રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો રદ થયા બાદ સામાન્ય લોકોના મનમાં કરવેરાને લગતા સંખ્યાબંધ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે ‘નવગુજરાત સમય’ના વાચકો માટે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ICAI-અમદાવાદ બ્રાન્ચના ચેરમેને કેટલાક મહત્વના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે.
પ્રશ્ન: હું રૂ 10 લાખ મારી હોમલોનના ખાતામાં જમા કરાવી શકું? 1 મકાન ખરીદવા માટે બે મહિના પહેલાં મેં મારા ખાતામાંથી રૂ.૬ લાખ ઉપાડ્યા હતા. પરંતુ ત્યારબાદ મારી માંગ મુજબની હોમ લોન મંજૂર થઇ ગઇ હતી. હવે હું તે નાણાં કઇ રીતે મારા ખાતામાં ફરી જમા કરાવી શકું?
ઉત્તર: તમારા હાથમાં જે રકમ છે તે તમે કોઈ ચિંતા વગર પૂરેપૂરી રકમ એક સાથે તમારા ખાતામાં જમા કરાવી શકો. આવકવેરા ખાતામાંથી કોઈ પૂછપરછ થાય તો તમે આ હકીકત તેમને જણાવી શકો. જે સિલક તમે ખાતામાંથી ઉપાડી હોય અથવા બીજા કોઈ માન્ય સ્ત્રોત દ્વારા કોઇપણ આવક હોય તે પણ તમે વિના સંકોચે જમા કરાવી શકો છો.
પ્રશ્ન: શું હું રૂ.૧૦ લાખ મારી હોમલોનના ખાતામાં જમા કરાવી શકું?
ઉત્તર: ૧૦ લાખ ક્યાંથી આવ્યા તેનો સ્ત્રોત તમે યોગ્ય રીતે પૂરવાર કરી શકો તો ચોક્કસપણે તે ભરી શકો. જો તે કરપાત્ર આવક હોય તો તેના પર સ્લેબ મુજબનો ટેક્સ ભરવો પડશે.
પ્રશ્ન: હું એક ખાનગી કંપનીમાં ૧૪ વર્ષથી નોકરી કરું છું. કંપનીના માલિક મારા અને મારા કુટુંબીજનોના ખાતાંમાં લગભગ રૂ.૬ લાખ જમા કરાવવા કહે છે. હું શું કરી શકું?
ઉત્તર: કોઇપણ બીજા માણસના નાણાં મહેરબાની કરીને પોતાના ખાતામાં જમા કરાવવા જોઇએ નહીં. એમ કરીને તમે બીજાને કરચોરી કરવામાં મદદ કરો છો અને તે બદલ તમારી સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. રૂ.૨.૫૦ લાખ સુધી જમા થાય તો કોઈ પરેશાની નહીં થાય તેવું પ્રાવધાન કેન્દ્ર સરકારે કર્યું જ છે પરંતુ કેવા પ્રકારના ખાતામાં કેટલી રકમ જમા થઇ રહી છે તેના પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. તેથી આ પ્રકારે પોતાના ખાતામાં અન્યના નાણાં જમા કરાવવા જોઇએ નહીં.
પ્રશ્ન : આવકવેરા વિભાગ ૮ નવેમ્બર અગાઉનું કોઇ ચેકિંગ કરશે?
ઉત્તર: આવકવેરા વિભાગ સંપૂર્ણ નાણાંકીય વર્ષના કોઇપણ નાણાંકીય વ્યવહારની ચકાસણી કરવાની સત્તા ધરાવે છે. રાબેતા મુજબ, સ્ક્રૂટિની સિલેક્શનના જે ધારાધોરણ છે એ પ્રમાણે નાણાંકીય વર્ષ દરમિયાનનો કોઇ પણ કેસ સ્ક્રૂટિનીમાં આવી શકે છે અને તપાસ થઇ શકે છે.
પ્રશ્ન ૩૦ ડિસેમ્બર બાદ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ ઘરમાંથી મળે તો તેનું શું કરવું?
ઉત્તર: ૩૦ ડિસેમ્બર બાદ પણ તમારી માન્ય રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ તમે પૂરી માહિતી આપીને ૩૧ માર્ચ સુધીમાં રિઝર્વ બેન્કમાંથી બદલી શકશો. આ માટે રિઝર્વ બેન્ક ૧૯ કાઉન્ટરો ચાલુ કરશે એવી હાલની માહિતી છે.
પ્રશ્ન : મારા પગારના ખાતામાં 8 નવેમ્બર અગાઉ જ રૂ.1.50 લાખ જમા હતા અને મારી માતાના ખાતાંમાં પણ રૂ.1.50 લાખ જમા છે. તો નવી કેટલી બચત જમા કરાવી શકાય?
ઉત્તર: જો માતાનું રિટર્ન ભરવામાં આવતું હોય અને તેમની આવક કરપાત્ર હોય તો જે રકમ ભરવામાં આવે તેમાં સ્ક્રુટિની આવે તો ખુલાસો આપવો પડે. જો તેઓ રિટર્ન ના ભરતા હોય અને ગૃહિણી હોય તો કોઇ તકલીફ થશે નહીં. તમે જે રકમ ભરવા માંગો છો તે તમારા ઉપાડ મુજબ વાજબી હોય તો ભરવામાં કોઇ વાંધો નથી પરંતુ તે રૂ.2.50 લાખથી નીચે હોય તે ઇચ્છનીય છે
પ્રશ્ન : હું પોસ્ટ ઓફિસ, બેન્ક અને સહકારી બેન્કમાં ખાતાં ધરાવું છું. મારી પાસે રૂ.10 લાખની બચત છે. મારે આ રકમ કઇ રીતે જમા કરાવવી જોઇએ?
ઉત્તર: સૌપ્રથમ તો તમારી વાર્ષિક આવક કેટલી છે તે ધ્યાનમાં લેવી જોઇએ અને જો તમે નિયમિત રિટર્ન ભરતા હોવ અને આ રકમનો ખુલાસો માંગવામાં આવે તો તમારે યોગ્ય જવાબ આપવો પડે. પાન નંબરના આધારે તમારા તમામ ખાતાંની માહિતી સરકારને મળે છે. જે ખાતાંમાં તમે પાન નંબર નથી આપ્યો તે ખાતામાં રકમ જમા કરાવો તો સરકારને તરત જ માહિતી મળશે નહીં, પરંતુ તેમાં ભવિષ્યનું જોખમ રહેલું છે અને આવા ખાતામાં એક સામટી રૂ.50,000થી વધુની રકમ જમા કરાવશો તો પાન નંબર આપવો ફરજિયાત છે.
પ્રશ્ન મારા પિતા રિટાયર્ડ શિક્ષક છે, બે વર્ષ અગાઉ તેમના ખાતામાં નિવૃત્તિ લાભ પેટે રૂ.15 લાખ જેટલી રકમ જમા થઇ હતી. તેઓ બે વર્ષથી રિટર્ન ફાઇલ કરતા નથી તો હવે 30 ડિસેમ્બર સુધી તેમના ખાતાંમાં કેટલા નાણાં ભરી શકાય
ઉત્તર : નિવૃત્તિ વખતે મળેલા રૂ.15 લાખનું તેમણે કોઇ પ્રકારનું રોકાણ કર્યું હશે અને તેના ઉપરાંત તેઓ પેન્શન મેળવે છે તેથી તેમણે રિટર્ન નિયમિત ભરવું જોઇએ. તેઓ રિટર્ન નથી ભરતા તેથી તેમના ખાતામાં 2.50 લાખથી ઓછી રકમ જમા કરાવવી હિતાવહ રહેશે.
પ્રશ્ન : મારી ઉંમર 70 વર્ષ છે અને પેન્શન મેળવું છું. મેં ટુકડે ટુકડે બચત કરીને રૂ.8 લાખ એકઠાં કર્યા છે, મારા પર કેવા પ્રકારની કરવેરાની અસરો લાગશે?
ઉત્તર સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ આટલી મોટી રકમ ઘરે રાખે નહીં. જો તમે એક જ ખાતામાં તે રકમ જમા કરાવો તો આવકવેરાની તપાસ આવી શકે. તમારા ખાતાના નિયમિત ઉપાડ અને ઘરખર્ચ સહિતની બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. નિવૃત્ત લોકો પણ રૂ.2.50 લાખ સુધીની રકમ ખાતામાં જમા કરાવે તો વડાપ્રધાનની જાહેરાત મુજબ તપાસ થવાની શક્યતા નથી.
પ્રશ્ન : દીકરીના લગ્નમાં ચાંદલાની રૂ.4 લાખની રકમ આવી છે ઉપરાંત અમારી બચત પણ છે, તો તે રકમ જમા કરાવવા અંગે માર્ગદર્શન આપશો.
ઉત્તર: દીકરીના લગ્નમાં રૂ.4 લાખ ચાંદલા પેટે આવ્યા હોય અને તે રકમ તમે જમા કરાવો છો તો ચાંદલા પેટે કોના દ્વારા કેટલો ચાંદલો આવ્યો તે યાદી બનાવવી જોઇએ. તેની સામે લગ્નમાં ખર્ચ કેટલો થયો તે પ્રશ્ન પણ પૂછાઇ શકે. જો તમે રિટર્ન ભરતા હોય તો કેટલી રકમનું રિટર્ન ભરો છો તે માહિતી જરૂરી છે. દિકરીના ખાતાંમાં પણ અમુક રકમ જમા કરાવી શકાય. તમે અને તમારા દિકરીના ખાતામાં આ રકમ સરખી રકમના ભાગમાં પણ જમા કરાવી શકાય. તમારી બચતના કદ અંગે સ્પષ્ટતા જરૂરી છે.
પ્રશ્ન: સરકારે અગાઉ કહ્યું હતું કે રૂ.2.50 લાખ સુધીની રકમ જમા કરાવવા સુધી કોઇ પૂછપરછ નહીં થાય પરંતુ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. તો શું કરવું જોઇએ?
ઉત્તર: રૂ.2.50 લાખ સુધી કોઇ પૂછપરછ નહીં થાય તેવું નોટિફિકેશન હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. સ્ક્રુટિની નાની રકમના કિસ્સામાં સાધારણ રીતે આવતી નથી. જે લોકો રૂ.2.50 લાખથી ઓછી રકમ જમા કરાવે છે તેમણે રિટર્નમાં દર્શાવવાની આવશ્યકતા નથી. જો તેનાથી વધુ રકમ જમા કરાવવામાં આવશે તો તેમાં કોઇ કરવેરાના સ્લેબ મુજબ નહીં, પરંતુ 30 ટકા ફ્લેટ ટેક્સ ભરવાનો રહેશે.
પ્રશ્ન: પ્રોપર્ટી પેટે જૂની નોટો સ્વીકારી હોય તો ટેક્સની કેવી અસર આવશે? છેલ્લાં બે-ત્રણ દિવસથી વિવિધ બેન્કો પોતાના નાણાં ડિપોઝિટ કરવા આવતા લોકોને એવો જવાબ આપે છે કે પોતાની હોમ બ્રાન્ચમાં જ નાણાં જમા કરાવી શકાશે. બેન્કો કયા કાયદા કે નોટિફિકેશનના આધારે આ પ્રકારનો જવાબ આપીને સામાન્ય ગ્રાહકોને પરેશાન કરી રહી છે
ઉત્તર: બેન્કોની આ પ્રકારની વર્તણૂંક યોગ્ય નથી અને તેવું કોઇ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી. બેન્ક કર્મચારીઓ પર કામનું ભારણ વધી ગયું છે તે હકીકત છે પરંતુ તેઓ પોતાનું ભારણ ઘટાડવા માટે ગ્રાહકોને પોતાની હોમ બ્રાન્ચમાં જવાની ફરજ પાડી શકે નહીં. આ પ્રકારની ફરિયાદો માટે બ્રાન્ચ મેનેજરને રજૂઆત કરવી જોઇએ. બેન્ક સ્ટાફે માનવતા દાખવીને પોતાના ગ્રાહકોને હોમ બ્રાન્ચ સિવાયની અન્ય બ્રાન્ચમાં પણ નાણાં જમા કરાવવાની મદદ કરવી જોઇએ.
પ્રશ્ન : હું એક નિવૃત્ત બિઝનેસમેન છું. મારા જીવન દરમિયાન બચાવેલી રકમ હું ડિપોઝિટ કરાવું તો તે મારી રૂ.3 લાખની એક્ઝમ્પશન લિમિટને કઇ રીતે અસર કરશે?
ઉત્તર: જો તમે રૂ.2.50 લાખ સુધીની રકમ જમા કરાવશો તો કોઇ ચિંતાની આવશ્યકતા નથી. તેનાથી વધુ રકમ હોય અને જો સ્ક્રુટિનીમાં તમારો કેસ આવે તો તમારે બચત અંગે ખુલાસો આપવાનો રહેશે. જો તમે આ રકમ ચોપડે જમા બતાવો અને બચત તરીકે ગણાવો તો રૂ.3 લાખથી વધુ જે રકમ થાય તેને પણ રિટર્નમાં બતાવીને 10 ટકા ટેક્સ ભરી દેવો જોઇએ.
પ્રશ્ન એક પાર્ટીએ મારા ખાતાંમાથી 19 તારીખે રૂ.21,000 ઉપાડ્યા છે. હવે હું રૂ.24,000 ઉપાડવા માંગું છું તો કઇ તારીખે ઉપાડી શકું?
ઉત્તર: સરકારે કરેલા આદેશ મુજબ, અઠવાડિક રૂ.24,000 ઉપાડવાની મર્યાદા છે. હવે 26 ડિસેમ્બર પછી ગમે ત્યારે તમે ઉપાડવા ઇચ્છતા રૂ.24,000 ઉપાડી શકશો. સરકારે હવે સામાન્ય લોકોને છૂટછાટ જાહેર કરવી જોઇએ અને તે માટે રોકડની સપ્લાય વધારવાની આવશ્યકતા છે.
પ્રશ્ન : જો અમે પ્રોપર્ટીના સોદા પેટે અગાઉ રૂ.500 અને રૂ.1,000ની જૂની નોટો સ્વીકારી હોય તો કયા પ્રકારની ટેક્સ અસર આવશે?
ઉત્તર: રૂ.500 અને રૂ.1,000ની નોટો સ્વીકારી તે જો કાળું નાણું (જો તે રકમ દસ્તાવેજમાં દર્શાવવાની ના હોય) હોય તો તમારે તે રકમ બેન્કમાં જમા કરાવીને તેના પર 15 ડિસેમ્બર પહેલાં 30 ટકા ફ્લેટ દરે એડવાન્સ ટેક્સ ભરી દેવો જોઇએ. જો તમે તે રકમ દસ્તાવેજમાં દર્શાવીને સંપૂર્ણ પારદર્શક સોદો હોય તો તમારા આવકવેરા પત્રકમાં તે રકમ બતાવવી જોઇએ અને તેના પર લાગુ થતો 30 ટકા ટેક્સ ભરવો પડશે.
પ્રશ્ન : કોઈ એક વ્યક્તિ પાસે તારીખ 08/11/2016ના રોજ ચોપડે હાથ ઉપર રોકડ 2.50 લાખથી વધારેની રકમની છે સદરહુ વ્યક્તિ તે રકમ જુદા જુદા દિવસોએ 50 હજારથી નીચે ટુકડે ટુકડે (In Piecemeal) તેના બેન્ક ખાતામાં ભરવા માંગે છે તો તેવી રીતે ભરી શકાય/ કે એકી સાથે જ ભરવી પડે?
ઉત્તર: કદાચ એવું કહીએ કે બેન્કના કર્મચારીઓ દ્વારા ઊભો કરાયેલો પ્રશ્ન છે બેન્કના કર્મચારીઓ જાણે આવકવેરા વિભાગના એસેસિંગ અધિકારી હોય તે પ્રકારે આવકવેરા ખાતા તરફથી ખાતાધારકોને એવું સમજાવી રહ્યાછે કે તમારી પાસે 08/11/2016ના રોજ ચોપડે રકમ હતી, તો તેને તમે એકસાથે કેમ ના ભરી/ તેવું આવકવેરા અધિકારી તમોને સવાલ કરશે/ તમારી બધી જ રકમ જયારે પણ પ્રથમ દિવસે ભરી ત્યારે ભરી દેવાની જરૂર હતી. પછીથી ભરેલી રકમ [જૂની 500-1000] ની નોટો તમોને 08/11/2016 પછી પ્રાપ્ત થયેલી છે. કદાચ, બેન્કના કર્મચારીઓને એકના એક ખાતા માટે વારંવાર નોંધણી કરવી ના પડે અને કામનો બોજો ઉઠાવવો ના પડે માટે આવી વાત વહેતી કરેલ છે. પરંતુ, વ્યક્તિ તેની પાસેની વેલિડ હાથ ઉપર રોકડ રકમ તેની મરજી મુજબ ગમે તેટલી વાર ભરી શકે છે. 50,000/- રૂપિયા થી ઓછી રકમ ભરશે તો (AIR) એન્યુઅલ ઇન્ફર્મેશન સીસ્ટમના ડાયરામાં નહિ આવે. જો એકી સાથે રકમ ભરશે તો AIR ની માહિતીના આધારે ઈન્કવાયરી અથવા સ્ક્રુટીનીમાં કેસ આવી શકે છે કારણકે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર નથી કે વ્યક્તિએ બેંકમાં કરેલ ડિપોઝિટ (explained) સમજાવી શકાય તેમ છે કે (unexplained) ન સમજાવી શકાય તેમ છે સદરહુ ડિપોઝીટનો સ્તોત્ર તો કરદાતાનો ઈન્કવાયરી નો જવાબ આવે ત્યારે જ ખબર પડી શકે.
પ્રશ્ન : પતિ-પત્નીનું જોઇન્ટ એકાઉન્ટ હોય તો ટેક્સ ફ્રી કેટલી રકમ જમા કરાવી શકાય?
ઉત્તર: જોઇન્ટ એકાઉન્ટ સગવડ માટે હોય છે. સામાન્યત: માલિકી પ્રથમ હોલ્ડરની જ ગણાય છે. તેથી રૂ.2.50 લાખથી વધુ રકમ જમા કરાવવામાં આવે તો ઇન્ક્વાયરી કે સ્ક્રુટિનીને આમંત્રણ મળી શકે છે. મોટાભાગના ખાતાં જોઇન્ટ એકાઉન્ટ જ હોય છે અને બધાના પાન નંબર પણ હોય જ છે, પરંતુ માલિકી ફક્ત એક વ્યક્તિની જ ગણાય. તેથી રૂ.2.50 લાખથી વધુ રકમ ભરવી હિતાવહ ગણાય નહીં.
પ્રશ્ન : મારી ઉંમર 17 વર્ષ છે. હું બેન્ક એકાઉન્ટ કે પાન કાર્ડ ધરાવતો નથી. મારી પાસે રૂ.1 લાખની બચત છે. હું તે કઇ રીતે જમા કરાવી શકું/ શું તે રકમ મારા પિતાની આવકમાં ગણાશે?
ઉત્તર: કલમ 64 (1એ) મુજબ, માઇનોરની પર્સનલ સ્કિલ સિવાયની આવક તેના માતા કે પિતા બેમાંથી જેની વધારે આવક હોય તેમાં ઉમેરવામાં આવે છે.
પ્રશ્ન : શું દાનની રકમ 9-11 પછી તરત જ એક વખતમાં ભરી દેવી પડે?
ઉત્તર: સામાન્ય રીતે તમારી એટલે ટ્રસ્ટની પૂરાંત એટલે હાથ પર રોકડ જે 9 નવેમ્બરે હોય તે બધી જ એક સામટી ભરી દેવી પડે. કારણ કે તમે 9 નવેમ્બર પછી 12 નવેમ્બર બાકીની એમ ટુકડા પાડીને રોકડ બેંકમાં ભરાવો તો સરકાર પ્રશ્ન કરી શકે કે 9 નવેમ્બરે રોકડ ભરાવી પછી 12 નવેમ્બરે ફરી ભરાવી તે રકમ તમે 9 નવેમ્બર તારીખ પછી રદ થયેલી ચલણી નોટમાં કેમ સ્વીકારી / પરંતુ તમે એમ જણાવો કે અમારી પાસે રોકડ 9 નવેમ્બર તારીખે જ હતી, પરંતુ એક સામટી રોકડ સલામતીની દૃષ્ટિએ બેંકમાં લઇ જવી ન હતી માટે બાકીની રોકડ 12 નવેમ્બરે ભરાવી તેમ કહો તો રોકડ હપ્તે હપ્તે પણ ભરાવી શકાય.
પ્રશ્ન : ભંડારોની રકમ કેટલી ભરાવી શકાય?
ઉત્તર: ટ્રસ્ટ બે પ્રકારના હોય છે. જે રિલિજિયન ટ્રસ્ટ છે તેના ભંડારોમાંથી નીકળતી ગમે તેટલી રકમ બેંકમાં ડિપોઝિટ કરાવી શકો છો. પરંતુ પ્રશ્ન એ થાય કે ગયા વર્ષે રૂ.2 લાખ ભંડાર હતો, અને આ વર્ષે રૂ.1.5 કરોડની રકમ ભંડારમાં જમા થઇ. આમ થાય તો સરકાર તમને નોટિસ કાઢીને પ્રશ્ન પુછી શકે છે. બીજું ભંડારમાં સામાન્ય રીતે પરચૂરણ, નાની નોટો વગેરે નીકળતી હોય, તેને બદલે તમે ભંડારની રકમ રૂ.1.5 કરોડની રકમ રૂ.1000, રૂ.500ના રૂપમાં જમા કરાવો તે શંકાસ્પદ લાગે.
પ્રશ્ન : મારી પુત્રી ૧૩ વર્ષની છે. તે પાન નંબર ધરાવે છે. તે આર્ટિસ્ટ છે અને પેપરમાંથી જ્વેલરી બનાવે છે તથા તેના ક્લાસ પણ ચલાવે છે. તે મે મહિનાથી આવક મેળવે છે. તો તેનું રિટર્ન કઇ રીતે ભરી શકાય/ તેના ખાતાંમાં રૂ.9,૦૦૦ અને રૂ.49,000 જમા કરાવ્યા છે, તો કઇ રીતે ગણતરી થશે/ શું આ નાણાં ગાર્ડિયનની આવકમાં ગણાય
ઉત્તર: આવકવેરા કાયદાની કલમ 64 મુજબ, જો માઇનોર કોઇ સ્કિલ ધરાવતા હોય અને તેમાંથી આવક મેળવતા હોય, તો તે આવક તેમની પોતાની ગણાય છે. તેઓ પોતાનું પાન કાર્ડ ધરાવતા હોવાથી આ વર્ષે રિટર્ન ફાઇલ કરી શકશે. તમારી દીકરીની આવક માતા-પિતાની આવકમાં ઉમેરાશે નહીં અને તેઓ વ્યક્તિગત રીતે રૂ. 2.50 લાખ સુધીની ટેક્સ ફ્રી આવક મેળવી શકે છે.
પ્રશ્ન : હું વરિષ્ઠ નાગરિક છું. હું રૂ. 4 લાખ પેન્શનની આવક મેળવું છું અને તે સીધા બેન્કના ખાતાંમાં જમા થાય છે. મારી પોતાની બચતના રોકડ રૂ.2 લાખ મારી પાસે છે, જે મારી બચત છે પરંતુ તેના કોઇ ચોપડા નથી. હું તે રકમ કઇ રીતે જમા કરાવી શકું?
ઉત્તર: જો તમે પૂરવાર કરી શકો કે આ નાણાં તમારી બચતના છે અને તમે અગાઉ કરેલા ઉપાડ અને બીજી તરફ, તમારા ખર્ચની રકમની યાદી બનાવવી જોઇએ. જો આવકવેરા ખાતા દ્વારા કોઇ પ્રકારની પૂછપરછ થાય તો તેવી સ્થિતિમાં તમારે આ યાદીના આધારે આ નાણાં તમારી બચતના છે તે પૂરવાર કરવાનું રહેશે.
પ્રશ્ન : હું ખેડૂત છું. મે મારી વારસાઇની ખેતીની જમીનનું વેચાણ કર્યું છે, જેના મેં રૂ.15 લાખ મેળવ્યા છે. તે મારા સત્તાવાર નાણાં છે તો હું બેન્કમાં જમા કરાવી શકું/ મારી ખેતી સિવાય બીજી કોઇ આવક નથી અને આવકવેરા રિટર્ન પણ ભરતો નથી. તો આ રૂ.15 લાખ પર ટેક્સ લાગશે ખરો?
ઉત્તર: તમારી ખેતીની જમીન હતી કે જેના દ્વારા તમે ખેતીની આવક મેળવતા હતા તે ખેતીની જમીન પર તમે જે કોઇ મૂલ્ય મેળવ્યું હોય (રોકડ કે ચેક દ્વારા)તે તમે તમારા બેન્ક ખાતાંમાં ભરી શકો છો અને તેના પર તમને કોઇ પ્રકારનો ટેક્સ નહીં લાગે. તમારે આ વેચાણના દસ્તાવેજમાં આ આવકનો ઉલ્લેખ સ્પષ્ટપણે હોવો જોઇએ અને એ જ રકમ તમારે બેન્કમાં જમા કરાવવાની રહેશે.
પ્રશ્ન : હું એક ખેડૂત છું અને સાથોસાથ એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું, જેની વાર્ષિક આવક રૂ.3 લાખ છે. આ વર્ષે અમારી વારસાઇની ખેતીની જમીનનું વેચાણ કર્યું છે અને તેના ભાગરૂપે મને રૂ.5 લાખની રોકડ આવક થઇ છે, તો તેના પર ટેક્સ લાગશે
ઉત્તર: શિક્ષક તરીકે તમે પાન કાર્ડ ધરાવતા હશો અને રિટર્ન પણ ફાઇલ કરતા હશો તેવું માનું છું. ખેતીની જમીનના વેચાણથી થયેલી આવક તમારા માટે આવકમાં ટેક્સ સ્લેબ વધારનારી આવક ગણાશે. આ સ્લેબના બદલાવના કારણે ટેક્સની ગણતરી વધશે તે મુજબ તમારી ટેક્સ જવાબદારી વધશે, પરંતુ ખેતીની જમીનના વેચાણ બદલ થયેલી આવક પર કોઇ ટેક્સ નહીં લાગે. તમારે વેચાણ દસ્તાવેજમાં આ રોકડ રકમ બતાવવી જરૂરી છે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે અને આ વર્ષે જ મેં પાન નંબર લીધો છે. આ વર્ષે જ મારી આવક ચાલુ થઇ છે. ૧ એપ્રિલથી ૩૧ ઓક્ટોબર સુધીની મારી આવક રૂ.૪ લાખ છે. મારી ગયા વર્ષની બચત રૂ.૭૦,૦૦૦ છે, તો તેના પર ટેક્સ લાગશે?
ઉત્તર: ગયા વર્ષ સુધી તમે કોઇ પ્રકારની ટેક્સ જવાબદારી ધરાવતા નહોતા. જોકે, આ વર્ષે તમારી આવક ઓક્ટોબર સુધીના આંકડા જોતાં અત્યાર સુધી ૧૦ ટકાના સ્લેબમાં છે. તમે જો પૂરવાર કરી શકો કે રૂ.૭૦,૦૦૦ તમારી ગયા વર્ષની બચત છે, તો તમે નિશ્ચિંત થઇને તે રકમ તમારા ખાતામાં જમા કરાવી શકો છો.
પ્રશ્ન : 8 તારીખ પછી મેં મારા ખાતામાં 1.50 લાખ જમા કરાવ્યા છે. 30 ડિસેમ્બર પહેલાં એ જ નાણાં હું મારા પોસ્ટ ઓફિસના ખાતાંમાં ટ્રાન્સફર કરું તો તે ડબલ એન્ટ્રી ગણાય/ કયા પ્રકારે ટેક્સ લાગી શકે?
ઉત્તર:જો તમે તમારી આવકના સ્ત્રોતને જાહેર કરી શકો, તો તેને બીજી વખત જમા કરાવો તેનાથી કોઇ ફર્ક પડતો નથી. આ નાણાં એક જ વખત જમા કરાવ્યા ગણાશે. જો તમારા ચોપડે 8 નવેમ્બરના રોજ 1.50 લાખની રોકડ હોય તો તેને આવકમાં નહીં ગણાય અને જો તમે નિયમિત રિટર્ન ભરતા હશો અને આવકના સંદર્ભમાં આ રકમ યોગ્ય હશે તો તેના પર કર નહીં લાગે.
પ્રશ્ન : હું મારી દર મહિનાની બચતની ફિક્સ્ડ ડિપોઝિટ કરું છું. નોટ બંધી બાદ વ્યાજદર ઘટવાની અટકળો છે. તો મારે સારું વળતર મેળવવા માટે કયા કયા વિકલ્પો અપનાવવા જોઇએ?
ઉત્તર: નોટબંધી બાદ બેન્ક ડિપોઝિટના દર ઘટશે તેથી તેનું આકર્ષણ ઘટશે. આપની ઉંમર તથા જોખમ લેવાની તૈયારીને ધ્યાનમાં રાખતાં આપ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં અથવા સીધા જ શેરબજારમાં રોકાણ કરવાનો વિકલ્પ ચકાસી શકો. મ્યુચ્યુઅલ ફંડના ડેટ આધારિત લિક્વિડ ફંડમાં પણ નિશ્ચિત વળતર મળતું હોય છે અને તેમાં કોઇ જોખમ નથી.
પ્રશ્ન : મેં એક ફ્લેટ બુક કરાવ્યો છે, જેમાં 3 લાખ રોકડા ચૂકવ્યા છે અને હજુ 4 લાખ રોકડા ચૂકવવાના છે. બિલ્ડર ચેક દ્વારા તે રકમ સ્વીકારવાની ના પાડે છે. હું શું કરી શકું?
ઉત્તર: રિયલ એસ્ટેટમાં કઇ પણ પ્રકારનો સોદો કરો તેમાં રોકડ વ્યવહારથી બચવું જોઇએ. તમારા કિસ્સામાં આવકવેરા ધારાના નિયમ હેઠળ સલાહ આપવી મુશ્કેલ છે. આ બિલ્ડર સાથે આપની મુશ્કેલીની વિગતે ચર્ચા કરીને તેમને ચેક સ્વીકારવાનો આગ્રહ કરી શકો.
પ્રશ્ન : મેં એક સંબંધીને અગાઉ તબીબી સારવાર માટે 1.50 લાખ આપ્યા હતા. તેમણે મને તે નાણાં પરત આપ્યાં છે, તો હું તે નાણાં કઇ રીતે બેન્કમાં જમા કરાવી શકું, તેના પર કોઇ ટેક્સ લાગે?
ઉત્તર: તમે તે નાણાં બેન્કમાં નિશ્ચિંત થઇને જમા કરાવી શકો છો. જો તમે તમારા આવકવેરા રિટર્નમાં આ રકમના સંદર્ભે પૂરતી રકમ બતાવી હશે તો તેના પર કોઇ સમસ્યા નહીં ઉદ્ભવે. જો તમે જાહેર નહીં કરેલી રોકડ રકમ દ્વારા સહાય કરી હોય તો તમારે આ રકમનો સ્ત્રોત સાબિત કરવો પડશે.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/1/2020