વિશ્વ બેંક, ર૦૦૧ના અહેવાલ મુજબ ભારતમાં મહિલાઓની ભૂમિકા એક જટિલ સમસ્યા છે. મહિલા સશકિતકરણમાં ઘણી બધી બાબતોને સામેલ કરી શકાય જેમ કે ધંધાકીય તકો, સામાજિક સમાનતા અને વ્યકિતગત હકકો વગેરેમાં મહિલાઓ તેમના માનવ અધિકારોથી વંચિત રહે છે. તે પણ તેમની પરંપરાઓને આભારી છે. ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને એક સશકત અને આર્થિક નિયોજનના સાધન તરીકે જોવામાં આવતા નથી, તે ફકત ઘરકામ અને સસ્તી મજુરી પુરતા મર્યાદિત રહે છે. જયાં સુધી તેમને સારૂ કામ કરવાની અને આવક માટેની તકો ન મળે ત્યાં સુધી તેમનો અવાજ બંધ રહે છે. ગ્રામીણ ભારતમાં મહિલાઓના વિકાસ માટે આર્થિક આઝાદી બહુ અગત્યની છે.
વિશ્વ બેન્કે સામાજિક વિકાસ કાર્યક્રમોમાં મહિલા સશકિતકરણને ચાવીરૂપ માનવાનું સૂચન કર્યુ છે. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશોમાં સંપોષિત વિકાસની દ્રષ્ટિએ મહિલાઓ માટે શિક્ષણની ઉપયુકત ટેકનોલોજીની ખૂબજ જરૂરિયાત છે. વૈશ્વિક માહિતી ધ્વારા સમાજના વિકાસમાં સ્થાનાંતરીત જૂથો વિશેષ કરીને મહિલાઓના વિકાસ માટે માહિતી સંચાર ટેકનોલોજી (ICT) ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જયારે ICT જાતિય સમાનતા માટે એકલી કંઈ કરી શકે નહી પણ તે સામાજિક પરિવર્તનો લાવવામાં અને જૂથોને સુદ્ર્રઢ બનાવવા માટે તેની ભૂમિકા ખુબજ અગત્યની સાબીત થઈ શકે તેમ છે. ICT ના ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી એક કર્મચારી, મજુર, ઉદ્યોગ સાહસિક, વ્યવસ્થાપક અને નિતિ નિયામકના સ્વરૂપે જોવા મળી શકે તેમ છે.મહિલા–સશકિતકરણને લગતા કેટલાક ગ્રામીણ માહિતી સંચાર ટેકનોલોજી પ્રોજેકટોની ચર્ચા અહી કરવામાં આવેલ છે.
ઈ–કોમર્સ : સેવા, બનાસ ક્રાફટ અને કચ્છી વર્કને સેવા સંસ્થા તરફથી તેમની પ્રોડકટને વૈશ્ચિક સ્તરના માર્કેટમાં વેચવા માટેનો એક અનોખો પ્રોજેકટ છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં એમ્બ્રોડરી, ક્રેડીટ અને ડિઝાઈનનો અમલ કરવામાં આવે છે. બીજી સંસ્થાઓ સેવા સંસ્થા તરફથી પોતાની વેબસાઈટ અને પોતાનું યુનિક ઈ–મેલ આઈડી ધરાવે છે જેવી કે www.banascraft.org, www.kutchcraft.org www.sewamart.com દ્વારા ઓર્ગેનાઈઝ કરવા અને ગ્લોબલ કમ્યુનિકેશનને સરળ બનાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. બનાસ ક્રાફટ અને કચ્છીવર્ક હાલમાં ઈ–બિઝનેસમાં અને પોતાના પ્રોડકટને ગ્લોબલ વર્ચ્યુલ માર્કેટમાં વેચાણ કરવા માટે દાખલ થયેલ છે. સંસ્થાના વેચાણમાં વધારો વેબ પર જાહેરાત અને ટ્રાન્જેકશનના કારણે થયેલ છે. વેબ સાઈટને નિયમીત અપગ્રેટ કરવામાં આવે છે, જેથી ઈ–કોમર્સની બાબતોને પણ અપગ્રેટ કરી શકાય છે. આમ, મહિલાઓ ધ્વારા તૈયાર કરેલ ગૃહ કલાત્મક નમૂનાઓને ટેકનોલોજીના માધ્યમ ધ્વારા વૈશ્વિક બજાર મળી રહે છે અને તેઓ સશકિતકરણનો અહેસાસ લઈ શકે છે.
કુંજલ પાન્જે કચ્છ જીલ્લામાં: કચ્છ મહિલા વિકાસ સંગઠન સંચાલિત કુંજલ પાન્જે કચ્છ જીલ્લો એ કચ્છની મહિલાઓના જીવનનું મુખ્ય બિન્દુ બની ગયું છે. કુંજલ એ રાજકીય પ્રક્રીયાઓમાં ભાગ લેતી મહિલાઓ સાથે, મહિલાઓની લીડરશીપ અને સરકારી બાબતો, છોકરીના ભણવાના હક, મહિલા ભ્રૃણ હત્યા, દહેજ માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવો, અકુદરતી મોત અને સાસરીમાં મહિલાઓએ કરેલી આત્મહત્યા, મહિલાઓના છોકરાના જન્મ માટે કરવામાં આવતા દબાણ, માતૃત્વ ધારણ કરતી વખતે મહિલાઓનો મૃત્યુદર જેવા મુદ્દાઓ પર કામ કરે છે. ત્રણ મહિના પછીના બ્રોડકાસ્ટનો સર્વે રીપોર્ટ દર્શાવે છે કે પ્રોગ્રામ ૬% લોકોથી શરૂ કરી તેને ૧૦ મહિનામાં જ પ૦% લોકો સુધી પહોચાડેલ છે. કાયદાકીય અને પૉલિસીના કારણે કમ્યુનિટી રેડિયો સર્વિસને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. KMVS દર અઠવાડિયામાં માત્ર ૩૦ મિનિટનો રેડિયો પ્રોગ્રામ ઓલ ઈન્ડીયા રેડિયો દ્ધારા મેનેજ કરી શકે છે. હાલમાં KMVS કચ્છના પાંચ તાલુકાના ૧પ૦ ગામોમાં વિકાસના મુદ્દાવો જેવાકે હેન્ડીક્રાફટ, સ્વાસ્થ્ય, સાક્ષરતા, બચત અને ધિરાણ અને જૈવિક પ્રસ્થાપન પર કામ કરે છે.
વિડિયો સેવા, સેવા સંસ્થા દ્વારા કો–ઓપરેટીવ સભ્ય અને પૉલિસી મેકરને તાલીમ અને નવી ક્ષમતાઓ ભણાવવા અને માહિતી વહેંચવા માટે વિડિયો ટુલનો ઉપયોગ કરવામાં આવે છે. ૮૦ના દાયકા પછીથી સેવાએ મહિલા સશકિતકરણ માટે વિડીયોને સાધન તરીકે ઉપયોગમાં લીધું છે. કો–ઓપરેટીવ વિડિયો સેવા એ ઘણા બધા મુદ્દાઓ ઉપર વિડીયો રેકોડીંગ કરેલ છે. જેમાં ગરીબીમાં જીવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મહિલાઓ કે જે કો–ઓપરેટીવ સંસ્થાને ચલાવે છે અને જે ફિલ્મ બનાવે છે તે ત્યાં સુધી વિડિયો કેમેરામાં દર્શાવવામાં આવતી નથી કે જયાં સુધી સેવામાંથી તેની તાલીમ મળે નહી. સેવાની પ્રવૃતિઓમાં વિડિયોએ મહત્વનો ભાગ બની ગયો છે. સેવા સંસ્થા દ્વારા અન્ય એક પ્રોજેકટમાં ગામડાઓમાં જુદા–જુદા કમ્યુનીટી લંર્નીગ સેન્ટર (CLC) ઉભા કરવામાં આવેલ છે. અને તેમાં મહિલાઓને કમ્પ્યુટરની તાલીમ પૂરી પાડવામાં આવે છે. જેથી મહિલાઓ પણ સ્વમાનભેર ગ્રામીણ વિકાસમાં પોતાનો સહયોગ આપી શકે. સેવા સંસ્થાના આ પ્રયત્નથી તાલીમાર્થી મહિલાઓનો સ્વવિકાસ થયો છે મહિલાઓની કમ્પ્યુટર અંગેની જાણકારી વધી છે. તેઓ કમ્પ્યુટરથી પરિચિત થઈ છે અને પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શકી છે.
યુવા.કોમ, Yava.com : કર્ણાટક રાજયની આઈ.ટી પૉલીસીમાંનો આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં તાલીમની જુદી જુદી સંસ્થા જેવી કે એન.આઈ.આઈ.ટી, એપ્ટેક, એસ.એસ.આઈ વગેરે એ ગ્રામીણ ભણેલા યુવાન ભાઈ–બહેનોને તૈયાર કરવા માટે તાલીમ સેન્ટર કાર્યરત છે. આ પ્રકારનો પ્રોજેકટ ગુજરાત સરકાર દ્ધારા પણ સફળતાપૂર્વક ચલાવવામાં આવેલ તે હજુ પણ આઈ.ટી.આઈના માધ્યમ દ્ધારા મેડીકલ ટ્રાન્સ્ક્રીપ્શન, ડીટીપી,ટેલી વગેરે પ્રોગ્રામ દ્વારા અનેક યુવાનો એ રોજગારી તેમજ સ્વ–રોજગાર શરૂ કરેલ છે.
બૃડીકોટ જાગૃતિ રીસોર્સ સેન્ટર, માહિતી અંગેની જરૂરિયાતો અને તેના વાસ્તવિકતા સાથેના સંબંધને રજૂ કરતી માહિતીલક્ષી સેવાઓ જેવીકે ખેતી, શિક્ષણ, સમાચાર, આરોગ્યની માહિતી, સેલ્ફ હેલ્પ ગ્રૃપની માહિતી, કરની માહિતી, લોન અને વીમા સંબંધિત જાહેર નાણાંકીય માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.મોટાભાગની કમ્યુનિટીને લગતી માહિતીની સેવાઓ રજૂ કરે છે જેમાં કાર્ય પદ્ધતિના ખુલાસા, પ્લાન માટેના છાપેલા ફોર્મ અને ઉપયોગિતા અંગેની માહિતી સીમિત છે. ઉપભોકતાઓ લેવડ દેવડ અંગેની માહિતીની અછતની નોંધ લેતા નથી પણ સેન્ટર દ્વારા પૂરી પડાતી ઈ–ગવર્નન્સ સેવાઓમાં ફોર્મ અને સ્થાનિક સરકારને ફરિયાદો રજૂ કરવાની તક પુરી પાડે છે. અહી મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૃપમાં લઘુ ધિરાણની તમામ માહિતી, હિસાબો તથા તેઓની સામેલગીરીની વિશેષ માંગની નોંધ અવશ્ય લેવામાં આવી છે.
ICT ની મદદથી મહિલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તાર સાથે સામાજિક, આર્થિક કાર્ય માટે ગમે ત્યારે સંપર્ક સાધી શકશે, થોડા સમયમાં વધુ લોકો સુધી પહોચવામાં જુદા જુદા ક્ષેત્રે ICT મહિલાઓને ખૂબજ મદદરૂપ થશે. પંચાયતો દ્રારા સત્તાનું વિકેન્દ્રીકરણની વ્યવસ્થા માટે સ્થાનીક વહીવટને વધુ પારદર્શક બનાવવા અને બધાજ માટે ઉપલબ્ધ થાય તેથી કમ્પ્યુટરાઈઝેશન, માહિતી કિયોસ્કનું ઘટન તથા નેટવર્કીંગ વગેરેને અમલમાં મુકાયા છે તેમાં મહિલાઓની સામેલગીરી સૂચક છે. ગુજરાતના ગામડાઓમાં ડેરી ઉદ્યોગમાં ICTના અમલીકરણથી ગ્રામિણ મહીલાઓમાં ટેકનોલોજી પ્રત્યેનો વિશ્વાસ અને સમજ વધી છે. જે તેમને અન્ય કાર્યોમાં ટેકનોલોજીનો વધુમાં છધુ ઉપયોગ કરી શકાય તેવી સુઝ વધારી છે જેના ફળ સ્વરૂપ મોબાઈલ ફોન, ડીટીએચ સેવાનો બહોળો ફેલાવો ગ્રામિણ નેટવર્કમાં પ્રસરી રહયો છે. ઈન્ટરનેટના માધ્યમ ધ્વારા ઘણી બધી મહિલાઓએ વિશ્વ પોર્ટલ ઉપર માહિતીનો વિનિમય કરીને ICTની અગત્યતા અનુભવી છે. કમ્પ્યુટર નેટવર્કીગ આ હેતુ સિધ્ધ કરવા માટે નો એક ઉત્તમ સ્વરૂપ છે.જયારે ICTને મિડિયા સાથે જોડવામાં આવે છે ત્યારે તે મહિલાઓ માટે ઘણી મદદરૂપ બની જાય છે. કારણ કે જે માહિતી તેમને મુશ્કેલીથી પણ ઉપલબ્ધ નહી હતી તે તેમને જોઈતા સ્વરૂપમાં અને જોઈતી જગ્યાએથી મળી જાય છે. તેના દ્વારા તે પોતાના આરોગ્યલક્ષી શિક્ષણ અને સંસાધનોના ઉપયોગમાં સંતુલન જાળવી શકવાનું શકય બન્યું છે. ટેકનોલોજી દ્વારા જ મહિલાઓ માટે તેની અનુકુળતા પ્રમાણે કામગીરીની તકો પણ ઉભી થઈ છે. ગામડાની જે મહિલાઓ શહેરની તલુનામાં ICTના ઉપયોગ અંગે જાગૃત નથી તેના માટે સરકારે વિશેષ યોજનાઓ શરૂ કરી છે જેમ કે કમ્યુનિટી ઈન્ફોર્મેશન સેન્ટર ૮હયહ૯ ની તાલુકા સ્તરે સ્થાપના જેની મુખ્ય અપેક્ષાઓ એવી છે કે મહિલાઓને ગૃહઉદ્યોગો અને નાના પાયાના ગ્રામ ઉદ્યોગને સારી રીતે સંચાલીત કરવામાં મદદ મળી શકે.
માહિતી સંચાર ટેકનોલોજીનું વાતાવરણ અને તેની લગતી આવડતોનો વિકાસ ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને માહિતી સંચાર ટેકનોલોજીને નવા દ્દષ્ટિકોણથી જોવું અને શીખવું તેની સ્પષ્ટતા કરતા સંશોધન જણાવે છે કે કમ્યુનિટી રિસોર્સ/ઈર્ન્ફોમેશન સેન્ટરમાં આ સેવાનો લાભ લેવા આવતા ગ્રામજનોને કમ્પ્યુટર પરિચય માટે વિડીયો ગેમ્સ, ધંધા રોજગાર કે સશકિતકરણને લગતી ફિલ્મ ડોકયુમેન્ટરી અને ઈન્ટરનેટનો ઉપયોગ કરાવી માહિતી સંચાર ટેકનોલોજીના ઉપયોગમાં બાધારૂપ એવી તમામ મુશ્કેલીઓને દુર કરવી જોઈએ. ગ્રામીણ સમાજ અને મહિલાઓ રૂઢિચુસ્ત વિચારસરણીમાંથી બહાર આવી અને યોગ્ય કેળવણી અને તાલીમ દ્વારા પોતાનો સ્વવિકાસ કરવો જોઈએ. જો આ સમસ્યાઓનાં નિરાકરણ માટે થોડા વધુ પ્રયાસો હાથ ધરવામાં આવે તો ICT ક્ષેત્રે નવજાગૃતિનાં દર્શનનુ સ્વપ્ન સાકાર થશે.
ડૉ. સતિષ પટેલ મદદનીશ પ્રાઘ્યા૫ક, ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયનકેન્દ્,ગૂજરાત વિદ્યાપીઠ,રાંઘેજા ગાંધીનગર ૩૮૨૬૨૦
વેબસાઈટ : ડૉ. સતિષ પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/6/2020