમાં ગ્રામસભા ભરીને કામ મંજુર થયા નથી. સરપંચને ગમે ત્યાં કામ કરાવાય છે. જે વિસ્તારમાં સરપંચને મેળ ન હોય ત્યાં કામ થતા નથી.

કામના સ્થળે કોઈ જાતના છાંયડા, પીવાના પાણી, બાળકો માટે પારણા, દવા વગેરે જેવી સુવિધા આપવામાં આવતી નથી.

સ્ત્રોત :રાજુલા કાર્ય વિસ્તાર, ઉત્થાન ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate