ભારત સરકાર શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર ,સામાજિક સુરક્ષા વગેરે મૂળભૂત સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ થાય તે માટે યોજના ઓ અને અમલીકરણનું તંત્ર બનાવે છે.પરંતુ આ કાર્યક્રમો લોકો સુધી સારી રીતે પહોંચતા નથી તેવી ફરિયાદ વારંવાર આવ્યા કરે છે. અગાઉ, અમલીકરણને મજબૂત કરવા માટે સરકાર દ્વારા પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ (પહેલ)- આખા દેશમાં એલ.પી.જી.ગેસ માટે ક્રિયાન્વિત છે. પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ માટે બેંક સાથે જોડાણ એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે જેને પ્રધાનમંત્રી જનધન કાર્યક્રમે વેગ આપ્યો છે. બેંક ખાતાનું જ્યારે 'આધારકાર્ડ' સાથે જોડાણ થશે ત્યારે સબસિડી કાર્યક્રમનું લીકેજ ખરેખર ઓછું થઈ શકશે. એકંદરે ડિજિટલાઈઝેશન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જાહેર કાર્યક્રમો લોકો સુધી પૂર્ણરૂપે લીકેજ વગર પહોંચી શકશે. બાયોમેટ્રિક ચકાસણીથી જાહેરવિતરણ યોજનાઓનું અમલીકરણ આ દિશામાં એક ઉદાહરણ છે.
બાયોમેટ્રિક ખરાઈ(ઑથેન્ટિકેશન)માં કેટલીક તાંત્રિક તકલીફ જણાય છે. ક્યારેક આંગળીઓની નિશાની, ઘર્ષણ અથવા અન્ય કોઈ કારણસર બદલાય છે, જેનાથી બાયોમેટ્રિક ખરાઈમાં તકલીફ થાય છે. વર્તમાનમાં આનો ડેટાબેઝ એટલો સક્ષમ નથી કે જેથી ઘરના બીજા સભ્યોના બાયોમેટ્રિક ડેટાએ માં સામેલ થઈ શકે અને આ તકલીફ દૂર થઈ શકે. જેમકે, વર્તમાનમાં ગુજરાતમાં એક કરોડથી વધારે લાભાર્થી પરિવારોની બાયોમેટ્રિક નોંધણી થઈ છે અને જો બધા જ પરિવારોમાં ત્રણ સભ્યોની નોંધણી થાય તો ડેટાબેઝ ત્રણ કરોડનો થઈ જાય.પરંતુ, બધા લાભાર્થી ઓનાં નામ'આધારકાર્ડ' સાથે જોડાઈ જાય તો આ સમસ્યા નિવારી શકાય.
શ્રીશાંતાકુમાર પેનલે ખાદ્યસુરક્ષા માટે પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ (પહેલ)ની ભલામણ કરી છે. આ સાથે સાથે અનાજની ખરીદી, સંગ્રહ અને વિતરણ માટે ખાનગી ક્ષેત્રના સમાવેશ હેતુ ભલામણ કરી છે. આ પેનલ, ખાદ્ય સુરક્ષાને 'યુનિવર્સલાઈઝ્ડ'(સાર્વત્રિક) કરવાના વિરોધમાં છે. પરંતુ, તે કેટલું સફળ રહેશે એ મુખ્ય સવાલ છે.
ડિજિટલાઈઝેશન, પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ(પહેલ), સાર્વત્રિક સેવાઓ અને લોકભાગીદારી જેવી પ્રક્રિયાઓ દ્વારા જાહેર કાર્યક્રમને મજબૂત કરી શકાય, ખાસ કરીને નાગરિક ભાગીદારીને અવગણી ન શકાય. નાગરિક સમુદાયોને કાર્યક્રમોના આયોજન, અમલીકરણ, દેખરેખ અને સામાજિક ઑડિટ કરવા માટે તૈયાર કરવાની જરૂર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવા માટે સમુદાયમાંથી 'શિક્ષાકર્મી'ઓને તૈયાર કરવામાં આવ્યા અને તેથી શિક્ષણનું સ્તર સુધર્યું. બીજું ઉદાહરણ, રોગી કલ્યાણ સમિતિના ગઠનનું છે, જેમાંઆ સમિતિ સ્વાસ્થ્ય કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે દેખરેખ રાખી રહી છે. એવી સમિતિઓ સમુદાયોની જરૂરિયાતને વહીવટીતંત્ર સુધી પહોંચાડી કાર્યક્રમનું અમલીકરણ મજબૂત કરે છે. ત્રીજો સારો અનુભવ મનરેગાનું સામાજિક ઑડિટ છે. સામાજિક ઑડિટથી કાર્યક્રમની ગુણવત્તા વધી છે અને લીકેજપણ ઓછું થયું છે. જ્યારે દેશ 'ડિજિટલઇન્ડિયા', 'પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ'(પહેલ),' પ્રધાનમંત્રી જનધન' જેવા કાર્યક્રમોની દિશામાં ગતિ કરી રહ્યો છે ત્યારે નાગરિક ભાગીદારી પણ આ પ્રક્રિયાનું એક મહત્ત્વનું પાસું છે. જાહેર કાર્યક્રમ જ્યારે આ બધા પાસાંઓને મજબૂત કરશે ત્યારે અમલીકરણ અસરકારક થવાની આશા રાખી શકાય.
સ્ત્રોત: ઉન્નતી સંસ્થા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020